Homeઉત્સવઆ એવા દિગ્ગજો છે, શબ્દ શ્રીમંતો છે જેમને પોતાના નામ દામ કે...

આ એવા દિગ્ગજો છે, શબ્દ શ્રીમંતો છે જેમને પોતાના નામ દામ કે રૂતબાથી કાંઇ ફરક નથી પડતો

ઓપન માઈન્ડ – નેહા મહેતા

ગયા સપ્તાહની વાત આગળ ધપાવીએ આજે.
ખેલ ખેલમાં ભગવાને મારા જીવનની ડોર કાપી નાખી અને મારાથી રહેવાયું નહીં ને હું રડી પડી અને જે મને મારા મમ્મીના સગાઓએ મને પ્રેમ કર્યો છે. પછી મને એ આંટીએ કહ્યું કે જાવ શાંતિથી નાહી આવો અને આપણે બેસીએ. અમે બંને બહેનો નાઈટ સૂટ પહેરી અને બેસી ગયા. જમવાનું આવ્યું તો જે સુંદર સુંદર નાની નાની ફુલકા રોટલી. મટર ટમેટા બટેટા નું શાક. પનીર કોફતા. છાશ. પછી જાત જાતની વસ્તુઓ ગુલાબજાંબુ, કાળા જાંબુ, ખીર કદંબ કરીને પણ મીઠાઇ ખાધી. આ બધું અમે બધાએ ખાધું.
મારા થોડા ડાયટ નિયમોની મજાક પણ ઉડાવાઈ. હાહાહા… પણ મજા આવી ગઈ.
પછી એક નાનકડી મીણબત્તી કરી. બધાએ ગોળ સર્કલ કરી અને સોફા ઉપર બેસી અને ગોઠવાઇ ગયા. એ અંકલ જે શોખીન અંકલ છે એમણે કેન્ડલ સળગાવી મારી સામે લાવીને કહ્યુ. આજ કી મહેફિલ આપ કે નામ. અચાનક મારી સામે મીણબત્તી મૂકી. આજે આપ પહેલી શાયરી કી શરૂઆત કરો. હું હલી ગઈ. પણ થેન્ક્સ ટુ ’વાહ વાહ ક્યા બાત હે’. શૈલેષજીની સાથે એટલે કે મારા કલાકારની સાથે રહી રહીને જે થોડી બહુ શાયરીઓ મને શીખવાડી. જ્ઞાન આપ્યું. એમાંથી મે શરૂ કર્યું. મને લાગ્યું આના પછી હજુ પાછું મને બોલવાનું કહેશે…. પણ મિત્રો….અમારી મહેફિલ શરૂ થઈ ત્યારથી લઈને મહેફિલ પૂરી થઈ ત્યાં સુધી બસ મેં પહેલી એક જ શાયરી બોલી. બાકી તો આખા ગુજરાતી સાહિત્ય કે ગઝલોમાંથી વાંચી વાંચીને જે અંકલ આંટીઓએ શાયરી ભેગી કરી હતી. એ બધી બધી શાયરી અને ગઝલો અને મુક્તકો બોલાણા. અને જે મને માન થયું આપણા સંસ્કારો પર. મને છોભીલા પણું પણ લાગ્યું, કે હું મારી જાતને જાણે બહુ સમજતી હતી કે મારી પાસે ખૂબ શાયરીઓ બોલાવશે ઓહ ગોડ એન્ડ ઓલ. અહીં તો આ લોકોએ શાયરીઓનો ગઝલોનો વરસાદ કરી દીધો. અને મહેફિલ જમાવી દીધી. એમાંની અમુક ખૂબ ઉમદા કાવ્યકાર ગઝલકાર અને લેખકોના જે સંભારણા એમણે મારી સાથે લખીને મોકલ્યા. એ તમારા સુધી વહેતા મૂકું છું. અને આ એવા દિગ્ગજો છે શબ્દ શ્રીમંતો છે જેમને પોતાના નામ દામ કે રૂતબાથી કાંઇ ફરક નથી પડતો. એમના તો શબ્દો સમાજમાં વહેવા જોઇએ. સમાજને સારા વિચારોની સમજણની અને અનુભવની ભેટ આપનાર તમામ કલાકારોને કવીઓને શાયરોને અમારા માન ભર નમન.
દરેકે દરેક વ્યક્તિ, ખાટ ઉપર, પાટ ઉપર નહી તો વગડાની વાટ ઉપર. આરામ ખુરશી ઉપર, બાંકડા ઉપર ક્યાંય નહી તો ધોબી ઘાટ ઉપર. જ્યાં સમય મળે. આ લોકોને વાંચી ફરી પાછા એમને યાદ કરી આપણા જીવનના સુંદરતાના સફળતાના, સારા માનસિક સ્વાસ્થ્યના, તોરણો બાંધીએ અને આનંદ માણીએ. જીવનનો મર્મ સમજીએ. કવિઓની જુબાની જીવન કહાની.
ગુજરાતી સાહિત્યના અદ્ભુત વિચારો. વાંચો તમે પણ.
– મારી હસ્તી મારી પાછળ
એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી
ને જગા પૂરાઈ ગઈ.
(ઓજસ પાલનપુરી)
– અધીરો છે
તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે
દરિયો માગવા માટે? (અનિલ ચાવડા)
– દુનિયામાં મને મોકલી
પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી
આ પાછો ફર્યો લે. (મરીઝ)
– તારું કશું ન હોય તો
છોડીને આવ તું,
તારું જ બધું હોય તો
છોડી બતાવ તું.
– આભમાં કે દરિયામાં તો
એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે
કોઈએ સફર ખેડી નથી.
(રાજેશ વ્યાસ ’મિસ્કીન’)
– આ અહીં પ્હોંચ્યા પછીથી
એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી
બસ આ બધું તો થાય છે.
(રાજેન્દ્ર શુક્લ)
– હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
(ચિનુ મોદી)
– જીવી શકું હું કઈ રીતે
તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે
મટકું માર્યા વગર? (મનહર મોદી)
– શ્ર્વાસને ઈસ્ત્રી કરી
મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે
જો જવાનું થાય તો! (અનિલ ચાવડા)
– કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. (જલન માતરી)
– મને સદભાગ્ય કે શબ્દો મળ્યા
તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. (મનોજ ખંડેરિયા)
– ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
(ચિનુ મોદી)
– ભૂલ જો થાય મિત્રોની
તો માફ કર,
જીભ કચડાય તો
દાંત તોડાય નૈં. (અનિલ ચાવડા)
-ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી. (ભાવેશ ભટ્ટ)
– સિગારેટને રસ્તા ઉપર
આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં
ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.
(ભાવિન ગોપાણી)
– શ્રદ્ધાનો હો વિષય
ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય
પયંબરની સહી નથી. ( જલન માતરી)
– બધો આધાર છે એના
જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ. (મરીઝ)
– જિંદગીને જીવવાની
ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં
આખરી સમજી લીધી. (મરીઝ)
– કઈ તરકીબથી પથ્થરની
કેદ તોડી છે?
કૂંપળની પાસે શું
કુમળી કોઈ હથોડી છે? (ઉદયન ઠક્કર)
– હું મંદિરમાં આવ્યો અને
દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ
અભરખા ઉતારો. (ગૌરાંગ ઠાકર)
– જત જણાવવાનું તને કે
છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને
એક ક્ષણ તારું સ્મરણ. (રાજેન્દ્ર શુક્લ)
– રડ્યા ‘બેફામ’ સૌ
મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને
મારી હાજરી નહોતી.
(બરકત વિરાણી ‘બેફામ’)
– તફાવત એ જ છે,
તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે,
હું જીવીને વિચારું છું (અમૃત ઘાયલ)
– જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં. (સૈફ પાલનપુરી)
– તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે. (શયદા)
– વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)
– બસ,
દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
(મરીઝ)
– જિંદગીના રસને પીવામાં
કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે,
ને ગળતું જામ છે. (મરીઝ)
– સમયની શોધ થઈ તેની
આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો
ખબર છે તને? (મુકુલ ચોક્સી)

– મોત વેળાની આ ઐયાશી
નથી ગમતી મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
(મરીઝ)

– દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી.
(ગની દહીંવાલા)

– જ્યારથી એ જણ કશાની
શોધમાં છે,
ત્યારથી આખું જગત
વિરોધમાં છે.
(અનિલ ચાવડા)

– જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું
નામ બોલાયા કરે.
(ગની દહીંવાલા.)

– ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
(ખલીલ ધનતેજવી)

મિત્રો આખી સુંદર મજાની શામની શરૂઆત થઈ હતી હેન્ડસમ એન્ડ ઇમોશનલ યંગ એટ હાર્ટ. વડોદરામાં રહીને વિશ્ર્વને ગજવનાર આપણા ખલીલ ધનતેજવી સાહેબની યાદથી. ગંગા જમની તેહઝીબનું પપ્પાએ દેખાડેલું સુંદર ઉદાહરણ એટલે ખાલી ધનતેજવી સાહેબ. એમને પ્રણામ કરું છું. યાદ કરું છું.
મિત્રો, ગીત સંગીતના પ્રોગ્રામમાં તમે મેડલી શબ્દ સાંભળ્યો હશે. એમણે તો આ બધા શાયરી ને ગઝલકારોની લાંબી લાંબી ગઝલો મને કહી પણ મેં એમના શબ્દોને ટૂંકમાં તમારી સમક્ષ મૂક્યા.
તમે એમને ગોતી એમના પુસ્તકો ખોલી ગૂગલ કરી વાંચજો એવી આશા રાખીશ. એમને માણજો ખરેખર મને ઘણી બધી વસ્તુઓ જે એક મહિનાથી નહોતી સમજાઈ રહી એ એક સાંજમાં સમજાઈ ગઈ. ‘સારા સાથ સંગાથ ને વાતથી, વીતી જાય કાળી રાતજી.’
મારી મંમી હંમેશાં કહેતી કે સગા સંબંધી અને એમની સાથે વિતાવેલો સમય જીવનને હળવું કરે છે. અને માર્ગદર્શન પણ આપે છે. માટે જે કોઈ મહેમાન આપણે ઘરે ભગવાન મોકલતા હોય કોઈ સંદેશ સાથે. એને ખાલી ખાવા પીવા આવ્યા છે. કે આ શું આવી પડ્યા, કે શું કામ હશે, એમ ન સમજતા. એમને તમારા જીવનમાં શું સંકેત રૂપ મોકલ્યા હશે એ સમજજો. આવકાર કરજો. અતિથિ દેવો ભવના શબ્દને સમજજો. ન સમજાય તો પાછી શાયરીઓ અને કવિતાઓ વાંચજો. સમજાઇ જશે. ખાસ કરીને મિત્રો એક વાત કહેવાની કે આ દરેકે દરેક શાયરો ને એમના નામ. મને યાદ નહોતા. મારા ઓલ્ડ એટ એજ બટ યંગ એટ હાર્ટ. એમને યાદ છે.
સુંદર કહી શકું તો વૃદ્ધ થવું એટલે તો વૃદ્ધિ થવી. આ મારા મમ્મીએ શીખવાડ્યું હતું. બુદ્ધિમાં વધારો થવો વૃદ્ધિ એટલે વૃદ્ધ થવું. આ દરેકે દરેક કલાકારોના શાયરોના ને કવિઓનાં નામ એમના રીયલ ફેન્સને એમના ઓડિયન્સ અને એમના મિત્રોને એટલે કે મારા મમ્મીના મિત્રોને યાદ છે. આ વાત માટે તેઓને ખૂબ ખૂબ માન. દરેકે દરેક શાયરોએ જે અંકિત કર્યું છે. જે એમણે પરસેવો પાડ્યો છે. એના માટે દંડવત પ્રણામ.
સાથે એક વાત કે. ભૂલો ભલે બીજું બધું મા- બાપને ભૂલશો નહીં. અવગણિત છે ઉપકાર એમના. એમને દુભાવશો નહીં. માટે જ કહે છે કે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતીથી દેવો ભવ, આ સાથે સૌના માતાપિતાને નેહા એસ.કે મહેતાના
વંદે માતરમ.
જય હિન્દ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular