બનાસકાંઠાના માલગઢમાં બનેલી ધર્મ ધર્માંતરણની ઘટનાના વિરોધમાં આજે ડીસામાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા બંધનું એલાન કરવમાં આવ્યું હતું. આ ઉપરાંત આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. રેલીને લઘુમતી સમાજના વિસ્તારમાં જતી અટકાવવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેરસભામાં રાજકીય આગેવાનો સહિત હિંદુ સંગઠનોએ લઘુમતી સમાજને ધર્માંતરણ પ્રવૃત્તિઓ બંધ કરવા કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને લઘુમતી સમાજના યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ધર્માંતરણની ઘટનાનો વિરોધ કરવા આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજો, વેપારી એસોસિયેશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. ડીસાના હીરાબજાર નજીક સુત્રોચાર કરી રહેલા લોકો સાથે પોલીસે લાઠી વરસાવી હતી. આ ઘર્ષણમાં એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે સુત્રોચાર કરી રહેલા લોકોની અટકાયત પણ કરી.
રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેરસભામાં ડીસાના વિધાનસભ્ય, માળી સમાજના અગ્રણીઓ તેમજ હિંદુ યુવા સંગઠનો સહિત આગેવાનોએ લઘુમતી સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ યુવતીઓને ફસાવવાનું કૃત્ય ન કરવા ચેતવણી આપી હતી.

Google search engine