ઈડી સંજય રાઉતની વારંવાર તપાસ કેમ કરવા માગે છે: અજિત પવાર
ફોર્ટની ઈડી કચેરીમાં લઈ જવાતા સંજય રાઉત. (અમય ખરાડે)
મુંબઈ: મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અજિત પવારે રવિવારે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કેમ વારંવાર શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની પુછપરછ કરવા માગે છે.
બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે ઈડી દ્વારા સંજય રાઉતના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તપાસ થઈ રહી છે તે લોકશાહીનું વરવું રૂપ દર્શાવે છે. તેમણે એવો આરોપ કર્યો હતો કે ભાજપ વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. એનસીપીના નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે. અનેક લોકોને આવકવેરા ખાતાની, ઈડીની તેમ જ સીબીઆઈની નોટિસો મળી છે. ફક્ત સંજય રાઉત કહી શકશે કે કેમ તપાસ એજન્સી (ઈડી) વારંવાર તેમની તપાસ કરી રહી છે, એમ અજિત પવારે જણાવ્યું હતું. બીજી તરફ સુપ્રિયા સુળેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જો સંજય રાઉત તપાસ એજન્સીઓને સહકાર કરશે તો કોઈ અન્યાય કરવામાં આવશે નહીં.
શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે સંજય રાઉત સામેની કાર્યવાહી શિવસેનાને ખતમ કરવાના કાવતરાનો ભાગ છે. તેમની ધરપકડ પણ થઈ શકે છે, શું આ લોકશાહી છે? એવો સવાલ કરતાં તેમણે ઉમેર્યું હતું કે શિવસેના હિન્દુઓ અને મરાઠીભાષી લોકોને તાકાત આપી રહ્યા છે અને તેથી જ આ પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે જો રાઉત નિર્દોષ છે તો પછી તેમણે ઈડીની કાર્યવાહીથી ગભરાવાની કોઈ આવશ્યકતા નથી.
રાઉતે જાહેર કર્યું છે કે તેમણે કશું જ ખોટું કર્યું નથી. એવું છે તો પછી તપાસથી કેમ ગભરાઓ છો? તપાસ થવા દો. જો તમે નિર્દોષ છો તો કેમ ગભરાઓ છો? એમ એકનાથ શિંદેએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓએ પણ રવિવારે જણાવ્યું હતું કે સંજય રાઉતે જો કશું જ ખોટું નથી કર્યું તો તેમણે ગભરાવાની કોઈ આવશ્યકતા નથી.
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું કે સંજય રાઉત બિનજરૂરી સ્વ. બાળ ઠાકરેને સંડોવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ શિવસૈનિકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. જો કશું ખોટું કર્યું નથી તો તેમને ગભરાવાની કોઈ આવશ્યકતા નથી.
ભાજપના અન્ય એક નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે રાઉતની અત્યારે તપાસ ચાલી રહી છે. તેમની સામે હજી સુધી કોઈ આરોપો ઘડવામાં આવ્યા નથી. તેમણે કોઈપણ પ્રકારના રાજકીય નિવેદનો અત્યારે કરવા જોઈએ નહીં. જો તેમની સંડોવણી હોવાનું મળી આવશે તો તેમને કાર્યવાહીનો સામનો કરવો જ પડશે.
———-
ફાંસીએ લટકાવશે તો પણ શિવસેના નહીં છોડીએ: સુનિલ રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતને ઈડી દ્વારા પાત્રાવાલા ચાલના કૌભાંડ પ્રકરણે અટકાયતમાં લીધા છે ત્યારે આજે સવારથી સંજય રાઉતના નિવાસ સ્થાને ઘટેલા ઘટનાક્રમની વિગતો તેમના ભાઈ અને વિધાનસભ્ય સુનિલ રાઉતે આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઈડીના અધિકારીઓ વહેલી સવારે અમારા ઘરે આવી પહોંચ્યા હતા. તેમણે આવીને પહેલાં આખા ઘરની ઝડતી લીધી હતી. ઘરમાં રહેલા દરેક કાગળોની તપાસ કરી હતી અને કેટલાક કાગળો પોતાની સાથે લઈ ગયા હતા. વધુમાં ઈડીની એક ટુકડી રાઉતની દીકરીને લઈને સંજય રાઉતના દાદરના નિવાસસ્થાને ગઈ હતી. ત્યાં પણ અનેક કલાકો સુધી ઈડીના અધિકારીઓ દ્વારા ઝડતી લેવામાં આવી હતી. ઈડીના અધિકારીઓ જે કાગળો (દસ્તાવેજો) લઈ ગયા છે તે કોઈ કામના નથી. ઈડીના અધિકારીઓને પાત્રાવાલા ચાલ અંગે કોઈ દસ્તાવેજો કે પુરાવા મળ્યા નથી, એમ પણ સુનિલ રાઉતે જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે સુનિલ રાઉત મૈત્રી બંગલામાં સંજય રાઉતની સાથે જ હતા.
