લો બોલો! અમિત શાહની મુલાકાત પહેલા મલબાર હિલના રસ્તાનું રાતોરાત સમારકામ થયું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મલબાર હિલમાં આવેલા સાગર બંગલાની બહારના રસ્તાનું પાલિકાએ રાતોરાત સમારકામ કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાગર બંગલો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સત્તાવાર બંગલો છે.

મુંબઈમાં અનેક રસ્તાઓ પરના ખાડાઓ પૂરવાની ફુરસદ મુંબઈ મહાનગરપાલિકાને હજી મળી નથી. ગણેશ મંડળો પણ ફરિયાદ કરીને થાકી ગયાં છે ત્યારે અમિત શાહની મુંબઈની મુલાકાત પહેલાં સાગર બંગલાની બરોબર સામે આવેલા નારાયણ દાભોલકર રોડને પાલિકાએ રાતોરાત બિટુમેન કૉંક્રીટનો થર પાથરીને સુવાળો કરી નાખ્યો હતો. ત્યાર બાદ તેના પર થર્મોપ્લાસ્ટિક કલર પણ કરી નાંખ્યો હતો.

અમિત શાહે સોમવારે સવારના લાલબાગ ચા રાજાના દર્શન કર્યા હતા. બાદમાં મોડેથી બપોરના દેવેન્દ્ર ફડણવીસના બંગલામાં ગણપતિના દર્શન કરવા ગયા હોવાનું કહેવાય છે.

મલબાર હિલનો વીઆઈપી રોડ ગણાતા નારાયણ દાભોલકર રોડની હાલત ખરાબ છે અને રાતોરાત પાલિકાને સમારકામ કરવું પડે છે ત્યારે મુંબઈના બીજા રસ્તાની શું હાલત છે એ વિચારવાની વાત છે એવી ટીકા વિરોધ પક્ષે કરી હતી.

પાલિકાના ભૂતપૂર્વ નગરસેવક અને વિરોધપક્ષ નેતા રવિ રાજાએ કહ્યું હતું કે રસ્તાના પરના ખાડા પૂરવાની પાલિકાની તમામ ટેક્નિક નિષ્ફળ ગઈ છે. એટલે પાલિકાએ રાતોરાત નાયબ મુખ્ય પ્રધાનના ઘરની બહારના રસ્તાને સમથળ બનાવવો પડી રહ્યો છે.

પાલિકા પ્રશાસને જોકે કહ્યું હતું કે ગણપતિવિસર્જનને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પર રહેલા દરેક ખાડાઓને પૂરવાનું કામ ચાલી રહ્યું છે. તેથી ગણેશવિસર્જન દરમિયાન મંડળોને કોઈ તકલીફ થાય નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.