ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાયું છે. સમગ્ર ઉત્તર ભારત પર તેની ખરાબ અસર પડી છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીનું સ્તર ઘટી ગયું છે. જેની સ્પષ્ટ અસર ફ્લાઈટ્સ અને ટ્રેનોને થઈ છે. ઘણી નિર્ધારિત ફ્લાઇટ્સ અને ટ્રેનો સમય કરતાં પાછળ ચાલી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પંજાબ, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ વિભાગ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટ પર લગભગ 40 ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે. ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન અને દિલ્હી-ચંદીગઢ-કુલુ રૂટ પરની કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હોવાની જાણકારી મળી છે.
ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં લગભગ 36 ટ્રેનો મોડી ચાલી રહી છે. દરભંગા-નવી દિલ્હી ક્લોન સ્પેશિયલ, પુરીથી નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ, ભટિંડાથી ગોરખપુર એક્સપ્રેસ, ઈન્દોરથી નવી દિલ્હી એક્સપ્રેસ અને આઝમગઢથી દિલ્હી કૈફિયત એક્સપ્રેસ એવી કેટલીક ટ્રેનો છે જે એક કલાકથી વધુ મોડી ચાલી રહી છે.