નવી દિલ્હી: કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, ટીએમસી, એસપી અને આપ સહિત ૧૯ પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી મેએ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવાના છે તેનો બહિષ્કાર કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. અત્યારે લોકશાહીનો આત્મા જ મરી પરવાર્યો છે ત્યારે નવી ઈમારતના ઉદ્ઘાટનમાં અમને કોઈ રસ રહ્યો નથી.
‘સંસદ ભવનનું ઉદ્ઘાટન એ ખૂબ જ મહત્ત્વનો પ્રસંગ છે, પણ અમે એમ માની રહ્યા છીએ કે સરકાર લોકશાહીને ખતરામાં મૂકી રહી છે, અને અમે આ સંસદ ભવનના નિર્માણમાં જે રીતે આપખુદશાહી ચલાવવામાં આવી છે તેને અમે નામંજૂર કરીએ છીએ, અમે અમારા મતભેદને ભુલાવીને આ પ્રસંગનો બહિષ્કાર કરીએ છીએ’, એમ આ ૧૯ વિપક્ષોએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક કોરાણે મૂકીને પોતે જ આ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો નિર્ણય લીધો છે એ રાષ્ટ્રપતિનું અપમાન તો છે જ પણ સાથોસાથ જ લોકશાહી પરનો સીધો હુમલો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આપેલા આમંત્રણને પગલે મોદી નવા સંસદભવનનું ૨૮મી મેએ ઉદ્ઘાટન કરવાના છે. જ્યારે સંસદમાંથી લોકશાહીનો આત્મા જ નીકળી જશે ત્યારે અમને આ નવી ઈમારતમાં કોઈ જ રસ નથી. અમે સંસદની આ નવી ઈમારતના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીએ છીએ અને આ અમારો સહિયારો નિર્ણય છે. અમે અમારી લડાઈ પત્ર દ્વારા ચાલુ રાખીશું અને આ આપખુદ રીતે વર્તતા વડા પ્રધાન અને તેમની સરકાર સામેના વિરોધનો સંદેશો અમે ભારતના લોકો સુધી પહોંચાડીશું એમ આ વિપક્ષોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન બિનલોકશાહી પગલાં એ કાંઈ નવી વાત નથી, તેઓ આપણી સંસદને ખોખલી કરી રહ્યા છે. સંસદમાં વિપક્ષી સભ્યોને ગેરલાયક ઠરાવાય છે, સસ્પેન્ડ કરાય છે અને તેઓ જયારે ભારતના લોકોના મુદ્દા ઉઠાવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ચૂપ કરી દેવામાં આવે છે. કોઈપણ પ્રકારની ચર્ચા વિના જ અનેક વિવાદાસ્પદ કાયદાઓ પસાર કરી નાખવામાં આવે છે અને સંસદીય સમિતિને નિષ્ક્રિય કરી નાખવામાં આવે છે એમ વિપક્ષોએ જણાવ્યું હતું.
આ સમારોહનો વિરોધ કરવામાં કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, ડીએમકે, જનતા દળ (યુનાઈટેડ), આપ, સીપીઆઈ-એમ, સીપીઆઈ, એસપી, એનસીપી, એસએસ (યુબીટી), આરજેડી, આઈયુએમએલ, જેએમએમ, એનસી, કેસી (એમ), આર એસપી, વીસીકે, એમડીએમકે, આરએલડીએ સંયુક્ત રીતે નિવેદન બહાર પાડ્યું છે.
૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સામે સંયુકત મોરચો વિપક્ષો દ્વારા બની રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
બીએસપીએ તેઓ આ ઉદ્ઘાટનમાં ભાગ લેશે કે કેમ તે સ્પષ્ટ કર્યું નથી. શિરોમણી અકાલી દળે તેઓ ભાગ લેશે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. ટીડીપી, બીજેડી, એઆઈએડીએમકે અને વાયએસઆરસીપીએ હજી સ્પષ્ટતા કરી નથી.
વિપક્ષના નિર્ણય વિશે પૂછવામાં આવતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સરકારે તો આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ બધા જ પક્ષોને આપ્યું છે. દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય લેવાનો છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષના આ પગલાંને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું હતું અને તેમના નિર્ણયનો ફેરવિચાર કરવાનું પણ જણાવ્યું હતું.
સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ નવા સંસદભવનના બાંધકામમાં સહભાગી થનારા ૭,૦૦૦ મજદૂર (શ્રમ યોગીઓ)નું સન્માન કરશે, એમ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ આ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે, સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરવાના નથી કે આ સમારોહમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી એ દેશના સૌથી મોટા બંધારણીય હોદ્દાનું અપમાન છે. સંસદ ભવન એ અહંકારની ઈંટોથી નહીં પણ બંધારણીય ગરિમાથી બંધાય છે.
નવી ઈમારતના ઉદ્ઘાટનની શરૂઆત ‘હવન’ અને પૂજાથી કરવામાં આવશે અને મુખ્ય કાર્યક્રમ બપોરના યોજાશે એમ જણાવવામાં આવ્યું છે. (પીટીઆઈ)
————-
ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ સ્થાપિત કરવામાં આવશે: અમિત શાહ
નવી દિલ્હી: ૨૮ મેના રોજ આયોજિત નવનિર્મિત સંસદભવનના ઉદ્ઘાટનનો ૧૯ વિપક્ષો દ્વારા બહિષ્કાર કરવા સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું કે કાર્યક્રમમાં તમામ પક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે, હવે તેમાં
ભાગ લેવો કે નહીં તે તેઓ પોતાના “ડહાપણ મુજબ નિર્ણય કરશે.
૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણના પ્રતીક રૂપ ’સેંગોલ’, જે પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા શ્રી રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રથમ વડા પ્રધાનને સોંપવામાં આવ્યું હતું, તેને નવી સંસદમાં સ્પીકરની ખુરશી પાસે સ્થાપિત કરવા આવશે એવી જાણકારી તેમણે આપી હતી. આ બાબત તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક રાજદંડને રાજકારણ સાથે જોડીને ન જોવો જોઈએ. તેની સ્થાપના લોકોને અને જનપ્રતિનિધિઓને એ સંદેશ આપશે કે સરકાર ન્યાય અને નિયમથી ચાલતી હોવી જોઈએ. “આ વાસ્તવિક હેતુ છે. આને રાજકારણ સાથે ન ભેળવો. તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે ‘સેંગોલ’ સોંપવું એ ભારતીય પરંપરા છે. સત્તાનું સ્થાનાંતરણમાં માત્ર હાથ મિલાવીને કે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું નથી, પણ ‘નવા ભારત’ની આધુનિક જરૂરિયાતની સાથે આપણી પરંપરા પણ આગળ વધવી જોઈએ. ‘સેંગોલ’ વિશેષ છે અને આ શબ્દ તમિલ શબ્દ ‘સેમાઈ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘સદાચાર.’ ચળકતો ઐતિહાસિક રાજદંડ ચાંદીનો બનેલો અને સુવર્ણનો ઢોળ ચડાવેલો છે અને તેના શિખર પર બિરાજિત પવિત્ર નંદી ‘ન્યાય’નું પ્રતીક છે. “સેંગોલ એ જ લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે જે જવાહરલાલ નેહરુએ ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ અનુભવી હતી. તેમણે કહ્યું.
પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સંસદનું નવું ભવન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનું ઉદાહરણ છે જેમાં પરંપરા અને આધુનિકતો સમન્વય થયો છે અને જણાવ્યું કે, તેમણે કહ્યું કે વડા પ્રધાન ઉદ્ઘાટન સમયે ૬૦,૦૦૦ કામદારો (શ્રમ યોગીઓ)નું પણ સન્માન કરશે. (પીટીઆઈ)