કેરળમાં મંદિરોને જ્ઞાતિ – જાતિના ભેદભાવથી મુક્ત કરનાર અને ગાંધીજીનું માર્ગદર્શન મેળવનાર વૈકોમ સત્યાગ્રહની શતાબ્દી આજથી શરૂ થાય છે. આ સત્યાગ્રહમાં યોગદાન આપનાર મહાનુભાવોને ઓળખીએ
કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી
ટી. કે. માધવન, શ્રી નારાયણ ગુરુ, ઈ. વી. રામસ્વામી ‘પેરિયાર’ અને બલરામ વર્મા
——–
કેવો જોગાનુજોગ છે કે આજે રામનવમી છે અને આજથી જ સૌથી શિક્ષિત રાજ્યનો સ્ટેમ્પ ધરાવતા કેરળમાં મંદિરોને જ્ઞાતિ – જાતિના ભેદભાવથી મુક્ત કરનાર વૈકોમ સત્યાગ્રહના પ્રારંભની શતાબ્દીની શરૂઆત થાય છે. ભગવાનના દર્શન કરવા ભક્તો આજે મંદિરના પગથિયાં હરખથી ચડશે. ભગવાન માટેનો ભક્તિભાવ તેમના હૃદયમાં હિલોળા લેતો હશે. કોઈપણ પ્રકારના ભય કે ચિંતા વિના આજે દરેક ભક્ત મંદિરના પગથિયાં સડસડાટ ચડી જશે. મંદિરમાં પ્રવેશ માટે સમય સિવાય કોઈ બંધન નથી હોતું. જોકે ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં જ્ઞાતિ – જાતિના ભેદભાવ એવી ચરમસીમાએ હતા કે અટક જાણ્યા પછી જ પોલીસ મંદિરના રસ્તે આગળ વધવા દેતી અથવા અટકાવી દેતી. આજે તો અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ અંતિમ ચરણમાં છે અને આવતી રામ નવમીએ તો ’ચલો અયોધ્યા’ નાદ દેશભરમાં ગુંજતો હશે. એવા આ વાતાવરણમાં ભક્ત અને ભગવાનને ભેગા ન થવા દેતી પ્રથા વિરુદ્ધ કરવામાં આવેલા કેરળના મંદિર પ્રવેશના સત્યાગ્રહ વિશે જાણવાની આપણી ફરજ છે.
દિવસ હતો ૩૦ માર્ચ, ૧૯૨૪. કેરળના કોટ્ટાયમ જિલ્લાના વૈકોમ શહેરમાં રોજની જેમ જ સૂરજ ઊગ્યો હતો, પણ એના કિરણોથી ફેલાયેલો તડકો કોકરવરણો હતો. તેજસ્વી પણ હૂંફાળો. ક્રાંતિકારી વિચારધારા ધરાવતા ત્રણ મિત્ર કુંજપ્પી, બહુલિયન અને ગોવિંદ પાણીકર હાથમાં હાથ ભેરવી શહેરના શિવ મંદિરની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા હતા. આ મંદિરમાં ’નીચલી જાતિ’ના લોકોને પ્રવેશ ઉપર તો બંધી હતી જ, મંદિર જતા રસ્તા પર ચાલવા સામે સુધ્ધાં પ્રતિબંધ હતો. લાંબી ફાળ ભરતી ત્રિપુટીને એક બોર્ડ નજીક પહેરો ભરતી પોલીસે રોકી. એ બોર્ડ પર એક નોટિસ હતી કે ’એરાવા અને અન્ય નીચલી કોમના લોકો પર આ સડક પર ચાલવા અંગે પ્રતિબંધ છે.’ પોલીસ તેમને તેમની જાતિ જણાવવા કહ્યું. કુંજપ્પી પોતે પુલિયન હોવાનું જણાવ્યું, પોતે એરાવા જાતિનો હોવાની સ્પષ્ટતા બહુલિયન કરી જ્યારે પોતે નાયર જ્ઞાતિનો હોવાનું ગોવિંદે કહ્યું. આટલું સાંભળ્યા પછી પોલીસે જોહુકમીથી જણાવ્યું કે માત્ર ગોવિંદ જ મંદિરમાં જઈ શકશે કારણ કે એ ઉચ્ચ જ્ઞાતિનો છે અને નીચલી જ્ઞાતિના હોવાથી બાકીના બંને મંદિરના પગથિયાં નહીં ચડી શકે એવું રોકડું પરખાવી દેવામાં આવ્યું. અહીં કેવળ ઉચ્ચ જાતિના લોકોને જ પ્રવેશ છે અને મંદિર તો શું, આસપાસની સડક પર નીચલી