(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટના કાફલામાં રહેલી ઓપન ડબલ ડેકર બસે નવા વર્ષમાં બેસ્ટ ઉપક્રમને ખાસ્સીએવી કમાણી કરાવી છે.
નવા વર્ષનું સ્વાગત કરવા મુંબઈગરાએ આ ઓપન ડેકર બસ પર પસંદગી ઉતારી હતી. શનિવાર રાતથી રવિવાર વહેલી સવાર સુધીમાં ૧,૫૭૮ પ્રવાસીઓએ ઓપન ડેકર બસમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું અને બેસ્ટ ઉપક્રમને તેના માધ્યમથી લગભગ અઢી લાખ રૂપિયાની કમાણી થઈ હતી.
મુંબઈગરા માટે ૩૧મી ડિસેમ્બરની રાતના બેસ્ટ ઉપક્રમ દ્વારા વધારાની ૫૦ બસ દોડાવવામાં આવી હતી, જે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં દોડાવવામાં આવી હતી. એ સિવાય પર્યટકોમાં આકર્ષણરૂપ રહેલી ઓપન ડેકર બસ પણ દોડાવવામાં આવી હતી.
બેસ્ટ દ્વારા શનિવાર મોડી રાતના ૧૨ વાગ્યાથી રવિવાર વહેલી સવારના ૫.૧૫ વાગ્યા સુધીમાં પાંચ ઓપન ડબલ ડેકર બસ દોડાવવામાં આવી હતી.
આ ઓપન ડેક બસની કુલ ૩૯ ફેરી થઈ હતી, તેમાં ૧,૫૭૮ પ્રવાસીઓએ સવારી કરી હતી અને તેના થકી બેસ્ટને ૨,૩૯,૯૫૦ રૂપિયાની આવક થઈ હતી.