જલંધરઃ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ માટે પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે તેની ધરપકડ કરવાના કિસ્સામાં વધુ એક મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે ગુરુવારે અમૃતપાલ સિંહના ગનમેન તેજીન્દર સિંહ ઉર્ફે ગોરખા બાબાની ધરપકડ કરી છે. ગોરખા અમૃતપાલની નજીકની વ્યક્તિ તરીકે ગણતરી કરવામાં આવી રહી છે તથા તે અમૃતપાલની સુરક્ષા માટે હંમેશાં ખડેપગે રહે છે. એના સિવાય તેજીન્દર સિંહ અજનાલા કેસમાં આરોપી છે. કહેવાય છે કે તેજીન્દર સિંહ મલોદના માંગેવાલનો રહેવાસી છે તથા તે અમૃતપાલનો નજીકનો પણ માનવામાં આવે છે. તેજીન્દર સિંહ સોશિયલ મીડિયા પર પોતાના હથિયાર સાથેના ફોટોગ્રાફ પોસ્ટ પણ કરતો હોય છે. પોલીસે તેજીન્દરની સામે 107/151 અન્વયે કેસ દાખલ કર્યો છે. તેના સિવાય પોલીસે તેજીન્દરના નજીકની બે વ્યક્તિની પણ ધરપકડ કરી છે તથા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અગાઉ તેજીન્દર સિંહ અન્ય ગુનાના આરોપમાં જેલમાં જઈ ચૂક્યો છે તેની સામે મારપીટ-લડાઈ અને દારુની હેરાફેરીના કિસ્સામાં કેસ છે. અજનાલા કાંડમાં પણ તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમૃતપાલ, તેજીન્દર અને તેના હજારો સમર્થકોની સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલની પોતાના સમર્થક તોફાન સિંહને છોડવવા માટે પણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે અપહરણ, મારપીટના કિસ્સામાં તેની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે તોફાન સિંહને છોડી મૂક્યો હતો અને પોલીસે અમૃતપાલ અને તેના સમર્થકોની સામે કેસ નોંધ્યો હતો.