શ્રીનગરઃ પુલવામાં એટેકમાં સામેલ 19 આતંકવાદીમાંથી આઠને મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે આઠની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ પાકિસ્તાની સહિત ચાર હજુ પણ જીવતા છે, એમ પુલવામાં એટેકની ચોથી વરસી દરમિયાન જણાવ્યું હતું. લેથપોરા સ્મારક ખાતે પુલવામા હુમલામાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે એડીજીપી (એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) (કાશ્મીર) વિજય કુમારે કહ્યું હતું કે ત્રણ પાકિસ્તાન સહિત ચાર હજુ પણ જીવતા છે. આ હુમલાની જવાબદારી લેનારા જૈશ-ઐ-મહોમ્મદના તમામ ટોચના કમાન્ડરને નિષ્પ્રભાવ કરી નાખવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં જૈશના ફક્ત સાતથી આઠ સ્થાનિક અને મોસા સોલેમાનીના પાંચ-છ સક્રિય પાકિસ્તાની આંતકવાદી છે, પણ પોલીસ તેમને ટૂંક સમયમાં નિષ્ક્રિય કરશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે 41 લાખ રુપિયા વસૂલવામાં સફળ રહ્યા છીએ અને તાજેતરમાં બારામુલ્લામાં 26 લાખ રુપિયા વસૂલ્યા હતા.
તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની વિરુદ્ધ નોંધાયેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. જોકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં આવા કેસોની સંખ્યા 1,600 હતી જે ઘટીને 950 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 13 જણને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે હાલમાં 37 સ્થાનિક આતંકવાદી સક્રિય છે, જેમાં ફક્ત બે પૈકી ફારુક નલ્લી અને રિયાઝ છત્રી સામેલ છે, જે જૂના છે. જોકે, અન્ય લોકો હમણા સામેલ થયા છે. દરમિયાન સીઆરપીએફના એમ. એસ. ભાટિયાએ કહ્યું હતું કે હાલના તબક્કે પરિસ્થિતિમાં સુધારો થયો છે અને ભવિષ્યમાં આ પ્રકારના હુમલા ક્યારેય થશે નહીં. આ અગાઉ એનઆઈએના ભૂતપૂર્વ ડીજીએ કહ્યું હતું કે પુલવામા હુમલામાં પૂરી રીતે પાકિસ્તાનનો હાત હતો અને એ બધું તપાસમાં બહાર આવ્યું છે.