પૈસો અને સેક્સ-આ બે ચીજથી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરનું પેટ ક્યારેય ભરાવાનું નથી એની કબીરને ખાતરી હતી’
અનિલ રાવલ
મહેશ અવાવરુ દરગાહમાં રિયાઝને પતાવી દીધા પછી તરત જ આસપાસ નજર કરતા કરતા ફકીરના વેશમાંથી બહાર આવ્યો. કોઇ સુરાગ છોડી નથી એની ખાતરી કરવા ત્યાં પડેલી તમામ વસ્તુઓ પર ફરીથી એક નજર કરી ને એ ઝડપથી નીકળી ગયો. એક પબ્લિક ટેલિફોન બૂથ પરથી કબીરને કોલ કર્યો.
‘ભાઇ, મેરી મન્નત પુરી હો ગઇ…દરગાહ પર ચદર ચડા દી હૈ.’
‘બસ, એસે હી..મન્નત પૂરી હોતે હી દરગાહ પર ચદ્દર ચડાના મત ભૂલો. ઓર યાદ રખના… આખિર મેં હજ કો જાના હૈ.’
મહેશ ન્યુક્લિયર પ્લાન્ટ શોધવાની કબીરની ઇશારત સમજી ગયો.
બસ અલ્લાહ મિયાં કી રહેમત સે હમારી વો ખ્વાહીશ ભી પૂરી હો જાયેગી’
‘તબરોઝા. ઇસ ગાંવ નામ યાદ રખો’ ફોન મુકાઇ ગયા.
****
અગાઉ હોટલમાં મળ્યા ત્યારે કબીર, રાહુલ, મહેશ અને માયા વચ્ચેની ચર્ચામાં એક બાબત સ્પષ્ટ હતી કે પ્લાન્ટ શહેરથી દૂરના કોઇ અંતરિયાળ ગામમાં હશે….પણ આવડા મોટા દેશની ભાગોળે ફરી ફરીને શોધવું પ્રેક્ટિકલી મુશ્કેલ કામ હતું…એટલે કબીર ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને વિશ્ર્વાસમાં લઇને શોધખોળ કરી રહ્યો હતો….અને નકશામાં એની નજર તબરોઝા ગામના એક ચોક્કસ વિસ્તારમાં ફોરેસ્ટની જગ્યાએ કરેલી લાલ બોર્ડર પર પડી હતી. આખાય ગ્રીન ઝોનમાં તબરોઝા ગામના એ વિસ્તારને નકશામાં લાલ રંગ શા માટે કરવામાં આવ્યો હશે. શંકાનું નિવારણ કરવા માટે કબીરે મહેશને તબરોઝા ગામ યાદ કરાવ્યું હતું.
કબીર અને બત્રા ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગરનો નકશો જોઇને લાલ બોર્ડરનું રહસ્ય શોધવાની પાછળ લાગી ગયા હતા, પણ એમને શંકા હતી કે અગર લાલ બોર્ડરવાળી જગ્યાએ પ્લાન્ટ હોય તો ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર એની આસપાસની ગ્રીન ઝોનની જગ્યા અપાવવાની વાત શા માટે કરી ગયો.? મિનિસ્ટર એટલો બેવકૂફ ન હોઇ શકે.. એવું પણ બને કે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને કબીર અને બત્રા પર શંકા ગઇ હોય..અને એણે કબીરનો ખેલ જોવા રમત માંડી હોય. શક્ય છે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર કબીરની કોણીએ ગોળ ચોંટાડતો હોય…જોકે કબીર મીટિંગમાં અસગરની આંખોમાં રૂપિયા અને સેક્સની ભૂખ જોઇ ગયો હતો. પૈસો અને સેક્સ-આ બે ચીજથી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરનું પેટ ક્યારેય ભરાવાનું નથી એની કબીરને ખાતરી હતી.
****
નવનીતરાય જીવનલાલ જોશી મીઠાઇવાળાના માલિક નવનીતભાઇએ સવારમાં દુકાન ખોલી. અગરબત્તી કરી. અને પોતાના ઇષ્ટદેવની છબીને પગે લાગીને ગ્રાહકની રાહ જોતા થડા પર બેઠા. ગ્રાહક ન આવ્યા, પણ મીઠાઇ ચાખવા માખીઓ આવવા લાગી….એણે ઝાપટિયાથી માખીઓ ઉડાવવાનું શરૂ કર્યું. ઝભ્ભો-લેંઘો પહેરેલો એક માણસ હાથમાં થેલી ઝુલાવતો આવ્યો. નવનીતભાઇનો ચહેરો ખીલી ઊઠ્યો.
‘આવો, શુ આપું.?’
પેલા માણસે કાચ પાછળ ગોઠવેલી જાતજાતની મીઠાઇઓ પર નજર ફેરવી.
‘મારો એક દોસ્ત અહીંથી ખાસ મીઠાઇ લઇ ગયો હતો…એ શોધું છું.’
‘મીઠાઇ શોધો છો કે દોસ્તને શોધો છે.?’
‘બેઉને શોધું છું કારણ કે એણે આપેલી મીઠાઇ ખાધી, પણ નામ ખબર નથી..અને પછી એ ભાઇ ગૂમ થઇ ગયો છે.’
‘અહીં ગૂમ થયેલા માણસો નથી મળતા શું. તમે મીઠાઇનું નામ બોલો. બાકી રોજ અહીં કેટલાય ઘરાકો આવે શું. આપણને ઇ કોઇના નામ ખબર નો હોય…મોઢેથી બધાને ઓળખીએ શું.’ નવનીતભાઇને દરેક વાક્યે શું બોલવાની આદત.
ફરી પેલા માણસની નજર મીઠાઇઓ પર ફરવા લાગી.
‘મીઠાઇનું નામ કિયો તો ખબર પડે શું.’ નવનીતભાઇને બોણી કરવાની ઉતાવળ હતી.
‘પેલો માણસ નીચો નમીને મીઠાઇઓને ધારી ધારીને જોવા લાગ્યો.
‘આમાંથી કોઇ પસંદ પડે તો ઇ લઇ જાવ..આપણો માલ ઠેઠ મુંબઇ સુધી જાય છે શું.’
‘એનું નામ સલામત અલી…કદાચ સરહદ નજીકના કોઇ ગામમાં રહેતો હતો.’ પેલા માણસે વાત પૂરી કરી ત્યાં જ બાઇક પર આધેડ વયનો એક માણસ આવ્યો. એને બાઇક પરથી ઊતરીને દુકાને આવતા જોઇને નવનીતભાઇ બોલ્યા: આવો ‘હાજીભાઇ.’
‘એક કિલો અડદિયા આપો…બેટીના ગામ જાઉં છું…લેતો જાંઉં.’
‘યાદ આવી ગયું…અડદિયા…’ પેલો માણસ મોટેથી બોલ્યો.
બોલો, તમારા કેટલા કિલો કરું.?’ નવનીતભાઇને હાશકારો થયો. પેલા માણસે કોઇ જવાબ ન આપ્યો.
હાજીભાઇના અડદિયા જોખતા જોખતા બોલ્યા: ‘આ ભાઇને ક્યારનું મીઠાઇનું નામ યાદ નો’તું આવતું શું. અડદિયા ખવરાવીને એનો દોસ્ત ગૂમ થઇ ગ્યો છે…શું નામ કીધું તમે ભાઇ.?’
‘સલામતઅલી’ પેલો માણસ બોલ્યો. હાજીભાઇ પેલા માણસને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા.
‘સરહદ પાંહેના કોઇ ગામે રહેતો તો….હાજીભાઇનું ઝાયલા ગામ પણ સરહદ પાહેં જ છે શું. એને પૂછી જુઓ.’ નવનીતભાઇએ કહ્યું.
સલામત અલી અને ઝાયલા ગામનું નામ સાંભળીને હાજીભાઇ પૈસા ચૂકવીને ઝડપથી ચાલવા માંડ્યા પેલો માણસ એની પાછળ ગયો….
‘તમારા કેટલા અડદિયા? એક કિલો કરું?’ પાછળથી નવનીતભાઇનો અવાજ સંભળાયો.
‘હાજીભાઇ, એક મિનિટ.’ હાજીભાઇ ઊભા રહી ગયા.
‘તમે સલામતઅલીને ઓળખો છોને.?’.
‘ના હું નથી ઓળખતો.’
‘જુઠું નહીં બોલો હાજીભાઇ..એનું નામ સાંભળીને તમે ચોંકી ગયેલા.’
‘તમે કોણ છો.?’
‘એ હું નહીં કહી શકું, પણ એટલું કહું કે સલામતઅલીનો જીવ જોખમમાં છે ને મારે એને બચાવવાનો છે.’
હાજીભાઇ વિચારમાં પડી ગયા. સલામતઅલી આખા ઝાયલા ગામને સૂતું મૂકીને રાતોરાત પાકિસ્તાન સરકી ગયો એ વાત ગામના લોકોથી છૂપી નહતી….પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપને લીધે આખું ગામ મોઢે પટ્ટી મારીને બેઠું હતું. અત્યારે હાજીભાઇને પોતાની બિરાદરીના માણસનો જીવ ખતરામાં હોવાનું જાણીને દયા ઊપજી, પણ સામેનો માણસ કોણ છે એ જાણ્યા વિના કેમ કહેવાય.
‘તમે કોણ છો એ પહેલા કહો.’
પેલા માણસે હાજીભાઇની નજીક જઇને પોતાનું કાર્ડ બતાવતા કહ્યું: ‘મારું નામ ભરતસિંહ છે. હું ભારતીય ગુપ્તચર વિભાગનો માણસ છું. મારે સલામતઅલીને સલામત રીતે પાછો લાવવો છે. એ અહીંનો વતની છે એવું સાબિત કરવા કેટલાક પુરાવા જોઇએ છે..કદાચ એના ઘરમાંથી મળે. પ્લીઝ મને મદદ કરો.’.
‘બેસી જાઓ મારી પાછળ.’ હાજીભાઇએ બાઇકને કિક મારી.
‘તમારા કેટલા અડદિયા જોખું?’ ક્યારના નજર માંડીને બેઠેલા નવનીતભાઇએ બૂમ મારી..
વળતા આવું છું.’ ભરતસિંહે બાઇક પર બેસતા કહ્યું.
****
હાજીભાઇએ ઝાયલા ગામમાં સલામત અલીના ઘર પાસે બાઇક ઊભી રાખી. બંને ઊતર્યા.
‘આ એનું ઘર.’ બાદલ સિંહે ઝાંપો ખોલ્યો. તાળું જોયું. હાજીભાઇ પાછળ ગયા.
‘ક્યારે ગયો કાંઇ અંદાજ છે.?’
‘૧૫ ડિસેમ્બરની રાતે.’
‘એણે સરહદ ક્રોસ શા માટે કરી.?’
‘શાદી કરવા’
‘ગામમાંથી કોઇ સાથે ગયું હતું.?’
‘ના, બારાતમાં વધુ લોકો નથી લઇ જવા એમ કહેલું. જોકે બારાતમાં એક છોકરી સહિત ચાર સગાસંબંધીઓ હતા.’
‘તમે એમને ઓળખી શકો.?’
‘ના..કોઇને ઓળખતો નથી.’
‘એણે નવનીતભાઇની દુકાનેથી મીઠાઇ ખરીદી હતી.?’
‘હા, પેંડા ખરીદ્યા હતા.’
‘તમને કેમ ખબર પડી કે પેંડા ખરીદ્યા હતા.?’
‘હું એ દિવસે મારી બેટીને ત્યાં હતો…સલામતઅલીએ પેંડાનું પેકેટ એમને પણ આપેલું.’
હાજીભાઇને ભરતસિંહના આવા બેહૂદા સવાલોથી શંકા જવા લાગી. એ સાવચેત થઇ ગયા.
‘સલામત અલીને પાછો લાવવામાં તમને આવી બધી બાતમીની કેમ જરૂર પડે એ સમજાયું નહીં.’
કારણ કે સલામતઅલીએ સરહદ પર લશ્કરના માણસોને મીઠાઇના બોક્સમાં પૈસા ભરીને લાંચ આપી. આપણી ચૌકી પરથી તો એ લોકો નીકળી ગયા, પણ પાકિસ્તાની ચૌકી પર પકડાઇ ગયા. સલામતઅલી સિવાયના બાકીના બધા ખતમ થયા છે. સલામતઅલી જાસૂસ છે એમ સમજીને એની પાસેથી માહિતી કઢાવવા એને જીવતો રાખ્યો છે. હાજીભાઇ,
મારે પુરાવા મેળવવા તાળું તોડવું પડશે. તમારે પોલીસ, લશ્કર અને કોર્ટકચેરીના જમેલામાં ન પડવું હોય તો અહીંથી નીકળી જાઓ.’
હાજીભાઇને આવા કોઇ ચક્કરમાં પડવું ન હતું. એ ત્યાંથી ખસકી ગયા. એણે પાછળ ફરીને જોવાની ય તસ્દી ન લીધી. ભરતસિંહે તાળું તોડીને અંદર ખાંખાખોળા કર્યા….આખું ઘર ફેંદી નાખ્યું. કાંઇ હાથ ન લાગ્યું. અંતે ગુસ્સામાં માટીના ખાલી માટલાને લાત મારીને નીકળી ગયો.
****
એ જ દિવસે પીઆઇબીના ચીફના ફોનની ઘંટડી રણકી. હબીબ અન્સારીએ ફોન લીધો કે તરત જ ભરતસિંહ બોલ્યો: ‘જનાબ, બરાત હમારે મુલ્ક મેં ઘૂસ ચુકી હૈ. સરહદ કે નઝદીક ઝાયલા ગાંવ કા સલામતઅલી શાદી કરને આયા હૈ. એક લડકી ઔર તીન લડકે બરાત મેં શરીક હૈ. બરાતી ઇસ ગાંવ સે નહીં હૈ…યહ લોગ કૌન હૈ જલ્દ પતા ચલ જાયેગા. નવનીતરાય જીવનલાલ જોશી કી દુકાન સે મીઠાઇ ખરીદી થી.’
ફોન ચાલુ હતો તે દરમિયાન અન્સારીની કેબિનમાં મોર્સ કોડ મશીનની બીપ બીપ ચાલુ થઇ. એણે ‘બાકી બરાતીઓંકા પતા લગાઓ.’ કહીને ફોન મૂકી દીધો.
એ મેસેજ દર્શન ત્યાગીએ મોર્સ કોડ મશીન પર ટાઇપ કરી રહ્યા હતા. પીઆઇબીના ચીફ હબીબ અન્સારીએ શબ્દો ઉકેલવા માંડ્યા.
‘જનાબ, યહાં સે ચાર પાંચ લોંગોં કી બરાત રવાના હુઇ થી. અગલે દિન નવનીતરાય જીવનલાલ જોશી કી દુકાન સે મીઠાઇ ખરીદી..મીઠાઇ નિકાલ કે બોક્સ મેં પૈસે રખ દિયે થે….હમારી ચૌકી પર પૈસે કે લિયે અસદ નવાઝ ફૈઝલ ખાન ઔર ઇજાઝ ખાન કે બીચ મેં ઝઘડા હુઆ..આમનેસામને ગોલિયાં ચલી….ઇસ ઝમેલે મેં બરાત ગભરા કર વાપિસ ચલી ગઇ.’
મેસેજ વાંચીને અન્સારી ધૂઆંપૂઆં થઇ ગયો….ટેબલ પર મુક્કીઓ પછાડી.
એક કહેતા હૈ કી બરાત ઘૂસ ગઇ હૈ..દુસરા કહેતા હૈ બરાત વાપિસ ચલી ગઇ……યહ ક્યા હો રહા હૈ? કૂછ સમજ મેં નહીં આતા.’ (ક્રમશ:)