‘જાસૂસોનાં મોત-કમોત-મર્ડરના કોઇ નક્કર પુરાવા નથી હોતા. જાસૂસીની અટપટી જાળમાં અટકળો અટવાયેલી અને શક્યતાઓ ગૂંચવાયેલી હોય છે’
અનિલ રાવલ
ક્રાઇમ સીન-ઉત્સવ-રવિ
ઑપરેશન તબાહી-૧૨
અનિલ રાવલ
‘દારૂ પીતી વખતે પેશાબ લાગે ત્યારે હાથમાં ગ્લાસ લઇને બાથરૂમ જવાનો આ એક મોટો ફાયદો છે. ચિયર્સ.’ કબીરે ગ્લાસમાં બચેલો રમ ગટગટાવી જતા કહ્યું. દિગ્મૂઢ બની ગયેલો વિજય બત્રા થોડી ક્ષણોમાં આ શું બની ગયું એની વિમાસણ અને ચિંતામાં હતો કેમ કે એને સહેજેય કલ્પના ન હતી કે કબીર આમ અચાનક આવીને પીઆઇબીના એજન્ટને ખતમ કરી નાખશે અને એ પણ પોતાના ઘરના બૅકયાર્ડમાં…એજન્ટની લાશને જોતા એ બોલ્યો:
‘હવે શું કરીશું.?’
‘દફનાવશું. અહીં જ. કોદાળી-પાવડો છે ને.?’
વિજય બત્રા કોદાળી-પાવડો લેવા ગયો એ દરમિયાન કબીર ગેટ પર ગયો. બહાર નજર કરીને બધું ચકાસી લીધું. કોઇ નથી એની ખાતરી કરી લીધી. ખોદવાનું શરૂ કરતા પહેલાં બંનેએ ચિયર્સ કર્યું.
‘મિ. અન્ડર કવર વિજય બત્રા….જો આને પતાવી દીધો નહોત તો એની જગ્યાએ આપણી લાશ પડી હોત. અને કાં તો જેલમાં આ આપણી પર ટોર્ચર કરતો હોત.’
‘બહાર શેરીમાં કોઇ નથીને.? કદાચ એનો જોડીદાર કારમાં બેઠો હોય અને આ એકલો જ પહેલા અંદર આવ્યો હોય.’ વિજય બત્રાએ શંકા વ્યક્ત કરી.
‘હું જોઇને આવ્યો. શેરીમાં કોઇ નથી.’
‘શક્ય છે આ માણસ પીઆઇબી ચીફને અહીંનું સરનામું આપીને આવ્યો હોય.’ વિજય બત્રાને બીજી શંકા ગઇ.
‘ઇન ધેટ કેસ…જે પણ આને શોધતું આવશે એને પણ…તારા બૅકયાર્ડમાં ઘણી જગ્યા છે.’ કબીરે હસીને કહ્યું.
‘કબીર આઇ એમ સિરિયસ.’
‘વિજય, હું પણ ગંભીર છું. જીવ બચાવવા જીવ લેવો પણ પડે. એ મિનિટે મને જે જરૂરી લાગ્યું એ કર્યું.’
કોદાળી ઝીંકાવા લાગી. માટી બાજુમાં ખડકાવા લાગી. રમ ગ્લાસમાં રેડાવાને બદલે બાટલીથી સીધો પેટમાં રેડાવા લાગ્યો. પરિશ્રમ અને રમને લીધે શિયાળાની કડકડતી ઠંડીમાં ય કબીર અને વિજયના શરીરમાંથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા. લાશને સમાવી લે એવડો ઊંડો ખાડો ખોદાઇ ગયો. લાશ અંદર ધકેલાઇ ગઇ. એની પર માટી ઠલવાઇ ગઇ. કામ ખતમ, રમ ખતમ. બંને જણ અંદર જઇને શાવર નીચે ઊભા રહી ગયા. થાક અને નશો એકધારા વહી રહ્યા હતા. એક પણ શબ્દ બોલ્યા વિના બંને પથારીમાં પડ્યા. કબીરને થોડીવાર ઊંઘ ન આવી. વિજય તરત જ સૂઇ ગયો. થોડીવાર પડખાં ઘસ્યા બાદ એની આંખ ક્યારે લાગી ગઇ ખબર ન પડી.
અચાનક ડોરબેલ વાગી. બંને સફાળા બેઠા થઇ ગયા. કોણ હશે?. કદાચ પેલા એજન્ટનો જોડીદાર શોધતો આવ્યો હશે. વિજયને થયું નક્કી એનો જોડીદાર હશે. એણે ઓશીકા નીચેથી રિવોલ્વર કાઢીને દરવાજો ખોલવા ગયો.
દરવાજો ખોલ્યો કે સામે ઊભેલી કામવાળી ઝહીરા અંદર ધસી આવતા બોલી: ‘સાબ મૈં કબસે બેલ બજા રહી હું…..આપકો ઓફિસ નહીં જાના? તબિયત તો ઠીક હૈના.?’ વિજયે કાંડા ઘડિયાળમાં જોયું. દસ વાગ્યા હતા.
‘પહેલે સફાઇ કરતી હું. બાદ મેં ખાના બનાઉંગી.’ વિજય કાંઇ બોલ્યો નહીં. ઝહીરા ઝાડુ લઇને બેકયાર્ડમાં ગઇ. એને ત્યાં જતી રોકવાના ઇરાદે વિજય એની પાછળ દોડ્યો. પણ ત્યાં સુધીમાં તો ઝહીરા પહોંચી ગઇ હતી.
‘અરે યે ક્યા. ફુલ-પેડ-પૌધે-પત્તે સબકો પાની કિસને દિયા.? ઔર સાથ મેં પુરે મૈદાન કો ભી પાની પાની કર દિયા.’
‘મૈને કિયા યે કામ…નીંદ ઉડ ગઇ તો સોચા કૂછ કામ કરું.’ પાછળ આવીને ઊભા રહી ગયેલા કબીરે કહ્યું. હકીકતમાં રાતે કબીરે વિજય સૂઇ ગયા પછી, ખોદેલા ભાગને સમથળ કરવાના આશયથી આખા ય ગ્રાઉન્ડ પર પાણી છાંટ્યું હતું અને સાથે ફૂલ-ઝાડને પાણી આપ્યું હતું.
*****************
અજય અહુજા તો ગયો પણ એણે પાકિસ્તાનમાં કયા માણસને બાતમી લીક કરી છે એ શોધી કાઢવા ગોપીનાથ રાવે પોતાના ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. એમણે પાકિસ્તાનમાં સંખ્યાબંધ લોકોને પોતાની એસેટ બનાવી હતી. આ એસેટ ક્યારે… કઇ ઘડીએ કામ આવશે એની ખબર હોતી નથી. આવી ઊભી કરેલી એસેટ પાકિસ્તાન મોકલેલા પોતાના એજન્ટોને કૉડવર્ડ આપીને મદદ કરતા હોય છે. મહેશને ઢાબળા વેંચનારો બનીને ચાચાની દુકાને લઇ જનાર અજાણ્યા શખસ અને ખુદ દુકાનવાળા ચાચા સહિતની કેટકેટલી નામી-અનામી એસેટ દેશકાજે શહાદત વહોરી લે છે, પણ આવા સાચા દેશભક્તોની કુરબાની એળે નથી જતી. સાચી રાહ પર ચાલનારાના માર્ગમાં અવરોધો આવે છે, પણ થોડીવાર માટે. અજય અહુજાની જગ્યાએ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇઆઇબી)ના ચીફ તરીકે નિમાયેલા ડૅપ્યુટી ચીફ દર્શન ત્યાગી પદ સંભાળ્યા બાદ ગોપીનાથ રાવને મળવા ગયા હતા. ત્યાગીને ગોપીનાથ રાવ પ્રત્યે ભારોભાર માન. આઇઆઇએની રચના થઇ ત્યારે એમની ઇચ્છા રાવની સાથે રહીને કામ કરવાની હતી, પણ ટૅક્ટિકલ કારણસર એમણે પોતાના અણમાનીતા બોસ અજય અહુજા સાથે કમને કામ કરવાની નોબત આવી હતી. ત્યાગીને દુ:ખી જોઇને ગોપીનાથ રાવે કહેલું કે ‘આપણા ગુપ્તચર બ્યૂરોના ભલે ભાગલા પડી ગયા, પણ કામ તો સાથે રહીને જ કરવાનું છેને.’ ત્યાગી અજય અહુજાના દેશદ્રોહી કરતૂતોથી વાકેફ હતા. નાની-મોટી ગુપ્ત બાતમીઓ આપીને દેશને ટુકડામાં વહેંચી નાખનારા અજય અહુજાના અકસ્માતનું દુ:ખ ત્યાગીને નહતું.
દર્શન ત્યાગીને પોતાની કેબિનમાં પ્રવેશતા જોઇને ગોપીનાથ રાવનું મોં મલકી ઊઠ્યું.
‘વોટ એ સરપ્રાઇઝ ત્યાગી.? મને આ ગમ્યું.’ રાવે આવકારો આપ્યો.
‘તમારી ચા અને સિગારેટ પીવા આવ્યો છું.’
રાવે ખુરસીમાં આલરીને બેસતા બેલ વગાડી. પ્યૂન આવ્યો. એને બે આંગળી બતાવી. ગોપીનાથ રાવે ત્યાગીને ટેબલ પર પડેલું સિગારેટનું પેકેટ બતાવ્યું.
‘નહીં, ચાની ચૂસકી સાથે સિગારેટનો કશ લેવાની મજા જ કાંઇક જુદી છે.’ ત્યાગીએ કહ્યું. કેબિનના દરવાજે ટકોરા પડ્યા. પ્યૂન ચા મૂકી ગયો. દરવાજો બંધ થવાના અવાજની સાથે ત્યાગીએ સિગારેટ સળગાવી. ચાની હળવી ચૂસકીનો અવાજ આવ્યો.
‘રાવ, લાગે છે કે હવે તમારી સાથે કામ કરવાની મજા આવશે.’
‘આપણે પહેલાં પણ સાથે હતા અને આજે ય સાથે છીએ.’ રાવે સિગારેટ સળગાવી ને ચા પીવાનું શરૂ કર્યું.
દર્શન ત્યાગીએ કોટના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને રાવને બતાવતા કહ્યું: ‘અજય અહુજાએ પાકિસ્તાનના આ માણસને ગુપ્ત માહિતી આપી હતી.’ ગોપીનાથ રાવે નામ વાંચીને કાગળ પાછો આપી દીધો.
અજય અહુજાના કમોત પાછળનું કારણ ગોપીનાથ રાવ અને દર્શન ત્યાગી વચ્ચેનો ઘરોબો, ત્યાગીની રાવ સાથે કામ કરવાની મંછા, ડૅપ્યુટીમાંથી ચીફ બનવાની એની લાલસા તો નહીં હોયને? કદાચ કબીરે દર્શન ત્યાગીને સાધીને રામ મોહનના આશીર્વાદથી અજય અહુજાને માર્ગમાંથી હટાવ્યો હોય. જાસૂસોના મોત-કમોત-મર્ડરના કોઇ નક્કર પુરાવા નથી હોતા. જાસૂસીની અટપટી જાળમાં અટકળો અટવાયેલી અને શક્યતાઓ ગૂંચવાયેલી હોય છે. પણ એ સમયની સજ્જડ હકીકત એ હતી કે દર્શન ત્યાગીએ ગોપીનાથ રાવને એક નામ વંચાવીને રાવ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી હતી.
****************************
વિજય બત્રા અને કબીર પલંગમાં પર સૂતા સૂતા વાતોએ વળગ્યા હતા રાતના લગભગ દસેક વાગ્યા હતા. બહાર કાતિલ હવા ઠંડે કલેજે કતલ કરવા નીકળેલા કોઇ ખૂનીની જેમ વહેતી હતી. દબે પાંવ. ન કોઇ શોર, ન કોઇ અવાજ,.ન કોઇ આહટ.
‘તને શું લાગે છે.? અલ્તાફ બખ્તિયારને શોધવા માટે કોઇ અહીં આવશે.?’ વિજયે પૂછ્યું.
‘અલ્તાફે પોતે અહીં આવે છે એની જાણ જો પીઆઇબીને કરી હોય અથવા પીઆઇબીએ એને મોકલ્યો હોય અથવા તો એણે એના સાગરીતને કહ્યું હોય તો….કોઇના પણ પગલાં અહીં કોઇપણ ઘડીએ પડી શકે છે.’ કબીરે તાર્કિક વાત મૂકી.
અચાનક કબાટમાં પડેલા ગુપ્ત ફોનની રિંગ વાગી. બંને ચોંકી ઊઠ્યા. વિજયે કબાટમાંથી ફોન કાઢીને રિસિવર ઊંચક્યું.
‘હલો.’
‘કબીરને આપ.’ વિજયે કબીરને ફોન આપતા લાઇન પર ચીફ હોવાનો ઇશારો કર્યો. કબીરને થયું કે ચીફે અજય અહુજાના અકસ્માત બાબતે ફોન કર્યો છે. એણે જવાબ આપવાની પૂરી તૈયારી સાથે કહ્યું:
‘સર.’
‘પીઆઇબીમાં કોઇ અલ્તાફ બખ્તિયાર છે. આપણા ગદ્દારોએ આ શખસને વાત લીક કરી હતી.’
અલ્તાફનું નામ સાંભળીને કબીરે બારી ખોલી નાખી ને બૅકયાર્ડમાં ભીની માટીની નીચે ખોદેલી તાજી કબરને જોતા બોલ્યો: ‘એને તો મેં કાયમ માટે દફનાવી દીધો છે.’
‘ગુડ…કદાચ બીજી ઘણી કબર ખોદવી પડશે.’
‘મહેશ ક્યાં છે.?’
‘મહેશ એની પર હુમલો કરનારાનું પગેરું શોધવા ગયો છે.’
ચીફે ફોન કટ કરી નાખ્યો. વિજય બત્રા ચીફ સાથેની આખી વાત સાંભળવા વ્યાકુળ હતો અને કબીર એને કહેવા.
રાતે ટહેલવાને બહાને ગોપીનાથ રાવ વાત પતાવીને ફોન બૂથમાંથી બહાર નીકળ્યા. સિગારેટના ધુમાડાથી જાસૂસીની ગૂંચવાયેલી જાળને ઉકેલતા ઉકેલતા ધીમા પગલે રાવ ઘરે પહોંચ્યા ત્યારે એમનું આખું વિશ્ર્વ ગાઢ નીંદ્રામાં હતું.
‘કૉફી બનાવી આપું.? દિમાગ ઓર તેજીથી દોડશે.’ પત્નીની મીઠી ટકોરથી તેઓ મીઠું હસ્યા. ગોપીનાથ રાવનું અનુમાન ખોટું પડ્યું. એમના પત્ની પતિના પાછા આવવાની રાહમાં જાગતાં હતાં.
‘ના, યુ ટેક રેસ્ટ નાવ.’ રાવે એલાર્મ સેટ કરતાં કહ્યું.
**********************
કેપ્ટન અખ્તર હુસેને આઇબીના ચીફ હબીબ અન્સારીને મળીને આવ્યા બાદ તાબડતોબ મિલિટરી પોલીસના ચીફ હારૂન અહમદને ફોન જોડ્યો હતો.
‘જનાબ, આપ હુકુમ કિજિયે મૈં હાજિર હો જાઉંગા.’ મિલિટરી પોલીસ ચીફ હારૂન અહમદ પણ કૅપ્ટન અખ્તર હુસેનના મિજાજથી વાકેફ હતા. કંઇક તો મોટી ગરબડ હશે જ એમ માનીને તેઓ તરત જ એમને મળવા પહોંચી ગયા હતા.
‘૧૫ ડિસેમ્બર ૧૯૭૭ કી રાત કચ્છ બોર્ડર ચૌકી પર એક હાદસા હુઆ થા.’ કૅપ્ટન અખ્તર હુસેને હારૂન અહમદ બેઠા કે તરત જ કહ્યું.
‘જી જનાબ. હુઆ થા.’
‘ફાઇલ હૈ.?’
‘હાં જનાબ.’
‘નિકાલો.’
હારૂન અહમદે ફાઇલ ખોલીને વાંચવાનું શરૂ કર્યું.
‘ઉસ રાત તૈનાત અસદ નવાઝ ચૌકી ઇન્ચાર્જ થે. સાથ મેં દો સિપાહી-ફૈઝલ ખાન ઔર ઇજાઝ ખાન થે. અસદ ‘નવાઝ ઔર ફૈઝલ કે બીચ કૂછ ઝઘડા હુઆ..ગુસ્સે મેં દોનોંને આમને સામને ગોલી ચલાઇ. દોનો મર ગયે.’
‘આપને પુરી તહેકીતાત કી થી.?’
‘જી જનાબ. ઐસા હી હુઆ થા…ઇજાઝ ખાન ચશ્મદીદ ગવાહ થા. ઉસને ખુદ જુબાની દી થી.’
‘પતા કરો ઇજાઝ ખાન કહાં હોગા ઇસ વક્ત.’
હારૂન અહમદે ફોન લગાડીને કોઇને કહ્યું: કચ્છ બોર્ડર કેસ નંબર ૯૯- ઇસ્ટ ઝોન મેં ફોન કર કે ઇજાઝ ખાન કી ડ્યૂટી કે બારે મેં પતા કરો.
જી જનાબ, ફોન પર રહીએ. અભી પતા કરતા હું.
થોડીવારે જવાબ આવ્યો. સાંભળીને હારૂન અહમદે કૅપ્ટનની સામે જોતા કહ્યું: શુક્રિયા
‘જનાબ, ઇજાઝ ખાન ડ્યુટી પર નહીં હૈ…મિલિટરી ક્વાટર્સ મેં…અપને ઘર પર હોગા’
‘ચલિયે. ઉસ કે ઘર પર ચલતે હૈ.’ કૅપ્ટન અખ્તર હુસેને ઊભા થતા કહ્યું.
લેકિન જનાબ, યહાં સે ક્વાટર્સ કાફી દૂર હૈ. ઉસ કો ફોન કર કે યહાં બુલા લેતે હૈ.
કભી કભી પહાડ ખુદ ચલ કર મહમ્મદ કે પાસ જાયે તો અચ્છા લગતા હૈ. આપ કો રાઝ જાનને કી ઇન્તેઝારી હૈના.
રસ્તામાં બંને ચૂપ હતા અને મૌન સફરમાં રસ્તો લાંબો કરી દેતું હોય છે. હારૂન અહમદ વિચારતા હતા કે લશ્કરના બે માણસો સરહદે બાખડ્યા અને બંને ખતમ થઇ ગયા મામલો મિલિટરી ઇન્ટેલિજન્સ સુધી પહોંચ્યો છે અને કૅપ્ટન ખુદ કબરમાંથી મડદાં બહાર કાઢવા આવ્યા છે એટલે નક્કી આમાં કોઇ રાઝ છે. ઇજાઝ ખાનનું ઘરે આવે તે પહેલાં જાણી લેવાની હારૂન અહમદની ઇન્તેજારી કૅપ્ટન અખ્તર હુસેને એના ચહેરા પર વાંચી લીધી હતી.
‘જનાબ, મામલા ક્યા હૈ.?’ અંતે હારૂન અહમદે મૌન તોડ્યું.
‘આપ ખુદ દેખ લેના મેં ઇજાઝ ખાન કો આપકે સામને પૂછુંગા.’
હારૂન અહમદને પૂછવાની ભૂલ કરી હોવાનો અહેસાસ થયો. એ બીજી બાજુ મોં ફેરવીને બેસી રહ્યા.
મિલિટરી ઇન્ટેલિજન્સ અને મિલિટરી પોલીસના બેઉ ચીફની જીપ મિલિટરી ક્વાટર્સના ગેટમાંથી પસાર થઇ ત્યારે ચોકીદારોએ આંખોમાં આશ્ર્ચર્યની ચમક સાથે કડક સલામ ઝીંકી હતી.
ઇજાઝ ખાનના ઘરની સામે જીપ ઊભી કરીને કૅપ્ટન અખ્તર હુસેને હારૂનને દરવાજો ખખડાવવાનો ઇશારો કર્યો.
હારૂન અહમદે દરવાજા પર ટકોરા માર્યા. કોઇ જવાબ ન મળ્યો. બીજીવાર જોરથી દરવાજો ખખડવાયો. ફરી કોઇ ઉત્તર ન મળ્યો. કૅપ્ટને હવે દરવાજો તોડવાનો ઇશારો કર્યો. હારૂન અહમદે એક લાત મારીને દરવાજો તોડ્યો. બંને અંદર દાખલ થયા. સામે પંખા પર ઇજાઝ ખાનની લાશ લટકતી હતી(ક્રમશ:)