ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
આર્થિક ગુનાના ભાગેડુઓ ભારત છોડીને વિદેશ ભાગી જાય છે ત્યારે પ્રત્યાર્પણના કાયદા હેઠળ એવી દલીલ કરે છે કે ભારતની જેલોમાં માનવઅધિકારનો ભંગ થતો હોવાથી એમનું પ્રત્યાર્પણ ભારત કરવામાં નહીં આવે. બ્રિટનની કોર્ટ સમક્ષ માલ્યાએ દલીલ કરી હતી કે ભારતની જેલોમાં કેદીઓના તમામ માનવઅધિકારોનું હનન થાય છે અને વિશ્ર્વની સૌથી જોખમી જેલો ભારતમાં છે. વિજય માલ્યાની વાતમાં તથ્ય હશે, પરંતુ એમના ગોરા વકીલને કદાચ ખ્યાલ નહીં હોય કે જીવતું નર્ક કોને કહેવાય એનો અનુભવ લેવો હોય તો કહેવાતા કેટલાક વિકસિત દેશોની જેલ પણ પાછી પડે એમ નથી.
આમ તો જેલ અમેરિકાની હોય કે ભારતની, સામાન્ય કેદીઓ માટે તો જેલમાં દરેકક્ષણ યાતનાદાયક જ હોય. બિહારના શાહબુદ્દીન જેવા ભારાડી કે મેક્સિકોના અબજોપતિ ગૅન્ગસ્ટરોને કેટલીક પરિસ્થિતિમાં જેલમાં પણ ઘર જેવું વાતાવરણ લાગે એ અલગ વાત છે. વિશ્ર્વની કેટલીક જેલો તો એવી છે કે જેલના સુરક્ષાકર્મચારીઓને પણ જેલમાં જતા ડર લાગે છે! એલ સેલ્વેડોર ખાતે આવેલી ‘સીયુડેડ બેરિઓસ’ જેલ આમાંની એક છે. એમ.એસ. ૧૩ અને બેરીઓ ૧૮ના નામથી કુખ્યાત બે ખતરનાક ગૅંગના કેદીઓ બાજુ બાજુની બેરેકમાં કેદ છે અને એમની વચ્ચે વારંવાર હિંસક અથડામણો થતી રહે છે જેને કારણે ઘણા નિર્દોષ કેદીઓ સહિત સુરક્ષાકર્મચારીઓ પણ માર્યા જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સત્તાવાળાઓએ ત્રાસીને જેલના સંચાલનની જવાબદારી આ ગૅંગના સભ્યોને જ આપી દેવી પડે છે!
આવી જ હાલત વેનેઝૂએલાની સબાનેહા જેલની છે. ગુનાખોરીની દૃષ્ટિએ વિશ્ર્વમાં અવ્વલ નંબરે આવતા વેનેઝૂએલાના કેદીઓ એટલા માથાભારે હોય છે કે અહીંની ૮૦ ટકા જેલોનું સંચાલન હથિયારધારી ગુનેગારો કરે છે. ૭૦૦ કેદીઓ માંડ રહી શકે એવી જેલમાં ૩૭૦૦ જેટલા કેદીઓ ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યા છે અને દર ૧૫૦ કેદીએ માંડ એક સુરક્ષાગાર્ડ હોય છે. માથાભારે કેદીઓ, નાના ગુનાના કેદીઓ પર ભારે અત્યાચાર કરે છે. શક્તિશાળી સહકેદીઓને સૂવાની જગ્યા કે ટોઈલેટ વાપરવા માટે પણ બાકીના કેદીઓએ હપ્તા આપવા પડે છે. જેલમાં વારંવાર હુલ્લડો ફાટી નીકળે છે, જેમાં સેંકડો કેદીઓ મરતા રહે છે. રેઇડ દરમ્યાન, જેલમાં કેદીઓ પાસેથી એ. કે. ૪૭ એસોલ્ટ રાઇફલ, હેન્ડગ્રેનેડ જેવા હથિયારો મળવા સામાન્ય વાત છે.
કેટલાક એમ માને છે કે સુધરેલા ગણાતા યુ.એસ.એ. જેવા દેશમાં તો કદાચ કેદીઓના અધિકારોનું પાલન થતું હશે, પરંતુ આ પણ એક ભ્રમણા છે. ન્યૂયોર્ક નજીક આવેલા રાઇકર્સ ટાપુ પર બનેલી જેલની ગણના વિશ્ર્વની એક સૌથી બદ્દતર જેલમાં થાય છે. આ જેલમાં સામાન્ય રીતે ટૂંકાગાળાની સજા પામેલા કેદીઓને રાખવામાં આવે છે. આમ છતાં અહીંની જેલમાં રહેતા કેદીઓ સતત ફફડતા રહે છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે અહીંના સુરક્ષાગાર્ડ કેદીઓ પર એટલા અત્યાચાર ગુજારે છે કે ગાર્ડ સામે વારંવાર કેસ થતા રહે છે. એક નાનકડી ભૂલ માટે સામાન્ય ગુનો કરેલા એક કેદીને એટલો મારવામાં આવ્યો કે એના ફેફસા ફાટી ગયા હતા. અત્યાચારને કારણે કેટલાક કેદીઓ આત્મહત્યાનો પ્રયત્ન કરે છે તો કેટલાક કેદીઓ જેલમાંથી નીકળ્યા પછી માનસિક રીતે પડી ભાંગે છે અને એમણે માનસિક રોગની હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે!
બૅંગકોક-પટાયાની ટૂર પર જનારા આપણા ગુજરાતીઓએ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. બૅંગકોકમાં જાણતા-અજાણતા કોઈ ગુનો કરવો નહીં, નહીં તો મર્યા જ સમજજો. બૅંગકોકની ‘બૅંગ કવાંગ’ જેલની ગણના પણ વિશ્ર્વની એક સૌથી ભયાનક જેલ તરીકે થાય છે. બૅંગકોકમાં આ જેલને કેટલાક મજાકમાં ‘બૅંગકોક હિલ્ટન’ પણ કહે છે. અહીં ક્ષમતા કરતાં ૨૦ ગણા કેદીઓ ભરવામાં આવે છે. કેદીઓ પર થતા ખર્ચ બાબતે થાઇલેન્ડ સરકાર ખૂબ કંજૂસ છે એટલે જેલના સંચાલન માટે ભાગ્યે જ કોઈ ફંડ ફાળવવામાં આવે છે. અહીં હત્યાના આરોપી કરતાં ડ્રગના આરોપી અને વિદેશી આરોપી સાથે વધુ ક્રૂર વ્યવહાર થાય છે. ખોરાકમાં ફક્ત એક વખત થોડા ભાત સાથે પ્રવાહી આપવામાં આવે છે. અહીં ૧૦ ટકાથી વધારે કેદીઓ ફાંસીની સજાની રાહ જોતા હોય છે અને એમના પગમાં ૨૪ કલાક બેડી બાંધેલી રાખવામાં આવે છે. નવા આવેલા કેદીના પગમાં પણ ત્રણ મહિના સુધી બેડી બાંધેલી રાખવામાં આવે છે.
ગરીબ કેદીએ પૈસાદાર કે માથાભારે કેદીની તમામ સેવા કરવી પડે છે. એમના પર જાતિય હુમલા પણ થાય છે. સૂવાના સ્થળે ઉંદરો ફરતા રહે છે અને ટોયલેટ ઓવરફલો થવાથી મળવાળું પાણી ચારે તરફ ફેલાયું હોય એમાં દિવસો પસાર કરવાથી મોટાભાગના કેદીઓને ચામડીના ચેપી રોગ થઈ જાય છે. માનસિક રીતે બીમાર કે સ્ત્રી કેદીઓને સુરક્ષાકર્મચારી દ્વારા લાકડાઓ વડે માર મારવામાં આવે છે. જેલના મોટાભાગના કેદીઓ કુપોષણથી પિડાય છે અને રોગિષ્ટ હોય છે.