જાતિના લોકોનો પડછાયો પણ ન પડવો જોઈએ એવું ગુમાન વાતાવરણમાં હતું. પોલીસની દંડુકા વાણી સાંભળી ત્રણ મિત્ર ન તો આકરા થયા કે ન તો પાછા ફર્યા. શાંત ચિત્તે મક્કમ ડગલાં ભરી મંદિર જતા રસ્તે આગળ વધ્યા. મંદિરના માર્ગ પર પહોંચતાની સાથે જ તેમની ધરપકડ કરી તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. આ ધરપકડ અને સજાને કારણે ભયનું વાતાવરણ ન ફેલાયું કે વિરોધકોના મક્કમ મનોબળ પણ ઢીલા ન પડ્યા. મંદિરે જતી સડક પર આગળ વધતા લોકોની એક પછી એક ધરપકડ થઈ, પણ વધુ લોકો હિંમત હાર્યા વિના દ્રઢ મનોબળ સાથે પોતાના સંકલ્પમાં આગળ વધતા રહ્યા. વૈકોમ સત્યાગ્રહના આ શ્રીગણેશ હતા. ધીરે ધીરે આ સત્યાગ્રહની વાત વડવાનલની જેમ ચારેકોર ફેલાઈ ગઈ. અસ્પૃશ્યતા અને મંદિર પ્રવેશ મનાઈની શરમજનક પ્રથાને જડમૂળથી ઉખાડી કાઢવા એક શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ કેરળના સત્યાગ્રહની આ શરૂઆત હતી. આજે પણ ૩૦ માર્ચ છે. સામાજિક ઉત્કર્ષની દિશામાં આગળ વધવા માટેના સત્યાગ્રહની જન્મશતાબ્દીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એ અનોખા પ્રયાસમાં કોણે પ્રમુખ ભાગ ભજવ્યો હતો એની જાણકારી ’મુંબઈ સમાચાર’ના સજાગ વાચકો સુધી પહોંચવી જોઈએ. આઝાદી પહેલાની કોઈ ઘટનામાં સત્યાગ્રહનો ઉલ્લેખ આવે એટલે એની સાથે ગાંધીજીનું નામ આપોઆપ જોડાઈ જાય જે સ્વાભાવિક છે. જોકે, ભારતીય ઈતિહાસમાં એવા કેટલાક આંદોલન થયા છે જેનું સ્વરૂપ અહિંસાત્મક હોવાથી એની ઓળખાણ સત્યાગ્રહ તરીકે બની છે. જાતિવાદ વિરોધી વૈકોમ સત્યાગ્રહ એ જ પંગતમાં બેસે છે. નાતજાતના ભેદ ભૂંસી સામાજિક સમાનતા માટેની આ અહિંસક લડાઈ હતી. વૈકોમ સત્યાગ્રહ ભલે દોઢ વર્ષમાં સમેટાઈ ગયો, પણ ૧૧ વર્ષ પછી એના મીઠાં ફળ ચાખવા મળ્યા ખરા. આપણા દેશમાં સત્યાગ્રહને મજબૂત હથિયાર બનાવનાર ગાંધીજી પણ આ આંદોલન સાથે સંકળાયા હતા.સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર લોકોના યોગદાન વિશે જાણીએ.
ટી. કે. માધવન: સત્યાગ્રહનું દીપ પ્રાગટ્ય
માધવનનો જન્મ ૧૮૮૪ની બીજી સપ્ટેમ્બરે એ વખતના ત્રાવણકોર રજવાડામાં એરાવા જાતિના એક ધનાઢ્ય પરિવારમાં થયો હતો. જોકે, શાળા ભણતર દરમિયાન જાતપાતના ભેદભાવનો સામનો તેમને કરવો પડ્યો હતો. તેમનું આર્થિક ધોરણ મોટાભાગના હિન્દુઓને સમકક્ષ હતું, પણ જાતિના ધોરણે તેમને ઉતરતા ગણવામાં આવતા હતા. શાળામાં ભણતી વખતે જ કેરળમાં જાતિ પ્રથામાં બદલાવ લાવવાના વિચારો તેમને ઘેરી વળ્યા હતા. આ વિચારે જ તેમનામાં ન્યાય અને સમાનતા માટે લડવાનો દીપ પ્રગટાવ્યો અને એ દીપનો ગુણાકાર થતા જાતિ પ્રથાનું તિમિર વીંધતું જે સમાનતાનું અજવાળું ફેલાયું તેના મીઠાં ફળ આજે એરાવા અને અન્ય જાતિના લોકો ચાખી રહ્યા છે. માધવનને કેટલાક લોકોનો સુંદર સહકાર પણ મળ્યો.
માધવન ભણતરમાં હાઈ સ્કૂલ સુધી જ મજલ મારી શક્યા હતા, પણ જાતમહેનતથી અંગ્રેજીમાં લખવા – બોલવામાં નિપુણ થયા અને ૧૭ વર્ષની ઉંમરે ’સરકારી નોકરીમાં એરાવા લોકોની કઠણાઈ’ વિષય પર ધારદાર વક્તવ્ય રજૂ કર્યું અને હાજર રહેલા લોકોને પ્રભાવિત કર્યા. માનવ એકતા માટે આ તેમની પહેલી લડત હતી. એ સમયે મહેસૂલ વિભાગ, લશ્કર વગેરે ક્ષેત્રમાં આવર્ણો (નાતબહાર સમકક્ષ), ખ્રિસ્તી અને મુસ્લિમોને સરકારી નોકરીમાં તક નહોતી આપવામાં આવતી. માધવને એની સામે ઝુંબેશ ચલાવી લડત શરૂ કરી. તેમના પ્રયત્નો માત્ર જાહેર સભામાં ભાષણ પૂરતા મર્યાદિત નહોતા, લોકોને એકઠા કરી કોટ્ટાયમ અને ત્રિવેન્દ્રમ જેવા સ્થળે મિટિંગનું આયોજન કરતા. તેમના અથાક પ્રયત્નો સામે સરકારે નમવું પડ્યું અને આવર્ણો, ખ્રિસ્તી અને મુસ્લિમોને મહેસૂલ ખાતામાં નોકરી આપવાની શરૂઆત થઈ. સાચા અર્થમાં સમાજ સુધારણા. દરેક ક્ષેત્રે મહિલા ઉત્કર્ષ માટે લડતા શ્રી માધવને ૨૩ વર્ષની ઉંમરે છૂટાછેડા લેનાર બે બાળકોની માતા સાથે ૧૯૦૯માં લગ્ન કર્યા હતા. જે સમયે એવો વિચાર કરતા પણ લોકો થથરી જતા એ સમયમાં માધવને આવી હિંમત દેખાડી હતી.
સમાજ સુધારણા ચળવળ સફળ બનાવવા મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવું જરૂરી છે એ હકીકતથી માધવન વાકેફ હતા. એ હેતુ સિદ્ધ કરવા તેમણે ૧૯૧૫માં ’દેશાભિમાની’ નામનું અખબાર શરૂ કર્યું હતું. શરૂઆત સાપ્તાહિક અખબાર તરીકે થઈ હતી અને બે વર્ષ પછી માધવન જ એના તંત્રી બની ગયા. એની સાથે ’ટેમ્પલ એન્ટ્રી મુવમેન્ટ’ (મંદિર પ્રવેશની ચળવળ)ના તેઓ અગ્રણી નેતા હતા. કેરળના મંદિરોમાં કચડાયેલા વર્ગને અને નીચલી જ્ઞાતિના લોકોને પ્રવેશ મળે એ માટે આ ચળવળ ચાલી રહી હતી. તેમના દરેક ભાષણમાં દરેક વ્યક્તિને મંદિરમાં પ્રવેશ મળવો જ જોઈએ એ વાત પર ભાર આપતા હતા. ૧૯૨૪માં વૈકોમ મહાદેવ મંદિરની સામે જ વૈકોમ સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. સત્યાગ્રહ નિષ્ફળ નીવડે એ માટે મહાદેવનની ધરપકડ કરી તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા. આંદોલનની જાણકારી રાષ્ટ્રભરમાં ફેલાય એ માટે તેમણે પ્રયત્નો કર્યા. અખિલ ભારત કોંગ્રેસના સભ્ય બની ત્રાવણકોરની સમસ્યા પ્રત્યે ધ્યાન ખેંચાય એ આશાએ ૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં ડેલિગેટ તરીકે હાજરી પણ આપી હતી. છેવટે સૌ સારા વાનાં થયાં અને ત્રાવણકોરના મહારાજા મંદિર જતો માર્ગ દરેક જાતિના લોકો માટે ખુલ્લો મૂકવા સહમત થયા અને સત્યાગ્રહને ભવ્ય સફળતા મળી. જોકે, મંદિર પ્રવેશ નહોતો મળ્યો અને એટલે તેમણે લડત ચાલુ રાખવી પડી હતી. તેમના આગ્રહથી જ ગાંધીજીએ વૈકોમની મુલાકાત લઈ હકીકત જાણી હતી. મંદિર પ્રવેશના પ્રયાસને સફળતા મળે એ પહેલા ૩૦ એપ્રિલ,૧૯૩૦માં ૪૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. આજના આધુનિક કેરળ સમાજના તેઓ ઘડવૈયા હતા.
