વિરોધ પક્ષોના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રીતે પત્ર લખ્યો છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપની કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિપક્ષી નેતાઓએ ED અને CBI જેવી એજન્સીઓના દુરુપયોગ અંગે નિંદા કરી છે. પત્રમાં આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ભાજપમાં જોડાનારા નેતાઓ વિરુદ્ધ તપાસની ધીમી ગતિએ થઈ રહી છે.
BRS ચીફ ચંદ્રશેખર રાવ, JKNC ચીફ ફારૂક અબ્દુલ્લા, AITC ચીફ મમતા બેનર્જી, NCP ચીફ શરદ પવાર, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના ચીફ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા આ સંયુક્ત પત્ર લખવામાં આવ્યો છે. આ નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓની બગડતી છબી પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
પત્રમાં તેમણે લખ્યું છે કે, “અમને આશા છે કે તમે સહમત થશો કે ભારત હજુ પણ લોકશાહી દેશ છે. વિપક્ષના સભ્યો સામે કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ દર્શાવે છે કે આપણે લોકશાહીમાંથી નિરંકુશતા તરફ પરિવર્તિત થઇ રહ્યા છે.”
પત્રમાં વિપક્ષી નેતાઓએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ” સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ પુરાવા વિના કથિત અનિયમિતતાઓના આરોપ સર ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા સામેના આરોપો સ્પષ્ટપણે પાયાવિહોણા છે અને રાજકીય ષડયંત્ર હોય એવું લાગે છે. ધરપકડથી દેશભરમાં રોષ ફેલાયો છે. મનીષ સિસોદિયા દિલ્હીની શાળાઓના શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે વૈશ્વિક સ્તરે જાણીતા છે.”
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “રસપ્રદ વાત એ છે કે, તપાસ એજન્સીઓ ભાજપમાં જોડાનાર વિપક્ષી નેતાઓ સામે તપાસ આગળ વધારવામાં ધીમી રહી છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને આસામના વર્તમાન મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની 2014 અને 2015 માં શારદા ચિટ ફંડ કૌભાંડ સંબંધમાં CBI અને ED દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે, તેઓ ભાજપમાં જોડાયા પછી કેસ વધુ આગળ વધ્યો નથી. એ જ રીતે TMCના ભૂતપૂર્વ નેતાઓ શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય નરદા સ્ટિંગ ઓપરેશન કેસમાં ED અને CBIની નજર હેઠળ હતા, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા પછી પણ એ કેસમાં કંઈ થયું નથી.”
વિપક્ષી નેતાઓએ પત્રમાં રાજ્યપાલ અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે. “દેશભરના રાજ્યપાલોની કચેરીઓ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહી છે અને ઘણી વખત રાજ્યના શાસનને અવરોધે છે. તેઓ જાણીજોઈને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારોને નબળી પાડી રહ્યા છે.”
વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને સંયુક્ત રીતે પત્ર લખ્યો, કહ્યું દેશ નિરંકુશતા તરફ જઈ રહ્યો છે
RELATED ARTICLES