Homeએકસ્ટ્રા અફેરઓસ્કારનાં ફાઈનલ નોમિનેશન્સ, ભારતીયો માટે થોડી ખુશી, થોડા ગમ

ઓસ્કારનાં ફાઈનલ નોમિનેશન્સ, ભારતીયો માટે થોડી ખુશી, થોડા ગમ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

વિશ્ર્વમાં સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ મનાતા ઓસ્કાર એવોર્ડ્સ ૨૦૨૩ માટેનાં ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત થઈ ગઈ છે અને આ નોમિનેશન્સમાં ભારતીયો માટે થોડી ખુશી, થોડા ગમ જેવો માહોલ છે. પહેલા ગમની વાત કરી લઈએ. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ (એએમપીએએસ) દ્વારા ડિસેમ્બરમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ સહિતની કેટેગરી માટે નોમિનેશન્સ જાહેર કરાયાં તેમાં ગુજરાતી સર્જક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ સહિતની ચાર એન્ટ્રી હતી.
‘છેલ્લો દિવસ’ બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ એટલે કે વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી પણ ઓસ્કાર અવૉર્ડ્સનાં ફાઈનલ નોમિનેશન્સમાં છેલ્લા શો નીકળી ગઈ છે. એક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર અવૉર્ડ્સની રેસમાં હોય એ ગુજરાતીઓ માટે ગર્વની વાત હતી. ‘છેલ્લા દિવસ’ ફાઈનલ નોમિનેશનમાં ગઈ હોત તો ઈતિહાસ રચાઈ ગયો હોત ને તમામ ભારતીયોની છાતી ગજ ગજ ફૂલી ગઈ હોત પણ ‘છેલ્લા દિવસ’ બાકાત થઈ જતાં એ સુખ છિનવાઈ ગયું છે.
આ સિવાય બાકીની ત્રણેય એન્ટ્રી ફાઈનલ માટે નોમિનેટ થઈ છે એ ખુશીની વાત છે. હમણાં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ ગીતનો અવૉર્ડ જીતનારું ‘આરઆરઆર’નું ‘નાટુ નાટુ’ ગીત બેસ્ટ ઓરિજિનલ સોંગની રેસમાં હતું ને ફાઈનલ નોમિનેશનમાં પણ તેને સ્થાન મળ્યું છે એ ગર્વની વાત છે. આ સિવાયની બાકીની બે એન્ટ્રી એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સને પણ ફાઈનલ નોમિનેશનમાં જગા મળી છે. ‘ઓલ ધેટ બ્રીધ્સ’ ફિલ્મ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અને ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’, ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી’ શોર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ છે.
એકેડમીએ બે અઠવાડિયા પહેલાં ઓસ્કાર અવૉર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતવા માટે લાયક ૩૦૧ ફિલ્મોની યાદી બહાર પાડી હતી. આ યાદીને ઓસ્કાર ક્ધટેન્શન લિસ્ટ કહે છે. આ લિસ્ટમાં ભારતની કુલ ૧૦ ફિલ્મો હતી. એસ. રાજામૌલિની આરઆરઆર અને છેલ્લો દિવસ ઉપરાંત સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડી અને વિવેક અગ્નિહોત્રીની કાશ્મીર ફાઈલ્સ એ બે હિન્દી ફિલ્મો, મરાઠી ભાષાની ‘મી વસંતરાવ’ અને ‘તુઝયા સાથી કાહી હી’ એ બે મરાઠી ફિલ્મો, ક્ધનડ ભાષાની કંતારા અને વિક્રમ રોણા, તમિલ ભાષાની રોકેટ્રી: ધ નામ્બિયાર ઇફેક્ટ અને ઈરાવિન બિઝહલ લિસ્ટમાંથી હતી.
કાશ્મીર ફાઈલ્સ સાથે સંકળાયેલી ફિલ્મી હસ્તીઓ તથા સમર્થકોએ કાશ્મીર ફાઈલ્સ ક્ધટેન્શન લિસ્ટમાં આવી તેના કારણે આ ફિલ્મ ઓસ્કારની રેસમાં હોવાનો દાવો કરીને જોરદાર હવા જમાવવા મથામણ કરેલી પણ ફાઈનલ નોમિનેશન્સમાં આ બધી ફિલ્મો નીકળી ગઈ છે. હોલીવૂડની અવતાર સહિતની ફિલ્મો રેસમાં હોય ત્યાં કાશ્મીર ફાઈલ્સ કે ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મનો કોઈ ભાવ ના પૂછે એ નક્કી હતું પણ ફિલ્મી દુનિયામાં પબ્લિસિટી કરીને હવા જમાવવાનું ચલણ છે તેથી આ ફિલ્મોના સર્જકોએ મોટા મોટા દાવા કરી દીધેલા. અંતે એ જ થયું છે જે થવાનું હતું. ઓસ્કારના મેઈન નોમિનેશન્સમાં આ ફિલ્મો ફેંકાઈ ગઈ છે.
જો કે ભારતીયો માટે સારી વાત એ છે કે, હજુય ભારતની ત્રણ એન્ટ્રી ઓસ્કાર અવૉર્ડ્સની રેસમાં છે. બેસ્ટ ફિલ્મ સહિતની મેઈન કેટેગરીમાં ભલે ના હોય પણ ભારતની ત્રણ એન્ટ્રી ઓસ્કારની રેસમાં હોય એ મોટી વાત છે. આ ત્રણેય એન્ટ્રી ઓસ્કાર જીતવા માટેની પ્રબળ દાવેદાર છે. ‘આરઆરઆર’નું ‘નાટુ નાટુ’ ગીત બેસ્ટ ઓરિજિનલ સોંગ તરીકે ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ જીતી ચૂક્યું છે તેથી તેની તરફેણમાં હવા ઊભી થઈ જ ગઈ છે. ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડમાં આરઆરઆરને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. તેના કારણે પણ આ ફિલ્મ તરફ સૌનું ધ્યાન ખેંચાયેલું જ છે. તેનો ફાયદો ઓસ્કાર અવૉર્ડ્સમાં ‘નાટુ નાટુ’ ગીતને મળશે.
‘નાટુ નાટુ’ ગીત જય હો’નો ઈતિહાસ દોહરાવવા સક્ષમ છે. ડેની બોયલે ડિરેક્ટ કરેલી અમેરિકન પ્રોડક્શનની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની ગીત ‘જય હો’ને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કાર અવૉર્ડ મળ્યો હતો. સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર ગુલઝાર તથા ગાયકો સુખવિંદર, મહાલક્ષ્મી ઐયર, તનવી શાહને ‘જય હો’ માટે ઓસ્કાર અવૉર્ડ મળેલો. હવે ‘નાટુ નાટુ’ માટે સંગીતકાર એમ.એમ. કિરવાની, ગીતકાર ચંદ્રબોસ અને ગાયકો રાહુલ સીપલીગંજ તથા કાલા ભૈરવે ગાયું છે.
‘જય હો’ ભારતીય સર્જકોની કમાલ હતી તેથી તેને ઓસ્કાર અવૉર્ડ મળતાં સૌને ગર્વ થયેલો. ‘નાટુ નાટુ’ ગીતને ઓસ્કાર મળશે તો વધારે ગર્વ થશે કેમ કે આ ગીત તો ભારતીય ફિલ્મનું છે ને તેની સાથે સંકળાયેલા તમામ લોકો ભારતીય છે. ‘જય હો’ ગીત અંગ્રેજી ભાષાની ફિલ્મ હતી ને તેની સાથે સંકલાયેલા મોટાભાગના લોકો બ્રિટિશ કે અમેરિકન હતા.
શૌનસ સેનની ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ ‘ઓલ ધેટ બ્રીધ્સ’માં પ્રદૂષણના કારણે બેભાન થઈને પડી જતા બ્લેક કાઈટ પક્ષીને બચાવવા મથતા બે મુસ્લિમ ભાઈઓ મોહમ્મદ સાઉદ અને નદીમ શેહઝાદની કથા છે. ૯૧ મિનિટની ડોક્યુમેન્ટરીમાં પર્યાવરણ, સામાજિક માન્યતાઓ સહિતના ઘણા મુદ્દાઓ આવરી લેવાયા છે. આ ફિલ્મ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અવૉર્ડ જીતી શકે છે. કાર્તિરી ગોન્સાલ્વીઝની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી’ શોર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ ફિલ્મમાં પરિવારથી છૂટા પડી ગયેલા હાથીના બચ્ચા રઘુને પોતાના સંતાનની જેમ ઉછેરતા બોમ્મન અને બેઈલી નામના દંપતિની કથા છે. જાનવર અને માણસો વચ્ચેના પ્રેમની આ કથા છે. આ બંને ફિલ્મના વિષય જોતાં ઓસ્કાર અવૉડ્ જીતી શકે.
ભારતની ત્રણ એન્ટ્રી ઓસ્કારની રેસમાં છે એ સારી વાત છે પણ ફાઈનલ નોમિનેશન્સે ભારતીય ફિલ્મોની મોટી મર્યાદાને ફરી છતી કરી દીધી છે. વિશ્ર્વમાં ફિલ્મ નિર્માણમાં ભારત ટોપ પર છે પણ હજુય આપણે ઈન્ટરનેશનલ ઓડિયન્સને પસંદ આવે એવી ફિલ્મો નથી બનાવી શકતા એ સ્પષ્ટ થયું છે. તેના કારણો ઘણાં બધાં છે ને તેમાં મુખ્ય કારણ સમગ્ર વિશ્ર્વને સ્પર્શે એવા વિષયોની પસંદગીનો અભાવ છે. ભારતની મોટા ભાગની ભાષાઓમાં ફોર્મ્યુલા ફિલ્મો બને છે. આ ફિલ્મો ભારતીય ફિલ્મોના ચાહકોના મનોરંજન માટે હોય છે તેથી ઓસ્કાર અવૉર્ડ્સ જેવા મોટા અવૉર્ડ્સ નક્કી કરનારા લોકોને પ્રભાવિત કરી શકતી નથી.
ભારતીય સર્જકો ફિલ્મોને હોલીવૂડ સ્ટાઈલમાં ટ્રીટમેન્ટ આપતા થાય તો આ સ્થિતિ બદલાઈ શકે પણ એ દિવસો ક્યારે આવશે એ ખબર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular