‘મરિયમ જાદૂ કરી ગઈ. તડપાવી રહી છે. તડપ અને તલબમાં જે મજા છે એવી બીજા કશામાં ય નથી’
અનિલ રાવલ
બે અલગ અલગ પ્રકારના મેસેજથી આઇબીના ચીફ હબીબ અન્સારીનું બોઇલર ગરમ હતું. કેબિનમાં આંટા મારવા લાગ્યા. આ બેમાંથી એક માણસ ખોટો છે…કોણ હશે એની અટકળો કરવા લાગ્યા. પોતે ભારતમાં ગોઠવેલો ભરતસિંહ ખોટો હોવાની શક્યતા નથી…..એ વફાદાર છે જ્યારે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરોનો ચીફ ખરીદેલો માણસ છે. એની પરના વિશ્ર્વાસનું આ પરિણામ હોઇ શકે. એણે એક નજર મોર્સ કોડ મશીન પર નાખી. ત્યાં ફોનની ઘંટડી વાગી. એણે ફોન ઊંચક્યો. ફોન પર કેપ્ટન અખ્તર હુસેન હતો.
એ લોકોની છેલ્લી મીટિંગમાં અખ્તર હુસેન ખુશ નહતો મિલિટરી ઇન્ટેલિજન્સના આ ચીફને અન્સારી સામે સખત વાંધો હતો. એ પોતાની નારાજગી વ્યક્ત કરતો નહીં, પણ અંદરખાને એને નીચું જોવડાવવાનું ચૂકતો નહીં. કારણ કાંઇપણ હોઇ શકે..કોઇ જૂની અદાવત કે પ્રોફેશનલ દુશ્મનાવટ.
અન્સારીએ ‘હેલો’ કહ્યું કે તરત જ અખ્તર હુસેને કહ્યું: ‘આપને જિસ કો મેસેજ ભેજા થા હો આદમી અબ ઇસ દુનિયા મેં નહીં રહા….શાયદ આપકો પતા નહીં.’
‘કિસ કી બાત કર રહે હૈ?’ અન્સારીએ પૂછ્યું.
‘અજય અહુજા કી. ઉનકો રોડ એક્સિડેન્ટ મેં ઉડા દિયા હૈ… જિસ કા આપકો પતા તક નહીં… શાયદ આપ દોનોં કે બીચ કા રાઝ ખુલ ગયા હોગા.’
પાકિસ્તાનના આવડા મોટા ગુપ્તચર તંત્રના વડાને આટલા મોટા ખબર ન મળ્યા. મિલિટરી ઇન્ટેલિજન્સના વડાએ એનું નાક કાપીને હાથમાં દઇ દીધું
‘આપકા મેસેજ ઉનકી જગહ પર આયે દર્શન ત્યાગી કો મિલા હૈ.’
મોર્સ મશીનની સામે તાકી રહેલા અન્સારીના મોંમાંથી એક હરફ ન નીકળ્યો.
‘લેકિન આપ હેરાન મત હોઇએ… યહ બાત હમ દોનોં કે બીચ રહેગી… કાફીરોં કો પકડના હમારા મકસદ હૈ.’
‘ખુદા હાફિઝ’ કહીને એણે ફોન કાપી નાખ્યો. અન્સારીની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઇ. એ સમસમી ઉઠ્યો. ગુસ્સો કોના પર કાઢવો એની ખબર ન પડી. એટલે પોતાના માણસોને ફોન કરી કરીને ખખડાવવા માંડ્યો. ઘરમાં ઉંદર ઘૂસી જાય એને પકડી ન શકો તો કેવી હાલત થાય….કંઇક એવી જ હાલત અન્સારીની હતી.
એણે પોતાના નેટવર્કને સાબદું કર્યું. આખું તંત્ર હરકતમાં આવી ગયું. પોતાના રેગ્યુલર માણસો ઉપરાંત કેટલાક ખાસ બંદાઓને કામે લગાડ્યા છે.
અન્સારીએ એક મીટિંગમાં કેપ્ટન અખ્તર હુસેનની હાજરીમાં મિલિટરી પોલીસ ચીફ હારૂનને સવાલ કર્યો: ‘સલામત અલી મર્ડર કેસ કા ક્યા હુઆ? ઉસકે ચાચા-ચાચી કા પતા ચલા.? મુઝે ડાઉટ હૈ…ઇન સબ કે પીછે ઇન લોગોં કા હાથ હૈ.’
‘જનાબ, ચાચા-ચાચી કો ઢૂંઢને કે લિયે એક આદમી કો કામ પર લગાયા હૈ..લેકિન અભી કોઇ ખબર નહીં.’
‘કૌન આદમી? કહાં હૈ વો આદમી? ક્યા કર રહા હૈ વો આદમી?’
‘જનાબ, પોલીસ ઇન્સ્પેક્ટર જાવેદને કોઇ સલીમ નામ કે બંદે કો કામ પે લગાયા હૈ.’
‘ઉસ સલીમ કે બચ્ચે કો બોલો અગર નહીં ઢૂંઢ પાયા તો અનારકલી જૈસા હાલ કરુંગા…’
કેપ્ટન અખ્તર હુસેન ખડખડાટ હસી પડ્યો… ‘જહાંપનાહ, ઝીલે-ઇલાહી અકબર બાદશાહ, હમેં થોડા સબ્ર સે કામ લેના પડેગા… થોડી સી ઢીલ દે દો… ચૂહે અપનેઆપ બીલ મેં સે બહાર આયેંગે.’
ફોનના ઘંટડીએ મીટિંગમાં બધાને શાંત કરી દીધા. અન્સારીએ ફોન લીધો. ‘જનાબ, ગુલેબાબા કી દરગાહ મેં સે રિયાઝ ખાન કી લાશ મિલી હૈ.’ અન્સારીએ સાંભળીને ફોન કટ કર્યો. પછી અખ્તર હુસેનની સામે જોઇને કહ્યું: ‘આપ જનાબ કહેતે હો કી ચૂહે બીલમેં સે અપને આપ બહાર આયેંગે…..ચૂહે ખુલ્લેઆમ ઘૂમ રહે હૈ….હમારે બંદે કી લાશ મિલી હૈ…’
‘ચલો મોકા-એ વારદાત પર.’
અન્સારીને ખબર આપનારો ગુલેબાબાની દરગાહ પર હાજર હતો. એની સાથે બીજો એક શખસ હતો.
‘જનાબ, ઇસને યહાં એક ફકીર કો દેખા થા.’
અન્સારીએ એની પૂછપરછ શરૂ કરી. અખ્તર આસપાસ બધે તપાસ કરવા લાગ્યો. મિલિટરી ચીફ હારુન રિયાઝના ગળા પરનો ઘા જોયો. લાશ પરની ચાદર જોઇ. એની પર લૂછાયેલા લોહીના ડાઘ જોયા. અન્સારી પૂછપરછમાં વ્યસ્ત હતો. અખ્તર નજીકની જગ્યાએ નજર કરવા ગયો અને હારુને જોયું કે એક પણ સુરાગ છોડી નથી. દરગાહની ફરતે જૂની કાટ ખાયેલા લોખંડની રેલિંગ હતી અને રેલિંગની બહારની સાઇડમાં ઝાડ આવેલું હતું. એણે ઝાડને નીચેથી જોવાની શરૂઆત કરી….નજર છેક ઉપરની બાજુ જઇને અટકી.
‘જનાબ’ એણે બૂમ મારી. અખ્તર અને અન્સારીને ઉપર જોવા કહ્યું. અન્સારીએ પોતાના બંદાને ઝાડ પરથી એ વસ્તુ ઉતારવાનો હુકમ આપ્યો. પેલો માણસ ઝડપથી ઝાડ પર ચડ્યો અને ત્યાંથી પોટલું ફેંક્યું.
અખ્તર હુસેને ફકીરના વેશનું પોટલું ખોલ્યું. ફકીર કે ભેશ મેં કાફીર. અન્સારી બોલ્યો.
***
ડૉ. ઝકરિયાને મરિયમને જોયા પછી ક્યાંય ચેન પડતું નહતું… ઊંઘ હરામ થઇ ગઇ હતી અને જો ઊંઘ આવે તો સપનામાં પણ મરિયમ દેખાતી. કેટલી બધી છોકરીઓ આવી ને ગઇ…પણ ડૉ. ઝકરિયા આટલો પાગલ કોઇની પાછળ બન્યો નહતો. એ રાતદિવસ વિચારતો કે મરિયમ જાદુ કરી ગઇ. તડપાવી રહી છે. તડપ અને તલબમાં જે મજા છે એવી બીજા કશામાં ય નથી. અકળાવનારી તલબ પછી પ્યાસ બૂઝાવવાના ખ્વાબ જોતા જોતા સૂઇ જતો ને સવારે ઊઠીને ફરી વિચારતો કે એ હુસ્ન પરીને શોધવી ક્યાં. પણ એની પાસે એક જ વિકલ્પ હતો એના ફોનનો ઇન્તેજાર. એક દિવસ ડૉ. ઝકરિયાના ઇન્તેજારનો અંત આવ્યો. એના ફોનની ઘંટડી રણકી. ડૉ. ઝકરિયા માટે તો જાણે મરિયમના કંઠની મધુર ઘંટડી રણકી. એને થયું કે સતત પોઝિટિવ વિચારતા રહીને આકર્ષણ ઊભું કરવાનું આ પરિણામ છે, પણ એને ક્યાં ખબર હતી કે આ એક માયાજાળ છે.
‘હેલો, કેમ છો?’ મરિયમના માદક અવાજમાં અનોખો ઉછાળો હતો. ડૉ. ઝકરિયાના પ્યાસા ગળામાં ઝમઝમ પાણીનું એક ટીપું પડ્યું.
‘મને એમ કે તું મને ભૂલી જ ગઇ.’
‘અરે, તમે ડૉક્ટરેટની ડિગ્રી લેનારા વિદ્વાન માણસ આવું નેગેટિવ વિચારો તે કેમ ચાલે… બી પોઝીટીવ.’
યસ યસ તું મારા પોઝિટિવ વિચારોનું જ આ પરિણામ છો… મરિયમ… તને મળ્યો ત્યારથી હું તારા જ ખયાલોમાં રહું છું.’ ડૉ. ઝકરિયા આવું બોલવા જતો હતો, પણ આટલી બધી ઉતાવળ સારી નહીં એવું વિચારીને વાક્ય ફેરવી નાખ્યું: ‘આજે જ સવારે મેં તને યાદ કરી હતી.’
‘કદાચ એટલે જ મેં ફોન કર્યો… બોલો, મને મળવાનું વિચારતા હતાને?’
ડૉ. ઝકરિયાએ આંખો મીંચીને જોયું કે પોતે પલંગ પર સૂતો છે ને મરિયમ બાજુમાં બેસીને એના હોઠ સુધી દ્રાક્ષનું ઝુમખું લાવી રહી છે.
અલ્લા કસમ… હું તને મળવાનું જ વિચારતો હતો.’
‘અરે… આટલી અમથી વાતમાં અલ્લાને વચ્ચે નહીં લાવવાના. લેટ્સ મીટ.
‘પણ એવી જગ્યા કે જ્યાં ભીડભાડ ન હોય ને બે દોસ્ત શાંતિથી દિલ ખોલીને ખૂબ વાતો કરી શકે.’
દિલ ખોલીને વાતો કરવાની વાતથી પલળી ગયેલા અવાજમાં ડૉ. ઝકરિયા એક ફાઇવ સ્ટાર હોટેલની કોફીશોપનું નામ બોલ્યો. ડૉ. ઝકરિયા નામના મગરમચ્છને ક્યાં ખબર હતી કે એ માયાએ બીછાવેલી એક મોટી માયાજાળ તરફ સરકી રહ્યો હતો.
્ર્ર્ર્ર્ર્ર ***
મહેશે રિયાઝને પતાવી દીધા પછી ફકીરી વેશને ઉતાવળે કાઢ્યો હતો અને કોઇની નજરે ન ચડવા ઝડપથી લૂંગી, ઝભ્ભો, દાઢીમૂછ, માળાઓ… બધું સમેટીને પોટલું બનાવીને ઝાડ પર ચડાવી દીધું હતું. દરગાહમાંથી નીકળ્યા પછી એને સૌથી પહેલો વિચાર કોઇ દૂરના ગામડામાં જઇને છુપાઇ જવાનો આવ્યો હતો. એમાં કબીરે એને ફોન પર તબરોઝા ગામની વાત કરી. એના માટે એક પંથ ને દો કાજ જેવું થયું… એણે તરત જ તબરોઝા ગામની તપાસ આદરી. મોટાભાગના લોકોના આવા કોઇ ગામની ખબર પણ નહતી. એને નવાઇ લાગી… થોડી શંકા પણ ગઇ. એણે એકવાર કબીરને પૂછવાનું વિચાર્યું, પણ માંડી વાળ્યું. તબરોઝાની તલાશમાં એક આખો દિવસ લાગ્યો. મોડી સાંજે કોઇએ એને તબરોઝાની દિશા બતાવી. કોઇ ઓટો, કોઇ બસ કે કોઇ ખાનગી વાહન આવવા તૈયાર ન થયું. છુપાવવા માટે આનાથી વધુ અજાણ્યું ગામ બીજું કોઇ જ ન હોઇ શકે… એણે પગપાળા ચાલવાની શરૂઆત કરી… અજાણ્યું ગામ, અજાણ્યો રસ્તો, અજાણી સીમ, ઘોર જંગલ અને મહેશનો તબરોઝા ગામે પહોંચવાનો મક્કમ નિર્ધાર. રાતના અંધારામાં સૂમસામ રસ્તા પર ચાલતા ચાલતા અચાનક એને કોઇ વાહનનો અવાજ કાને પડ્યો. દૂરથી એની તરફ આવતા વાહનની લાઇટ દેખાઇ. એને હાશકારો થયો. વાહન એ ગામનું જ હોય અને લિફ્ટ આપી દે… એના મનમાં આશા જાગી. એ ચાલતો રહ્યો. વાહનનો અવાજ નજીક આવતો ગયો. વાહન નજીક આવ્યું કે તરત જ એણે રસ્તાની વચ્ચે ઊભો રહીને લિફ્ટ લેવા માટે હાથ ઉપર કર્યા. વાહન ઊભું રહી ગયું, પણ મહેશ ફફડી ગયો. એ મિલિટરીની ટ્રક હતી. અંદરથી પાકિસ્તાની લશ્કરનો એક સૈનિક નીચે ઊતર્યો. મિલિટરી ટ્રકની ફ્લડ લાઇટમાં બે પડછાયા સામસામે ઊભા રહી ગયા.
‘કૌન હૈ બે તૂ?’ જંગલની ભેદી શાંતિને ડહોળી નાખતો સૈનિકનો કરડકી ભર્યો અવાજ પડઘાયો. મહેશ પાકિસ્તાની વાહન અને સૈનિકને જોઇને અંદરથી હચમચી ગયો. જેનાથી બચવાનું હતું એ જ સામે આવીને ઊભા રહી ગયા. ‘મૈં રાસ્તા ભટક ગયા હું… તબરોઝા જાના હૈ… લિફ્ટ કે લિયે હાથ.’ મહેશ આટલું માંડ બોલી શક્યો.
‘તબરોઝા મેં કહાં જાના હૈ.?’
મહેશને ક્યાં ખબર હતી કે ક્યાં જવું છે. જલ્દી જવાબ ન આપવાના અંજામથી એ વાકેફ હતો. ગળે ઊતરે એવું કારણ કદાચ કામ લાગે. એણે ગરીબડું મોઢું કરીને ગળગળા અવાજમાં કહ્યુ: ‘મેરે મામુજાન અલ્લાહ કો પ્યારે હો ગયે હૈ… કલ સુબહ કી મૈયત મેં પહોંચના હૈ… અગર આપ…’
એટલામાં બીજો સૈનિક બહાર આવ્યો. ‘બીચારે કા કોઇ રિશ્તેદાર મર ગયા હૈ.. બૈઠો પીછે જાકે… તબરોઝા ગાંવસે પહેલે પહેલે ઉતાર દેંગે… વહાં સે હમેં દૂસરા રાસ્તા
પકડના હૈ.’
મહેશ ચૂપચાપ મિલિટરીની ટ્રકમાં ચડી ગયો ને અજાણ્યા રૂટને યાદ રાખવાનું શરૂ કર્યું. લગભગ ત્રણેક વાગ્યે લશ્કરની ગાડી ઊભી રહી….આગળ
બેઠેલા સૈનિકનો અવાજ સંભળાયો.‘ઉતરો નીચે.’
મહેશે નીચે ઉતરીને ‘શુક્રિયા’ કહ્યું. સૈનિકે એના મોં પર ટોર્ચ ફેંકીને ચહેરો બરાબર જોયો… પછી એક દિશામાં ટોર્ચ કરીને રસ્તો બતાવતા કહ્યું…‘યહ સીધા રાસ્તા તબરોઝા જાયેગા.’
એક સાવ અજાણ્યા ગામની બાજુના ગાઢ જંગલમાં મોડી રાતે પાકિસ્તાની લશ્કરની હિલચાલ. કબીરે નકશામાં જોયેલું તબરોઝા ગામ. એણે ખાસ સૂચવેલું તબરોઝા ગામ. મહેશની શંકાનું જાળું વધુ ગૂંચવાવા લાગ્યું. એણે એક ઝાડની પાછળ છુપાઇને મિલિટરી ટ્રકને એ દેખાતી બંધ ન થઇ ત્યાં સુધી જતા જોઇ… આસપાસ નજર કરીને રસ્તો યાદ રાખ્યો. પછી તબરોઝા ગામ તરફ ચાલવાનું શરૂ કર્યું. જ્યાં એનો કોઇ મામુજાન મર્યો નહતો કે કોઇ સગુંવહાલું નહતું. તબરોઝા ગામ એના માટે એક છુપાવાની જગ્યા હતી. એકાદ કલાક ચાલ્યા પછી નાનકડું ગામ દેખાયું. એ એક દુકાનના ઓટલા પર સૂઇ ગયો. આમેય એની કોઇ મંજિલ નહતી, કોઇ સરનામું નહતું. ખરા અર્થમાં અહીં એ ફકીર હતો. સવારે એક માણસે એને ઢંઢોળ્યો. ગાઢ નીંદરમાં સૂઇ રહેલો મહેશ જાગ્યો નહીં…ફરી મોટેથી અવાજ કરીને ઉઠાડ્યો…ઢંઢોળ્યો મહેશ બેબાકળો ઊઠી ગયો. એક મિનિટ માટે તો એ ભૂલી ગયો કે એ ક્યાં છે. આંખો ચોળતા સામેના માણસને જોયો. એટલીવારમાં બાજુની નાનકડી ડેલી ખોલીને એક સ્ત્રી બહાર આવી.
‘શું થયું? કોણ છે આ માણસ?’
‘ખબર નહીં કોણ છે… ભાઇ ઉઠો દુકાન ખોલની હૈ’ પેલા માણસે ફરી કહ્યું.
મહેશે એમની સામે જોયું. કિસ્મતનો ખેલ નિરાળો છે. મહેશની સામે ઊભેલાં સ્ત્રી અને પુરુષ સલામતઅલીનો ચાચા સુલેમાન અને ચાચી ફાતીમા હતી.