ગુજરાતમાં વિવિધ સરકારી નોકરીઓ માટે પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવે છે અને તે બાદ પેપર ફૂટતા પરીક્ષા રદ થાય છે. આ પરીક્ષાઓ આપી સરકારી નોકરીઓ મેળવવા અનેક યુવાનો ખૂબ જ મહેનત કરે છે. ગુજરાતના બે-ત્રણ શહેરોને બાદ કરતા સારી ખાનગી નોકરી મળવી અને પરિવારનું ગુજરાન થાય તેટલો પગાર મળવો ખૂબ જ અઘરું છે. આથી સરકારી નોકરીની રાહમાં લાખો યુવાનો બેઠા હોય છે.
આવા જ એક યુવાને ફૂટતા પેપરથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે. જુનાગઢના વિસાવદરમાં રહેતા આસિફ નામના યુવાને ઝેરી દવા પી લીધા પહેલા દસેક પાનાની સ્યૂસાઈડ નોટ લખી છે, જે આવી સ્થિતિમાંથી પસાર થતાં તમામ યુવાનો અને તેમના પરિવારની વ્યથા સમજવા માટે કાફી છે.
યુવાન ગરીબ માતાપિતાનો એક જ દીકરો અને ત્રણ બહેનનો એકનો એક ભાઈ છે. પિતાની ઢળતી ઉંમર અને બીમારી તેમ જ માતાની પણ વધતી ઉંમર અને ઘરની જરૂરિયાતો વચ્ચે મેળ ખાતો નથી. પોતાના માતા-પિતાને સારી જિંદગી આપવા તે ૨૦૧૭થી પરીક્ષા આપે છે. તેણે લખ્યું છે કે પરીક્ષા આપવા હું તનતોડ મહેનત કરું છું. દર વખતે પરીક્ષા આપવા જતી વખતે મને વિશ્વાસ હોય છે કે હું પાસ થઈ જઈશ, પરંતુ પરીક્ષા જ લેવાતી નથી. ઉંમર વધતી જાય છે. માતા-પિતા અને બહેનોની અપેક્ષાઓ-જરૂરિયાતો હું પૂરી કરી શકતો નથી. હવે કંટાળી ગયો છું.
તેણે પોતાના મૃત્યુ પાછળ અંતિમક્રિયા ન કરવા કે કોઈપણ ખર્ચ ન કરવા અને જેટલી પણ તેની મૂડી છે તેને માતા-પિતા અને બહેનોને રાખી લેવા પણ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે. યુવક ગ્રામ સેવક દળમાં કામ કરતો હતો. આ હંગામી ધોરણે હોય છે અને ખૂબ જ મામૂલી મહેનતાણું મળે છે.
ગુજરાત સહિત દેશભરમાં બેરોજગારી અને શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે. સરકારી ક્ષેત્રમાં ભરતી થતી જ નથી અને ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારી ઊભી થઈ રહી નથી. કોરોના બાદ નાના ઉદ્યોગો પડી ભાંગતા નાના શહેરોમાં રહેતા લોકોની હાલત સૌથી ખરાબ છે. મોટા શહેરોમાં પણ રોજગારી ઓછી જ છે અને અહીં રહેવાનું પણ દરેકને પોસાય તેમ નથી.
આટલી ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં એક પ્રશ્ર્નપત્ર પણ સુરક્ષિત ન રાખી શકતી સરકાર રાજ્ય સુરક્ષાની મોટી વાતો કરતી હોય છે. જ્યારે પણ પેપર ફૂટે છે ત્યારે બે-પાંચ દિવસ કાગરોળ થાય છે અને બધું ભૂલાઈ જાય છે, પરંતુ મહિનાઓથી પરીક્ષાની રાહ જોઈ રહેલા તે માટે ખર્ચ કરતા, સમય આપતા લાખો યુવાનો કેટલી હદે હતાશ થાય છે તેનો ખ્યાલ સત્તાધીશોને ક્યારે આવશે?