Homeઉત્સવઑપરેશન તબાહી-૧૮

ઑપરેશન તબાહી-૧૮

‘મોટા માણસોની આ જ મહાનતા હોય છે. બહુ મોટા કામ કરતા હોવા છતાં કાંઇ કરતા નથી એવું કહે.’ મસ્તીખોર માયા અચાનક ફિલસૂફ બની ગઇ

અનિલ રાવલ

પાકિસ્તાનના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માયા ટ્રોલી બેગ સાથે ઊભી હતી. બીજના ચંદ્રાકારની ડિઝાઇનવાળો લાલ મિડી ડ્રેસ, સ્કીન કલરના સ્ટોકિંગ્સ, ઊંચી એડીના લાલ પટ્ટીવાળા સેન્ડલ, મેચિંગ કલરનું નાનું પર્સ, ખભા સુધીના સતત ઉડતા વાળ, આંખ પર કાળા ચશ્માં પહેરીને માયા ટેક્સી રોકવાના પ્રયાસ કરતી હતી, પણ એકપણ ટેક્સી ઊભી રહેતી નહતી. કંટાળીને એણે અંગૂઠો બતાવીને લિફ્ટ માગવાની શરૂઆત કરી, તો પણ એકેય કાર રોકાઇ નહીં. એ નિરાશ થઇ ગઇ…એવામાં એની બાજુમાંથી પસાર થઇ ગયેલી એક ટેક્સી જરા આગળ જઇને ઊભી રહી. માયાએ ટેક્સીને રિવર્સ આવતા જોઇ. ટેક્સી ઊભી રહી. પાછલી સીટનો કાચ નીચે ઊતર્યો અને અંદર બેઠેલા એક માણસે થોડું ડોકું બહાર કાઢીને માયાને પગથી માથા સુધી જોતા કહ્યું: યહાં ટેક્સી નહીં મિલેગી મોહતરમા…મૈં આપકો કહીં છોડ દું.?’
‘જી, બહોત બહોત શુક્રિયા આપકા. કબ સે કોશિશ કર રહી હું.’
‘ડ્રાઇવર મોહતરમા કા સમાન ડિકી મેં રખ દિજિયે.’ કહીને એ ટેક્સીની અંદરની બાજુ સરક્યો એટલે માયા અંદર એની બાજુમાં બેઠી. ટેક્સી સ્ટાર્ટ થઇ…
‘કહાં જાયેંગી આપ?’
‘જી, સંગેમરમર હોટલ.’
‘ક્યા બાત હૈ….બેસ્ટ ફાઇવ સ્ટાર હોટેલ. મેરે રાસ્તે મેં હી હૈ.. છોડ દુંગા…વૈસે મેરા નામ ડૉ. એહસાન ઝકરિયા હૈ.’
માયાએ એને ધારીને જોવા માટે ગોગલ્સ ઉતાર્યા. ગોળ ચહેરો, ગોરો વાન, રીમ ગ્લાસના ચશ્માંની પાછળ બે ચમકતી આંખો, કાનપટ્ટી પર આછી સફેદી પકડી રહેલા વાળ, મશરૂમ કલરનો કોટ, જમણા હાથની ત્રણ આંગળીઓમાં વિવિધ રંગની વીંટીઓ, ગળામાં લટકતું ૭૮૬ નંબરનું પેન્ડન્ટ.
‘ઓહ, પ્લેઝર મિટિંગ યુ…….આઇ એમ મરિયમ ફ્રોમ લંડન.’ માયાએ હાથ મિલાવ્યો ને ઝકરિયાનું આખું શરીર ઝણઝણી ઉઠ્યું.
‘ડૉ. ઝકરિયા રાઇટ…તો તો તમે ગુજરાતી બોલતા હશો નહીં.? અમારા લંડનમાં ઘણા ઝકરિયાઓ ગુજરાતી બોલે.’ માયાએ હળવેકથી હાથ છોડાવ્યો.
