કઇ બાર મૌકા-એ-વારદાત પર મીલી એક છોટી પેન્સિલ ભી હમેં બડા પેઇન્ટિંગ બનાને મેં મદદ કરતી હૈ
અનિલ રાવલ
હારૂન અહમદે હન્ટર ફટકારવાનું ચાલુ રાખ્યું. ગુલ મોહમ્મદની ચીસો સંભળાતી રહી. અલ્લાહ કસમ મૈં નહીં જાનતા, મૈં નહીં જાનતા’ બોલતો રહ્યો, પણ અહીં કોઇ એની વાત માનવાનું ન હતું. હારૂન અહમદે હન્ટર ફગાવીને કહ્યું: ‘મુંહ નહીં ખોલેગા તો હમારે પાસ ઔર ભી
તરીકે હૈ.’
ગુલ મોહમ્મદને શેખ મુલ્તાની સામે બદલો લેવાનું પગલું મોંઘું પડ્યું. મામલો મર્ડરનો અને સરહદ પરની કોઇ ઘટનાનો હશે એનો અંદાજ ન હતો. બીવીને ઉઘાડી પાડવાના અને શેખ મુલ્તાનીને પકડાવી દેવાના ચક્કરમાં પોતાની ચામડી ઊતરડાઇ ગઇ. બીવીના યારને સપડાવી દેવા ગયો, પણ ખુદ સાણસામાં સપડાઇ ગયો. જાણ્યા વિના આગમાં કૂદી પડ્યો. અધૂરી વાત સાંભળીને સરનામું આપી દીધું. ભોંય પર ટૂંટિયું વાળીને પડી રહેલો ગુલ મોહમ્મદ આવું જ કાંઇક વિચારી રહ્યો હતો.
‘ઇસકો શેખ મુલ્તાની સાથે લોકઅપ મેં ડાલ દો.’ હારૂન અહમદનો હુકમ છૂટ્યો. બહાર જ ઊભેલો જલાલ અકબરી એને ઢસડીને બાજુની લોકઅપમાં લઇ ગયો. એણે બહારથી જ બૂમ મારી: ‘જનાબ જલ્દી યહાં આઇયે.’
બંને ઑફિસરો દોડી ગયા. શેખ મુલ્તાનીના મોં પર થીજેલા ફીણ જોઇને અખ્તર હુસેન બોલ્યા: ‘જનાબ, આપ કે ડિપાર્ટમેન્ટ મેં મુલ્ક કે દુશ્મનો ઔર ગદ્દારોં કી કમી નહીં હૈ. સાઇનાઇડ ખા કર સુસાઇડ કર લિયા.’ અખ્તર હુસેને બાજુમાં પડેલું બટન અને ફાટેલી બાંય જોઇ. ‘યે મિયાં-બીવી ભી મિલે હુએ હૈ.’ એ બોલ્યા કે તરત જ હારૂન અહમદે ગુલ મોહમ્મદને લાત મારી: ‘મુલ્ક કે ગદ્દારો. જિંદગીભર જેલમેં સડોગે તૂમ લોગ.’
‘કેસ બનાઓ કી શેખ મુલ્તાની, નફીસા ઔર ઉસકા ખાવિંદ ગુલ મોહમ્મદ તીનો જાસૂસ થે. શેખ કા નફીસા કે સાથ નજાયઝ રિશ્તા થા. તીનોં કો સરહદ પર હુએ હાદસે કા પતા થા. અગર રાઝદાર ઇજાઝ ખાન પકડા ગયા તો સબ મારે જાયેંગે. ઇસલિયે ઉસકા મર્ડર કિયા. જિસ રસ્સી પર ઇજાઝ કો લટકાયા વો મિલિટરી પુલીસ કી રસ્સી ઉસકા સબૂત હૈ. પૂછતાછ કે દૌરાન એક ગદ્દારને સાઇનાઇડ ખા કર સુસાઇડ કર લિયા. અબ મિયાં-બીવી જેલમેં સડેગેં.’ અખ્તર હુસેને ચુકાદો સંભળાવી દીધો. મિલિટરી ઇન્ટેલિજન્સની ખુદની અદાલત હોય છે….આપખુદશાહીની અદાલત. પોતાનું જજમેન્ટ, ફેંસલો કે ચુકાદો હોય છે. એમાં બચાવપક્ષ નથી હોતો કે નથી ચાલતી કોઇ દલીલબાજી.
‘ઇન દોનોં કે પાસ ભી સુસાઇડ કી ગોલી હો સકતી હૈ.’ હારૂન અહમદને વિચાર આવ્યો.
‘હો સકતી હૈ… તલાશી લેની પડેગી.’ અખ્તર હુસેને ખુણામાં પડેલો ધાબળો લેતા જલાલ અકબરીને કહ્યું. ‘ઇસકે કપડે ઉતારો ઔર યહ કંબલ દે દો.’ જલાલે ગુલ મોહમ્મદના એક પછી એક કપડા ઉતારાવ્યા. ધાબળો ઓઢાડ્યો. કપડાં લઇને ત્રણેય બાજુની લોકઅપમાં ગયા.
‘જલાલ,’ અખ્તરે ફરી હાકલ કરી.
‘જી જનાબ.’
‘મોહતરમા કો ભી એક કંબલ દો ઔર સારે કપડે ઉતરવા લો.’ જલાલે નફીસાની સામે ધાબળો ફેંક્યો અને કપડા ઉતારવા કહ્યું. દરમિયાન ત્રણેય જણ ઊલ્ટુ મોં કરીને ઊભા રહ્યા. નફીસા એક પછી એક તમામ વસ્ત્રો લોકઅપના દરવાજે ફેંકતી ગઇ. જલાલે નફીસાની આંખમાંથી ટપકતા આંસુ જોયા વિના કપડા લીધા. લોકઅપને લોક લગાડ્યું.
નફીસા અને ગુલ મોહમ્મદના કપડાની સિલાઇ ઊતરડીને, ચીરીને, કફકોલર, નેફા ફાડીને, આંતરવસ્ત્રોને કાતરીને તલાશી લીધી. કદાચ સાઇનાઇડ મળી આવે, પણ હાથ લાગી નિરાશા. અને નિરાશાને પગલે આવેલા ગુસ્સાનું પરિણામ વધુ ખતરનાક હોય છે. બીજે દિવસે, જ્યાં જેલરની પરવાનગી વિના સૂર્યનું કિરણ પણ પ્રવેશી ન શકે એવી અભેદ્ય કિલ્લા જેવી જેલમાં નફીસા અને ગુલ મોહમ્મદને ધકેલી દેવાયાં. અલબત્ત, અલગ અલગ જેલમાં.
***
વિજય બત્રા, રાહુલ અને સુશાંત એક નાનકડી હોટલ ગુલિસ્તાનના ખૂણામાં બેસીને આસપાસ કોઇ સાંભળે નહીં એમ વાતો કરી રહ્યા હતા. થોડીવાર પછી બુરખો પહેરીને મહેશની સાથે માયા આવીને બેઠી. અને મોડા પહોંચવાની આદત મુજબ સૌથી છેલ્લે કબીર પહોંચ્યો. બધા જ આવી ગયા. સુશાંતે બધાને અહીં બોલાવ્યા હતા. શું હશે.? એવી કઇ અગત્યની વાત સુશાંત શેર કરવા માગતો હશે એની અટકળો દરેકના મનમાં ચાલ્યા કરતી હતી બધા જ લોકો સુશાંત કંઇ ફોડ પાડે એની રાહમાં હતા.
‘આપણો શેખર ગયો.’ સુશાંતે ખૂબ ધીમા અવાજે કહ્યું.
‘વોટ.?’ કબીરનો ઉદ્દગાર ધીમો, પણ તીવ્ર હતો. બાકી બધા અવાચક હતા. કબીરની આંખો સામે બારાતીઓના ચોંકાવનારા સ્વાગત વખતનું દ્રષ્ય પસાર થઇ ગયું. દુલ્હાનું અપહરણ, અજાણી જગ્યાએ લઇ જવું, રૂમમાં ધકેલી દેવો અને પછી કેવું રહ્યું સ્વાગત કહેવું.. ‘હમ બરાતીઓ કા સ્વાગત ઐસે હી કરતે’ કહીને બધાનું ખડખડાટ હસવું.
સુશાંતે સરહદે બનેલી ઘટનાથી લઇને ઇજાઝ ખાનના મર્ડર અને શેખરના સુસાઇડ સુધીની આખીય વાત ટૂંકમાં કહી સંભળાવી. ત્યાં બેઠેલા તમામને શેખરને ગુમાવ્યાનું દુ:ખ તો થયું પણ સૌથી વધુ આશ્ર્ચર્ય એ વાતે થયું કે સરહદ પાર કરીને બારાત પાકિસ્તાનમાં ઘૂસી ગયા પછી ત્યાં બનેલી ઘટનાની કોઇને ખબર હતી.
