ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના જ ખરી શિવસેના: સંજય રાઉત
મુંબઈ: અમારો પક્ષ ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ રાખે છે અને અપેક્ષા રાખે છે કે સુપ્રીમ કોર્ટ જૂન, ૨૦૨૨ના રોજ મહારાષ્ટ્ર રાજકીય કટોકટી સાથે સંબંધિત કેસમાં યોગ્યતાના આધારે ચુકાદો આપશે, એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું. શિંદે શિવસેનાના એક જૂથનું નેતૃત્વ પણ કરે છે.
આ અંગે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનો પક્ષ વાસ્તવિક શિવસેના છે અને જ્યારે સુપ્રીમ કોર્ટ ૨૧મી ફેબ્રુઆરીએ કેસની સુનાવણી કરશે ત્યારે સત્યનો વિજય થશે.
અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ ૨૦૧૬ના નાબામ રેબિયાના ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે શિવસેનાના વિભાગ દ્વારા સર્જાયેલી જૂન, ૨૦૨૨ મહારાષ્ટ્રની રાજકીય કટોકટીથી સંબંધિત અરજીઓને સાત જજોની બેન્ચને મોકલવાનો ઈનકાર કર્યો હતો. ૨૦૧૬નો ચુકાદો અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવાની એસેમ્બલી સ્પીકર્સની સત્તાઓ સાથે સંબંધિત છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે કહ્યું હતું કે ૨૦૧૬ નાબામ રેબિયાના ચુકાદાને સંદર્ભની જરૂર છે કે નહીં એ ૨૧મી ફેબ્રુઆરીના રોજ કેસની યોગ્યતા સાથે ધ્યાનમાં લેવામાં આવશે.