‘યસ યસ….ગુજરાતી, ઇંગ્લીશ, ઉર્દૂ, પુશ્તુ, ફ્રેન્ચ….જર્મની….આ બધી લેન્ગ્વેજ’
અરે બસ બસ.. આટલી બધી લેન્ગ્વેજીસ બોલી શકો છો તમે…મને ગિલ્ટી ફિલ ન કરાવો પ્લીઝ…કારણ મને તો ઉર્દૂ પણ નથી આવડતું….લંડનમાં જન્મી ને મોટી થઇ છું ને એટલે.’ માયાની આંખોમાં અલ્લડ છોકરીની મસ્તી હતી.
‘ડૉ. ઝકરિયા, તમે શું કરો છો.?’
‘હું કાંઇ નથી કરતો.’
‘મોટા માણસોની આ જ મહાનતા હોય છે. બહુ મોટા કામ કરતા હોવા છતાં કાંઇ કરતા નથી એવું કહે.’ મસ્તીખોર માયા અચાનક ફિલસૂફ બની ગઇ. ડૉ. ઝકરિયા હસી પડ્યો.
‘લો મોહતરમા તમારી મંજિલ આવી ગઇ….હોટલ સંગેમરમર.’
‘થેન્ક યુ સો મચ ડૉ. ઝકરિયા. આ એહસાન જિંદગીભર યાદ રહેશે…અને હા, જીવનમાં કાંઇ નહીં કરનારા માણસનો કોન્ટેક્ટ નંબર તો હશેને.?’
નંબર શેર કરવાની અધિરાઇ સાથે ડૉ. ઝકરિયાએ તરત જ પાકિટમાંથી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું તો ખરું, પણ કાંઇક વિચારીને પાછું મૂકી દીધું.
‘તમે મારો નંબર લખી લો.’ નંબર લખાઇ ગયો. પર્સમાં મુકાઇ ગયો. મારકણી આંખ મિલાવીને માયાએ ફરી ગોગલ્સ પહેરી લીધા…
‘અને તમારો કોન્ટેક્ટ નંબર…’
જવાબમાં માયા ખડખડાટ હસીને ચાલતા ચાલતા બોલી: મારા કોલનો ઇન્તેજાર કરજો….અને ન આવે તો આપણી મુલાકાતને સપનું સમજીને જિંદગીભર યાદ કરજો…. બાય…..
ટેક્સી સ્ટાર્ટ થઇ. ડૉ. ઝકરિયા પાછળ ફરીને, લચકતી ચાલે ચાલી રહેલી માયાને જોતા રહ્યા..
બસ, એક નઝર પીછે મૂડ કે દેખ કુડિયે…માયાએ પાછળ જોયું અને ડૉ. ઝકરિયાના મોંમાંથી શબ્દો નીકળ્યા: ‘કિસીને સચ કહા….અગર લડકીને પીછે મૂડ કે દેખા તો સમજો વો પટ ગઇ.’
માયા ટ્રોલી બેગ ઘસડતી હોટલમાં પ્રવેશી અને લોન્જમાં બેઠેલાં બેગમસાહેબાની બાજુમાં જઇને બેસી ગઇ.
ઑપરેશન હની ટ્રેપની શરૂઆત થઇ ચૂકી છે. માયાએ કહ્યું ને બંને એકબીજાને તાળી આપતા ખડખડાટ હસી પડી.
****
કેપ્ટન અખ્તર હુસેનની કાફે લશ્કરીમાં ગેરહાજરી રાહુલ એટલે કે રહેમતમિયાંને સ્વાદિષ્ટ ભોજનમાં નમકની ગેરહાજરી સમાન લાગી. છેલ્લે પોતાના પર રોજેરોજ નાસ્તો બનાવવાની વિશેષ જવાબદારી નાખીને પોતે ગુમ થઇ ગયા એથી રાહુલને જ નહીં પણ કાફે લશ્કરીના માલિકથી લઇને મેનેજર કમ વેઇટર સુધીનાને નવાઇ લાગી. રાહુલ રોજ એમના માટે કોઇને કોઇ નવો નાસ્તો બનાવે અને બારણે નજર માંડીને એની રાહ જુએ. નિયમિત નિશ્ર્ચિત સમયે આવી પહોંચનારો આ માથાફરેલ મિલિટરી ઑફિસર આવતો કેમ નથી. એનો ભેદ ઉકેલવા રાહુલે માલિકને પૂછી જોયું પણ અગાઉ આવું ક્યારેય બન્યું નથી એવી ખબર પડી. જોકે તેઓ એમની ગેરહાજરીનું કારણ જાણતા પણ હોત તો સાચું કહી દેત એવું જરૂરી પણ નથી. રાહુલને એક વાતે સંતોષ હતો કેમકે આ દરમિયાન એણે એના માટે નવી નવી વાનગીઓ બનાવતા શીખી લીધી હતી. છતાંય એને ચિંતા હતી કે નાસ્તામાં જરા સરખી પણ ગરબડ થઇ તો એ હાડકાં ખોખરાં કરી નાખશે. જોકે રાહુલ ઇમાનદારીથી રોજ એમના માટે કોઇને કોઇને નવો તાજો નાસ્તો બનાવી રાખતો અને એના આવવાની રાહ જોતો. રાહ જોવા પાછળનું કારણ રાહુલ એની વધુને વધુ નજીક પહોંચીને ન્યુક્લિયર પ્લાન્ટનું રાઝ જાણવા માગતો હતો….કેપ્ટનની ભેદી હિલચાલ… એનો મિજાજ જોતા એની પાસે રજેરજની માહિતી હોવી જોઇએ એવું રાહુલ માનતો હતો.
એક સવારે કેપ્ટન અખ્તર હુસેન એમના નિયત સમય કરતા થોડા વહેલા કાફે લશ્કરીમાં પહોંચીને એમની ખાસ ખુરસી પર જઇને બેસી ગયા. આસપાસ નજર કરીને પૂછ્યું: ‘વો મેરા ખાનસામા કહાં હૈ.?’
કિચનમાંથી પ્રવેશતા જ રાહુલે કહ્યું: ‘બંદા હાજીર હૈ જનાબ.’
કેપ્ટને એને શંકાથી પગથી માથા સુધી જોયો. પછી કાંઇક વિચારતા બેસી રહ્યા. એણે આંખો મિંચી દીધી. કચ્છના રણનું તોફાન એની ફરતે ચકરાવો લઇ રહ્યું હતું. ચોમેર રેતીની ડમરીઓ ઊડી રહી હતી. તેઓ હવામાં હાથ વીંઝીને રેતીને દૂર કરવા લાગ્યા.
કેપ્ટનને હાથ હલાવતા જોઇને રાહુલે પૂછ્યું: ‘ક્યા હુઆ જનાબ.?’
‘કૂછ નહીં.’ કહીને તેઓ વોશબેસીન પર જઇને મોં ધોઇ આવ્યા. રાહુલે એમને નેપકીન આપ્યો ત્યારે એણે એની આંખોમાં આંખ નાખીને જોયું. રાહુલ અંદરથી જરા હલી ગયો, પણ દેખાવા ન દીધું. આ રીતે પોતાની સામે જોવાનું કારણ એક જ હોઇ શકે….શંકા….અને આ માણસને શંકા ગઇ તો ગયા કામથી.
‘જનાબ, ક્યા ખાસ બનાઉં આપકે લિયે આજ..?’
કેપ્ટન કદાચ તાજેતરની ઘટનાઓમાંથી હજી બહાર નથી આવ્યા. કદાચ દરવાજે ટકોરા મારીને પલાયન થઇ ગયેલા દુશ્મનોને પકડવાની આ છટપછાહટ હતી.
‘જો તૈયાર હૈ તેરે પાસ વો લા.’ રાહુલ કેપ્ટન અખ્તર હુસેનના કેસમાં…આજના એમના વર્તનમાં કોઇ જ અનુમાન કરી શકવા સમર્થ નહતો. સ્વસ્થતા રાખીને ખેલ જોવા સિવાય બીજો કોઇ માર્ગ નહતો. એ અંદર ગયો….ઝટપટ કોઇક વાનગી બનાવીને લાવ્યો. માત્ર પાંચ જ મિનિટમાં ટેબલ પર નાસ્તાની ડિશ જોઇને કેપ્ટનને આશ્ર્ચર્ય થયું.
‘યહ ક્યા બના કે લેકે આયા હૈ તૂ?’
‘જનાબ, આપકે લિયે એકદમ નઇ ડિશ…આમલેટ, ઇસકે ઉપર ખીમા, ઇસકે ઉપર હાફ ફ્રાઇ ઓર આસપાસ બીછાયે હૈ બોટી કબાબ કે ચંદ ટુકડે….સાથ દે રહે હૈ… કરીમ ચાચા કી બેકરી મેં સેકેં હુએ પાંઉ….થોડે નરમ થોડે કડક…બિલકુલ આપકે મિજાજ કી તરહા.’
કેપ્ટને એક નજર ડિશ ફેરવી. પછી વિશ્ર્વાસ ન બેઠો હોય એમ પૂછયું.
‘યહ સબ તૂમને બનાયા હૈ.?’
‘જનાબ’ કહીને રાહુલે ડોકું
નમાવ્યું. કેપ્ટને ખાવાની શરૂઆત કરી. થોડીવારમાં લગભગ બધું ઝાપટી ગયા. રાહુલને થયું કે કેપ્ટને ખુશ હુઆ હૈ… હવે કેપ્ટનના પેટમાં ઘૂસવાનો માર્ગ મોકળો થયો છે. ત્યાં જ કેપ્ટને પૂછ્યું: તુમને કભી કાફિરોં કો દેખા હૈ.?
‘રાહુલને પોતે અજાણતા વીજળીનો વાયર પકડી લીધો હોય એવો ઝટકો લાગ્યો.
નહીં જનાબ..ક્યું..?’
‘બસ ઐસે હી પૂછ લિયા.’
‘યહ જો કબાબ તુમને બનાયા હૈ વો બિલકુલ લખનઊ સ્ટાઇલ કા હૈ…કહાં સે સીખા હૈ.?’
કોઇએ પોતાના બંને હાથ ઉકળતા તેલની કડાઇમાં ઝબોળી દીધા હોય એવું રાહુલને લાગ્યું. કેપ્ટને પહેલા કાફિરો વિશે પૂછ્યું અને હવે કબાબના મૂળ સુધી પહોંચ્યો. એના દિમાગમાં શંકાના કીડાએ સળવળાટ શરૂ કર્યો છે.
‘જનાબ, આપકો ખુશ કરને કે લિયે.. જો ઝહેન મેં આયા…જૈસે આયા બનાતા ગયા.. ગુસ્તાખી માફ…લેકિન મૈં કોઇ પૈદાશી ખાનસામા નહીં હું…બસ શોખ હૈ.’
‘હરામી કે પિલ્લુ…તું જો દિખતા હૈ વો હૈ નહીં…ચલ ખાનસામા, મૈં તેરા શોખ પૂરા કરુંગા.’ કેપ્ટને રાહુલને બાવડેથી ઝાલી લીધો. કાફે લશ્કરીમાં સોપો પડી ગયો. બધાના હાથમાં કોળિયો રહી ગયો….મોંમાં મૂકેલો કોળિયો ચાવવાનું ભૂલી ગયો. કાફે લશ્કરીના માલિકને થયું કે રાહુલ પૂછપરછમાં મદદગારોના નામ આપી દેશે તો બધું છોડીને ભૂર્ગભમાં જતું રહેવું પડશે. એણે ઇશારો કરીને મૅનેજરને બોલવીને કાઉન્ટર પર બેસાડી દીધો અને પોતે સરકી ગયો. કેપ્ટન રાહુલને જીપમાં બેસાડીને નીકળી ગયા.
ક્રમશ:
*********************
કેપ્શન:
*********************

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular