કેપ્ટન માત્ર અતરંગી નથી… સતરંગી પણ છે… એને રંગ બદલતા વાર નથી લાગતી. એના પાગલપણામાં એક મેથડ છે’
અનિલ રાવલ
કેપ્ટન આખે રસ્તે લાલઘૂમ ચહેરે બેઠો હતો. એ એકપણ શબ્દ બોલ્યો નહીં. રાહુલે એની સામે જોવાની હિંમત કરી નહીં. માણસને પોતાની જાત પર ગમે તેટલો વિશ્ર્વાસ હોય પણ એ પકડાય જાય કે મોત સામે હોય ત્યારે એનો આત્મવિશ્ર્વાસ ડગમગી જવો સ્વાભાવિક હોય છે. રાહુલના મનમાં ફફડાટ હતો કે હવે શું થશે….મને ક્યાં લઇ જશે અને શું કરશે. બારાત સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી છે એની પૂરી જાણકારી એની પાસે હોવી જોઇએ….નક્કી એને મારી બાતમી મળી હોવી જોઇએ એટલે જ મને ખાનસામા બનાવીને સાણસામાં લીધો છે. હવે જીવ હથેળી પર છે અને રાફડામાં હાથ નાખ્યો જ છે તો ભોરીંગ ભરડો લે તે પહેલાં એનું ભોડું દાબી દેવું પડે. રાહુલ કોઇ એક મોકાની તલાશમાં હતો અને વારેવારે કેપ્ટનની કેડે ભરાવેલી રિવોલ્વર જોઇ લેતો હતો, પણ રિવોલ્વર ખેંચીને કેપ્ટનને ઠાર કરવાનો મોકો મળતો નહતો. જીપ એક વગડા જેવા વિસ્તારમાં જઇને ઊભી રહી. સામે જ એક જુનવાણી બંગલા જેવું ઘર હતું. કેપ્ટને ઝડપથી નીચે ઊતરીને રાહુલને બહાર આવવા હુકમ કર્યો.
‘ચલ અંદર…અંદર ચલ’તેઓ બે વાર બોલ્યા. રાહુલે કાળજું કઠણ રાખવાનો પ્રયાસ કર્યો, પણ હૃદય એના મનનો ડર પામી ગયું હતું..એના ધબકારા વધી ગયા હતા. બંગલામાં કોણ હશે? એને શું થશે? એનો અંદાજ લગાડવા જેટલો પણ એની પાસે સમય નહતો. એ ગરીબ ગાયની જેમ પાછળ દોરવાયો. તાળું ખોલીને કેપ્ટને રાહુલને અંદર ધકેલી અને દરવાજો બંધ કરી દીધો. કેપ્ટને રાહુલની આંખમાં જોયું. રાહુલ નીચું જોઇ ગયો. ‘ખાનસામા, મેરે સામને દેખ’ રાહુલે આંખ ઊંચી કરી.
‘સચ બતા..યે લખનવી સ્ટાઇલ કા ખાના બનાના તૂને કહાં સે સિખા હૈ.?’
રાહુલ સમજ્યો કે નક્કી લખનવી કબાબ બનાવવાની એણે ભૂલ કરી નાખી….પોતાને કાફીર સાબિત કરી દેશે. હવે જોવાનું એ રહે છે કે સાબિત કરવા માટે…માહિતી ઓકાવવા માટે કેપ્ટન કયા હથિયારનો ઉપયોગ કરે છે.
‘જનાબ મૈને પહેલે હી બતાયા…શોખિયા ખાનસામા હું….ગલતી હુઇ.’
‘અરે બેવકૂફ, ઐસા કબાબ તો હમારે મિલિટરી કી મેસ ભી મેં નહીં બનતા.’ કેપ્ટન મોટેથી હસ્યો.
અજીબ માણસ છે આ. એના જીવમાં જીવ આવ્યો.. ધબકારા નોર્મલ થવા લાગ્યા…પણ એક સવાલ થયો કે આટલી જ અમસ્તી વાત કહેવી હતી તો પછી આ ગાંડો માણસ મને કાફે લશ્કરીમાં કહેવાને બદલે છેક અહીં સુધી લાવીને શા માટે કહી રહ્યો છે.?
‘અબ તુ યહાં રહેગા..મેરે સાથ… મેરા ખાનસામા બન કર…અગર તૂ લખનવી સ્ટાઇલ કા ખાના બના સકતા હૈ તો …બાકી ખાના ભી બઢિયા બનાતા હોગા..મૈં યહાં અકેલા રહેતા હું…તેરા બાકી સબ ઇન્તેજામ હો જાયેગા’
રાહુલને તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું એવો ઘાટ થયો. કેપ્ટન માત્ર અતરંગી નથી….સતરંગી પણ છે…એને રંગ બદલતા વાર નથી લાગતી. એના પાગલપણાંમાં એક મેથડ છે. આ પાગલ સાથે પનારો પાડવો પડશે એવું વિચારી રહેલા રાહુલે રાફડામાંથી હાથ બહાર ખેંચી લીધો…પણ એને ખબર નથી કે એ ખુદ આખેઆખો રાફડામાં આવી પડ્યો છે. કેપ્ટન નામના ભોરીંગના ભરડાથી બચતા રહીને કામ પાર પાડવું પડશે.
****
મહેશને ધાબળાવાળા ચાચાની દુકાનમાં પોતાની સાથે બનેલી ઘટનાની કળ વળી નહતી. કોઇક તો છે જે પીછો કરતું હતું અને હજી કદાચ કરતું હશે. એને ચેન પડતું નહતું. પોતાના વિશે આટલી સચોટ માહિતી આપનારો કોણ હશે..આ રહસ્ય પરથી પરદો ઉઠાવવાની મથામણની વચ્ચે એને એક ઝબકારો થયો. કે આવી કોઇ ઘટના બને ત્યારે મૂળ ઘટનાસ્થળે પહોંચી જવું…અવારનવાર જવું….રહસ્યભેદ ઉકેલવાનો આ એક સરળ માર્ગ છે…રસ્તો કદાચ ત્યાંથી જ મળી આવે. એ ચાચાની દુકાને ગયો. જોયું તો એના આશ્ર્ચર્યની વચ્ચે દુકાન ખુલ્લી હતી. એણે દૂરથી નજર કરી. બંને કાનની ફરતે મફલર બાંધેલો એક માણસ બેઠો હતો. મહેશને જોઇને એણે પાછલા દરવાજેથી અંદર આવવાનો સારો કર્યો. મહેશે ચાલ મંદ કરીને અંદર જવાના ખતરા અને સલામતી વિશે વિચારી લીધું.
‘તું મહેશ છોને..?’ પેલા માણસે પૂછેલા સવાલનો જવાબ આપવાને બદલે મહેશે સામો સવાલ કર્યો તું કોણ છો.?’
‘હું મરહુમ દુકાનદાર ચાચાનો બેટો ઇન્ઝેમામ છું.’
‘મને અંદર કેમ બોલાવ્યો.?’
‘મારે એક બાતમી આપવી છે.’
‘બોલ..ફટાફટ બોલ..’ મહેશને વિશ્ર્વાસ બેઠો.
‘તને ખતમ કરવાનું કાવતરું કોનું હતું એની મને ખબર છે. મારા વાલિદને પણ એણે જ ઉડાવ્યા છે.’
કોણ છે એ.?’.
ઇન્ઝમામે એને કાનમાં કાંઇક કહ્યું. મહેશના કાન ચમક્યા. પછી
ઇન્ઝમામે એને ખિસ્સામાંથી ફોટો કાઢીને આપ્યો.
‘ક્યાં મળશે.?’
‘મોટી મસ્જિદમાં રોજ સવારે નમાઝ પઢવા આવે છે.’ મહેશે ફોટો ધ્યાનથી જોઇને ખિસ્સામાં મૂક્યો.
શુક્રિયા.’ કહીને મહેશ ઝડપથી નીકળી ગયો.
****
બીજે દિવસે સવારે મોટી મસ્જિદમાં એક બુઝૂર્ગે નમાઝ અદા કર્યા બાદ એક બંદાને કહ્યું: ભાઇ, મુઝે બહાર તક છોડ દોગે.?’
‘પેલા ભલા માણસે એને ટેકો આપ્યો. હળવે હળવે ચાલતા બુઝુર્ગે એના કાનમાં કહ્યું: તૂમ રિયાઝ ખાન હોના.?’
‘હાં ચાચાજાન…લેકિન મૈંને આપકો પહેચાના નહીં.’
‘મૈં કાસિદ હું અજય અહુજા કા…એક ખાસ સંદેશા લાયા હું તેરે લિયે.’
રિયાઝના પગ થંભી ગયા. આજુબાજુ જોઇને કોઇ સાંભળતું નથી એની ખાતરી કરી. એને મેસેજ જાણવાની ઉતાવળ હતી, પણ બુઝુર્ગ માણસને બિલકુલ જલ્દી નહતી.
‘બહાર નીકલ કર બાત કરતે હૈ ચાચાજાન.’ રિયાઝ ધીમેથી બોલ્યો.
બહાર નીકળીને રિયાઝે બુઝુર્ગને એક ઓટલા પર બેસાડ્યા.
‘ક્યા સંદેશ હૈ.?’
‘આજ નહીં….યહાં નહીં…..ગુલેબાબા કી દરગાહ પર. કલ શામ કો આ જાના…એક ચદ્દર ભી લાના દરગાહ પર ચડાને કે લિયે.’
ઘરડો માણસ અને અજય અહુજાનું નામ સાંભળીને રિયાઝને ક્રોસ ચેક કરવાનું યોગ્ય નહીં લાગ્યું.
‘મૈં આપકો કહીં છોડ દું ચાચાજાન.?’
નહીં..શુક્રિયા..તું નીકલ..મેરા બેટા લેને આયેગા.. મૈં થોડા આરામ કર કે નીકલુંગા.’
રિયાઝ બાઇક સ્ટાર્ટ કરીને રવાનો થઇ ગયો. એ રસ્તામાં વિચારતો રહ્યો કે અજય અહુજાનો મેસેજ શું હશે. એણે જેને પતાવી દેવાની વાત કરેલી એ મહેશ નામનો માણસ તો બચી ગયો છે. ઉપરથી પીઆઇબીના એક એજન્ટને ખતમ કરતો ગયો છે. કદાચ અહુજાએ મહેશ વિશે જાણકારી આપવી હશે. અગર મહેશનો પતો મળી જાય તો સૌથી પહેલા એને ખતમ કરવો છે. બીજા દિવસની રાહ જોવામાં એને રાતે ઉંઘ આવી નહીં.
****
રિયાઝને સંદેશો જાણવાની તાલાવેલી એટલી બધી હતી કે એ ગુલેબાબાની દરગાહ પર સમય કરતા વહેલો પહોંચી ગયો. સૂમસામ જગ્યાએ આવેલી દરગાહ પર ભાગ્યે જ કોઇ આવતું હશે. ન ધૂપની સુગંધ..ન કોઇ સાફસફાઇ. દરગાહ પર ચડેલી રંગ ઉડી ગયેલી જર્જરિત ચાદર જોઇને ગુલેબાબાની અવદશાનો ખયાલ સહેજેય આવતો હતો. રિયાઝે જોયું કે ગળામાં જાતજાતના રંગોની માળાઓ તથા લીલી ચેક્સવાળી લૂંગી અને ઘેરા લીલા રંગનો ઝભ્ભો પહેરેલો મોટી વયનો એક ફકીર દરગાહથી એકાદ ફુટ ઉપર મોરપિચ્છનો ગુચ્છો હળવે હાથે ફેરવતો સતત કાંઇક બબડી રહ્યો હતો. રિયાઝે આમતેમ જોઇને કહ્યું: ‘કોઇ બુઝુર્ગ આદમી આયા થા યહાં.?’
‘યહાં કોઇ નહીં આતા…તૂમ આયે હો તો ચદ્દર ચડા દો..ગુલેબાબા તુમ્હારી મન્નત પૂરી કરેંગે..’
રિયાઝને પણ થયું કે બુઝૂર્ગ આવે ત્યાં સુધીમાં ચાદર ચડાવી દઇને પછી રાહ જુએ તો સમય બચી જાય. એણે ચાદર ચડાવી કે તરત જ ફકીર બોલ્યો: ‘ગુલેબાબાને તેરે મન કી બાત જાન લી હૈ….તેરા બુઢ્ઢા કાસિદ મેરે અંદર હૈ. સંદેશા બતાઉં.?’
રિયાઝની આંખો ગુલેબાબાના સતને માની શકતી નહોતી. એણે દરગાહ પર નજર કરી…ફકીરની સામે જોયું…..ચાદર ચડાવી કે તરત જ ચમત્કાર વાહ..એણે માથું ટેકવી દીધું ને ફકીર બોલ્યો: ‘તૂ જિસકે લિયે કામ કરતા થા વો અજય અહુજા મર ગયા હૈ…કત્લ હો ગઇ ઉસકી..લેકિન મહેશ અભી ભી ઝિંદા હૈ. વો તુઝે ઢૂંઢ રહા હૈ.’
દરગાહને ટેકવી રાખેલું રિયાઝનું માથું સટ્ટાક કરતુંક ઊંચું થયું. ત્યાં ફકીરે બુલંદ અવાજે કહ્યું: ‘મથ્થા ટેક કર રખ્ખ બચ્ચે…ઔર એક સચ્ચ બતા રહા હું. તેરે સાથી અલ્તાફ બખ્તિયાર કો મહેશ કે સાથીને મારા દિયા હૈ.’ રિયાઝના ચહેરા પર ચિંતા તરવરવા લાગી અને આંખોમાં ભય ભમવા માંડ્યો.
ખુફિયા એજન્ટ રિયાઝ ખાન ગુલેબાબાના ગેબી ચમત્કારના ભ્રમમાંથી થોડો બહાર આવ્યો. એને ફકીર પર શંકા ગઇ…કૂછ તો ગરબડ હૈ…એણે ફકીરને જોવા માથું ઊંચું કર્યું કે તરત જ પાછળ ઊભેલા ફકીરે મોરપિચ્છના ગુચ્છામાંથી ધારદાર ચાકૂ કાઢીને એનું ગળું ચીર નાખ્યું. દરગાહ પરથી ચાદર ઊચકીને રિયાઝને ઓઢડી. ચાદરથી આંગળાની છાપ લૂછીને મિટાવી નાખી. ખિસ્સામાંથી ઇન્ઝમામે આપેલો ફોટો કાઢીને જોતા જોતા બોલ્યો: મહેશ કો મિટાને ચલા થા. રિયાઝ મિયાં, અગલે જનમ મેં મુઝે મારને કે લિયે.. થોડા રિયાઝ કર કે આના.’
વાહ મહેશબાબુ..દિલ્હીમાં ખબરી તરીકે બહુરૂપિયો બનીને કેટકેટલા વેશપલટા કર્યા છે તમે…એમાં બુઝૂર્ગ અને ફકીર-બેનો વધારો કર્યો. જય હો ગુલેબાબા કી.. (ક્રમશ:)