ગુજરાતમાં રોજગારીની ખૂબ જ તકો હોવાનું વારંવાર ભાજપની સરકાર કહેતી રહે છે, પરંતુ હકીકત કંઈક અલગ હોવાનું નીતિ આયોગના અહેવાલમાં ખૂલ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર હલ્લા બોલ કર્યું હતું અને સ્કીલ ડેવલપમેન્ટના નાણાં સરકારે જાહેરાતોમાં વેડફી નાખ્યોનો આક્ષેપ પણ કર્યો હતો.
સમગ્ર દેશ અને ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે સ્કીલ ડેવલપમેન્ટ અને શ્રમવિકાસ રોજગાર વિભાગના કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યાં છે તેવો ભાજપ સરકારને પ્રશ્ન પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કર્યો હતો.
ગુજરાતમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં તાલીમ મેળવ્યાં બાદ પણ યુવાનોને રોજગાર મળતો નથી.
વર્ષ ૨૦૨૦માં ૩૫,૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર ૯૨ તાલીમાર્થીઓને રોજગાર મળ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં રાજ્યમાં ૧,૩૬,૮૦૦ બેઠકો હતી જેમાંથી ૮૧,૨૦૦ બેઠક ભરાઈ, ૪૦ ટકા થી વધુ બેઠકો ખાલી રહી હતી. આ ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૮.૭૮ ટકા જ છે. નીતિ આયોગના ઔદ્યોગીક તાલીમ સંસ્થા અંગેના અહેવાલે ભાજપ સરકારની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાની પોલ ખોલી નાખી છે. ગુજરાતની આઈ.ટી.આઈ.માં ઈન્સ્ટ્રક્ટર માટે કુલ ૧૦,૦૦૪ જગ્યા મંજુર કરવામાં આવી છે જેમાંથી ૪૦૦૦ થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બે કરોડ રોજગાર આપવાની વાતો કરતી ભાજપ સરકાર પાસે રોજગારના કોઈ આંકડા નથી. ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૦ પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથી. ગુજરાતની ૨૧૬ સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાંથી માત્ર ૪૯ સંસ્થાઓ ૨ થી વધુ ગ્રેડ અને માત્ર ૩૬ સંસ્થાઓ એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે. પ્રાઈવેટ ૧૫૬ આઈ.ટી.આઈ. માંથી માત્ર ૧૩ સંસ્થાઓએ ૨ થી વધુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ૭૬ આઈ.ટી.આઈ.એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે, તેવા આક્ષેપો તેમણે કર્યા હતા.