‘તબાહી હમસે પૂછ કર નહી મચતી. કચ્છ કે રેગિસ્તાન કી આંધી હમારે ઘર મેં ઘૂસ ચૂકી હૈ… વો તબાહ કર દે ઉસસે પહેલે ઉસે રોકના હોગા. ખુદા હાફીઝ’
અનિલ રાવલ
કેપ્ટન અખ્તર હુસેને દોરી બતાવેલું ચિત્ર પીઆઇબી ચીફ હબીબ અન્સારી અને મિલિટરી પોલીસના વડા હારુન અહમદના ચિત્તમાં ૭૦ એમએમનું બનીને ચોંટી ગયું.
“નવનીતરાય જીવનલાલ જોશી મીઠાઇવાલા, આંબલી ચોક, ભુજ. પીઆઇબીના ચીફે હારુન અહમદે બોક્સ ઉઠાવીને ફરી નામ વાંચ્યું.
ઇસ દુકાનવાલે કો પૂછના પડેગા….મીઠાઇ કૌન ખરીદને આયા થા.’ હારૂન અહમદે કહ્યું.
‘અપને બંદોં કો કામ પે લગાઓ.’ અખ્તર હુસેનમા અવાજમાં કરડાકી હતી. તરત જ હારુન અહમદે ઊભા થઇને કબાટમાંથી મોર્સ કોડ મશીન કાઢીને મેસેજ આપવાની શરૂઆત કરી…કચ્છ કનેક્શન, સરહદે બનેલી ઘટના, તારીખ, ભુજના મીઠાઇવાળાનું નામ સરનામું, જાસૂસોની જોઇતી માહિતી સહિતની બધી વિગતો બીપના લાંબા ટૂંકા અવાજ સાથે દિલ્હીની આઇઆઇબીની ઓફિસમાં ઊતરવા લાગી…અજય અહુજાની જગ્યાએ નવા નિમાયેલા દર્શન ત્યાગીના સતર્ક કાને ઝીણો ઝીણો અવાજ અફળાયો. એ ચોંકી ઊઠ્યા. કૅબિનમાં કોઇ ગુપ્ત જગ્યાએ મોર્સ કોડ મશીન છે. એમણે અવાજની દિશામાં કાન માંડ્યા. કેબીનની અંદર આવેલી બીજી એક નાની કૅબિનમાંથી અવાજ આવતો હોવાનું લાગ્યું…એ અંદર ગયા…..સામે પુસ્તકો ગોઠવેલી કૅબિનેટમાંથી સરકીને અવાજ આવી રહ્યો હતો. એમણે હળવેકથી કેબીનેટને હડસેલીને બાજુમાં કરી…..સામે પડેલું કૉડ મશીન શાંત થઇ ગયું હતું, સંદેશો ઊતરી ચૂક્યો હતો…અવાજ બંધ થઇ ગયો હતો. એમણે કોડ લિપિ ઉકેલવાની શરૂઆત કરી. વાંચીને એક ઊંડો શ્ર્વાસ લીધો ને પછી ટૂંકો સંદેશો મોકલ્યો:
‘જનાબ, આપકા કામ હો જાયેગા.’
વળતો સંદેશો વાંચીને પાકિસ્તાની છાવણીની ત્રિપુટીમાંથી બે જણનો હરખ મીઠાઇ વહેંચવાની અણી પર પહોંચી ગયો હતો…એકમાત્ર અખ્તર હુસેનનો ચહેરો ખરબચડા પથ્થરમાંથી કોતરેલી ભાવહીન મૂર્તિ જેવો હતો. કદાચ એમને હજી અસંતોષ હતો…ક્યાંક કાંઇક ખૂટતું હોય એવું લાગતું હતું. જે હોય તે મોઢામોઢ કહી દેવાનો સ્વભાવ ધરાવતા અખ્તર હુસેને જતા પહેલાં કહ્યું: ‘તબાહી હમસે પૂછ કર નહી મચતી. કચ્છ કે રેગિસ્તાન કી આંધી હમારે ઘર મેં ઘૂસ ચૂકી હૈ…વો તબાહ કર દે ઉસસે પહેલે ઉસે રોકના હોગા. ખુદા હાફીઝ.’
દિલ્હીમાં દર્શન ત્યાગીએ સાચવીને મશીન અંદર મૂક્યું અને સંદેશો ખિસ્સામાં. ગુપ્ત પુસ્તકોની રેકને ફરી મૂળ સ્થાને ખસેડીને મૂકી. થોડા સ્વસ્થ થયા. કૅબિનનો દરવાજો બંધ કરીને બહાર આવીને જોયું તો એમની ખુરસીની સામે ગોપીનાથ રાવ બેઠા હતા. દર્શન ત્યાગી હદયનો ધબકારો ચુકી ગયા, પણ કોડ મશીનનો છેલ્લો છેલ્લો અવાજ સાંભળીને સમજી ચુકેલા…પામી ગયેલા રાવ સ્થિતપ્રજ્ઞ હતા. એમની આંખોમાં પ્રશ્ર્નો ન હતા….પણ પ્રતિભાવો જાણવાની ઇન્તેજારી હતી. દર્શન ત્યાગી પણ અજય અહુજાને માર્ગે ચાલી રહ્યો હોય એવું એને લાગ્યું. ગુપ્તચરોની દુનિયામાં પોતાના માણસો પર વિશ્ર્વાસ મૂક્યા વિના ચાલતું નથી અને વિશ્ર્વાસભંગ કોણ કરશે એની કોઇ ખાતરી નથી હોતી. દગાખોર ઘરનો જ માણસ હોય છે. રાવના દિમાગમાં હજીય પેલો બીપ બીપ અવાજ આવ્યા કરતો હતો. દર્શન ત્યાગીના ચહેરાને તાકતા રહ્યા.
‘થેન્ક ગોડ તમે આવી ગયા.’ દર્શન ત્યાગી બોલ્યા.
‘તેં જ કહેલું કે મહત્વના કામ માટે મળવું છે….તેથી આવી ગયો. કદાચ ખોટા ટાઇમે આવ્યો.’
‘બીલકુલ નહીં સર, યોગ્ય સમયે જ આવ્યા છો તમે..હમણાં જ કાડ મશીન પર મેસેજ ઊતર્યો…’ એમણે ખિસ્સામાંથી સંદેશો કાઢીને રાવને આપ્યો.
રાવે સંદેશો વાંચીને ત્યાગીની સામે જોયું….ખાતરી કરવા કે આ સંદેશો બતાવીને દર્શન ત્યાગી પોતે દગાબાજ નથી…દેશદ્રોહી નથી આવું દર્શાવીને વિશ્ર્વાસ જીતવાની કોશિશ તો નથી કરતો ને…
‘સર, મને પહેલા તો વિશ્ર્વાસ ન બેઠો, પણ પછી થયું કે કેબીનમાં જ કોઇ જગ્યાએથી અવાજ આવી રહ્યો છે….અંદરની કૅબિનમાં પુસ્તકોના રેકની પાછળ મશીન મૂક્યું છે. ચાલો બતાવું..’
બેઉ જણ અંદર ગયા. રાવે મશીન જોયું. ત્યાગીની સામે જોઇને અહુજા માટે મનમાં ધરબી રાખેલો ગુસ્સો દબાયેલા સ્વરે બહાર આવ્યો: ‘ઓહ, તો અજય અહુજા આટલી નિમ્નસ્તરે પહોંચી ગયો હતો.’
‘એ તો ક્યારનું સાબિત થઇ ચુક્યું છે. અને એનો બદલો પણ અહુજાને મળી ગયો….સવાલ ત્યાં ગયેલા આપણા બોયઝના જીવનો છે…..પગેરું કચ્છ સુધી પહોંચી ચૂક્યું છે, સર.’
‘દર્શન, આપણા એજન્ટો એમને કેટલા ખતરનાક સાબિત થશે એનો તને અંદાજ નથી. એક મિનિટ.. આ રીતે અહુજાને મેસેજ મોકલ્યો.. મતલબ કે સામેવાળાને અજય અહુજાના મોતની હજી સુધી ખબર નથી.’
‘હા સર, કદાચ.’
‘નાઉ યુ ડુ વન થિંગ દર્શન, તું અજય અહુજા બનીને મેસેજ મોકલતો રહે અને મિસગાઇડ કરતો રહે.’
‘સર, મેં ઓલરેડી એ કામ શરૂ કરી દીધું છે.’ દર્શન ત્યાગીએ..પોતે મોકલેલો જવાબ વંચાવ્યો.
રાવના ચહેરા પરનું સ્મિત દર્શન ત્યાગી પરનો વિશ્ર્વાસ બની અંકિત થઇ ગયું. બંને બહાર આવીને બેઠા કે તરત જ ત્યાગીએ પૂછ્યું:
‘સર, કોફી મગાવું.?’
‘નેકી ઓર પૂછપૂછ…આઇ મીન કોફી ઓર પૂછપૂછ…..મગાવ.’
દર્શન ત્યાગીએ ફોન જોડીને સેક્રેટરીને બે કોફીનું કહ્યું
‘સર, મારે તમને એક માહિતી આપવી છે.’
‘બોલ દર્શન.’ રાવે સિગારેટ સળગાવી.
‘મેં એક્સટર્નલ ઇન્ટેલિજન્સમાં માથું માર્યું છે…..આઇ એમ સોરી ફોર ધેટ…બટ આઇ હેવ સમથિંગ ટુ શેર વિથ યુ.’ ત્યાગીએ એમની સામે એશ્ટ્રે મૂકી.
ગો અહેડ.’
ત્યાગીએ વાત આગળ ચલાવી.
‘સર, પાકિસ્તાનના સાયન્સ અને ટેક્નોલોજી મિનિસ્ટ્રીમાં એક માણસની ક્યારેક જ અવરજવર રહી છે, પણ એણે વિદેશભ્રમણ બહુ કર્યું છે. ફ્રાન્સ, ચીન, અમેરિકા, યુકે, અને આજકાલ નોર્થ કોરિયા.’ ત્યાગીએ ચાવીથી ટેબલનું સૌથી છેલ્લું ખાનું ખોલ્યું. પીળા રંગના એન્વલપમાંથી એક ફોટો કાઢીને રાવની સામે મૂકતા કહ્યું. ‘ડો. એહસાન ઝકરિયા. ન્યુક્લિયર ફિઝિસિસ્ટ એન્ડ મેટાલ્જિર્કલ એન્જિનિયર. સમાચારોમાં બહુ નહીં રહેતો આ માણસ પાકિસ્તાનના મરહુમ વઝીરે આઝમનું ન્યુક્લિયર બૉમ્બ બનાવવાનું સપનું પૂરું કરી રહ્યો છે.’
ફોટો જોઇને રાવે પોતાના ખિસ્સામાંથી એક ફોટો કાઢીને ત્યાગીની સામે મૂકતા કહ્યું..’નોર્થ કોરિયાના પ્રમુખ વોન્ગ લી બોન્ગ સાથેની એની આ તાજી તસવીર.’ પોતે એક કદમ હંમેશા આગળ હોય છે રાવે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું.
‘દર્શન, મને પાકિસ્તાનની વિદેશી તમામ ચાલ અને હિલચાલની ખબર છે. આપણને ન્યુક્લિયર પ્લાન્ટનું લોકેશન જોઇએ છે. અને એટલે જ માય બોયઝ આર ધેર.’
‘ન્યુક્લિયર પ્લાન્ટ ક્યાં છે એ જાણવાની કોશિશમાં મેં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટ્રીમાં મારો એક માણસ પ્લાન્ટ કરી દીધો છે.’ ત્યાગીએ કહ્યું.
‘અને મેં એહસાન ઝકરિયાના આ એહસાનનો બદલો ચૂકવવા એક તગડો પ્લાન બનાવ્યો છે.’
****
પાકિસ્તાનના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માયા ટ્રોલી બેગ સાથે ઊભી હતી. બીજના ચંદ્રાકારની ડિઝાઇનવાળો લાલ મિડિ ડ્રેસ, સ્કીન કલરના સ્ટોકિંગ્સ, ઊંચી એડીના લાલ પટ્ટીવાળા સેન્ડલ, મેચિંગ કલરનું નાનું પર્સ, ખભા સુધીના સતત ઊડતા વાળ, આંખ પર કાળા ચશ્મા પહેરીને માયા ટેક્સી રોકવાના પ્રયાસ કરતી હતી, પણ એકપણ ટેક્સી ઊભી રહેતી નહતી. (ક્રમશ:)