શ્રી નારાયણ ગુરુ: ગાંધી વિચારને અનુસર્યા
૨૦ ઓગસ્ટ, ૧૮૫૬માં એરાવા પરિવારમાં જન્મેલા શ્રી નારાયણ ગુરુ આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક હતા. કેરળમાં પ્રવર્તમાન જાતિ આધારિત સમાજ રચના સામે લડત ચલાવી સામાજિક એકતા સ્થાપવા તેમણે પણ અનેક પ્રયત્ન કર્યા હતા. સમજણા થયા ત્યારથી ક્રાંતિકારી વિચાર ધરાવતા ગુરુજીએ એરાવા જાતિના લોકો માટે નદીના ખડકની શિવજીના સ્વરૂપ તરીકે સ્થાપના કરતા બ્રાહ્મણોનો રોષ વહોરી લેવો પડ્યો હતો. જાતીય ભેદભાવનો સતત વિરોધ કરતા હતા. માધવનની જેમ તેમણે સુધ્ધાં મંદિર પ્રવેશ ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમની હાજરીથી ચળવળને વેગ મળ્યો હતો. પરિણામે દેશ આખાનું ધ્યાન ખેંચાયું અને ગાંધીજીએ પણ તેમના પ્રયાસની પ્રશંસા કરી હતી.૧૯૨૫ના માર્ચ મહિનામાં બાપુ શ્રી નારાયણ ગુરુને મળ્યા હતા. કેરળના જાતિવાદના દુષણથી છલકાતા સમાજમાં સામાજિક એકતા લાવવા સમાજ સુધારક નારાયણ ગુરુએ અથાક પ્રયત્નો કર્યા છે. ગાંધીજી અને નારાયણ ગુરુ વચ્ચેની વાતચીત મહત્ત્વ ધરાવે છે. સત્યાગ્રહ વિશે પૂછપરછ થતા બધું હેમખેમ ચાલી રહ્યું હોવાની જાણકારી ગાંધીજીને આપવામાં આવી હતી. અહિંસક સત્યાગ્રહ અર્થહીન છે અને હક મેળવવા હિંસાનો આશરો લેવો જ જોઈએ એવા કેટલાક લોકોના અભિપ્રાય વિશે બાપુએ નારાયણ ગુરુની પ્રતિક્રિયા જાણવાનો આગ્રહ રાખ્યો ત્યારે પોતે હિંસાનું સમર્થન નથી કરતા એમ ગુરુજીએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું.
