ઓસ્કર્સ ૨૦૨૩: ટોપ ટેન વચ્ચે ટોપ ફાઇટ (ભાગ – ૨)

14

ઓસ્કર ઍવૉર્ડના આયોજન પછી વિજેતા ફિલ્મ્સની એક ઝલક

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

૧૩ માર્ચે ૯૫મો એકેડમી ઍવૉર્ડ્સ યોજાઈ ગયો. ભારતની ચાર ફિલ્મ્સ અલગ-અલગ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ હતી. તેમાંથી ત્રણ નોમિનેટ થઈ હતી જેની નોંધ આપણે અહીં કરી ચૂક્યા છીએ. અને એ ત્રણમાંથી બે નોમિનેશન જીતમાં પરિણમ્યા છે.
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘ધ એલીફન્ટ વ્હીસ્પરર્સ’ અને ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં ‘આરઆરઆર’ના નાટુ નાટુ ગીત વિશ્ર્વના આ સૌથી પ્રખ્યાત ઍવૉર્ડમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પરથી વિનર ઘોષિત કરવામાં આવ્યા છે અને
આખા દેશે આ સમાચારને ખૂબ જ ગર્વથી વધાવ્યા છે. ગયા અઠવાડિયે આપણે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેટેડ પાંચ ફિલ્મ્સની વાત કરી હતી.
બાકીની પાંચ ફિલ્મ્સની આજે વાત કરીએ એ પહેલાં વિજેતા ફિલ્મ કઈ છે એ જોઈ લઈએ. તો આ વખતે આ ટોપ ટેન વચ્ચેની ફાઇટમાં ફિલ્મ ‘એવરીથીંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ બાકીની ફિલ્મ્સને નોક આઉટ પંચ મારીને જીતી ગઈ છે. તો ચાલો બચેલી પાંચ ફિલ્મ્સ વિશેની ખાસ ચર્ચા પણ કરી લઈએ!
—————
ધ ફેબલમેન્સ (The Fabelmans):
આમ તો આપણે પહેલા ફિલ્મની વાર્તાની વાત કરીએ અને પછી તેના મેકરનું નામ લઈએ. પણ અહીં અપવાદરૂપ વાર્તાની સાથે મેકરનું નામ લેવું પડશે. કેમ કે, ‘ધ ફેબલમેન્સ’ ફિલ્મ છે દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની જ ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ. અલબત્ત, સેમીઓટોબાયોગ્રાફિકલ. ૧૯૫૨માં એક દંપતી તેના પુત્ર સેમીને તેના જીવનની પહેલી ફિલ્મ જોવા લઈ જાય છે. ફિલ્મ જોઈને સેમી અભિભૂત થઈ જાય છે. એમાંનો એક ટ્રેન સીન જોઈને સેમી તેની મમ્મીને ટ્રેન મોડેલ લઈ આપવાનું કહે છે. એ લઈને તે શૂટ કરે છે ને એમ તેની કેમેરા સાથેની જર્ની શરૂ થાય છે. એ ધીમે ધીમે ફિલ્મમેકર બની જાય છે. પણ એ ફિલ્મમેકિંગ દરમિયાન જ પોતાની ફેમિલીના પ્રોબ્લેમ્સ તરફ જોવાની તેને દ્રષ્ટિ મળે છે અને એમાં જ ફિલ્મમાં લાગણીઓ ઉમેરાય છે.
