‘અમારા પ્રામાણિક કામઢા નેતા’

વીક એન્ડ

મસ્ત રામની મસ્તી-મિલન ત્રિવેદી

‘અમારા પ્રામાણિક કામઢા નેતા’
‘કોઈ કામ નથી કરતા’ આ આમપ્રજાના રોજના બળાપા છે. જો તમે કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકરને પૂછશો તો એ એટલું જ કહેશે કે અમારા પક્ષમાં જોડાઈ જાવ પછી આમ નહિ બોલો (બોલી શકો). એકતામાં જ બળ છે. દરેક પક્ષ પોતાની સભ્યસંખ્યા અને ભક્તબળ વધારવાના સતત પ્રયત્નમાં રહેતો હોય છે. આ પાછળનું કારણ પૂછશો તો તરત જ જવાબ મળશે કે ‘અમારે દેશનું ભલું કરવું છે’. વિરોધ પક્ષના લોકોને એવું જ લાગતું હશે કે આ સરકારે તો દેશની હાલત બગાડી નાખી છે. જેવા અમે સત્તા પર આવીશું એટલે દેશનું ભલું થઈ જશે, જ્યારે સત્તાપક્ષને લાગતું હોય છે કે જો અમે સત્તા પર રહીશું તો અગામી પાંચ વર્ષમાં દેશનું ભલું કરીશું. કોઈ પણ નેતા કરે તો પણ શું કરે? એક વાર ચૂંટાઈ ગયા પછી પાંચ વર્ષમાં પંચાયત, કોર્પોરેશન, સહકારી ક્ષેત્ર, ધારાસભા, સંસદ કે પછી રાજ્યસભાની ચૂંટણી સતત ચાલુ જ હોય છે અને તેમનું મુખ્ય કામ દેશનું ભલું કરવું છે. એટલે તેમાં પણ દોડાદોડી કરવાની જ હોય એમાં દેશનું ભલું કરવાનો સમય ન રહે તો પછી આરોપ કેમ મૂકવો? આટલું કાર્ય કરતા નેતાઓને પાછું કોઈ પણ કાર્ય કરે તેનો વિરોધ તો સહન કરવાનો જ, કેમ કે વિરોધ પક્ષનું મુખ્ય કામ જ એ છે કે કોઈ પણ રીતે વિરોધ કરવાનો. કંઈ મુદ્દો ન મળે અને જો કોઈ ઝૂંપડાની મુલાકાત લીધી હોય અને જો હાથ જોડ્યા હોય તો કહે આભડછેટને લીધે ભેટ્યા નહીં અને જો ભેટી લીધું હોય તો એવા સમાચાર પણ આવે કે તરત જ નહાવા ગયા.
અત્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે. વરસાદ શરૂ થયો અને સતત એક અઠવાડિયા સુધી ચાલુ રહેતાં ઘણા વિસ્તારોમાં તારાજી સર્જાણી. વરસાદ કરતાં પણ વધારે ટીકાઓ વરસી. ‘તંત્ર કામ નથી કરતું’, ‘નેતાઓ વિસ્તારની મુલાકાત નથી લેતા’ વગેરે વગેરે… પરંતુ લોકોને આ નાની નાની વાત દેખાય છે, પણ દેશનું ભલું કરવા નીકળેલા આ તમામ પક્ષના નેતાઓના પ્રયત્નો કોઈને દેખાતા નથી! પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ખાસ પાટિયાવાળા હેલિકોપ્ટરમાં નેતાગણ ખબર પૂછવા નીકળેલા. કેટલાંય બિસ્કિટનાં પેકેટ અને પૂરીશાકનાં પડીકાં વહેતાં મૂક્યાં. છત પર બેઠેલા કેટલાક નાગરિકોને આંગળી ચીંધીને પોતાના પક્ષમાં સભ્યપદ આપવા ભલામણ કરી. આટઆટલું કરવા છતાં વિરોધ પક્ષો માત્ર ઠાલો વિરોધ કરવા માટે મીડિયા પાસે જઈને એમ કહે છે કે આ બધા દેખાડા છે. હેલિકોપ્ટરમાં માત્ર ચક્કર મારવા અને ફરવા નીકળ્યા હતા. અલ્યા ભાઈ, એમને ફરવા માટે શાહી વિમાન મળે છે અને ફરવા નીકળે તો વિદેશમાં ન જાય? શું કામ તમારા ગામમાં ચક્કર મારવા આવે? પણ વિરોધ કરવો એટલે કરવો.
થોડા દિવસો પહેલાં જ ચૂનિયાને મેં તેના વિસ્તારના ધારાસભ્યને બેફામ ભાંડતો જોયેલો. જાહેરમાં અનાપસનાપ આક્ષેપોનો મારો ચલાવતો જોયેલો. જો હું વચ્ચે ન પડ્યો હોત તો ઝઘડો ગમે તે કક્ષાએ પહોંચ્યો હોત! કારણ પૂછતાં ખબર પડી કે તેના વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ છે, પણ ધારાસભ્યશ્રી ચૂંટાણા પછી ક્યારેય દેખાણા નથી. ચૂનિયાનો ગુસ્સો વધવાનું કારણ સબળ હતું. તેના ઘરમાં ચૂવાક થતો હતો અને ધારાસભ્યએ બે થેલી સિમેંટ આપવાની ના કહી દીધી હતી. આજે અચાનક પરિસ્થિતિ જાણવા હું ચૂનિયાના ઘેર ગયો તો માણસોના ટોળા વચ્ચે ખુશખુશાલ થતો જોયો. હારતોરા ચાલતા હતા, કોઈનો જયઘોષ થતો હતો, અબીલગુલાલ ઊડતાં હતાં. સિક્યોરિટી ભેદીને માંડ ચૂનિયા સુધી પહોંચ્યો તો આશ્ર્ચર્ય વચ્ચે ચૂનિયો પેલા ધારાસભ્યનું સન્માન કરતો હતો. તેની જય બોલાવતો હતો અને જગતના સર્વશ્રેષ્ઠ નેતા તરીકે આ ધારાસભ્યને સાબિત કરવાની કોશિશ કરતો હતો! મેં બાવડું પકડી સાઇડમાં લીધો અને પૂછ્યું કે આ એ જ ધારાસભ્ય છેને જેને તું ગાળો આપતો હતો? આનો જ તું વિરોધ કરતો હતોને? ચુનિયાએ જવાબ આપ્યો, ‘હા, પણ ત્યારે તો એ સામા પક્ષમાં હતો’. મને એ ન સમજાણું કે આ દરેક પક્ષ પાસે ગંગાજળ રૂપી કોઈ તિલસ્મી ચીજ હશે કે જેનાથી વિરોધ પક્ષનો કોઈ સભ્ય પોતાના પક્ષમાં આવે તો અણિશુદ્ધ ચારિત્રવાન થઈ જતો હશે!!!
આ પૂરગ્રસ્ત વિસ્તારમાં કેટલીક સારી બાબતો પણ થઈ છે એ વાત કોઈ નહીં કરે! દાખલા તરીકે જે રોડ પર બાળકોએ ટ્રક, મોટર કે બસ ચાલતી જોઈ હોય એ જ રોડ પર હોડી નીકળી હોય. આજુબાજુ ૨૦૦ કિમી સુધી એરપોર્ટ ન હોય ત્યાં હવામાં હેલિકોપ્ટરનાં સતત ચક્કર જોયાં હોય. એક ૪૦૦ માણસોની વસ્તીવાળા ગામની ફરતે પાણીએ પોતાનું આધિપત્ય જમાવ્યું અને ગામ ટાપુમાં ફેરવાઈ ગયું. એ ગામમાંથી એ ૪૦૦ વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં સલામત સ્થળે પહોંચાડવા મિલિટરીએ સવારથી સાંજ સુધી ચક્કર લગાવ્યાં. સાંજે સરકારને પેટ્રોલનો હિસાબ દેતાં હેલિકોપ્ટરના ડ્રાઇવરે ૧૦૦ ચક્કર ગણાવ્યાં. અધિકારીએ આશ્ર્ચર્ય સાથે કહ્યું કે ‘હેલિકોપ્ટરની કેપેસિટી ૨૦ માણસોની છે તો ૨૦ જ ચક્કર થાય. બાકીનાં ૮૦ ચક્કરનો હિસાબ આપો’. એટલીસ્ટ આપણી મિલિટરી ઓનેસ્ટ રહી છે એટલે તેમણે જાતે તપાસ કરી બીજા દિવસે રિપોર્ટ સબમિટ કર્યો કે
એકપણ ફેરો માણસો વગરનો નથી થયો, પણ જાત તપાસ કરતાં જણાયું છે કે સલામત સ્થળે ઉતાર્યા બાદ અમુક માણસો ફરી હેલિકોપ્ટરમાં ફરવા માટે સલામત સ્થળેથી તરીને ગામમાં પાછા પહોંચી જતા હતા!!!
એક નેતા આવા પૂરગ્રસ્ત નીચાણવાળા ભાગમાં અટવાયા હતા એટલે ઉત્સાહી કાર્યકરોએ તેમને ખભે બેસાડી કોઈ મહામૂલી અસ્કયામત બચાવવા નીકળ્યા હોય તેમ એક ૧૦ માળના એપાર્ટમેન્ટ પર લઈ ગયા અને તેમાં રહેતા લોકોને વિનંતી કરી કે અમારા આ લોકલાડીલા નેતાને આજનો દિવસ અગાસીમાં સાચવી લો ત્યાં સુધીમાં પાણી ઓસરી જાય તો તેમના બંગલામાં પરત જતા રહેશે, પણ ફ્લેટધારકોએ વિરોધ કરતાં જણાવ્યું કે જરૂર પડે તો પાણી અગાસી સુધી મોકલી દો એ ચાલશે, પણ આવો હઠાગ્રહ ન કરો! આમ તો મોટા ભાગના ગ્રામવાસીઓનો એ પહેલો જ વિરોધ હતો કે આમને સલામત સ્થળે ન ખસેડાય! પણ આ ભોળી જનતાને કોણ સમજાવે કે આજે જેને તમે ડુબાડવા માગો છો તેને કાલ તમારે પણ ગળે લગાડવા પડશે.
આવી આપત્તિજનક પરિસ્થિતિમાં કોઈની પર ભરોસો રાખ્યા વગર જાત પર ભરોસો રાખી બીજાને બનતી મદદ કરવી એ જ સાચો માનવધર્મ છે, પણ આપણે અસરગ્રસ્ત વિસ્તાર કરતાં દેશની પ્રગતિ પર ધ્યાન આપતા નેતાઓમાં અટવાઈ ગયા છીએ, પણ કુદરત દયાળુ છે, એ જ કંઈક રસ્તો કાઢશે. નેતાઓની ખરીદારી ખૂબ વધી છે એટલે કરોડપતિની સંખ્યામાં વધારો થયો છે. જોયું, ગમે તેટલો વિરોધ હોય પણ ગુજરાત કેટલી પ્રગતિ કરી રહ્યું છે???
——————-
વિચારવાયુ
મારી બાજુવાળાં બ્યુટિફુલ ભાભી મારી બહુ સંભાળ રાખે છે. હું સ્કૂટરને સેલ્ફ મારવા જતો હતો ત્યાં જ ટહુક્યાં, ‘વરસાદ ચાલુ થઈ ગયો છે. શેરી-ગલીમાંથી થઈને જજો નહીં તો પલળી જશો.’
છેને બ્યુટી બ્રેઈન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.