મોટે ભાગે આદિવાસીઓનો વસવાટ છે, તેવું નર્મદા જિલ્લાનું રાજકારણ હંમેશાં ગરમાયેલું રહેછે. ખાસ કરીને આમ આદમી પક્ષના વિધાનસભ્ય ચૈતર વસાવાના ચૂંટાયા બાદ અહીંના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને તેમના વચ્ચે તણખા ઝર્યા કરે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આ તણખા આગ બની ગયા છે કારણ કે બન્ને વચ્ચે ઓપન ડિબેટ થવાની હતી, જોકે પોલીસ વચ્ચે પડતા ડિબેટ થઈ નથી. વળી, મનસુખ વસાવા છેલ્લી ઘડીએ ખસી જતા ફરી આક્ષેપોનો મારો ચાલુ થયો છે.
આજે ભાજપ અને આપના નેતા વચ્ચે ઓપન ડિબેટમાં એક મંચ પર સામ સામે આવવાના હતા. સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપળા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું હતું. ત્યારે વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ પહોંચી છે.
ડિબેટ માટે જઈ રહેલા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મોવી ચોકડી પાસે ચૈતર વસાવાને રોક્યા હતા. આપ નેતા ચૈતર વસાવા ડિબેટ કરવા માટે તૈયાર થયા હતા. ત્યારે પોલીસ ચૈતર વસાવાને પાછા ડેડિયાપાડા લઈ ગઈ હતી. તો બીજી તરફ, મનસુખ વસાવા અને ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ થઈ છે. કારણ કે, ખુલ્લી ડિબેટ કરવાથી મનસુખ વસાવાએ પીછેહટ કરી હતી. ડિબેટમાં હાજર રહેવા ચૈતર વસાવા તૈયાર હતા. બંનેની ઓપન ડિબેટને પગલે ગાંધી ચોક ખાતે મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
મહત્વનું છે કે નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી ચૈતર વસાવાએ આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. જે મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. અને ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને કહ્યુ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ મનસુખ વસાવાએ ડિબેડ કરવાથી પીછેહટ કરી લીધી છે. ચૈતર વસાવાએ અગાઉ પણ તેમના પર થયેલા આક્ષેપો વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી હતી. જોકે આવો કોઈ પત્ર પોતે ન લખ્યો હોવાનું સાંસદ વસાવાએ જણાવ્યું હતું.
જોકે વસાવા ભાજપના સાંસદ હોવા છતાં ખનિજ અને રેતીના ખનન મામલે વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ચૂક્યા છે. રાજ્યમાં પોતાની સરકાર હોવા છતા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ નથી બંધ થતી તે સ્વીકાર તેમાં સ્વાભાવિક રીતે થઈ ગયો છે. બન્ને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ અલગ અલગ રાજકીય પક્ષના હોવાથી બન્ને આમને સામને આવી જતા હોય છે. મોટે ભાગે અમેરિકા જેવા દેશોમાં ચૂંટણી સમયે આવી ઓપન ડિબેટ થતી હોય છે. ભારતમાં માત્ર ન્યૂઝ ચેનલો આ રીતે અલગ અલગ પક્ષના લોકોને એકમંચ પર લાવતા હોય છે.