ઑપરેશન તબાહી-૨

ઉત્સવ

‘સલામતઅલીને ભારતમાં અસલામતી લાગતી હતી. મેં એને સલામત જગ્યાએ મોકલી દીધો,’ મહેશે પોતાની રિવોલ્વર બતાવતા કહ્યું

અનિલ રાવલ

આઇઆઇએના ચીફ ગોપીનાથ રાવ. ઇન્ટેલિજન્સ વર્લ્ડનું એક ઉજળું નામ. લગભગ છ ફુટની હાઇટ, ગોરો વાન, તીણું નાક, ચિત્તા જેવી ચકળવકળ થતી આંખો. વિચક્ષણ બુદ્ધિ, તેજ દિમાગ, ટાઢો કોઠો, વિશ્ર્વભરની રાજકીય ઊથલપાથલ અને ઇન્ટેલિજન્સ વર્લ્ડની ચહલપહલ પર સતત રહેતી બાજનજર. અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ), રશિયન જાસૂસી એજન્સી કેજીબી, ઇઝરાયલી ગુપ્તચર સંસ્થા મોસ્સાદના આકાઓ સાથે અંગત ઘરોબો ધરાવતા આઇઆઇએના ચીફે કંઇક વિચારતા વિચારતા સિગારેટના બેચાર કશ માર્યા. પછી એક ફોન લગાવ્યો. થોડીવારે સામે છેડેથી ફોન ઊંચકાયો.
હેલ્લો. ડિફેન્સ સેક્રેટરી રામ મોહનનો ઉંઘથી ભરેલો ભારે અવાજ આવ્યો.
સર, દુલ્હા પહોંચ ગયા હૈ.
ઓલ ધ બેસ્ટ ચીફ.
ઓલ ધ બેસ્ટ ટુ યુ ઓલ્સો સર.
ચીફ સિગારેટ બુઝાવીને ઑફિસના વિશાળ રૂમમાં આંટા મારવા લાગ્યા. ટેબલ પર પડેલું થરમોસ ખોલ્યું. બારાતીઓના સમાચારની રાહ જોવામાં કૉફીનું થરમોસ ખાલી થઇ ગયું હતું. થરમોસ બંધ કરીને સિગારેટનું પેકેટ ખોલવા ગયા, પણ કાંઇક વિચારીને પાછું મૂકી દીધું.
***
હાફિઝની કાર પૂરઝડપે દોડી રહી હતી. થોડો સૂમસામ રસ્તો જોઇને આગળ બેઠેલા રહેમતમિયાને હાફિઝ પર શંકા ગઇ. આપણે દુલ્હાને શોધવાનો છે. ‘આપણે ક્યાં જઇ રહ્યા છીએ?’
હાફિઝે સ્પીડ વધુ તેજ કરી. હવે ત્રણેયની શંકા વધુ તેજ થઇ. આ માણસ આપણો નથી. નક્કી કોઇ જાળ બીછાવાઇ છે. પહેલાં દુલ્હાને કિડનેપ કર્યો. હવે આપણું કિડનેપિંગ. મિશન શાદીનો કોડવર્ડ જાણી જનારો આ કોણ છે? નક્કી કોઇ મોટી જાળમાં ફસાઇ ગયાં છીએ. ત્રણેયના દિમાગમાં વીજળીની ગતિએ એકી સાથે વિચાર ઝબક્યો. પાછળ બેઠેલી મરિયમે હાફિઝને લમણે રિવોલ્વર મૂકી: ‘કોણ છે તું? જલદી બોલ, નહિંતર ખુદા હાફિઝ સાંભળવા પણ જીવતો નહીં રહે.’
‘મેડમ, તમારો દુલ્હો ક્યાં છે એની ફક્ત મને જ ખબર છે.’ રહેમતમિયા પરિસ્થિતિ પામી ગયા. એણે મરિયમની સામે જોયું. મરિયમે રિવોલ્વર હટાવી. હાફિઝ કઇ હસ્તી છે, કિડનેપ કરીને ક્યાં લઇ જાય છે અને કઇ હદ સુધી જાય છે એ જોવા-જાણવાના ઇરાદે ત્રણેય ચૂપ રહ્યાં. હાફિઝે ઉસ્માન અને મરિયમ પાસેથી રિવોલ્વરો માગી લીધી. પછી રહેમતમિયા પાસેનું હથિયાર માગવા હાથ લંબાવ્યો. ‘મને કોઇ શ્સ્ત્રની જરૂર પડતી નથી.’ જવાબમાં હાફિઝ ખંધુ હસ્યો.
***
કબીરે ઘરમાં બધે ફરીને-નજર કરી. એક રૂમના કબાટમાં પુરૂષોના કપડાં હતા. બીજી રૂમના કબાટમાં લેડીઝના કપડાં હતા. બહાર આવીને પૂછ્યું આ કોનું ઘર છે.?’
‘ખબર નથી. અમને એટલી જ ખબર છે કે બારાતીઓને અહીં ઉતારો આપવો.’ શેખરે કહ્યું.
‘અમારું આવું ભયાનક સ્વાગત કરવાની સૂચના તમને ક્યાંથી મળી અને કોણે આપી?’
‘પાકિસ્તાનની ધરતી ફાટીને એમાંથી એક ગેબી અવાજ આવ્યો કે બરાત આવે છે, ભવ્ય સ્વાગત થવું જોઇએ.’ સુશાંતે હસીને ચાલાકીભર્યો જવાબ આપ્યો.
‘મને લાગે છે આપણે આ ઘર જલદી છોડી દેવું જોઇએ.’ કબીરે કહ્યું ને દરવાજે ટકોરા પડ્યા. કબીરે રિવોલ્વર કાઢીને બંનેને છૂપાઇ જવાનો ઇશારો કર્યો. બેઉં દરવાજાની પાછળ લપાઇ ગયા. હાથમાં રિવોલ્વર તાકીને ઊભા રહેલા કબીરે દરવાજો ખોલ્યો.
હાફિઝ ત્રણેયની પાછળ રિવોલ્વર મૂકીને અટ્ટહાસ્ય કરતો ઊભો હતો.
‘હમ બરાતીઓ કા સ્વાગત ઐસે કરતે હૈ.’ હાફિઝ હજી હસતો હતો ત્યારે આંચકો ખાઇ ગયેલાં રહેમતમિયા, ઉસ્માન અને મરિયમ અંદર દાખલ થયાં. થોડી ક્ષણો પહેલાં જાળમાં ફસાઇ ગયા હોવાનું માનતા ત્રણેયના ચહેરા કબીરને જોઇને મલ્ક્યા, પણ કબીરને ગમ્યું નહોતું.
આવો ખતરનાક ખેલ નહીં કરવાનો હાફિઝભાઇ, તમારે લમણે મૂકેલી રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું હોત તો?’ કહીને મરિયમ પણ હસવા લાગી.
ખતરનાક ખેલ તો હજી બાકી છે. બોલીને હાફિઝે હાથ લંબાવ્યો: ‘આઇ એમ વિજય.’ અને ‘હું માયા.’ આ દુલ્હાના વાલિદ રહેમતમિયાં ઉર્ફ રાહુલ. અને હું મહેશ. ઉસ્માન બોલ્યો. દરવાજાની પાછળથી બહાર આવીને શેખર અને સુશાંતે પણ પોતાના નામો કહ્યા. શેક હેન્ડ થયા.
કબીરે પેન્ટની પાછળ રિવોલ્વર ભરાવતા કહ્યું: સુશાંત, શેખર, વિજય, ઇસ શાનદાર-જાનદાર-ખૌફનાક સ્વાગત કે લિયે શુક્રિયા, પણ આ આપણી પહેલી અને છેલ્લી મુલાકાત હતી. આપણે એકબીજાને ઓળખતા કે જાણતા નથી.’
યસ સર, ત્રણેયે કહ્યું.’ જાનની વિદાયનો સમય થઇ ગયો હતો, પણ લગ્ન કરવા આવેલા જાનૈયાઓનો નહીં, પણ માંડવાવાળાઓનો.
શેખરે કાંડાઘડિયાળ પર નજર કરી. ‘વહેલીસવારના લગભગ ત્રણ થવા આવ્યા છે. તમે થોડો આરામ કરી લો.’
‘ભારતમાં બહુ આરામ કરી લીધો. હવે થોડું કામ કરીએ.’ કબીર બોલ્યો. એણે સાથે બધાએ હાથ મિલાવ્યા. સુશાંત, શેખર અને વિજય પાછળના દરવાજેથી બહાર નીકળીને સીડી ઊતરી ગયા ને અંધારામાં અલોપ થઇ ગયા.
‘આ લોકોએ આવું નહોતું કરવું જોઇતું.’ કબીરે સુશાંત, શેખર અને વિજયે બતાવેલી બાલીશતાની વાત છેડી. કિડનેપિંગ કરવાના નાટકમાં કોઇવાર સાચે જ કિડનેપ થઇ જતા વાર ન લાગે. સ્ક્રીપ્ટમાં લખી હોય એટલી જ ભૂમિકા ભજવવાની…ઑવરએક્ટિંગ નહીં કરવાની. એના અવાજમાં ચીડ હતી.
‘વિજયને એનું નાટક મોંઘું પડ્યું હોત…હું એને ઉડાવી દેવાની હતી…પણ એણે લોજિકલ જવાબ આપ્યો કે દુલ્હાનું સરનામું મને જ ખબર છે.’ માયાએ પર્સમાં રિવોલ્વર મૂકી.
‘એટલે એમને જરૂર પડે તો જ સામેલ કરવાના.’ રાહુલે કહ્યું.
અને હા, સલામતઅલીનું શું કર્યું.?’ કબીરને સલામતઅલી યાદ આવ્યો.
સલામતઅલીને ભારતમાં અસલામતી લાગતી હતી. મેં એને સલામત જગ્યાએ મોકલી દીધો.’ મહેશે પોતાની રિવોલ્વર બતાવતા કહ્યું.
***
સલામત અલીની લાશની ફરતે લોકોનું ટોળું જમા થઇ ગયું હતું. એકઠા થયેલા લોકોમાં આમ તો મહોલ્લાના રહેવાસીઓ જ હતા..વહેલી સવારે દૂધ લેવા નીકળેલા કોઇ બંદાએ લાશ જોઇને લોકોને જગાડ્યા. પોલીસને પણ જાણ કરી. પોલીસ આવી પહોંચે તે પહેલા રહેવાસીઓ લાશ કોની હશે એની અટકળ અને પૂછપરછ કરવા લાગ્યા. અચાનક આધેડ ઉંમરનો એક શખસ લાશ જોઇને ટોળામાંથી પાછળ પગે બહાર સરકી ગયો. દોડતો ઘરે પહોંચ્યો. અંદરથી ડેલી બંધ કરીને બીવીને જગાડી.
ફાતીમા….બહાર નાકા પર આપણા ભતીજા સલામતઅલીની લાશ પડી છે.’
‘યા અલ્લા.’ ફાતીમા મોટેથી બોલી કે તરત જ સલામતઅલીના ચાચા સુલેમાને એના મોં પર હાથ દાબી દીધો.
‘પણ… એ અહીં ક્યાંથી ને કેવી રીતે આવ્યો?’ ફાતીમા ધીમેથી બોલી.
‘અહીં આવવા માટે છૂપી રીતે સરહદ પાર કરી હશે, પણ એને ગોળી કોણે મારી? શા માટે મારી.? સમજમાં એ નથી આવતું.’
ડેલી પરની સાંકળ જોરથી ખખડી. બંનેના દિલના ધબકારા વધી ગયા.
‘હું જોઉં છું.’ અંદરથી ફફડી ગયેલા સુલેમાને ડેલી ખોલી. સામે ઊભેલા પોલીસ ઇન્સ્પેક્ટરને જોઇને થથરી ગયો.
મિયાં, બહાર લાશ પડી હૈ. પહેચાનતે હો. દેખ કર બતાઓ.’
જનાબ, મૈં અભી દેખ કર આયા… હમ ઉસે નહીં જાનતે.’ સુલેમાનના ચહેરા પર ભય હતો, ભતીજાની રહસ્યમય કતલનું દુ:ખ હતું, સગ્ગો ભતીજો હોવા છતાં ઓળખતો નથી એવું કહી દેવાની લાચારી હતી, બેબસી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરના ગયા પછી ફાતીમાએ પૂછ્યું: ‘તમે ઓળખવાની કેમ ના પાડી દીધી? આપણો ભતીજો હતો એ.’
‘અરે મરવું છે આપણે…પોલીસનો ભરોસો નહીં, સલામતઅલી જાસૂસ હતો એવું સાબિત કરી દે અને સાથે આપણને પણ જાસૂસ ચીતરી દે. આપણું તો જીવવું હરામ થઇ જાય.’
પોલીસે આસપાસ-પડોશમાં પૂછતાછ કરી. ટોળામાં પણ બધાને પૂછ્યું. કોઇને જાણ નહતી. કોઇ ઓળખતું નહતું. અંતે પોલીસે કાર્યવાહી કરીને એમ્બ્યુલન્સ બોલાવી, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવા.
જનાબ, લાશ લાવારિશ હૈ… ફિર પોસ્ટમાર્ટમ ક્યું?’ હવાલદારે ઇન્સ્પેક્ટરને પૂછ્યું.
‘કૌન હૈ યહ બંદા. ક્યું ગોલી મારી હૈ. રિવોલ્વર કૌન સી હૈ, લાશ ઇસી મહોલ્લે મેં પડી હૈ ઔર કોઇ ઉસે પહેચાનતા તક નહીં..યહ બાત કૂછ જમી નહીં. શનાખ્ત કે લિયે કોઇ આગે આયા તો ઠીક હૈ…વરના લાવારિશોં કા કબ્રસ્તાન તો હૈ હી.’ ઇન્સ્પેક્ટરે એમ્બ્યુલન્સને થપથપાવી. એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થઇ. એની પાછળ બકરો દોડી રહ્યો હતો.
***
‘પ્લાન શું છે.? આપણે હવે શું કરવાનું છે.?’ રાહુલે પૂછ્યું.
‘ચીફના ઓર્ડરની રાહ જોવાની.’ કબીરે કહ્યું.
‘શેખર અને સુશાંતે કાંઇ કહ્યું નહીં ?’ રાહુલે પૂછ્યું.
‘ના, એના રોલ અહીં પૂરા થઇ ગયા.’
આપણા ધંધામાં જરૂર પૂરતી જ જાણકારી રાખવી. પહેલો પડાવ પાર કર્યો, નાવ વેઇટ ફોર ધી નેક્સ્ટ ઑર્ડર.’ માયા મલકાતી મલકાતી બોલી.
હકીકત તો એ હતી કે ચીફ ગોપીનાથ રાવ પોતાની છાતી સરસા ચાંપી રાખેલા પત્તામાંથી એક જ પત્તું ઊતર્યા હતા. મિશન શાદી એમનો એક ગુપ્ત પ્લાન હતો. કબીરને ચીફે બોલાવેલી પહેલી મિટિંગ યાદ આવી.
ત્રણ-ચાર મહિના પહેલાં આઇઆઇએની કૅબિનમાં ચીફની સામે માયા, મહેશ અને રાહુલ બેઠાં હતાં. ત્રણેય એકબીજાથી અપરિચિત હતાં. ચીફે પરિચય કરાવ્યો નહીં છતાં કોઇને અજીબ ન લાગ્યું. કબીરની મોડા આવવાની આદતથી અકળાયેલા ચીફ વારેવારે ઘડિયાળ જોતા હતા, પણ કબીર એક ખૂબ જ વિશ્ર્વાસુ એજન્ટ હતો એટલે એને સાંખી લેતા અને આ ઑપરેશનની મોટી જવાબદારી એના ખભા પર લાદવાની હતી. કૅબિનના ડોર પર બે ટકોરા મારીને કબીર હાંફતો હાંફતો દાખલ થયો. અંદર બેઠેલા બીજા ત્રણેય જણ પર અછડતી નજર કરી. એ કોઇને ઓળખતો નહતો. સોરી અને ગુડ મોર્નિંગ કહીને બેઠો, ચીફના ઓર્ડરની રાહ જોતો. ચીફ ઔપચારિક ઓળખવિધિમાં માનતા નહીં, કારણ તેઓ માનતા કે મિશન દરમિયાન એજન્ટો આપસમાં ક્યારેક જરૂરતથી વધુ ઓળખ અને સંબંધ કેળવી લેતા હોય છે. છતાં પણ એમણે સ્કૂલના માસ્તરની જેમ સામે બેઠેલા તમામને પોતપોતાની ટૂંકમાં ઓળખ આપવાનું કહ્યું અને સમજદાર એજન્ટોએ માત્ર પોતાના નામ કહ્યા.
‘મિશન શાદી. કબીરના લગ્ન પાકિસ્તાનમાં કરવા છે. ડિસેમ્બરમાં બારાત કચ્છની બોર્ડરથી રવાની થશે. આપણી પાસે ચારેક મહિના છે. હમણાંથી જ તૈયારી શરૂ કરી દો.’
‘મારી પાસે એક પ્લાન છે.’ મહેશે એક આજ્ઞાંકિત શિષ્યની જેમ આંગળી ઊંચી કરતા કહ્યું.
***
‘ઢાબળા લઇ લો ઢાબળા.’ વરસતા વરસાદમાં ઝાયલા ગામની ગલીઓમાં એક અવાજ ગુંજવા લાગ્યો. લોકોને નવાઇ લાગી કે ચોમાસામાં ઢાબળા વેંચવા નીકળેલા આ ફેરિયાના ઢાબળા કોણ લેશે. પણ એમ કહેવાય છે ને કે ઉનાળામાં ઢાબળા વેંચી બતાવે એ સાચો સેલ્સમેન. ઢાબળા લો ઢાબળાની બૂમ સાંભળીને એક ઘરનો દરવાજો ઉઘડ્યો અને ફેરિયાનું નસીબ ઉઘડ્યું.
‘આ વખત ટાઢ બહુ પડવાની છે.’ ઉસ્માને ખભા પરથી ઢાબળાની થપ્પી ઉતારતા કહ્યું.
‘આપણા કચ્છમાં ટાઢની કોઇ નવાઇ નથી.’ સલામતઅલીએ ફળિયામાં ખાટલો ઢાળ્યો.
‘પણ…આ વખતે દરવખત કરતા વધુ પડવાની છે. કેટલા ઢાબળા લેવા છે?’
‘હું એકલો માણસ છું. અબ્બુ અને અમ્મી ગયા વરસે ખુદાને પ્યારા થઇ ગયા. બીજા કોઇ રિશ્તેદાર નથી. એક ચાચા છે પાકિસ્તાનમાં.’
‘તું પાકિસ્તાન જતો રહેને.’
ઉસ્માને છેલ્લા થોડા મહિનાથી ગામમાં ફરીને સલામતઅલીની રજેરજની બાતમી મેળવી લીધી હતી. પાકિસ્તાનમાં ચાચા પાસે જવાના એના હવાતિયાંની એને ખબર હતી. સલામતઅલીને હવે પાકિસ્તાન વધુ સલામત લાગતું હતું. એણે ગયા વરસે કડકડતી ઠંડીમાં ઢાબળો ઓઢીને સરહદ પાર કરવાની કોશિશ કરી જોઇ હતી, પણ ફૌજીઓએ એને ગોલી ન મારી અને ધરપકડ પણ ન કરી માત્ર એનો ઢાબળો છીનવી લઇને સજારૂપે પાછો ધકેલી દીધો હતો. રણની ગાત્રો થીજવતી ઠંડીમાં ઠુંઠવાતો સલામતઅલી માંડ જીવતો ઘરે પાછો ફર્યો હતો.
‘જતા રહેવું છે અહીંથી, પણ મેળ પડતો નથી.’
‘હું મેળ પાડી દઉં તો.’ ઉસ્માને આસપાસ નજર કરીને એના કાનમાં કહ્યું.
સલામતઅલીને લાગ્યું કે આ ફેરિયો નહીં પણ ફરીસ્તો છે ને ખુદાએ મોકલ્યો છે. ઉસ્માને ઢાબળાની ગાંસડી બાજુ પર હડસેલીને એને મિશન શાદીનો પ્લાન સંભળાવ્યો. સલામતઅલીને આ રસ્તો સૌથી સલામત લાગ્યો હતો.
***
ફોનની ઘંટડીએ કબીરનો વિચારતંતુ તોડ્યો. કોનો ફોન હશે. સૌના ચહેરા પર સવાલ હતો. કબીરે ધીમા પગલે જઇને ફોન ઉઠાવ્યો.
‘હેલો,’ કબીર દબાયેલા અવાજે બોલ્યો.
‘એ જગ્યા છોડી દો. રાહુલ ઇસ્લામાબાદ જશે, માયા લાહોર અને મહેશ રાવલપિંડી. કબીર, યુ વેઇટ ફોર માય કોલ.’ ચીફે ફોન મૂકી દીધો.
ક્રમશ:

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.