‘એટલું યાદ રાખ… અલ્લાહ પરથી જેનો ભરોસો ઊઠી જાય છે એ આ દુનિયામાંથી વહેલો ઊઠી જાય’
અનિલ રાવલ
કિસ્મતનો ખેલ નીરાળો છે….મહેશની સામે ઊભેલાં સ્ત્રી અને પુરૂષ સલામતઅલીના ચાચા સુલેમાન અને ચાચી ફાતીમા નીકળ્યાં. સલામતઅલી ભવિષ્યમાં મિશન શાદી પાછળનું રહસ્ય ખોલી દેશે એવી શંકાને લઇને મહેશે સલામતનું મોઢું બંધ કરી નાખ્યું હતું. ચાચા-ચાચીને એ ખબર નથી કે પોતાની દુકાનની બહાર પાટિયા પર સૂતેલો માણસ પોતાના સગ્ગા ભત્રીજાનો હત્યારો છે અને મહેશને જાણ નથી કે મિશન શાદી પાર પાડવામાં જેની મદદ લીધી હતી એ સલામતઅલીના આ ચાચા-ચાચી છે. મહેશનો ઇરાદો રિયાઝને પતાવી દીધા બાદ કોઇ અજાણ્યા ગામે છૂપાઇ જવાનો અને કબીરે કહેલા તબરોઝા ગામને શોધીને તેની પર નજર રાખવાનો હતો.. મહેશ આંખો ચોળી રહ્યો હતો, પણ એના કાને પડેલાં શબ્દો ગુજરાતીમાં હતા. ફાતીમાએ ફરી એ જ સવાલ કર્યો.‘કોણ છે આ માણસ.?’
‘માફ કરજો…હું ગામમાં નવો છું. કામ ધંધાની શોધમાં ભટકું છું…રાતની મુસાફરી કરીને બહુ થાક્યો હતો એટલે અહીં જ સૂઇ ગયો.’ મહેશે ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. દુનિયાના કોઇપણ ખૂણામાં પોતાની બોલી બોલનારો તરત જ પોતીકો બની જાય. એમાં ય જો હમવતની હોય તો આંખ મીંચીને ભરોસો મૂકવાની શરૂઆત થાય.
‘કાંઇ વાંધો નહીં ભાઇ. હજી થોડા દા’ડા પહેલા અમું પન નવા હતા. અલ્લાહની મહેરબાનીથી ધોબીની દુકાન થઇ ગઇ.’
સુલેમાન ફાતીમાને મોઢું બંધ રાખવાનો ઇશારો કરે એ પહેલાં ફાતીમાનું ભોળપણ બોલી ઉઠ્યું. એણે દુકાન ખોલીને ઝાપટઝુપટ શરૂ કરી. મહેશ દુકાનની બાજુમાં દઇને ઊભો રહી ગયો.
તું અંદરથી કોયલા લાવીને ઇસ્ત્રીમાં ભરવા લાગ..હું કામ શરૂ કરી દઉં.’
ફાતીમા ગઇ ને ધગધગતા કોલસાની સાથે ચાના પ્યાલા લાવી.
લે ભાઇ તું પન પી લે.’ એણે મહેશની સામે ચાનો કપ ધર્યો.
ના, ના….તમે પીઓ.’ મહેશે હાથ જોડ્યા.
અરે ભાઇ પી લે…ચાની ના નો પડાય.’ સુલેમાને ખચકાતા મને કહ્યું. પોલીસથી બચવા એમણે રાતોરાત ઉચાળા ભરવા પડ્યા ને કોઇ ઓળખે નહીં એવા સાવ અજાણ્યા ગામમાં વસવાટ કરવો પડ્યો એથી એનું મન કોઇના પર જલદી ભરોસો કરતા અચકાતું હતું. એનો ઇરાદો મહેશને ચા પીવડાવીને ત્યાંથી રવાનો કરી દેવાનો હતો.
મહેશે ચાના પ્યાલાને બે હાથની વચ્ચે પકડીને ગરમાટો લેતા હળવો ઘૂંટડો ભર્યો. સુલેમાન ઇસ્ત્રીમાં કોલસા ભરવા લાગ્યો.
