‘જનાબ… બંધ પત્તોંમેં ખેલને કા મઝા થોડી દેર કા હૈ. અસલી રોમાંચ તો પત્તે ખૂલને પર મિલતા હૈ.’
અનિલ રાવલ
પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ હબીબ અન્સારીએ અલ્તાફ બક્તિયારના જોડીદાર રિયાઝ ખાનને બોલાવીને પૂછ્યું કે ‘તુમ્હારા જોડીવાલા કહાં હૈ.?’ હકીકતમાં રિયાઝને ખુદને ખબર નહતી. અલ્તાફ ક્યાં છે. છેલ્લા બે દિવસથી મળ્યો નહીં એટલે એને ચિંતા હતી જ. ડિપાર્ટમેન્ટમાં કોઇ અલ્તાફ વિશે પૂછતું ન હતું એટલે એ પણ ચૂપ હતો. એમની જુગલજોડી ડિપાર્ટમેન્ટમાં સૌ કોઇ જાણે. કેટલાક લોકો તો એમની દોસ્તીને સમલિંગી સંબંધ કહીને મજાક કરતા. અલ્તાફ છેલ્લા થોડા દિવસથી જરા અળગો રહેતો હોવાનું રિયાઝે નોંધ્યું હતું….એનું કારણ પૂછેલું પણ અલ્તાફે જવાબ ઉડાવી દીધો હતો.
‘શું ફેમિલીમાં કોઇ તકલીફ છે.?’
‘ના યાર..એવું કાંઇ નથી.’
‘તો શું તું મારાથી છાનું છાનું કોઇ ઑપરેશન પાર પાડી રહ્યો છો.?’
‘અરે, અત્યાર સુધી આપણે જે કાંઇ કર્યું છે એ સાથે મળીને જ કર્યું છેને.’
જોકે એ ખોટું બોલી રહ્યો હતો. ચીફ સાથેની મીટિંગમાં જ એણે પોતાના દોસ્તને સાથે રાખ્યા વિના વિજય બત્રાના ઘરે રેડ પાડવાનું નક્કી કર્યું હતું…એની પાછળનો એનો ઇરાદો કદાચ બોસની વધુ નિકટ જવાનો હશે. અલ્તાફે એકલે હાથે રેડ પાડવાનું જોખમ તો ઉપાડ્યું પણ કોઇ આંસુ ન સારે કે ચાર ફૂલ ન ચડાવે એ રીતે ગુમનામીની કબરમાં દફન થઇ ગયો.
ચીફે એના વિશે પૂછપરછ કરી ત્યારે રિયાઝ ખાનને ફરી ચિંતા અને ભય ઘેરી વળ્યા. ચિંતા પોતાના દોસ્તની અને ભય કદાચ કાલ સવારે પોતાને પણ કોઇ ગુમ કરી દે એની.
હબીબ અન્સારીએ રિયાઝનું ચિંતાગ્રસ્ત મોં જોઇને એને બેસવાનું કહ્યું. એની સામે પાણીનો ગ્લાસ ધર્યો.
‘શું થયું અલ્તાફનું.? તું જાણતો હોય તે કહે.’
‘મને કાંઇ જ ખબર નથી…ખબર એટલી જ છે કે બે દિવસથી મને પણ મળ્યો નથી.’
‘અગાઉ આપણે આપણો એજ એજન્ટ ગુમાવ્યો છે. રિયાઝ બે દિવસથી લાપત્તા છે. મને લાગે છે કે કોઇ તો છે જે આપણા એજન્ટોને ટાર્ગેટ બનાવે છે.’
ચીફની વાતથી રિયાઝના શરીરમાં લખલખું પસાર થઇ ગયું. અચાનક ફોનની ઘંટડી વાગી.
કેપ્ટન અખ્તર હુસેન. અવાજ સાંભળીને ચીફે રિયાઝને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.
‘જી જનાબ, ફરમાઇએ.’
‘કચ્છ બોર્ડર કેસ નંબર ૯૯ અબ કચ્છ બોર્ડર કેસ નંબર ૧૦૦ હો ચુકા હૈ. અપના તીસરા સિપાહી ઇજાઝ ખાનના કા મર્ડર હો ગયા હૈ.’
‘ક્યા.?’ ચીફે ડાબા હાથની મુઠ્ઠી ભીડી દીધી. સામે બેઠેલો રિયાઝ ચીફના ચહેરા પરનો દબાયેલો ગુસ્સો સાફ જોઇ શકતો હતો.
‘કોઇ કાફિર કચ્છ સરહદ સે ઘૂસા હૈ. અપને બોયઝ કો એલર્ટ કરો.’ બંધ કેબિનમાં અખ્તર હુસેનના શબ્દો રિયાઝના કાને પણ પડ્યા. ફોન કટ થયો. રિયાઝની વિસ્ફરીત આંખો ચીફની સામે તાકી રહી હતી. ચીફને કાંઇ પૂછવાની એની ઔકાત ન હતી. કારણ એ એક અદનો એજન્ટ હતો. છતાં ચીફ કાંઇક તો કહેશે એવી આશાભરી નજરે જોતો રહ્યો.
‘રિયાઝ, એલર્ટ રહેના. ઓર હાં…કિસી પર ભી ઝરા સા શક હો…વો ચાહે અપના હી ક્યોં ના હો….ઉડા દો.’
રિયાઝ ત્યાં જ બેસી રહ્યો. હવે એને પોતાના દોસ્તની સાથે પોતાનો પણ જીવ જોખમમાં હોય એવું લાગ્યું. એનું કારણ દીવા જેવું ચોખ્ખું હતું. જેમ અલ્તાફે એકલા જઇને વિજય બત્રાને ઘરે રેડ પાડવાનું નક્કી કરેલું એ જ રીતે રિયાઝે પણ અલ્તાફને અંધારામાં રાખીને મહેશને ઉડાવવાનું ઑપરેશન એકલે હાથે પાર પાડવાનું ધારેલું…જેમાં એને સરેયામ નિષ્ફળતા મળી હતી. મહેશે ધાબળાવાળા ચાચાની દુકાનમાં જેને પતાવી દીધો હતો એ સાદિક પીઆઇબીમાં રિયાઝની સાથે જ કામ કરતો હતો. એક રાતે રિયાઝને દિલ્હીથી અજય અહુજાનો ફોન આવ્યો હતો. રિયાઝ અહુજાએ પાળી રાખેલો પીઆઇબીનો શ્ર્વાન હતો. અહુજાએ મહેશની હિલચાલની બાતમી રિયાઝને આપી દીધી. રિયાઝે પોતાના જિગરી દોસ્તથી આ વાત છુપાવીને ઑપરેશનમાં સાદિકનો સાથ લીધો હતો. ચીફ સાથેની મિટિંગમાં સાદિકના મોતથી હચમચી ગયો હોવા છતાં એ એ કાંઇ બોલી શક્યો નહતો કારણ એણે આખીય વાત કોઇ અકળ કારણસર પીઆઇબીના ચીફથી પણ છુપાવી હતી. હવે આજે જ્યારે અલ્તાફ ગુમ છે અને ચીફે એલર્ટ રહેવાની તાકીદ કરી ત્યારે એને પેટમાં ફાળ પડી કે કોઇપણ ઘડીએ એનું મોત થઇ શકે છે. રિયાઝ પેટમાં છુપાવી રાખેલા પાપની પીડાથી પીડાતો હતો.
ફાઇવ સ્ટાર હોટલની બ્રેકફાસ્ટ મિટિંગમાં અબુ અસલમ બનીને પોતાની વાકપટુતાથી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર મોહમ્મદની કોણીએ ગોળ ચોંટાડ્યા બાદ કબીર એમના તરફથી બીજીવાર મળવાનું ઇજન મળે એની રાહમાં હતો. એ દરમિયાન એણે વિજય બત્રા મારફત પાકિસ્તાનના કયા વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાયા છે, કઇ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે એની માહિતી એકઠી કરી હતી. વિજય બત્રાએ ઉદ્યોગ મંત્રાલયમાંથી ચોરીછૂપીથી લિસ્ટ કઢાવીને કોપી લઇ લીધી હતી. મિનિસ્ટર અસગર મોહમ્મદની સામે બેસે ત્યારે પોતાના મનમાં આખું ચિત્ર સ્પષ્ટ હોવું જરૂરી હતું. કારણ એને વિશ્ર્વાસ હતો કે અસગર મોહમ્મદ બીજા રાજકારણી જેવો જ લાલચુ અને લાંચિયો હતો. પૈસા ભલભલાને પીગળાવી દે છે. કબીરે એના મોંમાંથી ટપકતી લાળ જોઇ હતી. એની અપેક્ષા મુજબ મિનિસ્ટર ઝડપથી પાછો આવવાનો હતો…કોઇ નક્કર પ્રપોઝલ લઇને અને એવું જ થયું. વિજય બત્રા મારફત ફરી બ્રેક ફાસ્ટ મિટિંગ ગોઠવાઇ. એ જ ફાઇવ સ્ટાર હોટલમાં એ જ ટેબલ પર…સવિર્સ ટી, બ્લેક-કૉફી, બ્રેડ બટર જામ, ટોસ્ટ બટર, જાતજાતનાં ફળોના જ્યૂસ, સમારીને ગોઠવેલાં વિવિધ પ્રકારના ફળોની સાક્ષીમાં.
સલામ વાલેકુંમ અને વાલેકુંમ સલામના મીઠા આદાનપ્રદાન બાદ અસગર મોહમ્મદની અજગર જેવી આંખો આખેઆખા અરબી ઊંટને ગળી જવા અધીરી હતી. અરબીઓના અબજો રૂપિયાથી પાકિસ્તાનમાં ઉદ્યોગો સ્થપાવીને મલાઇ ઉતારી લેવાની મુરાદ એની બોડી લેન્ગવેજમાં સાફ દેખાતી હતી. અસગર મોહમ્મદને એમ હતું કે શિકાર ખુદ સામેથી આવ્યો છે તો ઓહિયાં કરી જાઉં, પણ હકીકત ઊલ્ટી હતી. અહીં તો શિકારીનો જ શિકાર થવાનો હતો. કબીર એને ધીમે ધીમે ગલીમાં આવવા દેતો હતો. કબીર ચપળ ચિત્તાની જેમ આગળ વધી રહ્યો હતો. બંને શિકાર શિકાર રમતા હતા…મિનિસ્ટર અસગર મોહમ્મદને નાણાંની લાલચ હતી અને કબીરને ન્યુક્લીઅર પ્લાન્ટ શોધવો હતો.
‘ક્યા સોચા હમારી પ્રપોઝલ પર.?’ કબીરે શરૂઆત કરી.
ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર મરૂન રંગની બેગમાંથી મોટો નકશો કાઢીને ટેબલ પર બીછાવતા બોલ્યો: ‘હમારે મુલ્ક કે આસપાસ કે સારે ગાંવ-શહેરો ઔર ઇન્ડસ્ટ્રી ઇસમેં હૈ. લેકિન કમનસીબી દેખો..ઇતની જગહ કહીં ભી નહીં જિતની આપકો દે સકેં.’
મિનિસ્ટરે ઉદ્યોગના નામ લઇલઇને ગામના નામ લેવાની શરૂઆત કરી. અને વિજય બત્રા પોતે લિસ્ટમાં વાંચેલા એ બધા ઉદ્યોગ અને ગામના નામને સંભારતો ગયો અને મનોમન ટેલી કરતો ગયો. અચાનક કબીરે નકશામાં લીલા રંગનો ઝોન બતાવતા પૂછ્યું: ‘યહ ક્યા હૈ.?’
‘યહ ફોરેસ્ટ લેન્ડ હૈ.’ મિનિસ્ટરે જવાબ આપ્યો.
‘હમેં ફોરેસ્ટ લેન્ડ નહીં મિલ સકતી.?’
‘મિલ તો સકતી હૈ…મગર ઇસ કે લિયે હમેં આગે બહુત લોગોં કો શામિલ કરના પડેગા. ફોરેસ્ટવાલોં કા કાનૂન બહુત કડક હૈ. જિતના કડક કાનૂન ઉતની ઊંચી કિંમત ચુકાની પડતી હૈ.’
‘કોઇ બાત નહીં જનાબ, આપ ફોરેસ્ટ લેન્ડ કી કોશિશ કિજિયે….હમ જો કૂછ ભી કરતે હૈ ઉસકી કિંમત તો હમેં ચુકાની પડતી હૈના. ક્યો બત્રાસાબ.?’
‘હાં, સહી ફરમાયા આપને.’ વિજય બત્રા પાનો ચડાવતો હોય એમ બોલ્યો.
‘લેકિન ઉસસે પહેલે આપકો અપની પૂરી આઇડેન્ટીટી બતાની હોગી.’ અચાનક કબીરે કરેલી લીલા ઝોનની વાતથી અસગરમિયાંની અજગર જેવી આંખોમાં આછેરી લાલાશ ઉતરી આવી.
‘ક્યું નહીં જનાબ….બંધ પત્તોંમેં ખેલને કા મઝા થોડી દેર કા હૈ. અસલી રોમાંચ તો પત્તે ખુલને પર મિલતા હૈ. જબ આપને હમારે સામને ઇતના બડા નકશા ખોલ દિયા..તો હમ ભી હમારા પૂરા અરબ ડેલિગેશન આપકે સામને રખ દેંગેં…આપકો સાઉદી લે જાયેગે…સમજ લો જન્નત કી સૈર હોગી…દુનિયા કી મશહૂર, હૂર હી હૂર હોગી આપકી બાંહોંમેં’ કબીરવાણી સાંભળીને મિનિસ્ટર સાહેબ પગની આંટી મારીને બેસી રહ્યા.
નોટોની થપ્પીઓ અને પરીઓ જેવી લલનાઓના ખ્વાબમાં રાચતા મિનિસ્ટરને ખયાલ ન હતો કે કબીરની આંગળી લાલ રંગથી ખાસ માર્ક કરેલા એક અલાયદા ગ્રીન ઝોન પર ફરી રહી હતી. મિનિસ્ટરે વિદાય લીધી પછી કબીરે જ્યૂસનો છેલ્લો ઘૂંટડો ભર્યો.
‘નકશાની રેડ બોર્ડરવાળો ગ્રીન ઝોન જોયો.?’ કબીરે પૂછ્યું.
‘હા.’ વિજય બત્રાની નજર લાલ કિનારીવાળા ગ્રીન ઝોન પર ફરી ચુકી હતી.
ગામનું નામ વાંચ્યું.?’
‘હા, તબરોઝા.’
નકશામાં આખાય ગ્રીન ઝોનમાંથી તબરોઝા ગામના એક ચોક્કસ ગ્રીન ઝોનની ફરતે લાલ રંગની બોર્ડર શા માટે.? કબીરની આંખમાં રમતો આ સવાલ વિજય બત્રા વાંચી ચૂક્યો હતો.
ઇજાઝ ખાનના ઘરેથી નીકળીને હારૂન અહમદ અને અખ્તર હુસેન સીધા પોલીસ હેડ ક્વાર્ટર પહોંચ્યા. બંનેને જલાલ અકબરીને મળવાની ઉતાવળ હતી. હારૂન અહમદે કેબિનમાં બેસતાની સાથે જ બેલ મારીને જલાલ અકબરીને બોલાવવા કહ્યું. હાંફળોફાંફળો જલાલ અકબરી આવીને નતમસ્તકે ઊભો રહી ગયો.
જી જનાબ.’
‘ફોન પર હમારી બાત હુઇ તબ કોઇ આસપાસ થા.?’ અહમદે પૂછ્યું.
‘નહીં જનાબ, કોઇ નહીં થા.’
‘યાદ કરો.. કોઇ તો થા.’ અખ્તર હુસેને કહ્યું.
‘જનાબ, મૈને કિસીકો નહીં દેખા.’
કેબિન પર ટકોરા પડ્યા. હારૂન અહમદે કહ્યું: આ જાઓ.
ટેલિફોન ઑપરેટર હતો. એણે બધા પર નજર નાખી.
‘બોલો ક્યા કામ હૈ.?’ હારૂન અહમદે પૂછ્યું.
‘જનાબ, મુઝે કૂછ કેહના હૈ.’ કહીને એણે જલાલની સામે જોયું. હારૂન અહમદ સમજી ગયા કે જલાલની હાજરીમાં કહેવા નથી માગતો.
‘જલાલ, તુમ બહાર જાઓ.’ જલાલ ટેલિફોન ઑપરેટર સામે જોતા જોતા બહાર નીકળી ગયો. અખ્તર હુસેનને લાગ્યું કે ઇજાઝ ખાનના મર્ડરમાં કદાચ જલાલ અકબરીનો હાથ હોય…ફોન પરની વાતચીત પછી એણે કોઇને બાતમી આપી દીધી હોય એવું પણ બને. કદાચ હારૂન અહમદને પણ એવું જ લાગ્યું હતું….પણ જલાલ અકબરી ટેલિફોન ઑપરેટરના આગમનને સમજી શક્યો નહતો.
‘બોલ,’ હારૂન અહમદના કહેવાની રાહ જોઇ રહેલા ઑપરેટરે કહ્યું: ‘જનાબ, શેખ મુલ્તાની પીછે સે બાતેં સૂન રહા થા.’
‘કૌન હૈ યે શેખ મુલ્તાની.?’ અખ્તર હુસેનના અવાજમાં બેતાબી હતી.
‘જનાબ, હમારે ડિપાર્ટમેન્ટ કા બહુત હી હુશિયાર બંદા હૈ.’
‘હુશિયાર હી નહીં, બડા ચલાક ઔર ગદ્દાર ભી હૈ. બુલાઓ ઉસકો.’ અખ્તર હુસેનનો અવાજ જરા ઊંચો થયો.
જનાબ, વો તો કબ સે નિકલ ચૂકા. આપકી બાતચીત કે બાદ મૈંને ઉસકે ટેબલ પર જા કર દેખા…વો નહીં થા.’ ટેલિફોન ઑપરેટરે કહ્યું અને હારૂન અહમદ અને અખ્તર હુસેનની નજર મળી. બંનેની આંખોની ભાષા એક જ હતી: ‘બડા ચલાક ઔર ગદ્દાર હૈ.’