એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનો જાદુ હજી પણ લોકોના દિલોદિમાગ પર છવાયેલો છે અને આ ફિલ્મલવર્સ માટે એક ગુડન્યુઝ એ આવી રહ્યા છે કે ફિલ્મના નાટુ નાટુ ગીતને ઓસ્કારમાં ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નાટુ નાટુ ગીત ટૂંક સમયમાં જ દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું. આ ગીત પર સોશિયલ મીડિયા પર અનેક રીલ્સ બનાવવામાં આવી છે, લોકો આ ગીત પર ડાન્સ કરવાનું પસંદ કરી રહ્યા છે. હવે આ ગીતને ઓરિજનલ સોન્ગ્સ કેટેગરીમાં ઓસ્કરમાં નોમિનેશન મળતાં આરઆરઆર ટીમ ખુશીથી ઝૂમી ઉઠી છે.
ભારતમાં આ ફિલ્મે બોક્સઓફિસ પર કમાણીના રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા, પરંતુ પરદેશમાં પણ આ ફિલ્મે તેનો જાદુ ચલાવ્યો હતો. અવતાર ફિલ્મના નિર્માતા જેમ્સ કેમેરુનને પણ આ ફિલ્મ ગમી હતી અને તેમણે પણ રાજામૌલીની વખાણ કર્યા હતા.
નાટુ નાટુ ગીતની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ યુક્રેનના વોલોડિમિર ઝેલેન્સ્કીના ઘરની બહાર કરવામાં આવ્યું હતું અને આનો ખુલાસો એસએસ રાજામૌલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેમ જ આરઆરઆર ફિલ્મના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ યુક્રેનના ફોટો અને વીડિયો શેયર કરવામાં આવ્યા હતા.
નાટુ નાટુ ગીતે હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં પણ બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર કેટેગરીમાં પણ બાજી મારી હતી. સંગીતકાર એમ એમ કિરાવાનીએ સ્ટેજ પર જઈને આ એવોર્ડ લીધો હતો. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં બે કેટેગરીમાં ફિલ્મને નોમિનેશન મળ્યું હતું.જેમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર કેટેગરીમાં નાટુ નાટુની પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય બેસ્ટ પિક્ચર નોન ઈંગ્લિશ કેટેગરીમાં પણ આરઆરઆર ફિલ્મને એવોર્ડ મળ્યો હતો.