રશિયાના નાનકડા ટાપુ પર બનેલી ‘પિટક આઇલેન્ડ’ જેલ પણ કંઈ પાછળ નથી. કૂતરાને રાખવામાં આવતા પાંજરા જેટલા કદના વિવિધ પાંજરાઓમાં અહીં કેદીઓને રાખવામાં આવે છે. માઇનસ ૨૦ ડિગ્રી સેન્ટિગ્રેટ ઠંડીમાં ચારે તરફ બરફ થીજી ગયો હોય ત્યારે પણ કેદીઓને ગરમ કપડા આપવામાં આવતા નથી. ‘બાથરૂમ-સંડાસની વ્યવસ્થા નહીં હોવાથી કેદીએ વાસણમાં જ કુદરતી હાજતની વિધિ પૂરી કરવી પડે છે. બે વર્ષે એકાદ વખત જ કેદીઓ બહારની વ્યક્તિ કે કુટુંબીઓને મળી શકે છે. જેલના ૭૦ ટકા કેદીઓને કુપોષણ અને હવા-ઉજાસના અભાવને કારણે ટી.બી. થઈ જાય છે. આ કેદમાંથી છૂટ્યા પછી કેટલાક કેદીઓ આત્મહત્યા કરે છે અથવા તો બાકીની જિંદગી જીવતી લાશની જેમ પસાર કરે છે. રશિયાની જ બીજી ‘બ્લેક ડોલ્ફિન’ નામની જેલમાં કેદીઓને સવારે ઊઠે ત્યારથી રાત્રે સૂવે એ દરમિયાન એક સેક્ધડ માટે પણ બેસવા દેવામાં આવતા નથી. જેલમાં એક સ્થળેથી બીજે સ્થળે કેદીઓના ટ્રાન્સફર કરવી હોય ત્યારે એમની આંખો પર પટ્ટી બાંધેલી રાખવામાં આવે છે.
જોકે વિશ્ર્વમાં ટોચની પાંચ સૌથી ક્રૂર જેલની યાદી તૈયાર થાય તો સિરીયાની ‘ટેડમોર જેલ’નો નંબર અવશ્ય આવે. એમ કહેવાય છે કે આ જેલમાં કેદીઓ પર જે અત્યાચાર થાય છે એનો જોટો જડવો મુશ્કેલ છે. નાની સરખી ભૂલ માટે પણ કેદીને રસ્સીથી બાંધી પટકી પટકીને મારી નાખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કુહાડી દ્વારા કેદીઓના શરીરના નાના ટૂકડા કરીને ફેંકી દેવામાં આવે છે.
એંશીના દાયકામાં એક જ રાતમાં અહીં ૧૦૦૦ જેટલા કેદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
ઇઝરાયલમાં ‘યુનિટ ૧૩૯૧’ તરીકે ઓળખાતી એક ‘ખાનગી’ જેલ છે. ત્યાંના ન્યાયખાતાના પ્રધાનને પણ આ જેલના અસ્તિત્વ વિશે ખબર નહોતી! દેશના રાજકીય દુશ્મનો અને ઇઝરાયલની સુરક્ષા માટે નડતરરૂપ વ્યક્તિઓને અહીં કેદી તરીકે રાખીને ટોર્ચર કરવામાં આવે છે. કાયદેસર રીતે આ જેલનું અસ્તિત્વ બતાવવામાં આવ્યું નથી, પરંતુ એમ કહેવાય છે કે વિરોધીઓ પાસે માહિતી કઢાવવા માટે અહીં ખાસ ટોર્ચર ચેમ્બરો બનાવવામાં આવી છે.
જોકે ભારતની જેલો વિશે પણ ખાસ કંઈ કહેવા જેવું નથી. વિશ્ર્વના બીજા દેશોમાં ભારતની જે જેલોનાં નામ ઘૃણાથી લેવાય છે એમાંની કેટલીકના નામ આ પ્રમાણે છે : સેલ્યુલર જેલ (પોર્ટબ્લેર), તિહાર જેલ (નવી દિલ્હી), યરવડા જેલ (પુણે), પૂઝહાલ સેન્ટ્રલ જેલ (ચેન્નઇ), મોરાદાબાદ સેન્ટ્રલ જેલ (ઉત્તર પ્રદેશ).
વાસ્તવિકતા એ છે કે, દુનિયામાં કોઈ ગુનેગાર (કે નિર્દોષ) એવો નહીં હોય કે પોતાની મરજીથી મહેલ જેવી જેલમાં પણ રહેવાનું પસંદ કરે. પછી એ વિજય માલ્યા હોય કે રામન રાઘવન. આખરે સવાલ એ છે કે દુનિયાની કઈ કોર્ટ નક્કી કરે કે, ‘રહેવા જેવી’ જેલ કોને કહેવાય?