Homeધર્મતેજખુદી અને ખુદા વચ્ચે માત્ર અભિમાનની ટોપી એમાં ભલભલા ઋષિ-મુનિ-તપસ્વીઓ માર ખાઈ...

ખુદી અને ખુદા વચ્ચે માત્ર અભિમાનની ટોપી એમાં ભલભલા ઋષિ-મુનિ-તપસ્વીઓ માર ખાઈ જાય છે

આચમન -કબીર સી. લાલાણી

આ મેં કર્યું પેલાને મેં કામે લગાડ્યો, આ બધી મારી સંપત્તિ છે, પેલું કામ મારા સિવાય કોઈ ન કરી શકે-આવું રોજબરોજના જીવનમાં માણસ અજાણતામાં બોલતો રહે છે. સૂફી સંતો એને હુંપદ કે અભિમાન કહે છે.
કેટલાક માણસો જાણીબૂઝીને એટલે કે સમજી વિચારીને પોતાની બડાઈ મારતા હોય છે. થોડીક કામિયાબી, સફળતા મળી જાય એટલે એના ભેજામાં રાઈ (ખરેખર તો ભૂસું) ભરાઈ જાય છે.
– મેં મેંના મીંદડીવેડા કોઈનાય ચાલ્યા નથી.
– આખી દુનિયા જીતનારા સિકંદરને જીવનની અંતિમ પળોમાં સમજાઈ ગયેલું કે માણસ ભલે મેં કર્યું મેં કર્યું કહેતો ફરે. એ કશું કરી શકતો નથી.
-કહ્યું છે ને તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં.
-હિન્દીમાં બે સરસ પંક્તિ છે:
રામઝરોખે બૈઠ કર સબ કા મુજરાલેત
જૈસી જીનકી ચાકરી વૈસા ઉનકો દેત…
લોક સાહિત્યમાં અને સંતવાણીમાં
કેટલાક બબ્બે લીટીના દુહા એવા હોય છે જે થોડામાં ઘણું કહી જાય છે. એક દુહો છે:
માણસ ધારે મેં કરું, કરનાર બીજા કોઈ આદર્યા અધવચ રહે ખુદા કરે સો હોઈ…
સૂફી સંત શેખ સાંદી સરળ ભાષામાં કહેતા કે ખુદી અને ખુદા વચ્ચે માત્ર અભિમાનની ટોપી છે. એ ટોપી કાઢી લો તો ખુદા દૂર નથી. એ તરત મળશે.
મૂળ વાત અભિમાનની છે અને એમાં ભલભલા ઋષિ-મુનિ-તપસ્વીઓ માર ખાઈ જાય છે.
સંત જ્ઞાનેશ્ર્વરનો પ્રસંગ જાગજાહેર છે:
એ સમયના એક અભિમાની સિદ્ધ પુરુષ ચાંગદેવ જ્ઞાનેશ્ર્વરને મળવા આવતા હતા. પોતે કેવી સિદ્ધિ મેળવી છે એ દેખાડવા ચાંગદેવે વિકરાળ વાઘ પર સવારી કરી અને હાથમાં ચાબૂક રૂપે ઝેરી સાપ રાખ્યો. એમને જોઈને ડરી ગયેલા લોકો ભાગમભાગ કરવા લાગ્યા.
જ્ઞાનેશ્ર્વર પોતાના ભાઈ-બહેનો સાથે એક ઓટલા પર બેઠેલા. જ્ઞાનેશ્ર્વરે ઓટલાને કહ્યું કે અરે, મૂર્ખ, પ્રખર સિદ્ધ ચાંગદેવ આવે છે ત્યારે તું બેસી રહ્યો છે? ચાલ ચાલ, સિદ્ધને પ્રણામ કરવા જઈએ.
કહે છે કે નિર્જીવ ઓટલો ચાલવા માંડ્યો. ચાંગદેવ તો એ જોઈને સ્તબ્ધ થઈ ગયા.
આપણી ગુજરાતી ગઝલ (કવિતા)ના પાયાના શાયર શયદા સાહેબનો એક લાજવાબ શે’ર આજના લેખના વિષયને અનુરૂપ થઈ પડશે:
જિંદગીની હકીકતને વાચા આપતા પ્રસ્તુત શે’રની બે-ચાર પંક્તિઓ દિશા દાખવનારી છે:
તેં આવી આ જગમાં
મિથ્યા જીવન ગુમાવ્યું
તારાથી જંતુ સારા
પથ્થરમાં ઘર કરે છે
છે રંગ આ જગતનો
જ્યારે હવા ફરે છે
સાગર તરી જનારા
કાંઠે ડૂબી મરે છે…
બોધ:
મૈં મૈં મૈં મૈં ના કરો. વો તો ભેડ-બકરી બોલતી હૈ. તુમ તો ઈન્સાન હો,
ઈન્સાન બન કે જીઓ.
સચ્ચાઈ:
અભિમાન કરવું નહીં. રાજારાવણનું પણ ઘમંડ જમીનદોસ્ત થઈ ગયું હતું અને સિકંદર જેવા સમ્રાટની કબર પણ મળતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular