Homeઉત્સવઑપરેશન તબાહી-૧૫

ઑપરેશન તબાહી-૧૫

મિલિટરી પોલીસનું હન્ટર શેખ મુલ્તાનીનું શર્ટ ફાડીને પીઠ પર વીંઝાતું રહ્યું, લોહી નીંગળતી પીઠ થરથરતી રહી… અખ્તર હુસેને હન્ટર ફગાવીને ત્રાડ પાડી… ‘નમક લાઓ…’

અનિલ રાવલ

‘શેખ મુલ્તાની કહાં મિલેગા ઇસ વક્ત.?’ અખ્તર હુસેને પૂછ્યું.
‘હોગા અપને ઘર પર.’ હારૂન અહમદે કહ્યું.
‘નહીં જનાબ, વો અપને ઘર પર નહીં હોગા.’ એવું કહીને ટેલિફોન ઑપરેટર હારૂન અહમદની નજીક જઇને એના કાનમાં કાંઇક બોલ્યો.
‘પતા લિખ કર દો.’ હારૂન અહમદે કહ્યું. ટેલિફોન ઑપરેટરે સરનામું લખીને આપ્યું. અખ્તર હુસેનને આ કાનાફૂસી સમજાઇ નહીં. એને તો બસ શેખ મુલ્તાનીને પકડી લેવાની ઉતાવળ હતી.
‘કાગળિયો બતાવતા હારૂન અહમદે કહ્યું: ચલિયે જનાબ.’ અખ્તર હુસેન તૈયાર જ હતા. બંને બહાર નીકળ્યા પછી ટેલિફોન ઑપરેટર બોલ્યો: શેખ મુલ્તાની તુને મેરે ઘર પર ડાકા ડાલા હૈના…અબ તેરા ખેલ ખતમ.’
‘જીપમાં બેસતાની સાથે અખ્તર હુસેને પૂછ્યું: યે જો ઇતના ફુદક રહી થી..ઉસ ટેલિફોન ઑપરેટર નામ કી ચીડિયા કા નામ ક્યા હૈ.?’
‘ગુલ મોહમ્મદ…ક્યું ક્યા હુઆ.?’
‘યે હમેં કોઇ ગુલ તો નહીં ખિલા રહા ના?’
‘ઐસા હુઆ તો હમ ઉસ ટેલિફોન ઑપરેટર કી ઘંટી બજા દેંગે’
રસ્તો કપાતો રહ્યો. પવન સૂસવાટા મારતો રહ્યો. બંને વચ્ચેનું મૌન રસ્તા પર પથરાતું રહ્યું.
‘હમ કહાં જા રહે હૈ..?’ અખ્તર હુસેને પૂછી લીધું.
વો જગહ જહાં શેખ મુલ્તાની અપની મહેબૂબા સે મિલતા હૈ.’
કહીને હારૂન અહમદે એક શાર્પ વળાંક સાથે જીપને એક વિશાળ કમ્પાઉન્ડમાં વાળી જેમાં બેઠા ઘાટના ગણ્યાગાંઠ્યાં ઘરો હતા. ઘર પર લખેલો નંબર વાંચીને હારૂન અહમદ બારણે ટકોરા મારવા ગયા. અખ્તરે એમને રોક્યા.
‘ઉસકો એલર્ટ નહીં કરના હૈ…દરવાજા તોડના હૈ.’હળવેથી બોલીને એણે આંગળીઓથી એક બે અને ત્રણની સાઇન બતાવી. બંનેએ ધડામ દઇને દરવાજો તોડ્યો. સામે જ પલંગ પર શેખ મુલ્તાની એની માશુકાની બાંહોમાં હતો અને બે રિવોલ્વરો એની સામે તકાયેલી હતી.
‘શેખ મુલ્તાની, તૂ તો પૂરા નંગા હો ચૂકા અબ. તૂ ઐસે હી ચલ. મોહતરમા, આપ જલ્દી સે કપડેં પહન લો.. તાકી હમ આપકો હથકડી પહેના સકે. ક્યું કી અગર હથકડી પહેલે પહેનાઇ તો આપ કપડે કૈસે પેહન પાઓગી.’ હારૂન અહમદે કહ્યું. કઢંગી હાલતમાં ઝડપાયેલાં બંનેના મોં ઉતરી ગયા હતા. શેખ મુલ્તાની વિચારતો હતો કે આ બંનેને અહીંનું સરનામું કોણે આપ્યું.? અત્યાર સુધી કોઇને પણ આ સરનામાની ખબર નથી. આ સંબંધની ખબર નથી. આ સંબંધ અને આ સરનામાનો જાણભેદુ કોણ હશે.? શેખ મુલ્તાનીએ દુપટ્ટો મોં પર બાંધીને બેઠેલી મહેબૂબાની આંખોમાં જોયું….આંસૂ વહી રહ્યાં હતાં.
હારૂન અહમદ અને અખ્તર હુસેન બંનેને લઇને મિલિટરી પોલીસના હેડ ક્વાર્ટર પહોંચ્યા ત્યારે રાત પડવા આવી હતી. અખ્તર હુસેનને કચ્છની સરહદે બનેલી ઘટનાના મૂળમાં જવાની જલદી હતી…જેનું પગેરું ઇજાઝ ખાનની કતલ સુધી પહોંચ્યું હતું. આમ તો ઇજાઝ ખાનની હત્યા પછી અખ્તર હુસેનને આ કેસમાં કોઇ સુરાગ મળશે એવી આશા નહીંવત હતી. સરહદે જે કાંઇપણ બન્યું એનો નજરે જોનાર એકમાત્ર સાક્ષી ઇજાઝ હતો, પણ ટેલિફોન ઑપરેટર ગુલ મોહમ્મદે શેખ મુલ્તાનીનું છૂપું સરનામું આપીને મોટું કામ કર્યું હતું. હેડ ક્વાર્ટરમાં ગુલ મોહમ્મદ અને જલાલ અકબરી બે જ જણ મોડે સુધી બેઠા હતા. કોઇની જબરજસ્તી નહતી, કદાચ ફરજપરસ્તી હશે. બેઉને જોઇને હારૂન અહમદને જરા નવાઇ તો લાગી, પણ એનું સમગ્ર ધ્યાન શેખ મુલ્તાની પર હતું. શેખ મુલ્તાનીને એક લોક-અપમાં ધકેલી દેવાયો અને બીજી લોક-અપમાં એની માશૂકાને….થોડીવારમાં અખ્તર હુસેન લોકઅપના નાનકડા ટેબલ પર શેખ મુલ્તાનીની સામે બેઠા. અખ્તરની આંખોમાં રણની ધગધગતી રેતીનો તાપ હતો અને શેખ મુલ્તાનીની આંખોમાં ઠંડી આગ.
‘ઇજાઝ ખાન કા કત્લ ક્યું કિયા.?’
‘મૈને નહીં કિયા.’
‘તુમને ઇજાઝ કો માર કર જિસ રસ્સી સે ઉસકો લટકાયા હૈ..વો રસ્સી મિલિટરી પુલીસ કી હૈ….ફોરેન્સિકવાલોં કો રસ્સી પર તુમ્હારે હાથોં કે નિશાન મિલ જાયે…તુમ્હારી બાઇક કે પૈયોં પર લગી મિટ્ટી…વહાં કી મિટ્ટી સે મિલ જાયે… ઉસસે પહેલે અપના મુંહ ખોલ દો તો અચ્છા હોગા.’
‘મૈંને ઇજાઝ કા મર્ડર નહીં કિયા.’
‘બોર્ડર પર ક્યા હુઆ થા.?’
‘મૈં કૂછ નહીં જાનતા બોર્ડર કે હાદસે કે બારેમેં. મુઝે માલૂમ નહીં, જનાબ.’
અચાનક અખ્તર હુસેન ખુરસીને પાછળ હડસેલીને ઊભા અને ટેબલ પર પડેલા હન્ટરથી શેખ મુલ્તાનીની પીઠ પર ફટકારવાનું શરૂ કર્યું.
‘તુમને ઇજાઝ કા મર્ડર કિયા…મુઝે ઇસસે કોઇ મતલબ નહીં….બાજુ કે લોકઅપ મેં બંધ મહેબૂબા સે તુમ્હારે ચક્કર સે ભી મુઝે કૂછ લેનાદેના નહીં…મુઝે સિર્ફ યે બતાઓ કી બોર્ડર પર હુઇ અસદ નવાઝ ઔર ફૈયાઝ ખાન કી મોત કા રાઝ ક્યા હૈ..? ઔર વો રાઝ સિર્ફ ઇજાઝ જાનતા થા. તુમ જાનતે થે..ઇસલિયે ઇજાઝ ખાન કો રાસ્તે સે હટાયા.’
અખ્તર હુસેનની જીભ અને હન્ટર બંને ચાલી રહ્યાં હતાં. એકેક શબ્દ પર હન્ટર વીંઝાતું રહ્યું. લોકઅપમાં શેખ મુલ્તાનીના ઝીણા ઊંહકારા અને સીસકારાની વચ્ચે એક જ અવાજ ગૂંજી રહ્યો હતો: મુઝે કૂછ માલૂમ નહીં…કૂછ માલૂમ નહીં…કૂછ માલૂમ નહીં’
અસ્સલ ચામડામાંથી બનેલું મિલિટરી પોલીસનું હન્ટર શેખ મુલ્તાનીનું શર્ટ ફાડીને પીઠ પર વિંઝાતું રહ્યું, લોહી નીગળતી પીઠ થરથરતી રહી….અખ્તર હુસેને હન્ટર ફગાવીને ત્રાડ પાડી. નમક લાઓ.’ જલાલ અકબરી નમક લઇને હાજર થયો. અખ્તર હુસેને મુઠ્ઠી ભરીને શેખની પીઠ પર નમક ચોપડ્યું. કાળી બળતરાથી શેખ મુલ્તાની તરફડવા લાગ્યો, પણ થોડા ઊંહકારા સિવાય મોંમાંથી એક હરફ કાઢ્યો નહીં. અકબરી નજર ફેરવીને બહાર નીકળી ગયો. અખ્તર હુસેને લોહીથી ખરડાયેલો હાથ શેખ મુલ્તાનીના શર્ટ પર લુછ્યો. ‘હથકડી ખોલ દો.’ કહીને બહાર નીકળી ગયો. જલાલ અકબરીએ હાથકડી ખોલી ને લોક-અપને તાળું માર્યું.
બાજુની લોકઅપમાં મોં ઘૂંટણમાં મોં રાખીને રડી રહેલી શેખ મુલ્તાનીની મહેબૂબાનો રડવાનો અવાજ સાંભળીને અખ્તર હુસેન ત્યાં જ ઊભો રહી ગયો. એટલીવારમાં હારૂન અહમદ પણ આવી પહોંચ્યા.
‘ખોલો ઇસે.’ જલાલ અકબરીએ લોકઅપનું તાળું ખોલ્યું. હારૂન અહમદ અને અખ્તર હુસેન અંદર ગયા. જલાલ અકબરી ત્યાંથી રવાના થઇ ગયો. ઔરતને જોઇને અખ્તર હુસેનનો ચહેરો એકદમ સૌમ્ય બની ગયો. જાણે બાજુની કેબિનમાં શેખ મુલ્તાનીને ફટકારનારો કોઇ બીજો જ હતો. અખ્તર હુસેન ચહેરા પર સ્મિત લાવતા બોલ્યો: મહોતરમા, મૈં લેડીઝ કી બહુત ઇજજત કરતા હું. અબ આપકી બદનસીબી દેખો…શેખ મુલ્તાની આપકી બાંહોમેં પાયા ગયા. મૈં લેડીઝ પર હાથ નહીં ઉઠાતા..અગર આપ કૂછ કેહના ચાહો તો કહો… થોડીવાર પહેલાં અખ્તર હુસેનની ગર્જનાઓ, હન્ટરના સટ્ટાકા અને શેખ મુલ્તાનીના ઊંહકારા સાંભળીને થરથર ધ્રૂજતી મહેબૂબાએ મોં ઊંચું કર્યું.
‘વૈસે ક્યા નામ હૈ આપકા.?’ અખ્તર હુસેને પૂછ્યું.
‘નફીસા ગુલ મોહમ્મદ.’ લોકઅપની બહાર સળિયા પકડીને ઊભેલા ગુલ મોહમ્મદે જવાબ આપ્યો. ‘મેરી બીવી હૈ યે.’
સાંભળીને અખ્તર હુસેન હબક ખાઇ ગયા. એની આંખોના ભંવા ઊંચા થયા. એની ચબરાક નજર તેજ ગતિએ ગુલ મોહમ્મદ અને એની બીવી પર ફરીવળીને પાછી ગુલ મોહમ્મદ પર આવીને અટકી. આ માણસને ખબર હતી કે એની પત્ની શેખ મુલ્તાની સાથે સૂતી છે તેમ છતાં એણે સરનામું શા માટે આપ્યું. એણે પોતાની પત્નીને શા માટે પકડાવી દીધી. શેખ મુલ્તાની વિશે આ માણસ શું જાણે છે.? શક્ય છે કે એની બીવી પણ સરહદ પરની ઘટના વિશે જાણતી હોય. જે ઔરત આવા ભેદી માણસનું પડખું સેવે છે એ બીજા ઘણાંબધા સિક્રેટ સેવતી હોઇ શકે. અખ્તર હુસેનના દિમાગમાં વિચારોનું ઘોડાપૂર આવ્યું. એણે લોકઅપનો દરવાજો ખોલીને ગુલ મોહમ્મદને અંદર ખેંચી લીધો. હારૂન અહમદની સામે જોઇને બોલ્યા: ‘મૈં કેહતા થાના કિ યહ હમેં કોઇ ગુલ તો નહીં ખિલા રહા.’ હારૂન અહમદ ચૂપ રહ્યા.
‘ગુલ મોહમ્મદ, તુમ બતાઓ તૂમ ક્યા જાનતે હો શેખ મુલ્તાની કે બારેમેં.?’
‘યહી કી ઉસકા મેરી બીવી કે સાથે ચક્કર થા ઓર મૈં કૂછ નહીં કર સકતા થા.’
‘ઇતના બડા કામ કર દિયા…દોનોં કો પકડવા કે ઓર કેહતે હો કૂછ નહીં કર સકતા થા.?’
‘બદલા લેના થા.’
‘અપની બીવી કો સૂલી પે ચડા કે.’
‘મેરે પાસ કોઇ રાસ્તા નહીં થા.’
‘મૈં કૈસે માન લું કિ તૂમ ઇન લોગોં સે મિલે નહીં હો ઔર તુમ્હે સરહદ કે હાદસે કા પતા નહીં હૈ.?’
‘જનાબ, મુઝે ઓર કૂછ માલુમ નહીં હૈ…મૈનેં મેરા મકસદ પૂરા કર દિયા.’ ગુલ મોહમ્મદે બીવીની સામે જોતા કહ્યું.
અત્યાર સુધી વાત સાંભળી રહેલા હારૂન અહમદે હન્ટર ઉપાડ્યું અને અચાનક જ ગુલ મોહમ્મદની પીઠ પર ફટકારવાનું શરૂ કર્યું.
‘મેરે ડિપાર્ટમેન્ટ મેં યહ કિયા હો રહા હૈ.? ગદ્દાર લોગ ભરે હુએ હૈ. બતાઓ સરહદ પર ક્યા હુઆ થા.’ ગુલ મોહમ્મદની ચીસાચીસ, કાકલૂદી અને નફીસાના ધ્રૂસકા પડઘાતા રહ્યા. અખ્તર હુસેન ગુલ મોહમ્મદ અને નફીસાના હાવભાવ જોતા રહ્યા.
બાજુની લોકઅપમાં શેખ મુલ્તાનીએ બબડવાનું શરૂ કર્યું: ‘મુઝે ફસાને નિકલા થા….બેવકૂફ ગુલ મોહમ્મદ, અબ તૂ જિંદગીભર જેલ મેં સડેગા. મુઝે માફ કરના નફીસા.’ એણે દાંતેથી શર્ટની બાંયનું બટન તોડ્યું…બાંયની સિલાઇ ઉતરડીને એમાંથી સાઇનાઇડની ગોળી કાઢીને મોંમાં મૂકી.
જય હિન્દ બોલ્યો…ને મોંમાંથી ફીણ નીકળ્યા, આંખો ઉપર ચડી ગઇ. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular