બેંગલુરુ/નવી દિલ્હી: દેશમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમ (પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે)નો કોંગ્રેસ સહિત વિપક્ષની ૨૧ પાર્ટીએ બહિષ્કાર કર્યો છે, ત્યારે આ મુદ્દે દેશમાં દરેક પક્ષના નેતાઓ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે આજે દક્ષિણ ભારત જેડીએસના એક ટોચના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન HD કુમારસ્વામીએ કોંગ્રેસની આકરી ટીકા કરતા કહ્યું છે કે આ મુદ્દે અમારે જે નિર્ણય લેવો હશે તે લઈશું. જોકે અમે કંઈ કોંગ્રેસના ગુલામ નથી.
ભૂતપૂર્વ વડા પ્રધાન દેવગોડાએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા અંગે આજે કોંગ્રેસે સવાલ કર્યા બાદ આ મુદ્દે કુમારસ્વામીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે અમે કોંગ્રેસના ગુલામ નથી અને અમે અમારો પોતાનો નિર્ણય જાતે લઈશું, એવી સ્પષ્ટતા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વિપક્ષે ઉદ્ઘાટનના કાર્યક્રમથી અંતર બનાવી લીધું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી જેવા પક્ષો આક્ષેપ કરે છે કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ, વડા પ્રધાન દ્વારા નહીં. વિપક્ષનો આરોપ છે કે એક પુરુષના ઘમંડ અને સેલ્ફ-પ્રમોશનની ઇચ્છાએ પ્રથમ આદિવાસી મહિલા પ્રમુખને સંકુલનાં ઉદ્ઘાટન કરવાનો બંધારણીય અધિકાર છીનવી લીધો હોવાનો દાવો કર્યો છે.
બીજી બાજુ ભાજપે વિપક્ષના આરોપ પર કહ્યું છે કે આ પાર્ટીઓએ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે તે વડાપ્રધાન મોદીની પહેલ પર બનાવવામાં આવ્યું છે.
લગભગ ૨૧ પક્ષે સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તેની સામે આવા ૨૫ પક્ષ છે જે સરકાર સાથે છે.
ભાજપ સહિત સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના 18 ઘટક સાથે, સાત બિન-NDA પક્ષો આ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્ર સરકારને ટેકો આપનારા પક્ષોમાં બહુજન સમાજ પક્ષ, શિરોમણી અકાલી દળ, જનતા દળ (સેક્યુલર), લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), વાયએસઆર કોંગ્રેસ, બીજુ જનતા દળ અને તેલુગુ દેશમ પાર્ટી સાત બિન-NDA પાર્ટીઓ સમારોહમાં ભાગ લેશે.
આ સાતેય પક્ષો પાસે લોકસભામાં 50 સભ્યો છે અને તેમનું સ્ટેન્ડ ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે મોટી રાહત હશે. આ પક્ષોની ભાગીદારી એનડીએને વિપક્ષના આરોપોને નકારી કાઢવામાં મદદ કરશે કે તે સરકારી ઘટના છે.