PM મોદીએ દુષ્યંત કુમારની શાયરીથી વિપક્ષોને આડે હાથે લીધા
‘તુમ્હારે પાંવ કે નીચે કોઈ જમીન નહીં,
કમાલ યહ હૈ કી ફિર ભી તુમ્હે યકીન નહીં.’
નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપ મુદ્દે સંસદમાં ચાલી રહેલા જોરદાર વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે રાહુલ ગાંધી જ નહીં, પરંતુ તત્કાલીન યુપીએ સરકાર પર પણ આક્રમક પ્રહાર કર્યા હતા. રાષ્ટ્રપતિનું આ લોકો અપમાન કરી ચૂક્યા છે અને વિપક્ષમાં નફરતનો ભાવ આવી ગયો હોવાનો મોદીએ પ્રહાર કર્યો હતો. યુપીએ (The United Progressive Alliance-UPA)ના 2004થી 2014 એમ દસ વર્ષના શાસનમાં માત્ર કૌભાંડ જ થયા હતા, એવું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
અહીં ઉપસ્થિત વડા પ્રધાન મોદીએ હિન્દી સાહિત્યના જાણીતા કવિ દુષ્યંત કુમારની કવિતા ફરમાવીને કોંગ્રેસની સાથે વિપક્ષોને આડે હાથે લીધા હતા.
‘તુમ્હારે પાંવ કે નીચે કોઈ જમીન નહીં, કમાલ યહ હૈ કી ફિર ભી તુમ્હે યકીન નહીં.’
યુપીએના 10 વર્ષમાં સૌથી વધુ કૌભાંડો થયા. વર્ષ 2004થી 2014 સુધી યુપીએએ દરેક તકને મુશ્કેલીમાં ફેરવી હતી, જ્યારે ટેકનોલોજીની માહિતીનો યુગ વધી રહ્યો હતો, તે જ સમયે તેઓ 2Gમાં અટવાઈ ગયા હતા. સિવિલ ન્યુક્લિયર ડીલની ચર્ચા દરમિયાન તેઓ કેશ ફોર વોટમાં અટવાઈ ગયા હતા. વિપક્ષના આરોપો પર મોદીએ કહ્યું- દેશમાં દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં, દરેક વિચારમાં, આશા દેખાઈ રહી છે. વિશ્વાસથી ભરેલો દેશ. તે સપના અને સંકલ્પનો દેશ છે. પરંતુ અહીં કેટલાક લોકો ઊંડી નિરાશામાં ડૂબી ગયા છે.
દેશમાં કોરોના મહામારી અને દુનિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે જે વિનાશ અને અનેક દેશોમાં મોંઘવારી છે અને પડોશીના અનેક દેશમાં પણ સંકટ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે અને રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા હતા અને તેમના વિઝનરી ભાષણે કરોડો દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે, એવું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
લોકસભામાં વડા પ્રધાન મોદીએ તેમનું સંબોધન ચાલુ કર્યું એના પૂર્વે ભાજપના સાંસદોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. સંસદનું ચાલુ બજેટ સત્રના સાતમા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમનું ભાષણ ચાલુ કર્યું તે પૂર્વે બીઆરએસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.મંગળવારે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર તીખા પ્રહાર કરવામાં આવ્યા હતા અને અનેક સવાલો કર્યા હતા. મંગળવારે રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે મોદી સરકારને ભીંસમાં લીધી હતી.