તેમણે ચાલ સંબંધી દસ્તાવેજો શોધી કાઢવા માટે આખા ઘરની ઝડતી લીધી હતી, પરંતુ તેમને એકેય દસ્તાવેજ હાથ લાગ્યો નહોતો. જે બેકાર દસ્તાવેજો હતા તે લઈને ગયા છે. આ દસ્તાવેજો અંગેની માહિતી અને ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં પણ જાહેર કરી છે. એજ દસ્તાવેજો લઈ ગયા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
અધિકારીઓનું કહેવું હતું કે અમે તમારું એક નિવેદન લઈશું અને તે માટે સંજય રાઉતને ઈડીની કચેરીમાં લઈ ગયા હતા. મૈત્રી બંગલામાં અમે બધા જ રહેતા હોવાથી અમારા કુટુંબના બધાના દસ્તાવેજોની તેમણે તપાસ કરી હતી, એમ સુનિલ રાઉતે જણાવ્યું હતું.
તેમણે પોતાની આગામી ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે અમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે તો પણ શિવસેના છોડીશું નહીં. ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીશું નહીં. રાઉત લડાઈ જીતી જશે.
———
હવે તો કબૂલ કરો કે તપાસ એજન્સીઓથી બચવા બળવો કર્યો: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે બળવાખોર વિધાનસભ્યોએ હવે પ્રમાણિકતાથી કબૂલ કરી લેવું જોઈએ કે તેમણે પાર્ટીના નેતૃત્વ સામે એટલા માટે બળવો કર્યો હતો કેમકે તેઓ પોતાની જાતને કેન્દ્રીય તપાસ એજન્સીઓથી બચાવી લેવા માટે કર્યો હતો.
શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાની સાપ્તાહિક કોલમ રોખઠોકમાં રાઉતે લખ્યું હતું કે બળવાખોર જૂથે હવે હિન્દુત્વને મુદ્દે પાલો બદલ્યો હોવાનું કહેવાનું બંધ કરવું જોઈએ. હિન્દુત્વને કેમ બિનજરૂરી બદનામ કરો છો? થોડી પ્રામાણિકતા દાખવીને કબૂલ કરો કે બધા લોકો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે ભાગી ગયા છો.
રાઉતે એવો દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા અર્જૂન ખોતકરે પ્રામાણિકતાથી કબૂલ કર્યું હતું કે તેમના પર દબાણ છે અને તે જ કારણે તેઓ બળવાખોર જૂથમાં જોડાયા હતા.
ઈડીએ શિવસેનાના બળવાખોર સંસદસભ્ય ભાવના ગવળીના મદદનીશ રઈસ ખાનની ધરપકડ કરી હતી, પરંતુ જેવો તેમણે બળવો કર્યો કે તરત જ ખાનને મુક્ત કરી દેવામાં આવ્યો હતો તેમ જ જપ્ત કરેલી સંપત્તી પણ મુક્ત કરી દેવામાં આવી હતી.
રાઉતે કહ્યું હતું કે ભાજપના નેતા કિરીટ સોમૈયા ગવળીના મતદારસંઘમાં ગયા હતા અને તેમની સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે એવી માગણી કરી હતી કે ભાજપે રાજકીય નેતાઓ સામે કરેલા આરોપો અને તેઓ ભાજપમાં જોડાયા બાદ તપાસનું શું થયું તેની વિગતો જાહેર કરવી જોઈએ.