ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને પકડવા પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે છતાં અમૃતપાલનો હજુ કોઈ પતો નથી મળી રહ્યો. એવામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે અમૃતપાલને પકડવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી છે. હવે આ મામલે ચાર દિવસ પછી સુનાવણી થશે.
નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે કહ્યું કે પંજાબ પોલીસના 80,000 જવાનો શું કરી રહ્યા હતા? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર છે. આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. પોલીસનું ગુપ્તચર તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.
હાઈકોર્ટની ઝાટકણી બાદ પંજાબ સરકારે કહ્યું કે અમૃતપાલ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે પંજાબ સરકારને કેસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની ગેરકાયદે અટકાયતનો આરોપ લગાવતી અરજી દાખલ કરવામાં આવી હતી. ભટિંડાના રહેવાસી ઈમરાન સિંહે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે દીપ સિદ્ધુ આ સંસ્થાના વડા હતા અને તેમના મૃત્યુ બાદ આ પદ અમૃતપાલે સંભાળ્યું હતું. 18 માર્ચે કેન્દ્ર સરકારે પંજાબ સરકાર સાથે મળીને અમૃતપાલને જાલંધરથી ગેરકાયદેસર કસ્ટડીમાં લીધો હતો.