સંસદના બજેટ સત્રનું કામ આખા દિવસ માટે સ્થગિત
નવી દિલ્હી: કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ ગુરુવારે અદાણી જૂથ સામે હિંડનબર્ગ રિપોર્ટમાં ઊભા કરાયેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ અથવા સંયુક્ત સંસદીય સમિતિની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ સાથે લોકસભા અને રાજ્યસભામાં બૂમબરાડા પાડીને આખા દિવસનું કામ સ્થગિત કરાવ્યું હતું.
સંયુક્ત વિપક્ષે હિંડનબર્ગ રિપોર્ટને સંસદનાં બંને ગૃહોમાં ઉઠાવ્યો હતો અને આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી.
બંને ગૃહોમાં અધ્યક્ષ દ્વારા આ સંદર્ભે ઘણા સભ્યો દ્વારા સત્રનું કામ સ્થગિત કરવાની નોટિસને નકારી કાઢવામાં આવ્યા બાદ વિરોધ પક્ષોએ જબરો હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભા અને રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહોમાં કોઈ કામકાજ થઇ શકયું ન હતું.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અથવા સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ જાહેર નાણાંને લગતા મુદ્દાની રોજ-બ-રોજ રિપોર્ટિંગની
પણ માંગ કરી છે.
જનહિતને ધ્યાનમાં રાખીને, અમે અદાણી મુદ્દાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસ દ્વારા સંપૂર્ણ તપાસ ઇચ્છીએ છીએ.
આ મુદ્દા પરની તપાસની દૈનિક રિપોર્ટિંગ પણ થવી જોઈએ.
કૉંગ્રેસ ને ડી એમ કે, ટી એમ સી, એસપી, જેડી(યુ) શિવસેના, સી પી આઈ (એમ), સી પી આઈ, બી આર એસ, એન સી પી, આઇ યુ એલ એમ, એન સી, આપ, કેરળ કૉંગ્રેસ અને આર જે ડી સહિત અન્ય ઘણા વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું હતું.
ખડગેએ કહ્યું કે તેમની સાથે અન્ય આઠ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં અદાણી ગ્રૂપની કટોકટી અને ગ્રૂપમાં એલ આઇ સી અને એસ બી આઇ જેવાં જાહેર ક્ષેત્રના રોકાણ પર ચર્ચા માટે નોટિસ આપી હતી, પણ તે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવી નથી. આ જ કારણ છે કે તમામ વિપક્ષી દળોએ સંયુક્ત રીતે ઉપલા ગૃહમાં મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું છે.
હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના
જૂથ દ્વારા છેતરપિંડીના વ્યવહારો અને શૅરના ભાવમાં હેરાફેરી સહિતના આક્ષેપો કર્યા પછી અદાણી ગ્રૂપના શૅરો શૅરબજારોમાં ગબડ્યાં હતાં.
અદાણી ગ્રૂપે આ આરોપોને જૂઠાણાં ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને જાહેરાતની આવશ્યકતાઓનું પાલન કરે છે. તેણે હિંડનબર્ગના અહેવાલને પાયાવિહોણો ગણાવ્યો છે અને એની સામે દાવો માંડવાની ધમકી આપી છે. (એજન્સી)