નાગપુર: વિપક્ષી મહાવિકાસ આઘાડીના જૂથે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી વૉક-આઉટ કર્યું હતું. આ વિપક્ષી સભ્યો એનસીપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન જયંત પાટીલના સસ્પેન્શનને પાછું ખેંચવાની માગણી કરી રહ્યા હતા અને તેમની માગણી સાંભળવામાં આવતી નથી એવો આરોપ કરીને તેમણે સભાત્યાગ કર્યો હતો.
આ મુદ્દો વિપક્ષી નેતા અને એનસીપીના નેતા અજિત પવારે ઉપસ્થિત કર્યો હતો અને જયંત પાટીલની સિનિયોરીટીને ધ્યાનમાં લેતાં સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતી કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીથી પાછા ફર્યા બાદ તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
અજિત પવારે કહ્યું હતું કે હું અને છગન ભુજબળ શુક્રવારે અધ્યક્ષને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે આ સજા ઘણી આકરી છે. તેમના નિવેદન પર મેં ખેદ વ્યક્ત કર્યો હતો. કોઈ વ્યક્તિ જોશમાં કશું બોલી જાય છે, પરંતુ તેમને આટલી આકરી સજા ન આપવી જોઈએ.
તેમણે દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દો સમાપ્ત કરવાની વિનંતી કરી હતી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા મોર્નિંગ વોકમાં ઘવાયા
નાગપુર: કૉંગ્રેસના સિનિયર નેતા બાળાસાહેબ થોરાતને સોમવારે ખભાની ઈજા થઈહતી. તેઓ સવારે ચાલવા ગયા હતા ત્યારે પડી જતાં આ ઈજા પહોંચી હતી. કૉંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે થોરાતને એક ખભામાં ફ્રેક્ચર થયું છે અને તેમને સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. (પીટીઆઈ)