ઑપરેશન તબાહી-૩

ઉત્સવ

‘મોઢું કઇ રીતે બંધ રાખવું અને કઇ રીતે ખોલાવવું એ વાત એક નિવૃત્ત પોલીસ ઓફિસરથી વધુ સારી રીતે કોણ જાણી શકે?’

અનિલ રાવલ

‘રાહુલ ઇસ્લામાબાદ જશે, માયા લાહોર અને મહેશ રાવલપિંડી. કબીર, યુ વેઇટ ફોર માય કોલ.’ કબીરે ચીફનો ઓર્ડર કહી સંભળાવ્યો.
પછી ત્રણેયને રૂમ બતાવતાં કહ્યું, ‘અંદર કબાટમાં કપડાં અને પૈસા છે.’ કબીરે માયાને એનો રૂમ બતાવ્યો. માયા, મહેશ અને રાહુલ બહાર આવીને ઊભાં રહ્યાં તો ખુદ કબીર પણ એમને ઓળખી શક્યો નહીં એવા મુસ્લિમ લિબાસમાં સજ્જ હતાં. કાળા રંગનો બુરખો પહેરીને બહાર આવેલી માયાએ સ્ટાઇલથી ચહેરા પરથી નકાબ હટાવ્યો. હસીને બધાને ભેટીને ખુદા હાફિઝ બોલી. સૌથી પહેલાં એ નીકળી. થોડી વાર પછી રાહુલ અને છેલ્લે મહેશ નીકળ્યો. છૂટા પડતાં પહેલાં સૌના મનમાં એક સવાલ સળવળતો હતો કે મિશન શું છે? કબીરે કહ્યું કે ‘આ ચિંતા આપણા એકલાની નથી, ચીફની પણ છે.’
* * *
એકાદ વર્ષ પહેલાં આઇઆઇએના ચીફ ગોપીનાથ રાવ ડિફેન્સ સેક્રેટરી રામ મોહનને મળવા ધસી ગયા હતા. સામાન્ય રીતે સ્વસ્થ અને શાંત રહેતા ચીફના ચહેરા પર રોષ હતો. બંને વચ્ચે દોસ્તી હોવા છતાં જ્યારે પણ ડિફેન્સ સેક્રેટરીને મળવું હોય ત્યારે ચીફ પ્રોટોકોલને ફોલો કરીને એપોઇન્ટમેન્ટ લઇને જ મળતા, પણ એ દિવસે પ્રોટોકોલને પણ ફગાવી દીધો. અંદર પ્રવેશતાં પહેલાં દરવાજા પર બે ટકોરા મારવાની પણ દરકાર ન કરી. અચાનક ધસી આવેલા ચીફને જોઇને રામ મોહનને નવાઇ લાગી… કંઇક ગંભીર બાબત હોય એવું પણ લાગ્યું. સેક્રેટરીને ડિક્ટેશન આપી રહેલા રામ મોહને ઇશારો કર્યો. સેક્રેટરી બહાર નીકળી ગઇ. ચીફ ખુરસી પર બેઠા.
ચીફ કાંઇ પણ કહે તે પહેલાં જ રામ મોહને કહ્યું: ‘રિઝાઇન કરવાની વાત નહીં કરતો.’
આઇઆઇએના ચીફ ગોપીનાથ રાવ દેશના વર્તમાન રાજકીય સિનારિયોથી ખુશ નથી એ વાત ડિફેન્સ સેક્રેટરી રામ મોહન સારી રીતે જાણતા હતા. પોતાનો આ મિત્ર આઇઆઇએ સાથે થઇ રહેલા ઓરમાયા વર્તનથી કંટાળી ગયો છે અને કોઇ પણ ઘડીએ રાજીનામું આપી દેશે એવી દહેશત પણ એમના મનમાં સતત રહ્યા કરતી. ગોપીનાથ રાવ એક અચ્છો દોસ્ત હોવા ઉપરાંત ઇન્ટેલિજન્સની દુનિયાનો એક બાહોશ, વિચક્ષણ, નખશિખ પ્રોફેશનલ સ્પાય માસ્ટર છે. વિશ્ર્વભરમાં એનાં કૌશલ્ય અને કાબેલિયતની સુવાસ છે. એમના મોટા અને નાના મગજમાં ઇન્ટેલિજન્સ નેટવર્ક ગોઠવાયેલું છે. ડિફેન્સ સેક્રેટરી રામ મોહન એટલે જ દેશની સલામતી કાજે કામ કરતી આઇઆઇએના કાબેલ અને બાહોશ સુકાનીને ગુમાવવા માગતા નહોતા.
‘નો, નો, રિઝાઇનની વાત નથી,’ ચીફે ડિફેન્સ સેક્રેટરીની શંકા અને ભયને બે શબ્દોમાં નકારી કાઢ્યાં.
‘તો પછી ધસી આવવાનું અને ચહેરા પરના રોષનું કારણ શું છે?’ રામ મોહન પૂછે એ પહેલાં જ ચીફે કહ્યું: ‘આઇ વોન્ટ ટુ શેર સમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફો વિથ યુ.’
ડાબા હાથની કીમિયાગીરીની જમણા હાથને પણ ખબર ન પડવા દેનારા ચીફની આદતથી વાકેફ રામ મોહનને સાંભળીને નવાઇ લાગી. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફો. આ ત્રણ શબ્દો એમના કાનના પરદા પર ચોંટી ગયા હતા. એમણે ફોન ઉઠાવીને સેક્રેટરીને કહ્યું: ‘આઇ એમ ઇન એ મીટિંગ. ડોન્ટ ડિસ્ટર્બ.’ ફોન મૂકીને ઊભા થયા: ‘કમ લેટ્સ સીટ એન્ડ ટોક ઇન માય એન્ટ ચેમ્બર.’ બંને ડિફેન્સ સેક્રેટરીની કેબિનની અંદર આવેલી બીજી એક ખાનગી અને ગુપ્ત વાતચીત કરવા માટેની કેબિનમાં ગયા.
‘પાકિસ્તાન ન્યુક્લિયર બોમ્બ બનાવી રહ્યું છે,’ ચીફે બેસતાંની સાથે ધડાકો કર્યો.
‘વોટ?’ ક્યારેય, કોઇ પણ બાબતે ઓવર રિએક્ટ નહીં કરનારા મુત્સદ્દી ડિફેન્સ સેક્રેટરી રામ મોહનના મોંમાંથી નીકળેલા આ શબ્દમાંથી આશ્ર્ચર્યની સાથે ચિંતા પણ ટપકી.
‘યસ, પાકિસ્તાન તેના મરહૂમ વઝીર-એ-આઝમનું ઇસ્લામિક બોમ્બ બનાવવાનું સપનું પૂરું કરી રહ્યું છે.’
રામ મોહનને ચીફની ગુપ્ત માહિતી મેળવવાની કાબેલિયત પર ક્યારેય કોઇ શંકા રહી નથી. એમણે થોડું વિચારીને કહ્યું: ‘ઇન ધીસ કેસ, આ વાત તારે વડા પ્રધાન સાથે શેર કરવી જોઇએ. બિકોઝ યુ આર ડાયરેક્ટલી વર્કિંગ અન્ડર હિમ.’
‘ડુ યુ થિંક, આઇ વિલ બ્રેક ધ પ્રોટોકોલ… મેં એમની સાથે વાત કરી… હું એમને મળીને જ આવું છું.’
‘શું કહ્યું વડા પ્રધાને?’
* * *
ચીફ વડા પ્રધાનને ઇસ્લામિક બોમ્બની ખુફિયા બાતમી આપ્યા પછી એમના અપેક્ષિત પ્રતિસાદની રાહ જોતા બેઠા હતા.
‘હું યોગ્ય પ્લેટફોર્મ પર આ મુદ્દો ઉપાડીશ,’ વડા પ્રધાને ગિરનારની તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલા કોઇ સંત મહાપુરુષની જેમ જવાબ આપ્યો.
‘સર, પાકિસ્તાન ન્યુક્લિયર શસ્ત્રોમાં પાછળ રહેવા માગતું નથી અને સૌથી અગત્યની વાત કે તે આપણને તો ન્યુક્લિયર બોમ્બથી ડરાવવા માગે જ છે, સાઉથ એશિયન દેશો પર પણ પોતાની ધાક જમાવવા માગે છે. એન્ડ સર, ટોપ ઑફ ઇટ… ચીન એને ન્યુક્લિયર ગ્રેડનાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે યુરેનિયમને પ્યોરિફાઇ કરી આપવામાં… એનરિચમેન્ટ પ્રોસેસિંગમાં મદદ પણ કરી રહ્યું છે. મારી પાસે પાક્કી ખબર છે.’
‘હું ડિફેન્સ મિનિસ્ટરને કહીને યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરીશ.’
આખા દેશને હચમચાવી મૂકનારી આવી ગુપ્તચર માહિતી ખુદ આઇઆઇએના વડાના મોઢેથી સાંભળ્યા પછીય વડા પ્રધાનનું લોહી ઊકળ્યું નહીં. ગુસ્સામાં એમની નસો ફુલાઇ નહીં. ચીફ પોતાના પ્રત્યેના એમના પક્ષપાતી વલણથી વાકેફ હતા, એમ છતાં કમસે કમ આ મુદ્દે તેઓ રાગદ્વેષ ભૂલીને પરમિશન આપશે એની અપેક્ષા ચીફને હતી.
‘હું જાણું છું આવી બધી ઊપજાવી કાઢેલી ગુપ્ત બાતમીઓ આપીને તમે મારો વિશ્ર્વાસ જીતવા માગો છો. આમ તો સત્તા પર આવ્યા પછી મેં ક્યારની તમારી બદલી કરી નાખી હોત, પણ થેન્ક્સ ટુ ડિફેન્સ સેક્રેટરી રામ મોહન… યુ આર સ્ટિલ ઇન ધીસ પોઝિશન… એની વેયઝ, તમે શું કરવા માગો છો?’
‘સર, હું મારા એજન્ટોને…’
વડા પ્રધાને વાત કાપી. ‘ના, એવું કાંઇ કરવાની જરૂર નથી. દેશને ખોટા ખર્ચ કરવા પોસાતા નથી.’
* * *
‘મને વડા પ્રધાન સાથે આ વિશે વધુ ચર્ચા કરવાનું યોગ્ય ન લાગ્યું. થેન્ક યુ ફોર યોર ટાઇમ બોલીને બહાર નીકળી ગયો,’ ચીફે ટૂંકમાં રામ મોહનને બ્રીફ કર્યા.
આઇઆઇએ સાથેના સાવકા વર્તન, ચીફ સાથેના પક્ષપાતી વલણ અને પીએમની જડતાથી સુપેરે પરિચિત રામ મોહન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સવિર્સ (આઇએએસ)ના એક ખૂબ જ હોનહાર ઓફિસર છે. ડિફેન્સ સેક્રેટરી તરીકે રાજકીય મંચ અને અમલદારશાહીના તખ્તા વચ્ચે રહીને એક મુત્સદ્દી અધિકારી તરીકેની સમતોલ ભૂમિકા ભજવવામાં માહેર છે. હા, પોતે પણ વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાનના એક મહત્ત્વના જવાબદેહ અધિકારી છે એ વાત પણ ખૂબ સારી રીતે જાણે છે.
‘ઓહ, એટલે તું ગુસ્સામાં છો.’
‘ગુસ્સામાં ન હોવાનું બીજું કોઇ કારણ છે? મને ખબર હતી જ કે એમના તરફથી મને પરમિશન કે પ્રોત્સાહન કાંઇ જ નહીં મળે, પણ મેં એક ચાન્સ લીધો.’
‘નાઉ વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી?’
‘હું મારા એજન્ટોને પાકિસ્તાન મોકલવા માગું છું. ન્યુક્લિયર પ્લાન્ટ ક્યાં છે એની ગુપ્ત માહિતી મેળવવા. આઇ ટ્રસ્ટ યુ ઓન્લી ઇન ધીસ પોલિટિકલ અરીના… એન્ડ યુ નો ધીસ.’
‘ધારો કે… તને બધી ગુપ્ત માહિતી મળી ગઇ પછી શું? વિધાઉટ ધ નોલેજ એન્ડ પરમિશન ઓફ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ડિફેન્સ મિનિસ્ટર તું શું કરીશ?’
‘એ મેં હજી વિચાર્યું નથી, પહેલાં તો મારે છૂપો પ્લાન્ટ ક્યાં છે એની રજેરજની બાતમી મેળવવી છે. વડા પ્રધાને સત્તા પર આવ્યા પછી આઇઆઇએની પાંખો ભલે કાપી નાખી, પણ હું દેશની સલામતી માટે પાંખો વિના પણ ઊંચી ઉડાન ભરી બતાવીશ.’
એ દિવસે મોડી રાતે ચીફે ફોન કરીને કહ્યું કે ‘દુલ્હા પહોંચ ગયા હૈ’ ત્યાર બાદ ડિફેન્સ સેક્રેટરી રામ મોહનની ઊંઘ હરામ થઈ ગઇ હતી. ગોપીનાથ રાવે વડા પ્રધાન અને ડિફેન્સ મિનિસ્ટરની જાણ બહાર ઉઠાવેલા આવડા મોટા જોખમનું પરિણામ શું આવશે? એમણે પાકિસ્તાનમાં ઘુસાડેલા અનામી એજન્ટોની સલામતી કેટલી?
રાહુલ અજાણ્યો નહીં હોવાનો અભિનય કરતો ઇસ્લામાબાદની એક નાનકડી હોટેલમાં ગયો. વેઇટર આવીને ઊભો રહ્યો કે તરત જ એણે નિહારી અને સાથે બે કડક રોટીનો ઓર્ડર આપી દીધો. ભરપેટ આરોગ્યા પછી દાંત ખોતરતો અને કાંઇક વિચારતો બેઠો હતો. વેઇટરે ટેબલ પર બિલ મૂક્યું. રાહુલે બિલની રકમ વાંચ્યા પછી કુતૂહલ ખાતર બિલની પાછળ જોયું. વાંચીને કાઉન્ટર પર બેઠેલા શખસની સામે જોયું. બંનેની આંખો મળી. પછી તરત જ એ પૈસા ગણવામાં બિઝી થઇ ગયો. રાહુલ બિલ લઇને કાઉન્ટર પર ગયો. પૈસા ચૂકવ્યા પછી બિલ ખિસ્સામાં મૂકતાં પૂછ્યું: ‘હાંજી, યે કાદર મંજિલ કહાં હૈ બતાયેંગે.’
‘બાજુ કા બિલ્ડિંગ.’ કાઉન્ટર પરથી ટૂંકો જવાબ મળ્યો. રાહુલ ઝડપભરે નીકળીને બાજુના બિલ્ડિંગમાં ગયો. અંદર પ્રવેશતાં જ એણે ખિસ્સામાંથી બિલ કાઢીને ફરી વાંચ્યું. એ ધીમે ધીમે દાદરા ચડી રહ્યો હતો. એણે જોયું કોઇ શખસ બિલ્લી પગે પીછો કરતો હતો. એ બીજે માળે પહોંચીને પેલા શખસની હિલચાલ જોવા ઊભો રહ્યો. ‘મેરે પીછે આઓ’ બોલતો પેલો શખસ એની બાજુમાંથી પસાર થઇ ગયો. રાહુલ એની પાછળ પાછળ છેક છેવાડાની રૂમ સુધી ગયો. ખુલ્લી રૂમનું બારણું હડસેલી પહેલાં શખસ અંદર ગયો એની પાછળ રાહુલ પ્રવેશ્યો. કબાટમાંથી કપડાની એક જોડ કાઢીને રાહુલ તરફ ફેંકતાં બોલ્યો: ‘કલ સે હોટેલ મેં આ જાના. સુબહ આઠ સે રાત કો આઠ બજે તક.’ આટલું બોલીને એ શખસ ઝડપથી જતો રહ્યો. રાહુલે કપડાં ખોલીને જોયું તો વેઇટરનો યુનિફોર્મ હતો.
માયા લાહોર જતી બસમાં ચડી. બહુ પેસેન્જરો નહોતા. હા, એ બધા અજાણ્યા જરૂર હતા, પણ માયાને દુશ્મનો જેવા બિલકુલ ન લાગ્યા. એણે જોયા એ બધા ચહેરાઓ માસૂમ હતા. એ બારી પાસેની સીટ પર બેઠી. આખી રાતનો ઉજાગરો કોઇ પણ ઘડીએ પોતાની આગોશમાં લઇ લેશે એની સાવચેતી આંખોમાં લઇને એ બારી બહાર જોવા લાગી. સૂરજ તેનું પહેલું કિરણ પાકિસ્તાની સરઝમીન પર પાથરવાની તૈયારીમાં હતો અને લીલીછમ વનરાઇ પર બાઝેલી ઝાકળ સૂર્યના કિરણમાં, એની હૂંફમાં લીન થવા બેતાબ હતી. માયાની આંખો સામેથી નૈસર્ગિક નજારો પસાર થઇ રહ્યો હતો બરાબર એ જ વખતે એની મનની આંખો સામેથી એનો પોતાનો તાજો ભૂતકાળ ફિલ્મની પટ્ટીની જેમ સરકવા લાગ્યો.
માયાના પિતા પ્રીતમ ચૌધરી દિલ્હી પોલીસ ફોર્સમાંથી ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. માયાએ પિતાની નારાજગી છતાં પોલીસમાં નોકરી લીધી હતી. માયાએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં ગુનાખોરીની દુનિયા નિકટથી જોઇ હતી. ખૂનખાર ગુંડા-મવાલીઓને ઝડપીને એનાં હાડકાં ખોખરાં કર્યાં હતાં. એને મજા પડતી હતી ખુફિયાજાળ બિછાવવાની, પીછો કરવાની, ગુનેગારોને પકડવાની, જાસૂસી કરવાની, બાળપણમાં વાંચેલી જાસૂસકથાઓને જીવવાની, પણ આટલાથી એનું મન ભરાતું નહીં… કાંઇક નવું સાહસ કરવાની વૃત્તિ, ધગશ અને મહદંશે ઘેલછા એને ચેનથી બેસવા દેતી નહોતી. નાની ચોરીચપાટી, લૂંટફાટ કે ખૂનખરાબા કરનારાઓ એને મગતરાંઓ લાગતા. આવાં મગતરાંઓને પકડવાથી શું વળે? જીવનમાં કાંઇક મોટું કરી બતાવવાનું સપનું એને જાસૂસીની માયાવી દુનિયામાં લઇ આવ્યું. ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ગુનાખોરીના કેસ ઉકેલવામાં ખૂંપેલી રહેતી માયાએ પિતાનો લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો… આટલું પૂરતું ન હોય એમ અચાનક પિતાને આઇઆઇએમાં જોડાવાની વાત કરીને એમને ચોંકાવી દીધા.
‘મારી મરજી વિરુદ્ધ તું પોલીસ ફોર્સમાં જોડાઇ. હું કાંઇ ન બોલ્યો. હવે તારે વધુ ખતરનાક ખેલમાં પડવું છે. હું રાવને કહીને કેન્સલ કરી નાખીશ. એ મને સારી રીતે ઓળખે છે. એ મારી વાત સમજશે.’
‘ડેડી, તેઓ તમને ઓળખે છે એના કરતાં વધુ સારી રીતે હવે મને ઓળખે છે. એ તમારી વાત નહીં માને. ઊલટું તમને સમજાવશે અને હા, હું તમારી એકની એક દીકરી છું એટલે કોઇને પણ નહીં કહેવાની વાત… ગુપ્ત રાખવાની વાત તમને કહી રહી છું. બાકી હું આ વાત તમારાથી છુપાવી શકી હોત.’
‘પણ આવડું મોટું કદમ ઉઠાવતાં પહેલાં તેં મારો જરાય વિચાર ન કર્યો. હવે મારે શું કરવાનું?’ પિતાનો કાયમ કરડાકીભર્યો રહેતો અવાજ ઢીલો પડી ગયો.
‘મોઢું કઇ રીતે બંધ રાખવું અને કઇ રીતે ખોલાવવું એ વાત એક નિવૃત્ત પોલીસ ઓફિસરથી વધુ સારી રીતે કોણ જાણી શકે? ડેડી, આ વાત આપણા બે જણ વચ્ચે જ રહેવી જોઇએ.’ કહીને માયા નીકળી ગઇ હતી. બાપ-દીકરી વચ્ચેની આ ગુપ્ત વાતચીતના થોડા દિવસ પછી માયાએ અચાનક ડેડીને ફોન કરીને ગુડ બાય કર્યું, પણ ‘મિશન શાદી’ વિશે કાંઇ કહ્યું નહીં અને પિતાએ પૂછ્યું પણ નહીં.
દીકરી દરેક બાપની કમજોરી રહી છે. પોલીસ ઓફિસર રહી ચૂકેલા પ્રીતમ ચૌધરી દીકરી સામે કમજોર બની ગયા હતા, અંદરથી તૂટી ગયા હતા.
‘મોહતરમા, ટિકિટ,’ બસ ક્ધડક્ટરે ટિકિટ પંચ કરવાના મશીનથી ટિક ટિક કર્યું.
‘લાહોર બસ ડેપો,’ પર્સમાંથી પૈસા કાઢીને આપતાં માયા બોલી.
ક્ધડક્ટરે ટિકિટની સાથે એક ચિઠ્ઠી આપી. માયાએ લઇને મુઠ્ઠી ભીડી દીધી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.