વિચાર કરતાં ન આવડે તે વ્યક્તિનો વિરોધ કરે

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી

પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓમાં, મનુષ્યનું સ્થાન સર્વોપરી છે તેનું એક કારણ એ છે કે માત્ર મનુષ્ય પાસે જ ભાષાની અને સંવાદ કરવાની ક્ષમતા છે. જટિલ વિચારોને બીજા માણસને સમજાવવા, તેની બારીકીઓને સફાઈથી રજૂ કરવી એ માણસની અનોખી આવડત છે. તેની બીજી બાજુ એ છે કે, ભાષાની એ જ ક્ષમતા બીજા માણસને નીચો બતાવવા, તેનું અપમાન કરવા અને તે બેવકૂફ છે તેવું પુરવાર કરવા કામ આવે છે. ભારતમાં ડિબેટના નામે આ જ થઇ રહ્યું છે અને એમાં હવે સુપ્રીમ કોર્ટ પણ ઝપટમાં આવી છે.
મહમ્મદ પયગંબર પર અભદ્ર ટીપ્પણી કરનાર, ભાજપની (ભૂતપૂર્વ) પ્રવક્તા નૂપુર શર્માને લબડધક્કે લેનારી સુપ્રીમ કોર્ટની બેંચના સભ્ય, જસ્ટિસ જે. બી. પારડીવાળાએ, તેમની પર થયેલી ટીકાઓથી અકળાઈને કહ્યું છે કે, કેસના ફેંસલા માટે જજો પર અંગત હુમલા કરવાથી જોખમી સ્થિતિ પેદા થશે.
દેશમાં હાલની પરિસ્થિતિ માટે નૂપુર શર્મા છે અને તેણે ટીવી પર આવીને દેશની માફી માગવી જોઈએ એવી બેંચની કડક ટીપ્પણીઓ પછી, સોશિયલ મીડિયામાં અમુક લોકોએ જજો માટે એલફેલ લખ્યું હતું. ગયા રવિવારે, એક કાર્યક્રમ દરમિયાન, જસ્ટિસ પારડીવાળાએ તેની ગંભીર નોંધ લઈને કહ્યું હતું કે, જજમેન્ટ બદલ જો જજો પર વ્યક્તિગત હુમલા થતા હોય, તો એવી જોખમી સ્થિતિ પેદા થશે, જ્યાં જજો કાયદો શું કહે છે તેની ચિંતા કરવાનું છોડીને, મીડિયા શું કહે છે તેની ફિકર કરવા લાગશે. આનાથી કાનૂનના શાસનને નુકસાન થશે. જજો જબાનથી નહીં, જજમેન્ટથી બોલે છે. ભારત, જે હજુ સંપૂર્ણપણે પરિપક્વ અને શિક્ષિત લોકતંત્ર નથી, ત્યાં શુદ્ધ રૂપે કાનૂની અને
બંધારણીય બાબતોને રાજકારણનો મુદ્દો બનાવવા માટે સોશિયલ મીડિયાનો વારંવાર ઉપયોગ થાય છે.
જસ્ટિસ પારડીવાળાની વાત સાચી છે. લોકતંત્ર તરીકે ભારતે હજુ ઘણા અવરોધો અને કમજોરીઓ પાર કરવાની છે. આપણે ગરીબ, અશિક્ષિત અને નાત-જાતમાં અટવાઈ પડેલો દેશ છીએ. એમાં જો બંધારણ અને કાનૂનના રાજને જો આપણે અંગત રાગદ્વેષનો મુદ્દો બનાવી દઈએ, તો પછી જેની લાઠી તેની ભેંસ જેવો ઘાટ થશે. અત્યારે દેશમાં એવી જ ભાવના પ્રબળ બની રહી છે. બેંચે એ તરફ ઈશારો કરતાં નૂપુર શર્મા અને દિલ્હી પોલીસને કહ્યું હતું કે એફઆઈઆર થાય તો સામાન્ય માણસની તરત ધરપકડ થાય છે, આમાં (નૂપુરને) હાથ લગાડવાની કોઈની હિંમત નથી.
