મુંબઈઃ વિરોધી પક્ષનેતા અજિત પવારના ભાષણ સમયે વિધાનસભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર ન રહેતાં અજિતદાદાનો પારો ચઢી ગયો હતો અને તેમણે આ અંગે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હતો ત્યારે વિપક્ષના નેતા બોલવાના છે એવી માહિતી મળતી તો હું એમને સાંભળવા માટે સભાગૃહમાં હાજર રહેતો, પરંતુ અત્યારના સત્તાધારીઓને વધારે જ કામ હોય છે. શિંદે-ફડણવીસ મોટા માણસો છે અને અમારા જેવા નાના માણસોનું ભાષણ સાંભળવા માટે એ લોકો સભાગૃહમાં હાજર રહેતા નથી.
મહારાષ્ટ્ર વિધિમંડળના અર્થસંકલ્પીય અધિવેશનનો આજે બીજો દિવસ વિરોધ પક્ષે ખૂબ ધમાલ કરી હતી. ખેડૂતોના પ્રશ્ન, કાંદા-કપાસના દર, છત્રપતિ શિવરાય-બાબા સાહેબ આંબેડકરના સ્મારકનો મુદ્દો, રાજ્યના કાયદા-સુવ્યવસ્થાની પરિસ્થિતિ તેમ જ સત્તાધારી પક્ષના વિધાનસભ્યો દ્વારા મહાપુરુષોનું સતત કરવામાં આવતું અપમાન વગેરે મુદ્દે વિપક્ષના નેતા અજિત પવારે સત્તાધારીઓના કાન આમળ્યા હતા.
સત્તાધારી પક્ષના વિધાનસભ્યો દ્વારા વારંવાર મહાપુરુષોના અપમાન મુદ્દે બોલતા પવારે છેક પોતાનો મોરચો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ગેરહાજરી સુધી લઈ ગયા હતા. સરકારના પ્રતિનિધિ તરીકે પ્રધાન ગિરીશ મહાજન અહીં બેઠા છો. મુખ્ય પ્રધાન- નાયબ મુખ્ય પ્રધાનને ખૂબ કામ હોય છે, તેમને અહીં રોકાવવાનો સમય નથી. ઉપરના સભાગૃહમાં તેમણે હાજરી આપવાની છે, એવું કારણ આપીને એ લોકો ગયા. ઉપરનું સભાગૃહ તો બંધ છે, પણ કહેવા માટે ઉપરના સભાગૃહમાં ગયા છે એવું કહીને પવારે શિંદે-ફડણવીસ સામે નિશાનો સાધ્યો હતો.
આગળ પવારે એવું કહીને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે અમે સત્તાધારીઓની ખુરશીમાં બેસતા હતા ત્યારે વિપક્ષના નેતા બોલતાં હોય ત્યારે તેમનું માન રાખીને ભાષણ સાંભળતા હતા. પરંતુ હવે બંનેને ખૂબ કામ હોય છે. અમારા જેવા નાના માણસોનું ભાષણ સાંભળવા માટે તેમની પાસે સમય નથી, એવા શબ્દોમાં પવારે શિંદે-ફડણવીસની ગેરહાજરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અજિતદાદા કો ગુસ્સા ક્યોં આતા હૈ? કહ્યું અમે તો રહ્યા નાના માણસો…
RELATED ARTICLES