આ જાસૂસીનું મોટું જંગલ છે. આપણને ફાડી ખાવા માર્ગમાં આડા ઊતરનારા જંગલી જાનવરોને હણતાં જવું પડશે,’ કબીર બોલ્યો
અનિલ રાવલ
છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટનાઓથી સાવચેત થઇ ગયેલો મહેશ બે વાતે ચિંતિત છે. એક, કોઇ તો છે જેને મિશન શાદીની જાણ છે. અને બે, ન્યૂક્લિયર પ્લાન્ટ ક્યાં હશે.? પ્લાન્ટ ક્યાં છે એ ઝડપથી શોધી કાઢવું જરૂરી છે, પણ હાલ એના દિમાગમાં ન્યૂક્લિયર પ્લાન્ટ શોધવાના માર્ગમાં આવી પડેલી આ અડચણ દૂર કરવામાં લાગેલું છે. એમાં ય જેણે ધાબળાવાળો અને ફોન નંબર એ ભેદી વિજય બત્રા કઇ હસ્તી છે પહેલા એ જાણવું પડશે, એનું કનેક્શન સમજવું પડશે. વિજય બત્રા કોઇ જાળમાં ફસાવતો તો નહીં હોયને. જોકે મહેશને હજી સુધી એ ય ખબર નથી કે હાફિઝ જ વિજય બત્રા છે. માયાની જેમ એ પણ વિજય બત્રાની એક ઇમેજ લઇને પહોંચી રહ્યો છે. વિજયના વિચારોની જાળમાં વીંટળાયેલા મહેશે પોતાની એક નાનકડી દુનિયામાં ઘાટ ઘાટના પાણી પીધા છે અને જાત જાતની માટી ખૂંદી છે, પણ આ ધરતી જુદી છે, માટી જુદી છે, પાણી અલગ છે. જાસૂસીનું ફલક વિશાળ છે. જાસૂસીનો પહેલો નિયમ છે કોઇના પર ભરોસો ન કરવો. અને વિશ્ર્વાસભંગ કરનારને ન છોડવો….પછી એ કોઇ પણ હોય. મહેશ વિજયે આપેલા સરનામે પહોંચ્યો. વિજય બત્રાને જોઇને બોલ્યો: “હાફિઝ
મહેશે ઝીણી કરેલી આંખોમાં આશ્ર્ચર્ય હતું. પણ વિજયને પોતાનું આ નામ સાંભળીને આશ્ર્ચર્ય ન થયું.
‘કેમ દંગ રહી ગયોને મને જોઇને.?’ વિજયે કહ્યું.
‘દંગ તો રહી ગયો, પણ હું મારી સાથે બનેલી ઘટનાઓથી તંગ થઇ ગયો છું.’
‘તને હજુ વધુ તંગ કરવાનો બાકી છે.’ વેઇટ’ કહીને એણે તાળી પાડી. અને એ સાથે જ અંદરથી કબીર અને માયા પ્રગટ થયાં.
‘ઓહ માય ગોડ…આ બધું શું છે.?’ મહેશ માયા અને કબીરને ભેટી પડ્યો. આ બંને અહીં છે અને વિજય બત્રા હાફિઝ જ છે એટલે કોઇ ખતરો લાગતો નથી એવું એણે ધારી લીધું…કદાચ માની નથી લીધું. એ વિજયની તરફ ફરીને બોલ્યો: ‘હજી એકવાર તાળી પાડો એટલે રાહુલ બહાર આવે.’
‘રાહુલ નથી. એ વેઇટરની ભૂમિકામાં છે.’
‘વોટ.? વેઇટર.?’ મહેશને નવાઇ લાગી.
‘એની વે…તારો કોલ ન આવ્યો એથી ચિંતા થઇ.’ વિજયે કહ્યું.
મહેશ સાથે જે થયું એ જાણવામાં ત્રણયેને વધુ રસ હતો. મહેશે માંડીને વાત કરી. વાત કરતી વખતે એની આંખો આખી ઘટનામાં વિજય બત્રા સંડોવાયેલો હોવાના સંકેત શોધતી હતી. એણે વાત પૂરી કરીને કહ્યું: ‘કોઇએ “મિશન શાદીની ગુપ્ત વાત આઇએસઆઇને પહોંચાડી છે. કોણ હોઇ શકે.?’ મહેશે મોં વિજય બત્રા તરફ ફેરવ્યું.
ખબર નથી પડતી કે આટલી સિક્રેટ વાત કઇ રીતે અને ક્યાંથી લીક થઇ.?’
‘આ કામ આઇઆઇબીના ચીફ અજય અહુજાનું છે. એણે પોતાના માણસોને ગોપીનાથ રાવની હિલચાલ પર સતત નજર રાખવાનું કહ્યું હતું. અહુજાએ વ્હાલા થવા માટે આ વાત સૌથી પહેલા વડા પ્રધાનને કરી અને ગોપીનાથ રાવે જ્યારે એને પ્રશ્ર્ન કર્યો તો વાતને ઉડાવી દીધી.’ કબીરે ઠંડા પાણીનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું. કબીર સામે તાંકી રહેલી છ આંખોમાં એક જ પ્રશ્ર્ન હતો કે કબીરને અહીં બેઠા આ બધી વાતની ખબર કઇ રીતે પડી.? આઇઆઇબીના ચીફ અજય અહુજા આવું દેશદ્રોહી પગલું ભરે.? માન્યામાં આવતું નથી, પણ કબીરનું ઇન્ટેલિજન્સ નેટવર્ક બહુ જ પાવરફુલ છે એ વાત અહીં બેઠેલા બધા જાણતા હતા..કદાચ વિજય બત્રા સિવાય.
‘એની સામે દેશદ્રોહનો કાયદો લગાડીને સજા ફટકારવી જોઇએ.’ માયા બોલી.
‘કાલના ન્યૂઝ વાંચી લેજો.’ કબીર ઠંડા પાણીના ગ્લાસની ધાર પર તર્જની ફેરવતા બોલ્યો.
‘શું થવાનું છે કાલે કબીર.?’ વિજયે પૂછ્યું. જવાબમાં કબીર માત્ર હસ્યો. ‘કાલે સૌને જાણ થઇ જશે.’
બીજા દિવસે સવારમાં માયાએ દોડતા આવીને ડાઇનિંગ ટેબલ પર બેસીને નિરાંતે ચા પી રહેલા વિજય, મહેશ અને કબીરને બ્રેકિંગ ન્યૂઝ આપ્યા:
‘આઇઆઇબીના ચીફ અજય અહુજાનું માર્ગ અકસ્માતમાં મોત.’
બધાની આંખો કબીર પર હતી અને એનું સમગ્ર ધ્યાન બ્રેડ પર બટર લગાડવામાં હતું.
‘કબીર, તું જાણતો હતો કે તેં આખી વાતને અંજામ આપ્યો?’ માયા ખુરશી તાણીને એની બાજુમાં બેસી ગઇ.
મને એટલી જ ખબર હતી કે દેશદ્રોહ કરનારનું શું કરવું.’ કબીરે ચાના કપમાંથી સિપ મારી. કબીર ઠંડે કલેજે કામ કરનારો માણસ છે. બોલે ઓછું. એકવાર શંકા ગઇ એટલે ખતમ. એના સોર્સમાંથી અજય અહુજાના કરતૂતોની બધી માહિતી એના સુધી પહોંચી ગઇ હતી. એણે પાકિસ્તાનમાં બેઠા બેઠા…ગોપીનાથ રાવની જાણ બહાર અજય અહુજાનું કાસળ કઢાવી નાખ્યું. અજય અહુજા સાચો હતો કે ખોટો એની સચ્ચાઇ પારખવાની પણ એણે દરકાર કરી નહીં. કારણ કે કબીરના મત મુજબ અજય અહુજાએ ગોપીનાથ રાવની વિરુદ્ધ કરેલું કૃત્ય પ્રોફેશનલ દુશ્મની ન હતી, દેશદ્રોહ હતો. ગોપીનાથ રાવ એના માટે ગુરુ દ્રોણથી પણ વિશેષ હતા.
‘પણ કબીર, અજય અહુજાને ઉડાવવાનો શું ફાયદો.? મિશન શાદીનું સિક્રેટ અહીં પહોંચી ગયું છે…આપણી પરનું જોખમ વધ્યું છે એનું શું.?’ મહેશે કહ્યું.
‘આ જાસૂસીનું મોટું જંગલ છે. આપણને ફાડી ખાવા માર્ગમાં આડા ઊતરનારા જંગલી જાનવરોને હણતા જવું પડશે.’ કબીર બોલ્યો. માયા, મહેશ અને વિજય એની આંખમાં ઠંડી આગ જોઇ રહ્યા.
*****************
માયા એ જ દિવસે બરકતુલ્લાખાં સાહેબને ઘરે જતી રહી. વિજય બત્રાએ મહેશનો ઉતારો દુકાનમાં રાખ્યો હતો, પણ એમાં હિંસક અને અકલ્પ્ય વિઘ્ન આવ્યું. હવે જ્યાં સુધી નવો સંદેશો ન મળે ત્યાં સુધી મહેશે વિજયના ઘરે જ રહેવું એવું નક્કી થયું. પરંતુ વિજય બત્રા અને હમીદાબાનુ દ્વારા અમલી બનતો આ દોરીસંચાર કરે છે કોણ.? એ રહસ્ય પરથી પરદો ઊઠ્યો જ્યારે વિજયે કબીર અને મહેશને કહ્યું કે દોરી ચીફ ગોપીનાથ રાવના હાથમાં છે. આપણે માત્ર કઠપૂતળી છીએ. અજય અહુજાના મૃત્યુને લીધે દિલ્હીથી ગોપીનાથ રાવનો કોઇ મેસેજ ન આવ્યો. અહુજાના માઠા સમાચાર મળ્યા પછી પણ વિજય બત્રા અને હમીદાબાનુ તરફથી કોઇ હિલચાલ ન થઇ. સામાન્ય રીતે અહીંથી કોઇ મેસેજ નહીં મોકલવાનો સિરસ્તો છે. એટલે બંને ઘરે દિલ્હીના મેસેજની રાહ જોવાઇ રહી હતી.
*********************
એક રાતે વિજય, કબીર અને મહેશ બેઠા હતા ત્યારે કબીરે વાત છેડી.
‘છેલ્લા થોડા વરસોમાં આસપાસના વિસ્તારોમાં, ગામોમાં કેટલી નવી ઇન્ડસ્ટ્રી નખાઇ એની વિગતો મળી શકે.?’
‘ઉદ્યોગ ખાતામાંથી મળી શકે પણ, પાકિસ્તાન ચારે બાજુથી ડેવલપ થઇ રહ્યું છે. એટલે થોડી મુશ્કેલી પડે.’ વિજયે કહ્યું.
‘જી ના, મને ખબર છે ત્યાં સુધી હાલ અહીંની ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. એટલે અત્યારે નવી ઇન્ડસ્ટ્રીનું કોઇ સાહસ નહીં કરતું હોય, આપણે છેલ્લા પાંચેક વરસ પહેલાં સ્થપાયેલી ઇન્ડસ્ટ્રીની માહિતી જોઇએ. વિજય, મારી પાસે એક આઇડિયા છે.’
*******************
આ વાતના થોડા જ દિવસ બાદ કબીર પાકિસ્તાનના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર મોહમ્મદની સામે ઇસ્લામાબાદની એક ફાઇવ સ્ટાર હોટેલમાં બેઠો હતો. વિજય બત્રાએ ગોઠવેલી બ્રેકફાસ્ટ મિટિંગ માટે મિનિસ્ટર આવ્યા કે તરત જ વિજય બત્રાએ ઓળખાણ કરાવી.
‘યહ હમારે અઝીઝ દોસ્ત અબુ અસલમ હૈ. હૈ તો હમારે હી મુલ્ક કે લેકિન ઝ્યાદાતર દુબઇ.. અબુધાબી મેં રહેતે હૈ.’
‘બહુત ખુશી હુઇ આપસે મિલ કર…દરઅસલ બત્રાસા’બને આપકી બડી તારીફ કી હૈ. બતાઇયે, ક્યા પ્લાન હૈ આપકા.?’
‘પ્લાન તો બહુત બડા હૈ. બસ આપકી રેહમનઝર હો તો કામિયાબ હોંગે.’
ઇસ નાચીઝ કો ખિદમતકા મૌકા તો દિજિયે.’ મિનિસ્ટરે કહ્યું.
‘અબુધાબી કે હમારે કૂછ દોસ્તલોગ હમારે મુલ્ક મેં કેમિકલ ઝોન ખડા કરના ચાહતે હૈ.’ મિનિસ્ટર ચાનો કપ
મૂકીને ખુરશીમાં આલરીને બેઠા. એમની આંખોમાં કોઇ
અલગ જ ચમક હતી. કબીરને લાગ્યું કે તેઓ પ્લાન સાંભળવા ઉત્સુક છે.
‘હમારે યહાં ૧૨-૧૫ કેમિકલ ફેક્ટરીઝ હૈ જો સોડા એશ, કોસ્ટીક સોડા, સલ્ફરિક એસિડ, ક્લોરીન ગેસ જૈસે કેમિકલ બનાતે હૈ.. જિસ કા પ્રોડક્શન બહુત હી કમ હૈ જિસકી વજહ સે હમે ઇમ્પોર્ટ કરની પડતી હૈ… નતીજન લાખો-અરબો રૂપિયા ફોરેન એક્સચેન્જ કે પીછે ખર્ચ હોતે હૈ. કેમિકલ ઇન્ડસ્ટ્રી મેં સ્કોપ બહુત હૈ. કંપનિયાં પાર્ટનરશિપ મેં હોંગી જિસમેં આપકે હી રિશ્તેદાર હોંગે.’ કબીરે હળવેકથી આંખ મિચકારી. ‘ઇસકે લિયે ચાહિયે શહેર સે દૂર બડી ઝમીન. આસપાસ કે લોગોં કો રોઝગાર મિલેગા. સરકાર ઔર આપકા ફાયદા હૈ.’ કબીરે અસગર મોહમ્મદની આંખમાં આંખ નાખીને કોન્ફિડન્સથી ટૂંકમાં આખો પ્લાન સમજાવી દીધો. વિજયે જોયું કે મિનિસ્ટર કબીરની રજૂઆત અને વાકપટુતાથી પૂરેપૂરા પ્રભાવિત હતા. હવે બંને એમના પ્રતિભાવની રાહમાં હતા.
‘હમ પર ઇતની મહેરબાની ક્યું.?’ મિનિસ્ટર અસગર મોહમ્મદે કિટલીમાંથી ગરમ ચા કપમાં રેડતા પૂછ્યું.
‘ક્યું કી યહ મેરા મુલ્ક હૈ. મૈં ચાહતા હું કી ચાય ગિરે તો કપ મેં ગિરે…’
મિનિસ્ટરના સ્માઇલથી બંનેના ચહેરા પર સ્મિત ફરક્યું.
‘હમેં થોડા વક્ત દો. કૂછ કરતા હું.’ બોલીને મિનિસ્ટરે “ખુદા હાફિઝ કહ્યું.
અલ્લાહ હાફિઝ.’ કબીરે ઇસ્લામી તહઝીબ દશાર્વી.
********************
દિલ્હીમાં આઇઆઇબીના ચીફના અજય અહુજાના સમાચારે હલચલ મચાવી દીધી હતી. લાગતાવળગતા સૌએ આને અકસ્માતના સહજ સમાચાર માની લીધા હતા, પણ ગોપીનાથ રાવને ચેન પડતું ન હતું. સવારે ઓફિસે જવા નીકળેલા અજય અહુજાની કારને એક ટ્રકે ટક્કર મારી અને ત્રીસ ફૂટ સુધી ઘસડીને લઇ ગઇ. અહુજા હૉસ્પિટલે પહોંચે તે પહેલાં જ એનું મૃત્યુ થયું. એમને આમાં કંઇક મેલી રમત જણાઇ હતી, પણ તેઓ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મૌન રહ્યા. ટ્રક ડ્રાઇવર ગીરધર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સ્મશાન યાત્રા કઢાઇ. શોકસભા યોજાઇ. અંજલિઓ અપાઇ. એમની ઝળહળતી કારકિર્દીની પ્રશંસા કરાઇ. કોઇ જગ્યાએ, કોઇએ અકસ્માત વિશે શંકા કરી નહીં. બીજી બાજુ, ગોપીનાથ રાવનો જાસૂસી સ્વભાવ અકસ્માતની વાત માનવા તૈયાર ન હતો. એમણે આ કેસની તપાસ કરી રહેલા ઇન્સ્પેકટરની સાથે વાતચીત કરી હતી. પોલીસે પણ આને અકસ્માતનો કેસ ગણાવ્યો. જેની રાવને નવાઇ લાગી. શોકસભામાંથી પાછા વળતી વખતે ગોપીનાથ રાવ ડિફેન્સ સેક્રેટરી રામ મોહનની કારમાં ગયા. રામ મોહન ચૂપ હતા. ગોપીનાથ રાવે કારના કાચ ઉતારીને સિગારેટ સળગાવી.
મને નથી લાગતું કે આ અકસ્માત હતો.’ રાવે સિગારેટની રાખ ખંખેરી.
‘ગોપી, જે ઝડપથી તેં સિગારેટની રાખ ખંખેરી એ જ ઝડપથી આખી ય વાત તારા દિમાગમાંથી ખંખેરી નાખ. ક્યારેક રાખમાંથી મડદાં બેઠા થતા હોય છે.’
‘હું સમજ્યો નહીં.’
‘આ કામ તારા જ કોઇ જાનૈયાએ કર્યું છે.’ સાંભળીને રાવે ઊંડો કશ લઇને ધુમાડો બહાર છોડ્યો. એ જાણે છે કે બારાતીઓમાં અર્જુન કોણ છે.
‘એણે આવું પગલું ભરવાની જરૂર શું હતી.? અહીં દિલ્હીમાં બનતી ઘટનાઓની ત્યાં એને કઇ રીતે ખબર પડી.?’રાવે વિચાર્યું.
‘હવે તું મને એ નહીં પૂછતો કે મને આ બધી ખબર કેમ પડી. કેટલીક વાત મારે પણ છૂપી રાખવી પડતી હોય છે. કેટલાક રહસ્યો દાટી દેવા પડતા હોય છે. પોલીસ ફાઇલ બંધ થઇ ગઇ છે. ડ્રાઇવર ગીરધરને પોલીસે છોડી દીધો છે અને એ એના વતન પણ પહોંચી ગયો હશે.’
‘પણ પ્રાઇમ મિનિસ્ટરને કોઇ શંકા ન ગઇ.? કારણ અમારી વચ્ચેની રાઇવલરીની એમને જાણ છે.’
‘ના, એમની દરેક શંકાને પવિત્ર ગંગાના નિર્મળ જળમાં વહાવી દેવાઇ છે. યાદ રાખ, એ એક અકસ્માત હતો…આપણા સૌ માટે. એન્ડ ડોન્ટ ડિસ્કસ એની થિંગ વિથ બરાતીઓ ઓલસો.’ (ક્રમશ:)