જસ્ટિસ પારડીવાળાએ ભારતમાં, ખાસ કરીને સોશિયલ મીડિયામાં, એક સમસ્યા પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જજમેન્ટો પર સકારાત્મક ટીકા-ટિપ્પણ કરવાને બદલે, સોશિયલ અને ડિજિટલ મીડિયામાં વ્યક્તિગત અભિપ્રાયો મારફતે જજોને નિશાન બનાવાય છે. આનાથી ન્યાયિક સંસ્થાને હાની પહોંચે છે અને તેનું ગૌરવ હણાય છે.
ટૂંકમાં, જજ સાહેબ એમ કહેવા માગે છે કે જજોનું ટ્રોલિંગ થઇ રહ્યું છે. ટ્રોલિંગમાં વિચારની ટીકા ન હોય, વિચાર કરનાર વ્યક્તિની ટીકા હોય. વિચારની ટીકા કરવા માટે વૈચારિક સજ્જતા જરૂરી છે, જયારે વ્યક્તિગત ટીકા માટે વ્યક્તિ પર કાદવ ઉછાળો એટલે ‘કામ’ થઇ જાય. ભારતમાં અત્યારે આવું બહુ થઇ રહ્યું છે. રાજકારણમાં વિચારોની, નીતિઓની, અભિપ્રાયોની, માન્યતાઓની ચર્ચા નથી થતી. એ વિચાર કરવાવાળી વ્યક્તિ કોણ છે તે જોઇને અંગત રીતે તેને નિશાન બનાવાય છે.
સોશિયલ મીડિયા, ટીવી ચેનલોમાં પણ આ જ ધંધો ચાલે છે. કોઈની વાત તમને ન ગમે, તો તમે તે વ્યક્તિનું અંગત રીતે અપમાન કરો છે. તે વિચારની સામે પ્રતિ-વિચાર ના આપે, પણ વિચારની સામે વ્યક્તિગત થઈને ‘તું આમ છે અને તું તેમ છે’ એવા તર્ક કરે.
કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈપણ પ્રકારની ટીકા કે સવાલથી પરે છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે. કટ્ટર વ્યક્તિને એવું લાગે કે “માત્ર મારો વિચાર અને મારી ભાવના જ સાચી છે, અને જે વ્યક્તિના વિચાર મારાથી અલગ છે, તે વ્યક્તિ ગલત છે, અને ગલત વ્યક્તિનું અપમાન કરવું જાયજ છે.
અંગ્રેજીમાં આના માટે એડ હોમિનેમ નામનો શબ્દ છે. મૂળ લેટિન શબ્દ છે- આર્ગ્યુંમેન્ટમ એડ હોમિનેમ. અર્થ થાય છે વ્યક્તિના વિરોધમાં તંત. કોઈ વ્યક્તિની દલીલ સામે તમારી પાસે કોઈ દલીલ ન હોય, અને તમે તે વ્યક્તિના ચરિત્ર્ય અથવા ઉદેશ્યને નિશાન બનાવો, ત્યારે તે એડ હોમિનેમ કહેવાય.
દાખલા તરીકે, નૂપુર શર્માના કિસ્સામાં સખ્ત ટીપ્પણી કરનારા જસ્ટિસ જેબી પારડીવાળા માટે સોશિયલ મીડિયા પર અમુક લોકો એવું કહેવા લાગ્યા કે તેઓ એક સમયે કોંગ્રેસના વિધાયક હતા, એટલે તેમણે ભાજપની પ્રવક્તા માટે કડવી વાતો કરી હતી. પારડીવાળા નૂપુર શર્માના નિવેદનના કારણે દેશમાં તનાવની જે સ્થિતિ ઊભી થઇ છે તેના નૈતિક અને કાયદાકીય પાસાં પર ટીપ્પણી કરતાં હતા, પરંતુ લોકો પાસે તેનો જવાબ નહોતો એટલે તેમણે તેમનું ચારિત્ર્યહનન કરવાનો પ્રયાસ કર્યો.
કોઈપણ ચર્ચા તંદુરસ્ત ત્યારે બને જયારે તેમાં સામેલ લોકો તેમના વિચારોને મતભેદ સુધી સીમિત રાખે, એ જયારે મનભેદ સુધી પહોંચે, ત્યારે ચર્ચા ઝેરી બની જાય. ભારતમાં સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર જે ઉગ્રતા, ગાળાગાળી અને ‘તું તું મૈં મૈં’ થાય છે, તેમાં મતભેદની ચર્ચા ઓછી અને મનભેદની ચર્ચા વધુ હોય છે (નૂપુર શર્માવાળી ડિબેટમાં પણ આવું જ હતું).
તમે સોશિયલ મીડિયા પર પપ્પુ, ફેંકુ, કુજલીવાલ, જુમલા, લિબ્રાડુ, પ્રેસ્ટીત્યુટ, પત્તરકાર, સિકુલર જેવા શબ્દો સાંભળ્યા હશે. આ શબ્દો સાર્થક સંવાદની ગેરહાજરીની સાબિતી છે. આમાં તમને જે તે વ્યક્તિના વિચારો સામે પ્રતિ-વિચાર જાણવા નથી મળતો, તમને એ વ્યક્તિનું અપમાન થતું દેખાય છે અને તમને તેની મજા આવે છે.
કોઈ વ્યક્તિની વાત કે વિચારની ઉચિત રીતે ટીકા કરવા માટે તમારી વિચારોની ગહેરાઇ હોવી જોઈએ. ધારો કે તમારે નહેરુની નીતિઓ કેમ ભારત માટે નુકસાનકારક હતી તે પુરવાર કરવું છે, તો તમારી પાસે, એક તો, નહેરુની નીતિઓનો અભ્યાસ હોવો જોઈએ, અને બીજું, તમારી પાસે બહેતર નીતિનું મોડેલ હોવું જોઈએ. તમે એમ કહો કે નહેરુને તો એડવિના માઉન્ટનબેટન સાથે ફોટા પડાવવામાંથી જ સમય નહતો મળતો, એટલે તમે દલીલ ત્યાં જ હારી ગયા.
જેમને સરખી રીતે સંવાદ કરતાં આવડતું નથી, તેમને દરેક વાત દલીલબાજી લાગે. સંવાદમાં બોલવાનું ઓછું અને સાંભળવાનું વધુ હોય, દલીલબાજીમાં સાંભળવાનું ઓછું અને બોલવાનું વધુ હોય. સંવાદમાં સાંભળીને સમજવાનું અને સ્વીકાર કરવાનું હોય, દલીલબાજીમાં સાંભળીને ત્રુટીઓ શોધવાનું હોય. સંવાદમાં સંપૂર્ણ ફોકસ બીજી વ્યક્તિ પર હોય, દલીલબાજીમાં સંપૂર્ણ ફોકસ પોતાના પર હોય. સંવાદમાં ‘શુ’ સાચું છે તે જાણવાનો હેતુ હોય, દલીલબાજીમાં ‘કોણ’ સાચું છે તે સાબિત કરવાનું પ્રયોજન હોય. સંવાદમાં સમજણની આપલે થાય, દલીલબાજીમાં બેવકૂફીનું આદાનપ્રદાન થાય. સંવાદમાં વિવેકબુદ્ધિની ભૂમિકા હોય, દલીલબાજીમાં રોષનું પ્રભુત્વ હોય.
ભારતમાં સંવાદના નામે દલીલો વધુ થઇ રહી છે. એ આપણને મહાન નહીં, વામન બનાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.