‘ભાઇ, તમારું વતન કયું.?’ ફાતીમાએ કપડાં પર પાણી છાંટતા પૂછ્યું.
‘કચ્છનું રાપર…મારું વતન.’ અનાયાસે મહેશના મોંમાંથી શબ્દો નીકળ્યા ને સુલેમાનના હાથ પર અંગારા મારતો કોલસો પડતા રહી ગયો. કપડાં પર પાણીનો છંટકાવ કરતા ફાતીમાના હાથ થંભી ગયા. બંનેએ એકબીજાની સામે જોયું.
‘અંદર આવ.’ સુલેમાને મહેશને દુકાનની અંદર બોલાવ્યો. મહેશને કાંઇ સમજાયું નહીં. એ બહાર આવવા-જવા માટેનું પાટિયું ઊંચકીને અંદર ગરક્યો.
તું સરહદ પાર કરીને આવ્યો છે.?’ સુલેમાને પૂછ્યું.
‘હા..’ સુલેમાન અને ફાતીમાના ભૂતકાળથી સાવ અજાણ મહેશે છૂપાવા માટેનો આશરો શોધવાના ઇરાદે કહાની ઘડવાની શરૂઆત કરી.
‘તું ક્યારે આવ્યો.’
‘તારું નામ શું છે.?’
‘પાકિસ્તાન આવવા પાછળનું તારું મકસદ શું હતું.?’
‘તને આ ગામમાં જ આવવાની કેમ ખબર પડી.?’
‘તને કોણે મોકલ્યો છે.?’
સુલેમાન અને ફાતીમાએ સવાલોની ઝડી વરસાવી. મહેશ બંનેની સામે વારાફરતી જોવા લાગ્યો. અચાનક આટલી બધી પૂછપરછ કરનારાનું જરૂર કોઇ રહસ્ય હોવું જોઇએ. એણે મનઘડંત કહાની કહેવાની શરૂઆત કરી.
‘હું ગયા જૂન મહિનામાં ઘૂસ્યો. મારૂં નામ ઉસ્માન છે. પાકિસ્તાનની તસ્લીમ નામની એક છોકરી મને રાપરમાં એક શાદીમાં મળી…અમે પ્રેમમાં પડ્યા. એણે મને પાકિસ્તાન આવી જવા લલચાવ્યો…હું પૈસા વેરીને અહીં તો આવ્યો પણ ન છોકરી મળી…ન એનો કોઇ પત્તો મળ્યો….હું પાછો જઇ શકતો નથી અને અહીં રહી શકતો નથી… દરદર ભટકી રહ્યો છું…અને ભટકતો ભટકતો અહીં આવી પહોચ્યો.. મને કોઇએ અહીં મોકલ્યો નથી. હું કોઇને ઓળખતો નથી અને કોઇ મને ઓળખતું નથી આ મારી દુ:ખભરી કહાણી છે.’
ફાતીમા ચાચીનું દિલ પીગળી ગયું. સુલેમાન ચાચાએ દુનિયા થોડી વધુ જોઇ હતી…એણે એક સવાલ કર્યો.
‘પાંચ વાર નમાઝ પઢે છે.?’
‘ના,’ મહેશે ફટ દઇને ચોંકાવનારો જવાબ આપ્યો.
‘એટલું યાદ રાખ…અલ્લાહ પરથી જેનો ભરોસો ઉઠી જાય છે એ આ દુનિયામાંથી વહેલો ઉઠી જાય છે.’
સુલેમાન અને ફાતીમાને મહેશમાં પોતાનો ભત્રીજો સલામતઅલી દેખાયો. બંનેએ અંદર જઇને થોડી ગૂફ્તેગુ કરીને મહેશને આશરો આપવાનો નિર્ણય લીધો. ત્યારે કોઇને અંદાજ ન હતો કે ઇન્સ્પેકટર જાવેદે સુલેમાન અને ફાતીમાને શોધવા છુટ્ટો મૂકેલો સલીમ ઉર્ફ સલીમડા નામનો શ્ર્વાન સુંઘતો સુંઘતો તબરોઝાની સીમમાં પ્રવેશી ચૂક્યો હતો.
****
ડૉ. ઝકરિયા ફાઇવ સ્ટાર હૉટેલની કોપી શોપમાં મરિયમની રાહ જોતો બેઠો હતો. ઘણીવારે એક બુરખાધારી સ્ત્રી અચાનક એની સામે આવીને ઊભી રહી ઝકરિયા કાંઇ કહે એ પહેલાં સ્ત્રીએ રૂખ પરથી હિજાબ હટાવીને પોતાનું ચાંદ જેવું મુખડું બતાવ્યું….ખિલખિલ કરતી મરિયમે આદાબ અર્ઝ હૈ કહ્યું. ઝકરિયા બેતાબ હતો…..તડપતો હતો આ જલવો જોવા. એ ઊભો થઇ ગયો.
‘ઓહોહો….તું અને બુરખામાં?’
સર, બુરખો એટલા માટે પહેર્યો કે હું તમારી બેતાબી જોઇ શકું, પણ તમે મારા એક્સપ્રેસન જોઇ ન શકો.’ માયાએ ખુરસી પર બેસતાં કહ્યું.
‘સ્માર્ટ ગર્લ…શું જોયું મારા ચહેરા પર તેં..?’
‘આકર્ષણ…છોકરીને જોઇને એક યુવાનના ફેસ પર જે જોવા મળે તેવું આકર્ષણ.’
માયાએ થોડો સારો શબ્દ વાપર્યો… હકીકતમાં એ એવું કહેવા માગતી હતી કે ઝકરિયા, તારા ચહેરા પરથી હવસની લાળ ટપકતી હતી.
‘હા, આકર્ષણ તો ખરું જ…પહેલી નજરે બહુ ઓછા લોકો ગમી જતા હોય છે….તું ગમી ગઇ.’
‘સર, મને પણ તમે એક સૌમ્ય, ભણેલાગણેલા ઇન્સાન તરીકે ગમી ગયેલા. બાકી હું ભલે લંડનમાં જન્મી..ઊછરી, પણ પાકી પાકિસ્તાની રૂઢીચુસ્ત છું.’
એરપોર્ટ પર મોડર્ન ડ્રેસમાં સજજ જોયેલી છોકરીએ આવી વાહિયાત વાત કરી. ઝકરિયાએ આ સાંભળીને હળવો ધક્કો લાગ્યો.
આધુનિકતાનો અંચળો ઓઢનાર દરેક વ્યક્તિ રૂઢીવાદી જ હોય છે…હું દેશી માણસ જ છું.. ભણ્યો વિદેશમાં… ઘણો વખત રહ્યો વિદેશમાં, પણ પાછો આવીને વતનની સેવા કરું છું.’
ઓહ…મને વતનને પ્રેમ કરનારા લોકો બહુ ગમે. હું પણ દેશપ્રેમી છું. તમે કઇ રીતે દેશસેવા કરો છો.?’
સવાલ સાંભળીને ઝકરિયાએ વિષય બદલ્યો. ’દેશસેવાની વાત પછી પહેલાં એ કહે શું ખાવું-પીવું છે.?’
‘સર, માત્ર કૉફી લઇશ.’
ઝકરિયા બે કૉફીનો ઓર્ડર આપીને વિચારતો રહ્યો કે આ રૂઢીચુસ્ત છોકરીને કઇ રીતે પોતાની પ્રેમજાળમાં ફસાવવી…જોકે માયાને ગળા સુધીની ખાતરી થઇ ચૂકી હતી કે ઝકરિયો લપેટમાં આવી ગયો છે અને એ જે દેશસેવાના બણગાં ફૂંકે છે એની વાત એ ખુદ નહીં કરે, તરકીબથી જ જાણી શકાશે. અને એ તરકીબ દરેક સ્ત્રી પાસે હોય છે.
****
ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર મોહમ્મદ બડો ચાલાક રાજકારણી હતો…એણે નકશામાં બતાવેલી જગ્યા અપાવવાનું ગાજર કબીરને બતાવ્યું હતું… એની નિયતમાં ખોટ હતી…એ જગ્યા અપાવવાને બહાને પૈસા કઢાવવા માગતો હતો. અખાતી દેશમાં જઇને જલસા કરવા માગતો હતો. જોકે કબીરનો આશય પણ ક્યાં જગ્યા ખરીદવાનો હતો. બંને ચેસ રમી રહ્યા હતા. અને કોણ કોને ચેકમેટ કરશે એનો ફેંસલો પણ જલદીથી આવી જશે.
એવામાં એક દિવસ અસગર મોહમ્મદનું તાકીદે મળવાનું કબીરને કહેણ આવ્યું. અગર રૂપિયા હૈ તો બાત આગે ચલેગી વરના ભૂલ જાઓ.’ કબીરે જવાબ આપ્યો: ‘ઇતની બડી બાત ખડે ખડે નહીં હોતી…બૈઠ કર બાતેં કરો તો કૂછ હલ નિકલે.’
****
સુલેમાન ચાચા અને ફાતીમા ચાચીને સલામત અલીના સ્વરૂપમાં ઉસ્માન મળી ગયો. મહેશ એ ઘરમાં સલામત થઇ ગયો…હવે એ તબરોઝાની મિલિટરી હિલચાલ પર ચાંપતી નજર રાખવા લાગ્યો….બેત્રણ દિવસ પછી એણે લોકલ ફોનબૂથ પરથી કબીરને ફોન કરીને કોડવર્ડમાં કહ્યું: ‘મંડી સે રોઝ માલ ટ્રક મેં આ રહા હૈ….હાં બરાબર પહોંચ રહા હૈ…મેરી ગિનતી ચાલુ હૈ…હિસાબ બરાબર દેતા રહુંગા’
‘ક્યા કહા… માલ કૈસા હૈ..’
‘વો તો દેખ કર કેહ પાઉંગા. દેખને મેં તો ભારી અચ્છા લગતા હૈ… કલ ચેક કરતા હું…’
બીજે દિવસે રાતે ચૂપચાપ મહેશ નીકળી પડ્યો. એણે જરા વધુ આગળ જઇને તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ખૂબ જ સાવધાનીથી એ આગળ વધ્યો….એક મોટી ફેક્ટરી જેવી કોઇ ઇમારત જોઇ. એક બોર્ડ વાંચ્યું. ખબર પડી કે એ પ્રતિબંધિત વિસ્તારમાં જઇ ચડ્યો. હતો….થોડે જ દૂર મિલિટરીનો કડક જાપ્તો હોવાનું સમજાયું. બસ હવે આનાથી વધુ આગળ જવું જોખમી હતું. એ પાછો ફર્યો. બીજે દિવસે એણે કબીરને ફોન કર્યો.
મેરા તો મક્કા મદિના ઇધર હી હૈ…બસ થોડા કર્ઝ ઉતર લું તો હજ હો ગઇ સમજો.’
કબીરે કોડની ભાષા ઉકેલી હતી.રોજ મિલિટરીની ટ્રકોમાં કોઇ સામાન આવે છે. ભારે સામાન હોય એવું લાગે છે. એ હિસાબ રાખે છે અને ફોન કરીને જણાવતો રહેશે. છેલ્લી વાત ખૂબ જ મહત્ત્વની હતી…કે કોઇ મોટું મથક છે… અંદર શું ચાલી રહ્યું છે એની ખબર પડે તો સમજો કે હજની યાત્રા સફળ થઇ ગઇ.’ કબીરની નજર સામે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરે મૂકેલા નકશાની લાલ બોર્ડર તરવરવા લાગી.
****
કબીરના સંદેશા પછી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરે ઉતાવળે મિટિંગ કરી. એ વખતે કબીર એકલો હતો. બંને સીધા મુદ્દા પર આવ્યા.
‘આપકો વહી જગહ ક્યું ચાહિયે..?’