‘ધ ફેબલમેન્સ’ ફિલ્મને કુલ ૭ એકેડમી નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર: સ્ટીવન સ્પીલબર્ગ, ટોની કુશનર
ડિરેકટર: સ્ટીવન સ્પીલબર્ગ
કાસ્ટ: મિચેલ વિલિયમ્સ, પૌલ ડેનો, સેથ રોગન
————–
ઓલ કવાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (All Quiet On The Western Front)ં:
આ ફિલ્મ વોર ફિલ્મ છે પણ એન્ટી-વોર ફિલ્મ છે. ‘ઓલ કવાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’માં વૉર બતાવીને વૉરથી દૂર રહેવા બહુ જ નાજુક છતાં સખ્તાઈથી કહેવામાં આવ્યું છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધના સમયગાળામાં પૌલ નામનો એક જર્મન જુવાન બહુ જોશમાં હીરો બનવા દોસ્તો સાથે આર્મીમાં ભરતી થાય છે, પણ ટૂંક સમયમાં જ તેનાં સપનાંઓ તૂટવા લાગે છે. પૌલના એક દોસ્ત લુડવીગનું મૃત્યુ થાય છે. આ સાથે જ ફિલ્મમાં યુદ્ધ રોકવાનો પણ એક સબપ્લોટ ચાલે છે. રાજકીય ઓફિસોઝ અને યુદ્ધમેદાન બંનેનું વાતાવરણ ભયંકર બનતું જાય છે. પૌલની દ્રષ્ટિથી અહીં દર્શકો સામે બિહામણા યુદ્ધની હકીકતો અફલાતૂન સિનેમેટોગ્રાફી દ્વારા ખૂલતી રહે છે.
‘ઓલ કવાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ ૧૯૨૯માં એરિક મારિયા રેમાર્ક દ્વારા આ જ નામની લખાયેલી નવલકથા પર આધારિત છે. ફિલ્મને બેસ્ટ પિક્ચર સહિત કુલ ૯ નોમિનેશન્સ મળ્યાં છે.
રાઇટર: એડવર્ડ બર્ગર, લેસ્લી પેટર્સન, ઇઆન સ્ટોકલ
ડિરેકટર: એડવર્ડ બર્ગર
કાસ્ટ: ફેલિકસ કેમરર, આલ્બ્રેટ શક, ડેનિયલ બ્રુલ
————
ધ બેન્શીઝ ઓફ ઈનશીરન (The Banshees Of Inisherin):
આ ફિલ્મ વાત કરે છે દોસ્તીની. દોસ્તી કેવી હોય તેની નહીં, દોસ્તી બંધ થયાની. ઘણી ફિલ્મ્સમાં આપણે જોયું હોય છે કે બે ગાઢ દોસ્ત વચ્ચે અચાનક કંઈક બને અને તેમની દોસ્તી તૂટી જાય. પણ ‘ધ બેન્શીઝ ઓફ ઈનશીરન’માં ૧૯૨૩માં આઇરીશ સિવિલ વૉર પછી એક આઇલેન્ડમાં કોમ અને પોરેક બે દોસ્ત છે ને એમની વચ્ચે કંઈ જ નથી બનતું છતાં એક દિવસથી અચાનક જ કોમ મિત્ર પોરેક સાથે વાત કરવાનું બંધ કરી દે છે. પોરેક તેને ઘાંઘો થઈને અનેકવાર કારણ પૂછે છે પણ કોમ સાવ ઉડાઉ જવાબ આપી કહે છે કે બસ હવે તું નથી ગમતો ને મારે બાકીનું જીવન કંઈક અર્થપૂર્ણ કામમાં ગાળવું છે. કોમ સંગીતકાર છે ને તેને એમ લાગે છે કે તેના મૃત્યુ પછી સંગીત જીવિત રહેશે. પોરેકને તેણે એમ કહી દીધું છે કે જો તે તેને હેરાન કરશે તો તે પોતાના હાથની આંગળીઓ કાપવા માંડશે. બંનેની દોસ્તી પાછી થાય છે કે નહીં અને કોમના વર્તન પાછળ શું કારણ છે એ એટલે બાકીની ફિલ્મ. બેસ્ટ પિક્ચર ઉપરાંત ‘ધ બેન્શીઝ ઓફ ઈનશીરન’ને બીજા ૮ એકેડમી નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર-ડિરેકટર: માર્ટિન મેકડોના
