Homeઉત્સવ‘તડકાની લહેજત પારખે છે એકલો પવન’

‘તડકાની લહેજત પારખે છે એકલો પવન’

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ઉનાળાની બળબળતી ગરમી અકળાવનારી, ગળામાં શોષ પાડનારી, શરીરને થકવી નાખનારી હોય છે પણ આ જ ઋતુમાં ફળના રાજા – મહારાજા ગણાતા કેરીની લિજ્જત માણવાનો અવસર આંગણે આવી આનંદ આપે છે, બે ઘડી માટે અકળામણને વિસારે પાડી દે છે. ભાષામાં પણ ગરમીનું એવું માધુર્ય પ્રગટે છે કે વાંચીને ઠંડકનો અનુભવ થાય. ગયા લેખમાં ઉનાળો – ગરમી કાવ્યલોકમાં કેવા વટથી બિરાજે છે એ આપણે જોયું. દલપતરામ અને ઉમાશંકરની પંક્તિઓ જાણી – માણી અને જોગી સાથેનો જોગ જાણ્યો. ગરમી સંબંધિત શબ્દો કેવા મધુર છે: ગ્રીષ્મ, ઊનું, તાપ, કોકરવરણો તડકો, નવશેકું પાણી, હૂંફાળું પાણી વગેરે વગેરે. પ્રિયતમાનું સ્મરણ થતા આકરા તાપમાં પણ ઠંડક આપતી પંક્તિઓ જન્મ લે છે જેમ કે મેહંદી હસન સાહેબે ગાયેલી એક ગઝલની બે પંક્તિ છે: दोपहर की धूप में मेरे बुलाने के लिए. वो तिरा कोठे पे नंगे पाँव आना याद है.. પ્રિયતમ કહે છે કે ‘મેં બોલાવી એટલે પળવારનો વિચાર કર્યા વિના બળબળતી બપોરે તું ઉઘાડા પગે દોડતી આવી હતી એ મને યાદ છે.’ ગુજરાતી લોકગીતમાં પણ ભર્યા બપોરે પાણી ભરવા જાઉં છું એમ ક્ધયા કહે છે ત્યારે પિયુજી બોલે છે કે ‘ઉઘાડે પગ પાણી ન જાવ મોરી સહિયર, મોજડી તે પે’રતા જાવ મોરી સહિયર, પગ તમારા દાઝશે’. આ ભાષાનું માધુર્ય જ ગરમી ગાયબ કરી દેનારું છે, હેં ને! ગરમીના ઉપાય તરીકે રાજપૂત લોકોની ખાસડકળા – ખાસડા બનાવવાની આવડત જાણવા – સમજવા જેવી છે. રાજસ્થાન એક સમયે રાજપુતાના તરીકે પણ ઓળખાતું. અહીં રણ પ્રદેશ ખાસ્સો. અહીં વસતા લોકો જે જોડા પહેરે એમાં આગળની બાજુએ મોરની કળા જેવું મોટું ચામડું બેસાડવામાં આવે છે. એનો લાભ એ થાય છે કે રેતીમાં ચાલતી વખતે ગરમ ગરમ રેતી તો ખૂબ ઊડે પણ આ ખાસડકળાને લીધે પગ દાઝે નહીં કે બીજી કોઈ તકલીફ રેતીને કારણે ન થાય. ઉનાળાની ખેડ જમીનમાં સેન્દ્રિય પદાર્થનો વધારો કરે છે જેથી જમીન વધારે કસવાળી બને છે. અહીં પણ ઉનાળો ઉપયોગી સાબિત થાય છે. કાકાસાહેબ કાલેલકરે બહુ સુંદર લખ્યું છે કે ‘તડકાની લહેજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે. નદીઓ પર પણ દોડે છે અને ટેકરીઓ ઉપરથીયે દોડે છે.
સમુદ્ર હોય કે રણ હોય, એને
દોડતાં જરાયે મુશ્કેલી પડતી નથી. એને કંઈ છાણાંનાં પગરખાં શોધવાં નથી પડતાં.’
ગ્રીષ્મ પરથી કેવા મજેદાર શબ્દપ્રયોગ માતૃભાષામાં જોવા મળે છે અને તમે ભાષાપ્રેમી હશો તો એ વાંચી તમને શીતળતાનો અનુભવ ચોક્કસ થશે. પહેલો શબ્દ છે ગ્રીષ્મજા. સીતાફળ માટે આ શબ્દ વપરાય છે. સીતાફળ ખાવાની જે મજા આવે એ જ આનંદ ગ્રીષ્મજા શબ્દ સાંભળીને પણ આવે, ખરું ને! ઉનાળાની ઋતુમાં આરામ કરવા માટે જરૂરી સગવડો ધરાવતું ઘર ગ્રીષ્મગૃહ તરીકે ઓળખ ધરાવે છે. ચીનના દક્ષિણ વિસ્તારમાં મિન્ગ વંશના સરોવર ને બગીચા વચ્ચે વસેલા વિદ્વાનના વિશાળ આવાસમાં બગીચા, ખડકો, પટાંગણ, પ્રવેશ, સત્કાર ખંડ, વાચનાલય, વિશેષ ખંડ, પાલખી ખંડ અને ગ્રીષ્મગૃહ વગેરે મુખ્ય અંગો હતાં. ગ્રીષ્મ ઋતુમાં થતું અનાજ ગ્રીષ્મધાન્ય કહેવાય છે અને ઉનાળામાં પીવાનું પીણું ગ્રીષ્મપાનક કહેવાય છે. ગ્રીષ્મસુંદર એક ઔષધિનું નામ છે જ્યારે ગ્રીષ્મ ઋતુમાં જ ઊગતો વિશેષ જાતનો કપાસ ગ્રીષ્મહાસ નામે ઓળખ ધરાવે છે. બટમોગરો – ઘણી પાંખડીવાળો મોગરો ગ્રીષ્મોદ્રવા કહેવાય છે.
—————
HOT: DIFFERENT MEANINGS
એક શબ્દ અનેક અર્થમાં આજે આપણે અંગ્રેજી શબ્દHOT વપરાશ અનુસાર કેવા વિવિધ અર્થ ધારણ કરે છે એનો આનંદ લઈ સમજણમાં ઉમેરો કરીએ. Hot Potato એટલે કોઈ વિષય કે પરિસ્થિતિ અંગે લોકોમાં તીવ્ર અસહમતિ હોવી અને કોઈ એની ચર્ચા કરવા કે એનો સામનો કરવા તૈયાર ન હોય. n the USA, gun control remains a Hot Potato in politics, even after mass shootings at schools શાળાઓમાં મોટે પાયે હત્યા થયા પછી પણ અમેરિકન રાજકારણમાં બંદૂક પર નિયંત્રણ વિશે ચર્ચા કરવા ઉત્સુકતા કે તૈયારી નથી દેખાતા. હવે ગરમી મેં ઠંડી કે એહસાસ જેવા રૂઢિપ્રયોગ Blow Hot and Cold વિશે જાણીએ. નિર્ણય લેવા અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય કે મગજ અવઢવમાં હોય એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે.I don’t know about moving house. I’m Blowing Hot and Cold about it. હું ઘર બદલાવવું કે કેમ એ નક્કી નથી કરી શકતો, અવઢવમાં છું. To be Hot એટલે ખૂબ લોકપ્રિય કે ફેશનેબલ હોવું. Vietnam seems a really hot weekend destination of the tourists હાલના તબક્કે વિયેતનામ પ્રવાસીઓનું પ્રિય સ્થળ લાગે છે. Hot Stuff એટલે આકર્ષક.Her new boyfriend is hot stuff. તેનો નવો બોયફ્રેન્ડ દેખાવે આકર્ષક છે. અ Hot Favourite એટલે દલીલમાં કે રમતમાં કોઈની વિજયની સંભાવના વધારે હોવી, પલડું ભારે હોવું. Australia was always the hot favourite to win the Women’s Cricket World Cup. લગભગ બધાનું જ માનવું હતું કે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ તો ઓસ્ટ્રેલિયા જ In Hot Water મુશ્કેલીમાં મુકાઈ જવું. If you ask for leave now, you’ll find yourself in hot water with the boss. તું હમણાં રજા માગીશ તો બોસ નારાજ થશે અને તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ.A Hot Topic એટલે અત્યંત મહત્ત્વનો મુદ્દો કે વાત. Climate change is a hot topic at the moment. હાલના તબક્કે વાતાવરણમાં બદલાવ – ક્લાઈમેટ ચેન્જ ખૂબ જ ચર્ચાસ્પદ
બાબત છે.
—————-
कटाक्षपूर्ण म्हणी
વ્યંગમાં બોલવું, કટાક્ષપૂર્ણ વાણી એ મનુષ્ય સ્વભાવના અપેક્ષિત લક્ષણો છે. સાસુ – વહુ વચ્ચે કે સસરા – જમાઈ વચ્ચે વાતચીત ક્યારેક ‘દાઢમાં બોલે’ એવી એટલે કે કટાક્ષ કરતી હોય છે. આ કટાક્ષ – વ્યંગનો ભાવ ભાષામાં પણ છલકાતો નજરે પડે છે. ભાષા માધુર્ય ધરાવતી આવી કહેવતો અત્યંત ચોટદાર – મર્મભેદી હોય છે અને સોંસરવી ઊતરી જાય છે. આપણી માતૃભાષાની સગ્ગી બહેન મરાઠીમાં જોવા મળતી કેટલીક કટાક્ષપૂર્ણ કહેવતો જાણીએ – સમજીએ. પહેલી કહેવત છે घर भर रंभा आणि पाण्याचा नाही थेंब. રંભા એટલે રૂપવતી સ્ત્રી અને થેંબ એટલે ટીપું. ઘરમાં સુંદર સ્ત્રીઓ છે, પણ પાણીનું એક ટીપું સુધ્ધાં નથી એવો એનો શબ્દાર્થ થાય છે. ભાવાર્થ એમ છે કે સૌંદર્યવાન વ્યક્તિ કોઈ કામની નથી હોતી. એ તો કેવળ પોતાના રૂપરંગ નિખારવામાં જ વ્યસ્ત રહે છે.कुठली कोण अन् बिळातली घोण. અહીં ઘોણ એટલે કાનખજૂરો. શબ્દાર્થ: એનું અસલી અસ્તિત્વ તો ઈશ્ર્વર જાણે, પણ દેખાવથી તો કાનખજૂરા જેવું જ લાગે છે. જોકે, જેના ચારિત્ર્ય વિશે આપણે અજાણ હોઈએ એ નિકટ આવવાની કોશિશ કરતી અજાણી વ્યક્તિ એવો એનો ભાવાર્થ છે. માન ન માન મૈં તેરા મેહમાન કહેવત યાદ આવી ગઈ ને. कसले काय अन् फाटक्यात पाय અત્યંત માર્મિક કહેવત છે. ગગનચુંબી ઇમારતમાં રહેવાનું સપનું
ઝૂંપડી જોઈ કેવું ભાંગી પડે એ ભાવ આ કહેવતમાં જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો અનેક લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે લાખ કોશિશ કર્યા પછી પણ નિષ્ફળતા જ મળે. कर करावे अन शिव्या खाऊन मरावे. કહેવત મુજબ સવાલ નહીં કરવાનો, ઊંધું માથું ઘાલી ચૂપચાપ કામ કરતા રહેવાનું. ગમે એટલી મહેનત કરો, ગમ્મે તેટલા સારા પ્રયત્નો કરો, લોકો ટીકા તો કરવાના જ એ એનો ભાવાર્થ છે.
————–
कहावतों में औजार
एवं अस्र – शस्र
સૃષ્ટિની શરૂઆતથી જ મનુષ્ય વિવિધ અસ્ત્ર – શસ્ત્ર ઓજારોનો ઉપયોગ આત્મ રક્ષણ અને દુશ્મનોનો ખાત્મો બોલાવવા કરતો આવ્યો છે. આ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા અને જીવનને અધિક સુખમય બનાવવા પણ એનો ઉપયોગ કરતો રહ્યો છે. विशेष अस्त्र – शस्त्रो में बाण (तीर), कमान, बर्छी, तलवार (कटार, खड्ग, खांडा, तेग), भाला तथा बंदूक का उल्लेख है. औजारो में कुल्हाडी (कटारी, कुठार), कुदाल, फावडा, आरा, हंसिया, हथौडा की चर्चा हुई है. આ અસ્ત્ર -શસ્ત્ર અને ઓજારો ભાષાની કહેવતો અને રૂઢિપ્રયોગમાં પણ વણાઈ ગયા છે. હથિયાર સંબંધી મોટાભાગના રૂઢિપ્રયોગો યુદ્ધ કરવાના સંદર્ભમાં જ જોવા મળે છે. हथियार उठाना, हथियार चलाना વગેરે પ્રયોગો યુદ્ધ માટેની તૈયારીના સૂચક છે જ્યારે हथियार ठंडे करना, हथियार डालना और हथियार रख देना વગેરે શબ્દ પ્રયોગો યુદ્ધથી વિમુક્ત થવાની વાત કરે છે. વિશેષ અસ્ત્રોની વાત કરીએ તો બાણ જ એક એવું અસ્ત્ર છે જે સુખનો અનુભવ કરાવે છે અને હૃદયને ઠેસ પણ પહોંચાડે છે. नयन – बाण चलाना, नजर के तीर चलाना જેવા રૂઢિપ્રયોગો સુખદ અનુભવ કરાવી હૃદયને બાગબાગ કરી દે છે તો
कलेजे में बाण लगना પ્રયોગ હૃદયને ઠેસ પહોંચાડે
છે. वचन-बाण પણ છૂટે ત્યારે શરીર પર કોઈ ઘા ન
થાય પણ એ કલેજામાં કળતર કરાવી દે છે. એની પીડા
લાંબા સમય સુધી કષ્ટ આપે છે.किसी की बात कभी तीर-सी चुभती है, बाण – सी लगती हैं, इसका क्या इलाज?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular