અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પર ₹ ૪૦.૩૬ કરોડના અન્ડરપાસનું લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિકાસની રાજનીતિથી જ ચૂંટણીઓ જીતી શકાય એવી પરિપાટી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરી દીધી છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાને તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે નવી સરકારના કાર્યારંભે રૂ. ૪૦.૩૬ કરોડના ખર્ચે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ‘ઔડા’દ્વારા એસ.પી. રિંગરોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડર પાસનું લોકાર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં યોજાયો છે. આ સરકાર પ્રજાના પ્રશ્ર્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક બની, નેક બની જે વિકાસ કાર્યો આપણે કર્યા છે, તેના પરિણામો તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યા છે. આટલો વ્યાપક જનાધાર મળતા સરકારની જવાબદારી વધી જાય છે, ગુજરાતની જનતાએ અમારામાં જે વિશ્ર્વાસ મૂક્યો છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને આ વિશ્ર્વાસને વધુ મજબૂત કરવાની શરૂઆત આજથી જ કરી દીધી છે.
પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, વડા પ્રધાનએ છેવાડાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસની નેમથી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની જે નેમ રાખી છે તેમાં વિકસીત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લેવાની છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્રમાં આ વિકાસ કાર્યનું લોકાર્પણ વિશેષ આનંદની વાત છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનએ તેમના આ સંસદીય મતવિસ્તારને ભારતનો સર્વશ્રેષ્ઠ
અને વિકસીત વિસ્તાર બનાવવાની નેમ રાખી છે.
દેશના ગૃહ પ્રધાન તરીકે સમગ્ર દેશની જવાબદારી છતાં પણ લોકસેવક તરીકેની જવાબદારી અમિતભાઈ શાહ ક્યારેય વિસર્યા નથી. તેમની આદર્શ લોકપ્રતિનિધિ તરીકેની કાર્યપદ્ધતિ અનુકરણીય છે એવું તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે ઔડાના ચૅરમૅન એમ. થેન્નારસને નવનિર્મિત અંડરપાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, કુલ રૂ. ૪૦.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરપાસની લંબાઈ ૭૨૦ મીટર અને પહોળાઇ ૨૩ મીટર (૬ લેન) (૧૧સ૨ મીટર કેરેજ વે) છે. અંડરપાસની આર.સી.સી. દીવાલ ૫૩૬ મીટર લંબાઈ (૨૬૮ મીટર + ૨૬૮ મીટર) ધરાવે છે જ્યારે આર.સી.સી. બોક્સની લંબાઈ ૭૦ મીટર છે.