મુલાકાત -અમિત આચાર્ય
મુંબઇ: હાલમાં જ થિયેટરમાં રજૂ થયેલી નવકાર પ્રોડક્શનની ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ને પ્રેક્ષકોનો સારો આવકાર મળી રહ્યો છે. આ ફિલ્મનો વિષય સામાન્ય બાળકોની અસામાન્ય રીતે ‘ખેલ મહાકુંભ’ જીતવાની લડત અને એ સંઘર્ષમાં શાળાના એક વ્યાયામ શિક્ષકના માર્ગદર્શન પર આધારિત છે. આ ફિલ્મના નિર્માતા ધ્રુવિન દક્ષેશ શાહે ‘મુંબઇ સમાચાર’ સાથે તેમની ફિલ્મ વિશેની અને તેમના આવનારા પ્રોજેકટ્સ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી.
ફિલ્મના કાસ્ટિંગ બાબતે
મેં જ્યારે ‘મેડલ’ની વાર્તા સાંભળી ત્યારે જ મુખ્ય અભિનેતાનું નામ મારા મનમાં અંકિત થઇ ગયું હતું. જ્યારે દિગ્દર્શક ધવલ શુક્લના મગજમાં પણ એક અભિનેતા હતો. તેથી ફિલ્મની કાસ્ટિંગ માટે અમારી બન્નેની પ્રથમવાર બેઠક થઇ ત્યારે અમે નિર્ણય કર્યો કે બન્ને જણાં અલગ-અલગ પેપર પર નામ લખીશું અને એમાંથી નક્કી કરીશું કે કોને કાસ્ટ કરવો. ત્યારે યોગાનુયોગ અમે બન્નેએ પેપર પર જયેશ મોરેનું નામ લખ્યું હતું. આ વાત કહેવાનો અર્થ એ જ કે પહેલાં જ દિવસથી અમારું ટીમ સાથેનું ટયુનિંગ ખૂબ જ સારું હતું. જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાતી હતી તે સમયે મેં કલાકારોનું એક લિસ્ટ તૈયાર કર્યું હતું અને કુદરતી રીતે એ બધા જ કલાકારો અત્યારે મારી ફિલ્મમાં તમને જોવા મળશે. એ બધા કલાકારોનું ઓડિશન પણ લેવામાં આવ્યું હતું અને સાથે-સાથે પંદરથી વીસ દિવસનું એમની સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી ફિલ્મના સંગીતકાર કુશલ ચોક્સીએ ફિલ્મનાં દરેક પાત્રોના પાત્રાલેખન પ્રમાણે દરેક કલાકારનો અલગ-અલગ સાઉન્ડ ટ્રેક શૂટિંગ પૂર્વે જ અમને આપી દીધો હતો. જેના કારણે પણ દરેક કલાકારને પોતાનું પાત્ર સમજવામાં સરળતા રહી હતી. અમારી આ મહેનત પડદા પર દેખાઇ રહી છે, તેથી જ ફિલ્મ જોયા બાદ પ્રેક્ષકો ફિલ્મની વાર્તાના અને કલાકારોના વખાણ કરી રહ્યા છે. અમારા વિઝન પ્રમાણે જ કામ થયું હતું એ મારા અને મારી ટીમને માટે આનંદની વાત છે.
તમે અગાઉ મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ કરી છે, તો ‘મેડલ’માં મુખ્ય અભિનેતા કેમ ન બન્યા?
મે કહ્યું એ પ્રમાણે વાર્તા સાંભળતા સમયે જ મને ખબર હતી કે આ મારા વયજૂથની ફિલ્મ નથી. એ સિવાય હું પોતે પણ મારા અન્ય પ્રોજેક્ટો પર કામ કરી રહ્યો છું. મને એ વાતનો આનંદ છે કે જયેશભાઇએ અદ્ભુત કામ કર્યું છે અને પ્રેક્ષકો એની સરખામણી હિન્દી ફિલ્મના અભિનેતા સાથે કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં મેં ક્રિએટીવ પ્રોડક્શનમાં ખાસ ધ્યાન આપ્યું છે. ફિલ્મમાં જયેશ મોરેની સાથે-સાથે અર્ચન ત્રિવેદી, ચેતન દહિયા, મૌલિક નાયક, હેમાંગ દવે અને અન્ય કલાકારોએ ખૂબ જ સારું કામ કર્યું છે.
‘મેડલ’ બનાવવાનો વિચાર
મને અને મારી પ્રોડક્શન ટીમને આ વાર્તા ખૂબ જ પસંદ પડી હતી અને આ વાર્તા પરથી અમે અમારા પોતાનું લોન્ચ થનારા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ માટે વેબસિરીઝ બનાવવાનો પ્લાન કર્યો હતો. પહેલાં એનું નામ ‘શિક્ષા’ હતું, જે બાદમાં નામ બદલીને ‘મેડલ’ રાખવામાં આવ્યું હતું. અમારા ગુજરાતી ભાષાના ઓટીટી પ્લેટફોર્મ પર ગુજરાતી ફિલ્મો, નાટકો, વેબસિરીઝ તેમ જ ગુજરાતી વિડીયો જોઇ શકાશે તથા ગુજરાતી ગીતો પણ સાંભળી શકાશે. આ બધુ તદૃન મફતમાં ઉપલબ્ધ રહેશે. એમાં દર્શકોએ કોઇપણ પ્રકારનો સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં.
આવનારા પ્રોજેક્ટ્સ
ટૂંક સમયમાં મારી એક મોટા બજેટની હિન્દી ફિલ્મની જાહેરાત થશે, જેમાં હું અભિનેતા તરીકે કામ કરી રહ્યો છું અને એક ગુજરાતી ફિલ્મ પણ કરી રહ્યો છું. જેમાં ગુજરાતના દિગ્ગજ અભિનેતા છે. એ સિવાય જે યુવાનોને ગુજરાતના ઇતિહાસની ખબર નથી એ લોકોને મનોરંજન સાથે માહિતી મળે એ હેતુ સાથે ગુજરાતના ઇતિહાસ પર ‘મહાગુજરાત’ નામથી અમે એક ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા છીએ. એ સિવાય અમારા ઓટીટી પ્લેટફોર્મ માટે ફિલ્મો, નાટકો અને વેબસીરિઝના ક્ધટેન્ટ પર કામ ચાલી રહ્યું છે.