દેશભક્તિનાં ગીતો દ્વારા ખાદીને લોકપ્રિય કરનાર આંધ્ર પ્રદેશનાં ઓરુગંતી મહાલક્ષ્મમ્મા

લાડકી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

પરદેશી વસ્ત્રો તમે છોડજો રે, પહેરજો ખાદીનાં વસ્ત્ર રે
પાયમાલી વિદેશી વસ્ત્રથી રે, આબાદી ખાદીથી થાય રે…
આ પ્રકારનાં દેશભક્તિનાં ગીત ગાઈને ખાદીને આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં પ્રચલિત કરનારી સ્ત્રી સ્વતંત્રતા સેનાની એટલે ઓરુગંતી મહાલક્ષ્મમ્મા. મહાલક્ષ્મીનો જ અવતાર જોઈ લ્યો. મહાત્મા ગાંધીએ ખાદીનો મંત્ર આપ્યો તેના બે દાયકા કરતાં પણ પહેલાં છેક ૧૮૯૯થી મહાલક્ષ્મમ્માએ તેનો પ્રચાર-પ્રસાર કરેલો. માતૃભૂમિ માટેના પ્રેમ અને સ્વાભિમાનને પગલે મહાલક્ષ્મમ્માએ વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરેલો. સ્વદેશી ખાદીને ધારણ કરી એટલું જ નહીં, આ વસ્ત્રને જીવનમંત્ર બનાવી દીધેલો. એમણે ખાદીને માત્ર પોતે પહેરવા પૂરતી સીમિત નહોતી રાખી, પણ નેલ્લોરના કાવલીમાં ખાદીબજાર શરૂ કરીને ઘણા લોકોને રોજગારી આપેલી. મહાલક્ષ્મમ્મા નેતૃત્વ કરવામાં ક્યારેય પાછાં ન પડતાં. વણેલી ખાદીનો થેલો ખભે ઊંચકીને તેઓ તેની ફેરી કરતાં. દેશભક્તિનાં ગીત ગાતાં ગાતાં ખાદીનું વેચાણ કરતાં. જે લે એનું પણ ભલું, ન લે એનું પણ ભલું.
ખાદીને ઝડપથી લોકપ્રિય બનાવનારાં આ મહાલક્ષ્મમ્માનો જન્મ ૧૮૮૪માં થયો. પિતા તુમુલુરી શિવકામય. માતા રમણમ્મા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓની સ્થિતિ પીંજરામાં પુરાયેલા પંખી જેવી હતી. સ્ત્રીશિક્ષણનું પ્રચલન નહોતું. ક્ધયાને શાળામાં ભણવા પર પ્રતિબંધ જેવી જ સામાજિક સ્થિતિ હતી. એવા સમયમાં મહાલક્ષ્મમ્મા પણ શાળાકીય શિક્ષણ ન મેળવી શક્યાં, પરંતુ પારકાં તેજ ને છાયા ઉછીનાં લઈને પરપ્રકાશિત થવાને બદલે સ્વયંપ્રકાશિત થયાં. ઘેર રહીને અક્ષરજ્ઞાન મેળવ્યું. એ સમયનાં શ્રેષ્ઠ કહી શકાય તેવાં પુસ્તકો વાંચ્યાં. પોતે જ પોતાનો દીવો થયાં. દીવો દીવાને મળે ત્યારે ઉજાસ બમણો થઈ જાય છે. ઢોલ ઢમક્યાં ને વાજાં વાગ્યાં. નદીને નદીનો નાથ મળે એમ મહાલક્ષ્મમ્મા અને ઓરુગંતી વેંકટસુબૈયાના હાથ મળ્યા. દીવામાં દીવો ઉમેરાયો. અજવાળાં રેલાયાં. વેંકટસુબૈયાનું કુટુંબ દેશપ્રેમ અને સખાવતો માટે મશહૂર હતું. મહાલક્ષ્મમ્મા પણ એમાં જોડાયાં. દૂધમાં સાકર ભળી. ફૂલની સુગંધમાં અત્તરની મહેક ભળી. મહાલક્ષ્મમ્માએ સખાવતોની સાથે ખાદીના પ્રચારનું કામ પણ વેગવંતું બનાવ્યું. દરમિયાન, ૧૯૦૫માં બંગાળના ભાગલા થયા. એ વખતે મહાલક્ષ્મમ્મા અને ઓરુગંતી વેંકટસુબૈયાને બ્રિટિશ શાસન વિરુદ્ધની લડતને નવી જ ઊંચાઈએ લઈ જવાનું જરૂરી જણાયું. પતિપત્નીએ મળીને ‘સંગીત સમાજમ’ અને ‘ભજન મંડળી’ સ્થાપી. બન્ને સાર્વજનિક સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કરતાં. સ્વરાજનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કરતાં. સ્વદેશી ચીજવસ્તુઓને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરતાં. કાવલી જેવા નાનકડા વિસ્તારમાં આ એક અનોખો પણ સફળ પ્રયોગ રહ્યો.
લોકજાગૃતિ આણવાના કામમાં જોતરાયેલાં મહાલક્ષ્મમ્માને અનુભવે આઝાદી આંદોલનમાં સ્ત્રીઓની સહભાગિતાનું મહત્ત્વ સમજાયું, એથી મહાલક્ષ્મમ્માએ ‘મહિલા સમાજમ’ની સ્થાપના કરી. એ જાણતાં હતાં કે,
શિક્ષિત નાર સંસારમાં ત્રિલોક તારક નાવ
કુળવધૂ કુળવંતીનો ભગવાન ધરશે ભાવ
મહાલક્ષ્મમ્માએ સ્ત્રીશિક્ષણનાં દ્વાર ખોલવા માટે ૧૯૧૨માં કાવલીમાં ક્ધયાશાળા શરૂ કરી. ક્ધયાશિક્ષણ માટેની એમની પ્રતિબદ્ધતા એટલી બધી હતી કે પોતાને ઘરે રાત્રિશાળાનો આરંભ પણ કર્યો. કાવલી જેવા નગરમાં સ્ત્રીસશક્તીકરણ માટેની આ પહેલમાં મહાલક્ષ્મમ્માનાં પ્રબળ આત્મવિશ્ર્વાસ, કાર્યનિષ્ઠા અને મહિલાવિકાસ માટેની ઝંખનાનાં દર્શન થાય છે.
મહાલક્ષ્મમ્માની દેશભક્તિમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસશક્તીકરણ સાથે સુધારાઓનો પણ સમાવેશ થયેલો. ૧૯૧૪-’૧૫માં કુર્નૂલના મુતારાજુ વેંકટકૃષ્ણય્યાએ પોતાની વિધવા દીકરીના પુનર્વિવાહ કર્યા. મહાલક્ષ્મમ્મા આ સમાચાર સાંભળીને રોમાંચિત થઈ ગયાં. એ સમયમાં સતી પ્રથા પ્રવર્તમાન હતી. પુનર્લગ્નનો તો પ્રશ્ર્ન જ નહોતો. વિધવાએ પતિની ચિતાએ ચડીને સતી થવું પડતું. વિધવાએ સ્વર્ગમાં પૂજાવા માટે પૃથ્વી પર જીવતેજીવ ભડ ભડ સળગવું પડતું અથવા તમામ સુખસુવિધાઓનો ત્યાગ કરીને નરકનું જીવન જીવવું પડતું.
જે સમયમાં વિધવાની આવી દુર્દશા થતી હોય એવામાં વેંકટકૃષ્ણય્યાએ વિધવા પુત્રીના પુનર્વિવાહ કરાવવાનું ક્રાંતિકારી પગલું ભર્યું એથી મહાલક્ષ્મમ્માનું રોમ રોમ પુલકિત થઈ ગયું. તેમણે સમાજમાં દાખલો બેસાડવા અને આ સાહસિક પગલાને બિરદાવવા માટે વેંકટકૃષ્ણય્યાને કાવલીમાં આમંત્રિત કરીને તેમનું સન્માન કર્યું, પરંતુ રૂઢિચુસ્તોનાં ભવાં ખેંચાયાં. એમણે મહાલક્ષ્મમ્મા અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો, પણ શ્ર્વાન ભસે તેમાં હાથીને શું થાયની રૂએ મહાલક્ષ્મમ્મા અડગ ને અટલ રહ્યાં. સામાન્યપણે લોકો પરોપદેશે પાંડિત્યમમાં રાચતા હોય છે, પણ પોતે કરવાનું આવે ત્યારે પારોઠનાં પગલાં ભરતા જોવા મળે છે. કહેવું સહેલું છે, કરવું અઘરું છે, પરંતુ મહાલક્ષ્મમ્માની કથની અને કરણીમાં કોઈ અંતર નહોતું. ચાવવાના અને દેખાડવાના દાંત જુદા નહોતા. તેમણે પોતાના એક પુત્રને બાળવિધવા સાથે પરણાવ્યો. સમાજસુધારાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.
દરમિયાન લોકમાન્ય બાળ ગંગાધર ટિળક અને એની બેસન્ટના નેતૃત્વમાં હોમરૂલ લીગ ચળવળ શરૂ થઈ ગયેલી. ભારતમાં સ્વશાસનની માગ સાથે ટિળકે ૧૯૧૬માં હોમરૂલ લીગની સ્થાપના કરેલી. એના એકાદ વર્ષ બાદ મહાલક્ષ્મમ્મા અને ઓરુગંતી વેંકટસુબૈયા કાવલીથી સ્થળાંતર કરીને નેલ્લોર સ્થાયી થયાં. નેલ્લોરમાં હોમરૂલ લીગની શાખા શરૂ કરી. મહાલક્ષ્મમ્મા હોમરૂલ લીગના બિલ્લા ધારણ કરતાં અને ચળવળનો ઝંઝાવાતી પ્રચાર કરતાં. ટિળક અને એની બેસન્ટના શબ્દો દોહરાવતાં: સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ રહીશ… હું એવું ભારતીય ટમટમિયું છું જેનું કાર્ય ઊંઘતા ભારતીયોને જગાડવાનું છે, જેથી તેઓ જાગે અને પોતાની માતૃભૂમિ માટે કામ કરે.
પોતાની જેમ જ અન્ય સ્ત્રીઓ પણ આઝાદીના આંદોલનનો એક ભાગ બની ગયેલી હોમરૂલ ચળવળમાં ઝુકાવવા પ્રેરાય એ માટે મહાલક્ષ્મમ્માએ નેલ્લોરમાં ૧૯૨૧માં કોંગ્રેસ મહિલા શાખાની સ્થાપના કરી. એ પછી ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં પણ મહાલક્ષ્મમ્મા અને ઓરુગંતી વેંકટસુબૈયાએ આગેવાની લીધી. બ્રિટિશ સરકાર દ્વારા તેમની ધરપકડ થઈ અને
રાયવેલુરની જેલમાં છ મહિનાનો કારાવાસ થયો.
છ મહિનાની કેદ પછી જેલની બહાર નીકળેલાં મહાલક્ષ્મમ્માનાં જુસ્સો અને મનોબળ તૂટવાને બદલે વધી ગયેલાં. આગમાં બળતણ હોમતાં બમણા વેગે પ્રસરતી અગનજ્વાળાની જેમ કારાવાસે મહાલક્ષ્મમ્માના જોમમાં ઈંધણ પૂર્યું. એ નવી શક્તિ, નવી ઊર્જા સાથે આઝાદીના જંગમાં જોતરાયાં. તેઓ નીચલા ગણાતા વર્ગના ઉદ્ધાર અને અસ્પૃશ્યતા નાબૂદી માટે પણ કાર્યરત થયાં.
આ જ ગાળામાં, ૧૯૩૨માં નાગરિક અસહકારનો બીજો તબક્કો શરૂ થયો. ફરી એક વાર મહાલક્ષ્મમ્માએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ આગ વરસાવતાં પ્રવચનો આપવાનું શરૂ કર્યું. મહાલક્ષ્મમ્માની વીજળી જેવી વાણી સાંભળીને લોકોમાં નવચેતનાનો સંચાર થયો, પણ સરકાર સમસમી ગઈ. સરકારે એક સભાને સંબોધી રહેલાં મહાલક્ષ્મમ્માની ધરપકડ કરી. ફરીથી રાયવેલુરની જેલમાં ધકેલી દીધાં. બીજી વારના કારાવાસે એમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી. તેમને લકવો થયો અને અંગ ખોટું પડી ગયું, છતાં બંદી અવસ્થામાં પણ ભારતના સ્વાતંત્ર્યની કામના કરતાં રહ્યાં.
યથા માતા તથા પુત્રો… મહાલક્ષ્મમ્માના બન્ને દીકરાને દેશભક્તિનો વારસો મળેલો. સત્યાગ્રહમાં સહભાગી થવા બદલ એ બન્નેને જેલ થયેલી. ૧૯૪૨માં, મહાલક્ષ્મમ્મા અત્યંત બીમાર હતાં ત્યારે તેમના પતિ ઓરુગંતી વેંકટસુબૈયાને ત્રીજી વાર કેદ કરવામાં આવ્યા. ઉપરાઉપરી થયેલા આઘાત છતાં મહાલક્ષ્મમ્મા પોતાનાથી શક્ય બને તેટલું પ્રદાન કરીને આઝાદીની ઝંખના કરતાં રહ્યાં, પરંતુ દેશ આઝાદ થયાનું પોતાનું સ્વપ્ન સાકાર થતું એ જોઈ ન શક્યાં. ૧૯૪૫માં એમની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ.
એમના મૃત્યુ પછી, બે વર્ષ બાદ ભારતમાં આઝાદીનો સૂર્ય ઝળહળ્યો, પણ એ ઝગમગાટમાં મહાલક્ષ્મમ્મા જેવા કેટલાયે તારલાનાં તેજ સમાયાં છે, ખરુંને?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.