નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જણાવ્યું હતું કે અમારી સરકાર ઑર્ગન ડૉનેશનના નિયમ સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઑર્ગન ડૉનેશન સામેની કાયદાકીય ગૂંચવણ અને અન્ય વિઘ્ન દૂર કરાશે.
તેમણે જનતાને ઑર્ગન ડૉનેશન માટે વધુ ને વધુ આગળ આવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે દેશભરમાં
જીવન બચાવી શકતી ઑર્ગન ડૉનેશનની પ્રવૃત્તિ અંગે સામાન્ય લોકોમાં જાગૃતતા લાવવા સાથે એક સમાન નીતિ ઘડવામાં આવશે.
દેશમાં ઑર્ગન ડૉનેશન અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે એ સંતોષજનક બાબત છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે જરૂરિયાતમંદ લોકો ઑર્ગન મેળવવા માટે દેશમાં કોઈ પણ જગ્યાએ નામ નોંધાવી શકે તે માટે રાજ્યના વતની હોવાની શરત નાબૂદ કરી દેવામાં આવી છે.
ઑર્ગન ડૉનેટ કરવા માટેની વયમર્યાદા ૬૫થી ઓછી હોવી જોઈએ એ શરત પણ હટાવી લેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૫માં ઑર્ગન ડૉનેશન કરનારાંઓની સંખ્યા પાંચ હજાર કરતાં પણ ઓછી હતી, જે વર્ષ ૨૦૨૨માં વધીને ૧૫,૦૦૦થી પણ વધી ગઈ હોવાનું તેમણે કહ્યું હતું.
મૃત્યુ બાદ જેમણે ઑર્ગન ડૉનેટ કર્યા હોય તેવી વ્યક્તિના પરિવારજનો સાથે પણ મોદીએ વાત કરી હતી.
મૃત્યુ પામેલી ઘરની વ્યક્તિના ઑર્ગન ડૉનેટ કરવાનો નિર્ણય લેવા બદલ મોદીએ પરિવારજનોની પ્રશંસા કરી હતી.
ઑર્ગન ડૉનેટ કરતી વ્યક્તિઓ મારા સહિત લોકોને જીવન કેટલું મહત્ત્વનું છે તે સમજાવે છે, એમ મોદીએ કહ્યું હતું.
તંદુરસ્ત આરોગ્યની આશામાં મોટા પ્રમાણમાં જરૂરિયાતમંદ લોકો ઑર્ગન ડૉનરની રાહ જોઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
મારા માટે ખરેખર એ સંતોષજનક બાબત છે કે ઑર્ગન ડૉનેશનને સરળ બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા દેશભર માટે એક સમાન નીતિ ઘડવાની દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને મોદીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.
સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં ભારતની વધી રહેલી હાજરીની વિશ્ર્વભરમાં પ્રશંસા થઈ રહી હોવાનું તેમણે કહ્યું હતું.
સૌરઊર્જા ક્ષેત્રમાં ભારત જે રીતે આગળ વધી રહ્યું છે એ પણ મોટી સિદ્ધિ જ છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ દિવસ દરમિયાન સ્વચ્છ ઊર્જાનો જ ઉપયોગ કરનાર દિવ ભારતનો એવો પ્રથમ જિલ્લો બન્યો છે.
દિવમાં સોલાર પેનલની મદદથી દિવસ દરમિયાન જેટલી ઊર્જાની જરૂર પડે છે તેનાથી વધુ ઊર્જા પેદા કરવામાં આવે છે.
આ સોલાર પ્રોજેક્ટને કારણે બાવન કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની વધતી જતી હાજરીની પણ તેમણે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે દેશના સશક્તિકરણમાં મહિલાશક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. (એજન્સી)