કાસ્ટ: કોલીન ફેરલ, બ્રેન્ડન ગ્લિસન, કેરી કોન્ડન
—————
એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ (Everything Everywhere All At Once):
માર્વેલ અને ડીસી યુનિવર્સ બહારની આ ફિલ્મ છે, પણ મલ્ટિવર્સ અને સુપરપાવર પર એ આધારિત છે. ‘એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ’ કોમેડી ડ્રામામાં ચાઈનીઝ અમેરિકન ઇમિગ્રન્ટ એવલીન વોન્ગ સામે એક પડકાર આવે છે કે તેણે મલ્ટિવર્સને ડિસ્ટ્રોય થતા બચાવવાનું છે. રસપ્રદ વાત પાછી એ છે કે એવલીન એક આમ ી છે, તે તેના પતિ સાથે લોન્ડ્રોમેટ ચલાવે છે. એક દિવસ મલ્ટિવર્સમાંથી આવેલો તેનો પતિ વેમોન્ડ તેને કહે છે કે તેની બીજી સેલ્ફ એવી આલ્ફા એવલીને ગડબડ કરી છે ને બધા પોતાની પેરેલલ યુનિવર્સની બીજી સેલ્ફ પાસેથી શક્તિઓ, મેમરી અને બોડી સુધ્ધાં મેળવી શકવા સમર્થ બન્યા છે. આ બધી ગડમથલમાંથી એક વિલન પેદા થાય છે જે મલ્ટિવર્સને તબાહ કરવા ઈચ્છે છે. આ આખી વસ્તુ મસ્ત મીઠી હ્યુમર સાથે પીરસવામાં આવી છે. આ વખતની આ વિનર ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ સાચે જ મોટાભાગે સૌની ફેવરિટ હતી જ. ફિલ્મને ૧૧ નોમિનેશન્સ મળ્યા છે.
રાઇટર-ડિરેકટર: ડેનિયલ કવાન, ડેનિયલ શાયનર્ટ
કાસ્ટ: મિશેલ યોહ, સ્ટેફની સુ, કે હુય કવાન
————-
ટાર (Tar):
લિડિયા ટાર એટલે બર્લિન ફિલહાર્મોનિકની ચીફ કંડકટર. કંડકટર એટલે ઓર્કેસ્ટ્રાને ગાઈડ કરનાર વ્યક્તિ. એક ઇન્ટરવ્યૂમાં તેની સાથેની વાતચીતમાં ફિલ્મ ‘ટાર’ આગળ ધપે છે. ‘ટાર ઓન ટાર’ નામની બુક અને ‘ફિફ્થ સિમ્ફની’ રેકોર્ડિંગ પર તેનો ઇન્ટરવ્યૂ ચાલે છે ને એ સાથે તેની જિંદગી અને મ્યુઝિક કરિયર દર્શકો સામે ઊઘડતા જાય છે. એ સાથે તેના પર સેક્સ્યુઅલ રિલેશન્સ બાબતે લાગેલા આરોપો તેને ડિસ્ટર્બ કરતા રહે છે. આ ઝનૂની મ્યુઝિશિયન આ બધા વચ્ચે માનસિક રીતે પરેશાન થતી રહે છે. તેને અવનવા અવાજો જે-તે જગ્યાએ સંભળાય છે અને તે નવું મ્યુઝિક લખવામાં અવરોધ પેદા કરે છે. આ મ્યુઝિકલ જર્ની ફિલ્મની ઇન્ટેન્સિટી વધારતી રહે છે. ‘ટાર’ને છ એકેડમી ઍવૉર્ડ્સમાં નોમિનેશન મળ્યાં છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટ બ્લેન્ચેટ અત્યાર સુધીમાં બે વખત ઓસ્કર જીતી ચૂકી છે.
રાઇટર-ડિરેકટર: ટોડ ફિલ્ડ
કાસ્ટ: કેટ બ્લેન્ચેટ, નોમી મરલેન્ટ, નીના હોસ
————–
લાસ્ટ શોટ:
‘ધ ફેબલમેન્સ’ની તૈયારી સ્ટીવન સ્પીલબર્ગે તેની બહેન સાથે સ્ક્રીનપ્લે લખીને છેક ૧૯૯૯માં કરી હતી, પણ એ પછી એ અંગત ઘટનાઓને દુનિયા સામે પ્રસ્તુત કરવામાં તેઓ ખચકાયા. ૨૦૧૯માં પેરેન્ટ્સના મૃત્યુ પછી તેમણે પાછી આ ફિલ્મ માટે હિંમત કરી અને બનાવી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!