‘આપણો એક જણ શહીદ થઇ ગયો.’ રાહુલ બોલ્યો.
‘ચીફ ગોપીનાથ રાવને જાણ છે આની.?’ વિજય બત્રાએ પૂછ્યું.
‘હા, મેં બધી વાત કરી દીધી. એમને જોકે સરહદ પર બનેલી ઘટનાની પહેલેથી જ ખબર હતી….પણ આપણને કોઇને કહી નહતી.’ સુશાંતે કહ્યું ત્યારે બધા એકબીજાની સામે જોતા હતા.
‘ઇજાઝ ખાન આ રહસ્ય જાણતો હતો જો એ મોઢું ખોલી દે તો સરહદમાં ભારતીય જાસૂસો ઘૂસ્યા છે એ સાબિત થઇ જાય અને આપણા જીવ જોખમમાં આવી પડે એટલે શેખરે એને ખતમ કર્યો.. પણ કમનસીબી એ થઇ કે એ પકડાઇ ગયો.. બારાત ઘૂસી છે એવું કહેવાની નોબત આવે તે પહેલાં એણે મોત પસંદ કર્યું.’ સુશાંતે વાત પૂરી કરી ત્યારે બધાની સામે એ રાતે બારાતીઓના સ્વાગત વખતે જોયેલો શેખરનો હસમુખો ચહેરો તરવરવા લાગ્યો.
‘આપણને બચાવવા એને પોતાનો જીવ આપી દીધો.’ માયા બોલી.
‘આગલે દિવસે મળ્યો ત્યારે એણે મને ન્યુક્લીઅર પ્લાન્ટની કોઇ બાતમી મળી હોવાની હિન્ટ આપી હતી. કદાચ એ ઉતાવળમાં હતો તેથી વાત નહીં કરી….એક દિવસ વધુ રહ્યો હોત તો કદાચ આપણી પાસે ન્યુક્લીઅર પ્લાન્ટની માહિતી હોત.’ સુશાંતના અવાજમાં અફસોસ હતો.
‘શેખરને પકડનારા કોણ હતા.?’ રાહુલે પૂછ્યું.
‘એને રંગેહાથ પકડનારા બીજા કોઇ નહીં, પણ ખુદ મિલિટરી પોલીસનો વડો અને મિલિટરી ઇન્ટેલિજન્સનો ચીફ હતો.’
‘એની કોઇ તસવીર છે.?’ રાહુલે પૂછ્યું.
સુશાંતે પાકિટમાંથી એક તસવીર કાઢીને રાહુલને બતાવતા કહ્યું: ‘આ છે મિલિટરી ઇન્ટેલિજન્સનો સૌથી ખતરનાક માણસ.’
રાહુલ તસવીર જોઇને છળી ઉઠ્યો. ‘ઓહ, આ છે મિલિટરી ઇન્ટેલિજન્સનો ચીફ…..આ…..આ તો હું જ્યાં કામ કરૂં છું એ કાફે લશ્કરીમાં રોજ નાસ્તો કરવા આવે છે. અમે એકબીજાની બહુ નિકટ પહોંચી ગયા છીએ…હવે આમનેસામને આવી જઇશું.’
***
દરમિયાન ઇજાઝ ખાનનું પંચનામાથી લઇને પોસ્ટમોર્ટમ સુધીનું કામ આટોપી લેવામાં આવ્યું. મિલિટરી પોલીસ અને મિલિટરી ઇન્ટેલિજન્સના વડાઓએ કેસને પોતે ધારેલો ઘાટ આપી દીધો. મિલિટરી પોલીસે મર્ડરના દિવસે ઇજાઝ ખાનના ઘરની તલાશી લીધી હતી અને એને મળી આવ્યું હતું મીઠાઇનો બોક્સ જેમાં પાકિસ્તાની ચલણી નોટો હતી. શેખરે કરેલી એ બીજી ભૂલ હતી. પહેલી ભૂલ મર્ડર માટે મિલિટરી પોલીસની રસ્સીનો ઉપયોગ અને બીજી ભૂલ પૈસા ભરેલું મીઠાઇનું બોક્સ ત્યાં જ મૂકી આવવાની. તલાશી લેનારી પોલીસે બોક્સ જમા કરાવી દીધું હતું, પણ કોઇ કારણસર પોલીસ ચીફ હારૂન અહમદે ઇજાઝ ખાનના ઘરમંથી મળી આવેલી વસ્તુઓ કે પુરાવાઓને ખોલવાની તસ્દી લીધી નહતી.
અચાનક પોતાની ઑફિસમાં આવી ચડેલા કેપ્ટન અખ્તર હુસેનને જોઇને હારૂન અહમદને નવાઇ લાગી, પણ આ માણસ ક્યારેય આમ અચાનક આવે નહીં.
‘આઇએ જનાબ.’ એમણે આવકારો આપ્યો.
‘ઇજાઝ ખાને ઘર સે ક્યા ક્યા બરામદ હુઆ.?’ અખ્તર હુસેનનો આત્મા જંપીને બેસી રહે એમાંનો નહતો. એમણે બેસતાની સાથે કહ્યું.
‘કૂછ ચીઝે હૈં’ કહીને હારૂન અહમદે બાજુના કબાટમાંથી એક નાનકડું પોટલું કાઢીને ટેબલ પર મૂક્યું.
આપને અબતક દેખા નહીં ઇસમે ક્યા હૈ?’ અખ્તર હુસેને એમ કહીને પોટલું ખોલ્યું: ‘કઇ બાર મૌકા-એ-વારદાત પર મિલિ એક છોટી પેન્સિલ ભી હમેં બડા પેઇન્ટિંગ બનાને મેં મદદ કરતી હૈ.’
‘મીઠાઇ કા ડિબ્બા.’ અખ્તર હુસેને આશ્ર્ચર્યથી બોક્સ ખોલ્યું.
‘યા ખુદા,’ મીઠાઇ હારૂન અહમદનું ધ્યાન અંદર પડેલા પૈસા પર પડ્યું અને અખ્તર હુસેનની કાતિલ નજર બોક્સ પરનું લખાણ વાંચવાની કોશિશ કરવા લાગી.
‘ઇસે પઢ સકતે હો આપ.?’ એમણે પૂછ્યું.
‘થોડા પઢ સકતા હું..’ હારૂન અહમદે બોક્સ પર છાપેલું લખાણ વાંચ્યું: નવનીતરાય જીવનલાલ જોશી મીઠાઇવાળા. આંબલી ચોક. ભૂજ-કચ્છ.
‘કૂછ સમઝે.?’ અખ્તર હુસેનના મનમાં એક નાનકડી પેન્સિલ મોટું ચિત્ર દોરવા લાગી.
***
બીજે જ દિવસે મિલિટરી ઇન્ટેલિજન્સના ચીફ અખ્તર હુસેનની કેબિનમાં પીઆઇબીના વડા હબીબ અન્સારી અને મિલિટરી પોલીસ ચીફ હારૂન અહમદ બેઠા હતા.
એક છોટી સી પેન્સિલ બડા પિક્ચર બના સકતી હૈ…..૧૫ ડિસેમ્બર ૧૯૭૭ કી રાત કો સરહદ પર હુઆ હાદસા કોઇ મામૂલી ઝઘડા નહીં થા. હમારે મુલ્ક મેં ઘૂસને કે લિયે દી ગઇ રિશ્વત કો બાંટને કા મામલા થા. ઇજાઝ ખાનને અપને દો બંદો કો માર ગિરાયે. ફિર જુબાની ભી દી કિ દોનોંને આમનેસામને ગોલીયાં ચલાઇ ઔર મર ગયે. ફાઇલ બંધ હો ગઇ. લેકિન ઉસી રાત સલામતઅલી કા ભી ખૂન હોતા હૈ….ઉસકી લાશ મિલતી હૈ. ખૂની પકડા નહીં ગયા…ઉસી મોહલ્લે મેં રહેનેવાલે ઉસકે ચાચા-ચાચી ફરાર હો ગયે. ઇસ હકીકત કા….કહાની કા એક હી રાઝદાર થા ઇજાઝ ખાન. ઉસકા ભી મર્ડર હો ગયા. અબ યહ કહેને કી ઝરૂરત નહીં હૈ કી શેખ મુલ્તાનીને સુસાઇડ ક્યું કર લિયા.? શેખ મુલ્તાની, નફીસા, ગુલ મોહમ્મદ, સલામતઅલી, ઉસકે ચાચા-ચાચી સબ કે સબ મિલે હુએ થે…સબ જાસૂસ થે યા ઉન લોગોં કે મદદગાર. અન્સારી સાબ, મૈને કહા થાના કી… હમારે મુલ્ક મેં જાસૂસ ઘૂસે હૈ.’ અખ્તર હુસેને આખું ચિત્ર દોરી આપ્યું. (ક્રમશ:)