ઈ. વી. રામસ્વામી ’પેરિયાર’: વૈકોમ હીરો
નામ ઈરોડ વેંકટપટ્ટા રામસ્વામી, પણ ’પેરિયાર’ (સન્માનિત વ્યક્તિ) તરીકે ઓળખાયા. યુવાવસ્થામાં જ સમાજની સમસ્યા અને સામાજિક ચળવળ માટે રુચિ જન્મી હતી. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈએ સ્થાપેલા દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે) પક્ષ રામસ્વામીએ સ્થાપેલી જસ્ટિસ પાર્ટીનું નવું સ્વરૂપ હતો. ૩૦ માર્ચ, ૧૯૨૪ના દિવસે શરૂ થયેલા સત્યાગ્રહને કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીનું પીઠબળ હતું. કમિટીએ પેરિયારને સત્યાગ્રહનું નેતૃત્વ કરવા વિનંતી કરી હતી. જોકે, એ સમયે પેરિયાર તામિલનાડુ કોંગ્રેસ કમિટીના પ્રમુખ હતા. એટલે પ્રમુખની જવાબદારી રાજાજી (સી. રાજગોપાલાચારી)ને સોંપી ૧૩ એપ્રિલ,૧૯૨૪ના દિવસે વૈકોમ પહોંચી ગયા. શરૂઆતથી જ સત્યાગ્રહની દરેક કમિટીમાં સક્રિય રહ્યા હતા. વૈકોમ આવતી દરેક નામાંકિત વ્યક્તિ પેરિયાર સાથે સત્યાગ્રહ અંગે વિચાર વિમર્શ કરતી હતી. સત્યાગ્રહની જાણકારી ફેલાય એ માટે તેઓ ઠેર ઠેર ફરતા હતા અને એ માટેના પ્રયાસોને પગલે તેમને ’વૈકોમ હીરો’નું બિરુદ આપવામાં આવ્યું હતું. સત્યાગ્રહ વખતે તેઓ ગાંધીજીને મળ્યા હતા અને તેમનું માર્ગદર્શન લીધું હતું, પણ તેમને બાપુ સાથે ઘણા વૈચારિક મતભેદ હતા.
બલરામ વર્મા: બોલ્યું પાળ્યું
શ્રી ચિથિરા તિરુનાલ બલરામ વર્મા ત્રાવણકોર રજવાડાના છેલ્લા શાસક હતા. જન્મ ૧૯૧૨માં. શાસક રાજાનું અવસાન થતા માત્ર બાર વર્ષની ઉંમરે બલરામે શાસનની ધુરા સંભાળી લીધી હતી. એમના શાસનકાળમાં કેરળમાં ઘણા સામાજિક સુધારા થયા. સમાજ કલ્યાણને કાયમ પ્રાધાન્ય આપનાર બલરામે વૈકોમ સત્યાગ્રહ અને મંદિર પ્રવેશ બાબતે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વાત વિગતે જાણવા જેવી છે. ૧૯૨૪માં ગાંધીજી ત્રાવણકોર આવ્યા હતા. રાજવી પરિવાર સાથેની મુલાકાત દરમિયાન બાપુએ ૧૨ વર્ષના રાજકુમારને સવાલ કર્યો હતો કે જ્યારે પણ તે (બલરામ) રાજા બનશે ત્યારે નીચલી જાતિના લોકો માટે મંદિરના દરવાજા ખુલ્લા મુકશે? બાળકે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો કે ’હા એમ કરીશ.’ આ મુલાકાતના થોડા મહિનામાં જ બલરામ રાજા બની ગયો અને પ્રજાના નસીબ પાધરા કે બાપુને આપેલું વચન ભૂલી ન ગયો. સર્વ જાતિના લોકો મંદિરમાં પ્રવેશ મેળવી શકે એની સંભાવના તપાસવા રાજા બલરામે ટેમ્પલ એન્ટ્રી કમિટીની સ્થાપના કરી. ૧૯૨૪ – ૨૫ના વૈકોમ સત્યાગ્રહએ પણ રાજાના નિર્ણયને ખાતર પૂરું પાડ્યું. અનેક ચર્ચા – વિચારણા પછી ૧૨ નવેમ્બર, ૧૯૩૬ના દિવસે બલરામ વર્માએ ઐતિહાસિક રાજકીય ઘોષણા કરી ત્રાવણકોરના બધા મંદિરોમાં દરેક જાતિના ભક્તોને પ્રવેશ માટે પરવાનગી આપી. આ નિર્ણયની જાણ થતા ગાંધીજીએ તાબડતોબ તાર સંદેશો (ટેલિગ્રામ) પાઠવી રાજાને અને અને આ નિર્ણય લેવામાં મદદરૂપ થનાર રાજાની માતા અને દીવાનને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. જાન્યુઆરી ૧૯૩૭માં ગાંધીજી ત્રાવણકોર ગયા અને આ ક્રાંતિકારી ઘોષણાના સફળ અમલની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા. જાણવા જેવી વાત એ છે કે બલરામના આ નિર્ણયની ઊંડી અસર મદ્રાસ પ્રેસિડેન્સીમાં પણ પડી અને ત્યાં પણ આવી જ ચળવળ શરૂ થઈ.