મરિયમને એકીસાથે બે ભયે ભરડો લીધો… એક, બાહુપાશમાં જકડાઇ જવાનો અને બીજો, કેમેરો પકડાઇ જવાનો
અનિલ રાવલ
પાકિસ્તાનનો ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર દુબઇ એરપોર્ટ પર ઊતરીને ટેક્સીમાં બેઠો…આસપાસનો નજારો જોતો હતો ત્યાં જ ટેક્સીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો…..ટેક્સીના ફુરચેફુરચા નીકળી ગયા..એરપોર્ટ પર મિનિસ્ટરના નામનું પાટિયું લઇને એનું ભવ્ય સ્વાગત કરવા ઊભેલો શખસ બીજો કોઇ નહીં પણ દિલ્હીમાં ટ્રકથી અજય અહુજાને ઉડાવનાર ડ્રાઇવર ગીરધર હતો… દિલ્હીની ઘટના પછી .ડિફેન્સ સેક્રેટરી રામ મોહને આખો મામલો સૂલઝાવીને ગીરધરને સિફતથી દુબઇ રવાનો કરી દીધો હતો…આ વખતે પણ કબીરે રામ મોહનની મદદથી દુબઇનું કાવતરું ઘડીને અસગરને ઉડાવ્યો હતો.
દુબઇની ઘટનાને મીડિયાએ એક જુદો જ વળાંક આપ્યો હતો. પાકિસ્તાની ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર પાકિસ્તાની સરકારની જાણ બહાર પોતાના કોઇ અંગત શંકાસ્પદ કામસર દુબઇ આવ્યો હતો….અને પોતાના કોઇ અંગત વેરઝેરનું આ પરિણામ હતું…..મીડિયાએ આ પ્રકારના અહેવાલો છાપીને કબીરનું કામ સરળ કરી આપ્યું હતું… પાકિસ્તાની સરકાર સહિત આખી દુનિયાને આ સમાચાર ગળે ઊતરી ગયા હતા. કબીરનો હેતુ સાફ હતો….ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર પાસેથી મહત્ત્વની વાત જાણી લીધા પછી….બત્રાનો જીવ જોખમાય નહીં એટલા ખાતર એને રસ્તામાંથી હટાવવો. ગીરધરે ટેક્સી ધડાકા પછી કાઠમંડુની ફ્લાઇટ પકડી લીધી હતી.
****
મરિયમે ડૉ. ઝકરિયા સાથેના સંબંધને ખોટી હવા આપવાનું ચાલુ રાખ્યું. અવારનવાર કોઇને કોઇ બહાને ડૉ. ઝકરિયા મરિયમને મળવા બોલાવે…એના માટે મોંઘીદાટ ભેટસોગાદ લાવે…મરિયમ શરમાઇને…ના ના કહેતી જઇને ભેટ લઇને ઘરે જતી. મરિયમને આ બધી મુલાકાતોથી સંતોષ નહતો થતો….કેમકે ડૉ. ઝકરિયા ન્યુક્લીઅર બોમ્બ બનાવવા પાછળનું મૂળ ભેજું હોવાની વાતનો કોઇ સબળ પુરાવો એના હાથ લાગતો નહતો…મરિયમ સતત એની ફિરાકમાં રહેતી. એવામાં એક દિવસ ડૉ. ઝકરિયાએ મરિયમને સાંજ પછી પોતાની ઓફિસમાં બોલાવી. સાંજે બોલાવવા પાછળના ઝકરિયાના ઇરાદાને ઓળખી ગઇ, પણ એને થયું કે આ મોકો જતો કરવા જેવો નથી. એ ઝટપટ તૈયાર થઇને પહોંચી ગઇ….જુનવાણી ઇમારતના દાદરા પર અને ઓફિસના બીજા માળે પુરાતત્વ ખાતાની ઓફિસમાં હોય એવા પીળો પ્રકાશ ફેંકતા બલ્બ ચાલુ હતા. ઓફિસમાં ભાગ્યે જ કોઇ સ્ટાફ હશે…અને જે હશે એ જતા રહ્યા હશે, મરિયમને જરા થડકો બેઠો…જોખમ ઉઠાવીને પહોંચેલી મરિયમે એક બંધ કેબિનના દરવાજા પર બે ટકોરા માર્યા.
‘આવતી રહે.’ ડૉ. ઝકરિયાનો પ્રેમભર્યો આવકાર સંભળાયો…મરિયમે હળવેકથી દરવાજો ખોલ્યો.
‘વેલકમ..વેલકમ, વેલકમ..’ ઝકરિયા ત્રણવાર બોલ્યો…..
‘ઓહોહોહોહ…શું વાત છે…ત્રણવાર વેલકમ..?’
‘આપણામાં ત્રણવારનું મહત્ત્વ છેને…બેસ.’
‘આજે કોફી શોપને બદલે અહીં આવી ઉદાસીન બેજાન જગ્યામાં કેમ?’ મરિયમ પોતાને અહીં બોલાવવા પાછળના ઝકરિયાના ઇરાદાને લઇને ગૂંચવણમાં હતી.
‘તને બેજાન લાગતી જગ્યા મારી તો આ જાન છે જાન.’
‘મરિયમ હસી પડી’જાન.? આ ખખડધજ ઇમારત તમારી જાન?’
‘હું જે કાંઇપણ છું એ આ ઓફિસને લઇને…..આ જગ્યા મને બહુ ફળી છે..અને તું મને મળી’
પણ અહીં કોફી નહીં મળેને?
કોફી સિવાય બીજું પણ છે’
‘શું..?’
હું.
મરિયમ ફફડી ઊઠી….એણે આસપાસ નજર કરી…આ માણસનો ઇરાદો નેક નથી લાગતો…
‘આઇ મીન….હું તને મારા હાથની બનાવીને પીવડાવીશ’ ઝકરિયાએ સુધારીને બોલવાનું શરૂ કર્યું. ઓફિસમાં ‘અમે જાતે જ ચા-કોફી બનાવીએ….તું બસ, હું કોફી બનાવી આવું’ ઝકરિયા ઊભો થઇને ઓફિસની છેક છેવાડે ગયો….એ દેખાતો બંધ થયો એટલે મરિયમ ઝડપભેર ઊભી થઇ…ટેબલના ખાના ખોલવાની કોશિશ કરી….લોક હતા. એણે માથામાંથી હેર પીન કાઢીને ખાનું ખોલ્યું..એકપછીએક ફાઇલ ખોલીને ફફડતા હૈયે વાંચવા લાગી…પર્સમાંથી નાનો લાઇટર જેવડો કેમેરા કાઢીને ક્લિક કરવા માંડી…વચ્ચે વચ્ચે બહાર નજર ફરવી લીધી. હવે કોઇપણ ઘડીએ ઝકરિયો આવી જશે…પણ લાલચ રોકી ન શકી…એણે શક્ય એટલું ખચાક…ખચાક કરીને ફોટા ફાડ્યા. ઝકરિયાના આવવાના અવાજથી એણે ઉતાવળે કેમેરો પર્સમાં મૂકવાને બદલે બ્રામાં સરકાવી દીધો..ફાઇલો ખાનામાં ધકેલી..લોક કરીને બેસી ગઇ
‘કોફી તૈયાર હૈ’ ઝકરિયા હાથમાં ટ્રે સાથે પ્રવેશ્યો.
કોફી શોપ જેવી નહીં જ હોય, પણ મેં બનાવી છે….એટલે ટેસ્ટી હશે જ’ એણે ટેબલ પર ટ્રે મૂકી…પોતે પણ ગોઠવાયો.
મરિયમ હજી શ્ર્વાસ લઇ રહી હતી. એ જોઇને ઝકરિયા મનોમન બોલ્યો: ‘મને જોઇને તારું દિલ ધક ધક થાય છે?’ ઝકરિયાના દિલના ધબકારા વધી ગયા …કદાચ એને કોઇ ખોટો સંકેત મળ્યો…એ મરિયમને બાહુપાશમાં જકડી લેવા ઊભો થયો….કિસ કરવાની કોશિશ કરી…..બે હાથ એની છાતી પર મૂકવા માટે લંબાવ્યા…..મરિયમની છાતીના ઊભાર વચ્ચે કેમેરા હતો મરિયમને એકીસાથે બે ભયે એને ભરડો લીધો..એક, બાહુપાશમાં જકડાઇ જવાનો અને બીજો કેમેરો પકડાઇ જવાનો…એની છાતીના પાટિયાં બેસી ગયા….એણે નખરાળી નજરને રમાડતા રમાડતા ઝકરિયાના હાથ પાછા હડસેલ્યા…ઝકરિયાને ફરી ખોટો સંકેત મળ્યો.
કબૂલ હૈ…કબૂલ હૈ….કબૂલ હૈ…..ઝકરિયા બોલ્યો.
તલાક…તલાક તલાક….સાંભળીને ઝકરિયા ઝંખવાણો પડી ગયો…એ બેચારવાર સોરી બોલી ગયો…
મરિયમ મીઠો છણકો કરીને ઝડપથી નીકળી ગઇ. ઝકરિયાને ગુમાવવો એને પોસાય એમ નહતું અને જાન પણ બચાવવી હતી. એને દાદરા ઊતરતા હાશકારો થયો…હાશ, બાહુપાશમાં જકડાઇ નહીં…ફોટા પાડતા પકડાઇ નહીં…મૂઆએ છાતી પર હાથ મૂકી દીધો હોત તો…
મરિયમે ઘરે પહોંચીને બેગમ સાહેબાના હાથમાં કેમેરો મૂકતા કહ્યું: ‘એક ગુપ્ત ખજાનો હાથ લાગ્યો ને બીજો મૂલ્યવાન ખજાનો લૂટાતા બચી ગયો.’
****
રાહુલ ઉર્ફ રહેમત મિયાં ઉર્ફ ખાનસામા મિલિટરી ઇન્ટેલિજન્સના ટોચના ઓફિસર કેપ્ટન અખ્તર હુસેનના ઘરમાં રસોયો બનીને ગોઠવાઇ ગયો છે….એ રસોઇ ઉપરાંત કેપ્ટનનું બીજું બધું કામ કરતો હતો…..અને ધીમે ધીમે એનો વિશ્ર્વાસુ માણસ બની ગયો હતો. કેપ્ટન એક અકેલો અલ્લાહ હતો. ના બીવી ના બચ્ચા..ના કોઇ જવાબદારી…એટલે ક્યારેક તો એ બબ્બે દિવસ સુધી ઘરે ન આવે…ન એના કોઇ સમાચાર આવે…..અચાનક આવે અને અચાનક જતો રહે….રાહુલને હજી સુધી ખબર નથી પડી કે કેપ્ટનની અસલિયત શું છે અને શું કરે છે.
‘અચાનક એક દિવસ કેપ્ટને આવીને રાહુલને કહ્યું કે હમારા તબાદલા હુઆ હૈ….તૈયારી શુરુ કર..’
‘જી જનાબ’ કહેવા સિવાય બીજું કાંઇ પૂછવાની રાહુલની ક્યારેય હિંમત થઇ નહતી.. છતાં એ દિવસે એણે હિંમત કરીને પૂછ્યું: ‘જનાબ તબાદલા કહાં હો રહા હૈ.?’
‘જંગલ મેં’ કેપ્ટન જલ્લાદ જેવું હસ્યો. રાહુલે આગળ પૂછવાનું ટાળ્યું.
****
મહેશ રોજ રાતે ચાચા-ચાચી સૂઇ જાય એટલે તબરોઝાના એ રહસ્યમય લશ્કરી મથકને શોધી કાઢવા ને એમાં શું ચાલે છે એ જાણવા નીકળી પડતો….પણ કાંઇ ખાસ માહિતી કે જાણકારી મળતી નહીં….એને થયું કે મથકની અંદર ઘૂસ્યા વિના એમાં શું ચાલે છે એની ખબર નહીં પડે…..એણે એક રાતે મિલિટરીના એ માર્ગ પર ખિલ્લા બીછાવી દીધા.ને પોતે ઝાડની આડમાં ઊભો રહી ગયો. મિલિટરીની એક ટ્રક પસાર થઇ….અને થોડ દૂર જઇને ઊભી રહી…મહેશનો કીમિયો કામ કરી ગયો.,….એણે ટ્રક પર નજર ટેકવી રાખી. ડ્રાઇવરે ઊતરીને ટાયર ચેક કર્યા…જમણી બાજુના આગલાં ટાયરમાં પંક્ચર હતું..
જનાબ, ટાયર બદલના હોગા’
આગળ બેઠેલો કેપ્ટન કૂદીને બહાર આવ્યો.‘ઠીક હૈ’ કહીને એણે ટ્રકને થપથપાવી….સાંભળીને રાહુલ બહાર આવ્યો….રાહુલે પંક્ચર પડવાનો અવાજ સાંભળી લીધો હતો, પણ કેપ્ટન હુકમ ન કરે ત્યાં સુધી બહાર નહીં આવવાનું ફરમાન હતું.. એણે બહાર આવતા જ કહ્યું: ‘મૈં મદદ કરું જનાબ.?’
‘ખાનસામા, તું મુરગે કી ટાંગ પકડ કર પકાને વાલા..ટાયર પકડેગા?’
‘જનાબ…આઝમા લિજિયે.’
કેપ્ટને ઇશારો કર્યો…રાહુલ હાથમાં ટોર્ચ લઇને ટાયર બદલનાર પાસે ઊભો રહ્યો.. કેપ્ટન એક મોટા પથ્થર પર બેસીને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા હબીબ અન્સારીનો વિચાર કરવા લાગ્યો.‘હરામખોરે વઝીરે આઝમને કહીને પોતાનું પત્તું કાપી નાખ્યું…બદલી કરાવી નાખી…આ જંગલમાં.. ખુદ સે કૂછ હોતા નહીં…ઔર મૈં કર રહા થા…તો મુઝે રાસ્તે સે હટાયા…દેખ લુંગા તુઝે અન્સારી.’
દૂર અંધારામાં ઝાડની પાછળ ઊભો રહીને જોઇ રહેલા મહેશને કોઇના ચહેરા દેખાયા નહીં…એ અંધારાનો લાભ લઇને લપાતાછુપાતા ટ્રકમાં ચડી જવા માગતો હતો અને એટલે જ એણે પંક્ચર પાડ્યું હતું. પણ ટ્રકમાં કદાચ કોઇ બેઠું હશે તો….ના..કોઇ જ નહીં હોય…કેમકે થપથપાવાનો અવાજ થયો પછી ટ્રકમાંથી એક જ માણસ બહાર આવ્યો….જે ટાયર બદલવામાં મદદ કરે છે….અને બીજો સાઇડ પર બેસી ગયો છે. મોકો છે..આવી તક ફરી નહીં મળે…એ આગળ વધ્યો…સૂકા પાંદડાનો અવાજ ન આવે એ રીતે…ટ્રકની પાછળ જઇને ઝાડા કપડાના પરદાને હટાવીને અંદર ગરકી ગયો.
ટાયર બદલાઇ ગયું. ડ્રાઇવર સ્ટીયરિગ હાથમાં લીધું. કેપ્ટન અંદર આવ્યો…ને રાહુલ પાછળથી ટ્રકમાં ચડ્યો. સામે મહેશ રિવોલ્વર તાકીને બેઠો હતો. એણે ચૂપ રહેવાનો ઇશારો કર્યો.. રાહુલે હાથમાંની ટોર્ચ કરી….મહેશના ચહેરા પર પ્રકાશ રેલાયો…
‘તું..અહીં.?’ રાહુલ ધીમા પણ તીવ્ર અવાજે બોલ્યો.
‘હા….આ તબરોઝા ગામનું જંગલ છે…વન વિભાગની જમીન પર પાકિસ્તાની સરકારનો ન્યુક્લીઅર પ્લાન્ટ હોવો જોઇએ એવું કબીરનું માનવું છે. હું એ શોધવા આવ્યો છું’
‘તને ખબર નથી આ શેનું મથક છે એ..?’
‘ના…મારો સાહેબ કાંઇ કહેતો નથી.’
‘તું શું કરે છે અહીં.?’
‘આગળ બેઠો છે એ લશ્કરનો મોટો સાહેબ છે અને હું એનો રસોયો….એની બદલી થઇ છે’
‘તો.. તો…અંદર શું ચાલે છે એની આજે નહીં તો કાલે તને ખબર પડશે.’ રાહુલ બોલ્યો ને અચાનક ટ્રક ઊભી રહી…ડ્રાઇવર ઊતર્યો.
‘તું આ જ ટ્રકમાં પાછો જતો રહે….અહીં તારો જીવ જોખમમાં છે…આ એરિયા પ્રતિબંધિત
લાગે છે…હું તને ગામમાં આવી મળીશ…મોકો મળશે તો’
‘ધોબીની દુકાન યાદ રાખજે….મેઇન બજારથી આગળ એક ગલીમાં છે.’
બંનેએ જલ્દીથી વાતો પતાવી…
‘અબે બહાર આ…સમાન ઉતારના હૈ’ ડ્રાઇવર પરદો ઊંચકીને અંદર જુએ એ પહેલા રાહુલ ટ્રકમાંથી રીતસર કુદ્યો…
‘માફ કરના ઝરા નીંદ લગ ગઇ થી.’
‘વો ક્વાર્ટર હૈ સા’બ કા.’ ડ્રાઇવરે કહ્યું…
‘કોઇ બાત નહીં જી, મૈં સારા સમાન ઉતાર લુંગા.’
ડ્રાઇવરને એટલું જ જોઇતું હતું…અને રાહુલ પણ ઇચ્છતો હતો. એણે ઝડપથી સામાન ઉતારવાનું શરૂ કર્યું. સામાન બહુ ન હતો…થોડીવાર પછી ડ્રાઇવરને વિદાય કરતી વખતે કહ્યું: ‘સંભાલ કર જાના…કહીં પંક્ચર ન હો જાયે.’
પંક્ચરવાળા વળાંકે ટ્રક પહોંચી…વળાંક લેતી વખતે સહેજ ધીમી પડી કે તરત જ મહેશ કૂદીને બહાર નીકળી ગયો…..ટ્રક આગળ જઇને ઊભી રહી ગઇ. મહેશને શંકા ગઇ…એ ઝાડની ઓથે ઊભો રહી ગયો. ડ્રાઇવરે ઊતરીને જોયું…ટાયર પંકચર હતું….એને શંકા ગઇ…એણે ટોર્ચથી જમીન પર પ્રકાશ ફેંક્યો….એ ખિલ્લો ઊંચકીને બોલ્યો: ‘ઇસ બાર ભી પંક્ચર….કોઇ તો હૈ..’
એણે ઝડપથી ચારે તરફ ટોર્ચ ફેરવી….મહેશ ઝાડની પાછળ લપાઇ ગયો….ડ્રાઇવર ઝાડ તરફ આગળ વધ્યો…