રાણેના બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડવા આદેશ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના જુહુસ્થિત બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે એમ કહીને આદેશ આપ્યો હતો કે આ બાંધકામ દરમિયાન ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો.
બે અઠવાડિયાની અંદર રાણેના બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો અને ત્યાર બાદ એક અઠવાડિયાની અંદર આદેશના અમલનો અહેવાલ સુપરત કરવાનો કોર્ટે બીએમસીને આદેશ આપ્યો હતો. કોર્ટે રાણેને રૂ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો હતો અને એ રકમ બે અઠવાડિયાની અંદર મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઑથોરિટીમાં જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. એફએસઆઈનો મતલબ ચોક્ક્સ જમીન કે પ્લોટ પર બાંધકામની પરવાનગીની સર્વાધિક મર્યાદા. ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની
માગણી કરતી રાણે પરિવાર અને તેમની માલિકીની કંપની દ્વારા કરવામાં આવેલી બીજી અરજીને ધ્યાન પર લેવાની બીએમસીને પરવાનગી ન આપી શકાય કેમ કે એ બાબત અસંખ્ય ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપશે, એમ ન્યાયાધીશ આર. ડી. ધનુકા અને કમલ ખાટાની બનેલી ડિવિઝન બૅન્ચે કહ્યું હતું.
રાણેના વકીલ શાર્દૂલ સિંહે કોર્ટના આ આદેશ પર છ અઠવાડિયાનો સ્ટે માગ્યો હતો જેથી કરીને આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જઈ શકે.
જોકે, કોર્ટે રાણેના વકીલની આ માગણી નકારી કાઢી હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.