Homeમેટિની૩૫ દિવસમાં શરૂઆતનો સીન ૪૨ દિવસમાં આખી ફિલ્મ

૩૫ દિવસમાં શરૂઆતનો સીન ૪૨ દિવસમાં આખી ફિલ્મ

ઝપાટાબંધ ફિલ્મ બને એ અધકચરી હોય અને ઝાઝો સમય લઈને બનેલી ફિલ્મ ટકોરાબંધ હોય એવી થઈ રહેલી ચર્ચા નિમિત્તે આ વિવાદમાં ડોકિયું કરવા જેવું છે

હેન્રી શાસ્ત્રી

પહેલા આર. માધવન પછી બોની કપૂર અને હવે રામ ચરણે ઝપાટાબંધ તૈયાર થતી ફિલ્મ સામે બંદૂક તાકી છે અને નિશાના પર છે અક્ષય કુમાર. નિરાંતે બનતી ફિલ્મો વધુ સત્ત્વશીલ હોય અને ફટાફટ તૈયાર થતી ફિલ્મમાં ભલીવાર ન હોય એવો સૂર આ ચર્ચામાંથી નીકળે છે. હા, એ વાત ખરી કે ફિલ્મ તૈયાર કરતી વખતે ઝીણામાં ઝીણી વિગત માટે ચીવટ – ચોકસાઈ રાખવાથી ફિલ્મ ટકોરાબંધ બને પણ આ એ ઉત્તમ જ હોય અને એને સફળતા જ મળે એવું છાતી ઠોકીને કહી ન શકાય.
આયન મુખરજીએ ૨૦૧૭માં શરૂ કરેલી ‘બ્રહ્માસ્ત્ર’ પાંચ વર્ષના અંતે ૨૦૨૨માં રિલીઝ થઈ. ફિલ્મની પ્રશંસા થઈ અને ટીકા પણ કરવામાં આવી. ફિલ્મને ઠીક ઠીક સફળતા સુધ્ધાં મળી. અલબત્ત એને તૈયાર કરવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો એટલે એના ગીત ગવાયા એમ ન
કહી શકાય. આર. માધવનની તો દલીલ છે કે ઉતાવળ કરીને તૈયાર કરેલી ફિલ્મ નિષ્ફળ જ સાબિત થાય.
જોકે, માધવનની ‘રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ’ તૈયાર થતા છ વર્ષ લાગ્યા અને એટલે એ ટકોરાબંધ બની છે એવું નથી. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ કમાલ નથી દેખાડી શકી. જેમ્સ કેમરુનની ‘એવેટર’ (૨૦૦૯) જબરજસ્ત સફળતાને
વરી હતી. આ ફિલ્મની પટકથા લખાઈ અને રિલીઝ થઈ ત્યાં સુધીનો સમય ત્રણ જ વર્ષનો હતો. આવતે મહિને ‘એવેટર ૨’ રિલીઝ થઈ રહી છે અને એની પાછળ ૧૨ વર્ષની મહેનત છે. ફિલ્મનું લેખનકાર્ય અને વિઝ્યુઅલ
ઈફેક્ટ્સ માટે સાત વર્ષ ફાળવવામાં આવ્યા અને પાંચ વર્ષ ફિલ્માંકનને લાગ્યા. આ કારણસર બીજી ફિલ્મને વધુ સફળતા મળશે એવી ત્રિરાશિ ન માંડી શકાય.
અહીં યશ ચોપડાની ‘ઈત્તફાક’નું (૧૯૬૯) ઉદાહરણ જાણવા જેવું છે. એ સમયે યશજી ‘આદમી ઔર ઈન્સાન’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. અચાનક ફિલ્મની હિરોઈન સાયરા બાનોને સર્જરી કરાવવા વિદેશ જવું પડ્યું અને ફિલ્મ અટકી ગઈ.
નવરા બેસવું પાલવે એમ નહોતું એટલે યશજીએ માત્ર ૨૮ દિવસમાં ફિલ્મનું શૂટિંગ આટોપી લીધું હતું. આ ફિલ્મને ઠીક ઠીક સફળતા મળી હતી. ઝપાટાબંધ બની હોવા છતાં એમાં ખામી કાઢી શકાય એવું નહોતું. ટૂંકમાં ફિલ્મ બનાવવા માટેનો સમય અને એની ગુણવત્તાનું કોઈ સમીકરણ બનાવી ન શકાય.
આ સંદર્ભે કેટલાક રસપ્રદ ઉદાહરણ વિશે જાણીએ.
મિસ્ટર ઈન્ડિયા: મહિના – દોઢ મહિનામાં પૂરી થતી ફિલ્મો વિશે જાણીતા નિર્માતા બોની કપૂરે આડકતરી રીતે અક્ષય કુમારનો ઉધડો
લીધો હતો. દીકરી જહાન્વીની ફિલ્મ ‘મિલી’ના પ્રમોશન દરમિયાન બોની કપૂરે જણાવ્યું હતું કે ‘એવા કેટલાક એક્ટર્સ છે જે ૨૫ – ૩૦ દિવસમાં ફિલ્મ પૂરી કરી નાખે છે. આ અભિગમ ખોટો છે.
મારે નામ નથી આપવા પણ એવા કેટલાક એકટર્સ છે જે તોળી તોળીને કામ કરે છે. ફિલ્મ સાઈન કરતા પહેલા તેમનો સવાલ હોય છે કે ‘કેટલા દિવસ કામ કરવાનું છે? હિરોઈન કે ડિરેક્ટર ગાપચી તો નહીં મારે ને?’ આ રીતે કામ કરવાથી ફિલ્મ ક્યાંથી સારી બનવાની હતી? મને આમાં પ્રામાણિકતાનો અભાવ લાગે છે. પ્રામાણિકતા ન હોય તો ફિલ્મ સારી ચાલે નહીં.’ આજકાલ ફિલ્મ બનાવવા જેટલો અને ક્યારેક તો વધારે સમય પોસ્ટ પ્રોડક્શન માટે આપવામાં આવે છે.
આ સંદર્ભમાં બોની કપૂરે કહ્યું કે ‘મિસ્ટર ઈન્ડિયાનો એક પણ શોટ પોસ્ટ પ્રોડક્શનની કમાલ નહોતી. ફિલ્મનું પ્રત્યેક દ્રશ્ય કેમેરાથી શૂટ કરવામાં આવ્યું હતું. એટલે આખી ફિલ્મનું શૂટિંગ આટોપતા અમને ૩૮૦ દિવસ લાગ્યા અને ખાસ તો ‘કાટે નહીં કટતે યે દિન યે રાત’ ગીતનું શૂટિંગ ૨૧ દિવસ ચાલ્યું હતું. સેટ, લાઈટિંગ, પ્રોપ્સ વગેરેની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરવામાં જે ચોકસાઈ રાખવામાં આવી હતી એ ગીતને સુપરહિટ બનાવવામાં નિમિત્ત બની એમાં બેમત નથી.’
સમ્રાટ પૃથ્વીરાજ: ઐતિહાસિક પાર્શ્ર્વભૂમિ પરની અક્ષય કુમારની આ ફિલ્મનું સમગ્ર શૂટિંગ ૪૨ દિવસમાં પૂરું થઈ ગયું હતું. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઊંધે માથે પટકાઈ હતી. ફિલ્મના શેડયુલ વિશે બોલતા અક્ષયે જણાવ્યું હતું કે ‘અમે ફિલ્મ ૪૨ દિવસમાં પૂરી કરી હતી. સેટ પર સમયસર આવવા અંગે અને કામ પૂરું કરી સમયસર નીકળી જવા માટે જો
ચોકસાઈ જાળવવામાં આવે તો ફિલ્મ નક્કી કરેલા સમયમાં જરૂર પૂરી થઈ જાય. કોવિડ – ૧૯ની મહામારીને કારણે ફિલ્મ રિલીઝ થવામાં
મોડું થયું.
મહામારી ન ફેલાઈ હોત તો ફિલ્મ ક્યારની રિલીઝ થઈ ગઈ હોત.’ સમ્રાટ પૃથ્વીરાજને સાકાર કરવામાં અક્ષય ઊણો ઊતર્યો હતો અને એટલે ફિલ્મ પ્રભાવી ન લાગી એવી દલીલ કરવામાં આવી હતી.
આરઆરઆર: ‘બાહુબલી’થી ચીલો ચાતરનારા એસ. એસ. રાજામૌલીની ‘આરઆરઆર’ ૪૦૦ કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર ત્રણ હજારથી વધુ લોકોના સહયોગથી તૈયાર થયેલી આ ફિલ્મ પૂરી કરતા ૩૦૦ દિવસ લાગ્યા હતા. ઝીણામાં ઝીણી વિગતો માટે ચોકસાઈનો આગ્રહ રાખવા માટે જાણીતા રાજામૌલીએ સારો એવો સમય રિહર્સલ માટે ફાળવ્યો હતો જેથી એક્ટરો પાત્રમાં એકાકાર થઈ શકે.
ફિલ્મમાં ભરપૂર એક્શન સીન હતા અને એટલે એના શૂટિંગ માટે અઢી મહિના (૭૫ દિવસ) ફાળવવામાં આવ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ કેવી વધાવી લીધી એ વાત લગભગ દરેક સિનેપ્રેમી જાણે છે.
જાણવા જેવી વાત એ છે કે ‘આરઆરઆર ૨’ની પટકથા લખવાના કામની શરૂઆત પણ થઈ ગઈ છે.
ફિલ્મના મુખ્ય કલાકાર રામ ચરણે પણ ઝપાટાબંધ બનતી ફિલ્મ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘અમારી ફિલ્મનો ઓપનિંગ સીન શૂટ થયો એટલા સમયમાં તો કેટલીક ફિલ્મો આખે આખી તૈયાર થઈ જાય છે. મારા સાંભળવામાં આવ્યું છે કે અક્ષયસરે ચાલીસેક દિવસમાં એક ફિલ્મ પૂરી કરી હતી. અમને ફિલ્મનો ઓપનિંગ સીન શૂટ કરતા ૩૫ દિવસ લાગ્યા હતા અને એમાં ત્રણથી ચાર હજાર લોકો સહભાગી થયા હતા. મને બાળપણથી ધૂળની એલર્જી છે અને મારે ૩૫ દિવસ ધૂળમાં કામ કરવું પડ્યું હતું.’
SUYAMVARAM: ૨૩ વર્ષ પહેલા તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અનોખો ઈતિહાસ રચાયો હતો. નિર્માતા ગિરધારીલાલ નાગપાલની SUYAMVARAM – ૧૯૯૯ (સગાઈ) નામની ફિલ્મનું શૂટિંગ સોમવારે પાંચમી એપ્રિલની સવારે સાત વાગ્યે શરૂ થયું અને મંગળવારે છઠ્ઠી એપ્રિલે સવારે ૬.૫૮ વાગ્યે આખી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું.
૨૪ કલાકમાં ફિલ્મ પૂરી કરવાનો ઈરાદો ૨૩ કલાક, ૫૮ મિનિટમાં બર આવી ગયો હતો. ૧૦ હીરો, ૧૧ હિરોઈન અને ૧૪ ડિરેક્ટરના સહિયારા પ્રયાસથી ચેન્નઈ શહેરના અલગ અલગ ૨૭ લોકેશન પર શૂટ થયેલી ૧૫૦૦૦ ફૂટ લાંબી (પડદા પર અઢી કલાક) ફિલ્મ પૂરી કરવામાં કુલ ૨૫૦૦ વ્યક્તિઓનો ફાળો હતો. ૧૪ ડિરેક્ટર, ૧૯ એસોસિયેટ ડિરેક્ટર, ૪૫ આસિસ્ટન્ટ ડિરેક્ટર, ૧૯ કેમેરામેન અને કલાકાર – કસબીઓનું યોગદાન હતું.
૨૪ કલાકની અંદર ફિલ્મ પૂરી કરવાના દાવાની ચોકસાઈ કરવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જોકે, સગાઈનો અર્થ ધરાવતી આ ફિલ્મના ગોળધાણા પણ ખવાયા નહોતા. આ રીતે ફિલ્મ બનાવવાનો
મુખ્ય હેતુ ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાનો હતો અને નહીં કે દર્શકોનું મનોરંજન કરવાનો કે કોઈ મેસેજ આપવાનો કે ઈતિહાસના થોથામાં ખોવાઈ ગયેલી કોઈ ભવ્ય ગાથા કહેવાનો. ટૂંકમાં નિર્માતાના દિમાગ પર વિક્રમ કરવાની ધૂન સવાર હતી, નહીં કે એક સુંદર ફિલ્મ આપવાની. એટલે બોક્સ ઓફિસ પર ફિલ્મને આવકાર ન મળ્યો એનું કોઈને આશ્ર્ચર્ય નહોતું થયું.

RELATED ARTICLES

Most Popular