‘મુઝે માલુમ નહીં મેરે દોસ્ત લોગ કો ખરીદની હૈ’
‘વહાં કોઇ ખરીદ નહીં સકતા…’
‘ક્યું નહીં ખરીદ સકતા? પૈસા બોલો’
‘ક્યું કી વહા હમારી સરકાર કા કૂછ ખાસ પ્રોજેક્ટ…’
‘કબીર જે બોલાવવા માગતો હતો..જે જાણવા માગતો હતો એ અસગરના મોઢામાંથી નીકળી ગયું….મહેશની તપાસમાં દમ હોવાનું લાગ્યું.’
‘હમેં વો ગ્રીન બોર્ડર વાલી જગહ ચાહિયે’
‘વો જગહ કા પૈસા બહુત હોગા.’ અસગરને ક્યાં વેંચવી હતી…એની નજર તો ગલ્ફમાંથી આવનારા પૈસા પર હતી. કબીરને લેવી પણ ક્યાં હતી….જોકે ખરી મુસીબત હવે શરૂ થવાની હતી. કબીરના ખિસ્સા ખાલી હતા….ભારત સરકાર કોઇ ખર્ચ ઉઠાવતી નહતી…ગોપીનાથ રાવે પૈસાનો માંડ થોડો જુગાડ કર્યો હતો. બીજી સમસ્યા બત્રાની હતી….બત્રાએ મિટિંગ ગોઠવી હતી….હવે જો સોદો પાર ન પડે અથવા તો કોઇ અટકી પડે અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગરને ખબર પડી જાય તો પોતાનો તો ઠીક પણ બત્રાનો જીવ જોખમમાં મૂકાય જાય…કબીર કોઇ કાળે એવું ઇચ્છે નહીં. આમછતાં કબીર અસગરને તાણવા માગતો હતો…એની ઔકાત જાણવા માગતો હતો.
‘બહુત મતલબ કિતના પૈસા?’ એણે પૂછ્યું.
‘દસ લાખ યુએસ ડોલર…પાકિસ્તાની કરન્સી કે હિસાબ સે કરીબ કરીબ ૨૬ કરોડ હોતા હૈ….મુઝે ૨૫ કરોડ ચાહિયે…દસ કરોડ એડવાન્સ….વો ભી મૈં કહું વો ફોરેન બૅંક મેં….બાકી કામ હોને કે બાદ.’
ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પાકું હોમવર્ક કરીને આવ્યો હતો. કબીરે બધી ગણતરી માંડી લીધી.
‘આપ ફાઇલ તૈયાર કરો.. મેરી એક દરખ્વાસ્ત હૈ….કી આપ ખુદ ચલે જાઓ દુબઇ..પૈસોં કે સાથે જન્નત કી હુર ભી આપકા ઇન્તેજાર કરતી હૈ. મૈં બાકી સબ ઇન્તેજામ કરતા હું’
અસગરને અગાઉ કબીરે કરેલી જન્નતની હુરની વાતથી ગલીપચી થવા લાગી.
‘કરો બંદોબસ્ત,’ .અસગરે કહ્યું અને કબીર ઊઠીને હૉટેલના કાઉન્ટર પરથી ફોન લગાડવા ગયો.. થોડીવારે આવીને કહ્યું: ‘બાત હો ગઇ હૈ…આપ કલ હી ચલે જાઇએ..એરપોર્ટ પર મેરા એક બંદા રિસિવ કરને આયેગા.’
****
બીજે જ દિવસે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર દુબઇના એરપોર્ટ પર ઉતર્યો…એક માણસ એના નામનું પાટિયું લઇને ઊભો હતો. મિનિસ્ટર એની સાથે ગયો. પેલા માણસે આલીશાન કારનો દરવાજો ખોલી આપ્યો. મિનિસ્ટર ગોઠવાયો કે તરત પેલા માણસે કહ્યું: ‘આપ ચલિયે જનાબ..મૈં પીછે કી ગાડી મેં હું.’
મિનિસ્ટર નજારો જોતો થોડે આગળ પહોંચ્યો ને એની કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો..
ક્રમશ: