વિપક્ષના મહત્ત્વના ત્રણ મુદ્દા: કોશ્યારીની ટિપ્પણી, જમીન ફાળવણી કૌભાંડમાં મુખ્ય પ્રધાન શિંદેની સંડોવણી અને મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ
નાગપુર: વિપક્ષ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાનાં બંને ગૃહોની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષે અહીં વિધાનભવન સંકુલમાં રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો અને તેમને વિધાનસભા અને વિધાનપરિષદમાં બોલવા દેવામાં આવતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
એમવીએના નેતાઓ જેમાં એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, ગુરુવારે વિધાનસભા અધ્યક્ષ સામે કથિત અપમાનજનક ટિપ્પણી માટે વરિષ્ઠ એનસીપી નેતા જયંત પાટીલને સસ્પેન્ડ કરવાની પણ નિંદા કરી હતી.
વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર, આદિત્ય ઠાકરે અને ભાસ્કર જાધવ તેમ જ બાળાસાહેબ થોરાત સહિત અનેક નેતાઓ એકનાથ શિંદે-ભાજપ સરકારનો વિરોધ કરવા માટે કાળી રિબીન પહેરીને જોવા મળ્યા હતા. તેઓએ વિધાનસભા સંકુલનાં પગથિયાં પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અમે સરકારનો વિરોધ કરવા માટે બંને ગૃહોની કાર્યવાહીનો બહિષ્કાર કરીએ છીએ, જે વિપક્ષના સભ્યોને વિધાનસભામાં બોલવા દેતા નથી. જ્યાં સુધી સ્પીકર અમને એવી ખાતરી નહીં આપે કે વિપક્ષના સભ્યોને બોલવાની તક મળશે, ત્યાં સુધી અમે અમારો બહિષ્કાર ચાલુ રાખીશું, એવું આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
અમે ગવર્નર ભગતસિંહ કોશ્યારીની ટિપ્પણી, જમીન ફાળવણી કૌભાંડમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સંડોવણી અને મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ જેવા મુદ્દાને ઉઠાવવા માગીએ છીએ. વિપક્ષના સભ્યોએ આ તમામ મુદ્દે શિંદે-ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અત્રે નોંધનીય છે કે ૧૯મી ડિસેમ્બરથી શરૂ થયેલું વિધાનસભા શિયાળુ સત્ર ૩૦મી ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે.